દિવાળીના દિવસો હતા પણ ડોકટર ને શાની દિવાળી ! એમાં પણ નવજાત શિશુ નિષ્ણાતને માટે આવી રજા કે તહેવારની મોજ લગભગ સ્વપ્ન સમાન હોય છે. અમારા નવજાત શિશુ વિભાગ માં પણ ઘણા બધા શિશુઓ જાણે કે દિવાળી ઉજવવા મોકલી આપેલા.!!. અમારા વ્યવસાયની મજા એ છે કે અહીં દર્દી પર ડોક્ટર ગુસ્સો કરવા ધારે તો પણ હસી પડાય છે!. ઈશ્વરની આ નાની પ્રતિકૃતિઓ ને ખૂબ ધ્યાનથી દર્શન કરવા પડે ક્યારેક પલળવાનો પણ સંભવ છે.!!. ખેર એ તો ઈશ્વરની પ્રસાદી ગણી સ્વીકારવુ જ રહ્યુ !. આવા સમયે હું ફરજ પર હતો અને અમારા નર્સીંગ સ્ટાફે જાણ કરી કે એક બેનને પોતાના શિશુને જોવા અંદર આવવુ છે. સામાન્યપણે નવજાત શિશુ વિભાગમાં પ્રવેશ પર ચુસ્ત પ્રતિબંધ હોય છે અને એક નિયત સમયે જ પ્રવેશ અને તે પણ ખાસ વસ્ત્રો પહેરી અપાય છે. આમાં એક માત્ર અપવાદ માતા માટે છે- માતાને કોઈપણ સમયે પરવાનગી લઈને પોતાના શિશુને જોવા આવવાની છૂટ હોય છે કારણકે આખરે શિશુને ડોકટરી સલાહ- દવા-દુઆ ની સાથે જો કોઈની જરુર હોય તો તે મા ના સ્નેહની છે.. પરંતુ અહીં આવનાર માતાને વ્હીલચેર પર બેસી આવવુ હતુ. સામાન્યરીતે નવજાત શિશુ વિભાગમાં બાહરની કોઈ વસ્તુ લઈ જવાથી ચેપનો ડર રહે છે આથી આ બાબતે મારી પરવાનગી માગવામાં આવી હતી. કોઈપણ ઓપરેશન બાદ જ્યારે દર્દીને ચાલવાની છૂટ હોય ત્યારે પણ ઘણી વાર ઘણા દર્દીઓ ચાલતા નથી હોતા અને બિનજરુરી વ્હીલચેર કે સ્ટ્રેચરો નો સહારો લેતા હોય છે. કેટલાક શ્રીમંત નબીરાઓની આ સ્ટાઈલ હોય છે. મને પણ થયુ કે આ વિદેશી માતા પણ આવી જ રીતે કરી રહી છે. એટલે હું ખૂદ તેને મળવા ગયો અને તેની કેસની વિગતો જાણી જે જાણી અને પછી મને ખરેખર ખોટુ વિચારવા પર પસ્તાવો થયો...
જહોન અને પેન્ની અમેરીકાથી આવેલ દંપતિ હતુ. બેંગ્લોર માં જહોન એક વિશેષજ્ઞ-ઈજનેર તરીકે છ માસના ટૂકા સમય ગાળા માટે આવેલ હતો. સાથે આવી હતી પેન્ની – એક રુપાળી ભૂરી આંખો વાળી સહ્રદયી સ્રી જેને સગર્ભાવસ્થા માં પાંચમો માસ ચાલુ હતો. બેંગ્લોર આવ્યાને એકાદ અઠવાડીયુ માંડ વિત્યુ હશે કે પેન્નીને અચાનક પેટના નીચેના ભાગે દુઃખાવો ઉપડયો. મનીપાલ હોસ્પીટલમાં તેને લાવવામાં આવી. સ્રી રોગ નિષ્ણાંત તબીબોએ પેન્ની ને દાખલ કરીને સારવાર શરુ કરી. પેન્નીને અધૂરા માસે પ્રસુતિનો દુઃખાવો ઉપડયો હતો. વળી સાથે નીચે થી થોડુ લોહી પણ વહી ગયેલુ . કાબેલ ડોકટરોએ આ માટે વિવિધ દવાઓ – ઈંજેકશન વિ. આપીને ખૂબ જહેમતથી પેન્નીની તબીયત થોડી કાબુમાં લીધી. મોટી ચિંતા હજુ પણ અધુરા માસે ડીલીવરી થવાની હતી. જો પાંચ કે છ માસે શિશુ આવે તો તેની બચવાની સંભાવના વિશ્વના ખૂબ સારા નવજાત શિશુ સંભાળ કેન્દ્રોમાં પણ ખૂબ પાંગળી રહેતી હોય છે. આથી દુઃખાવો અટકાવવા વિવિધ દવા સાથે પેન્નીને ડોક્ટરોએ ચુસ્તપણે સૂઈ રહેવાની(complete bed rest) સલાહ આપી. આ આકરી સલાહનુ પાલન કરીને જ શિશુનુ મુખ જોવાની આશા હોઈ પેન્નીએ ચુસ્તપણે તેનુ પાલન કર્યુ. સમય વહેતા કુલ બે માસ સતત આમ રહ્યા બાદ પેન્નીને એક દિન અચાનક દુઃખાવો ઉપડ્યો. આ દુઃખાવાને પછી દવાથી ન રોકી શકાયો અને સાતમા માસે પેન્નીને સીઝેરીયન પ્રસુતિથી બાળક અવતર્યુ. પરંતુ આ શિશુ અધૂરા માસે જન્મેલુ માત્ર 1100 ગ્રામનુ અને ખૂબ જ નાજૂક હતુ. નવજાત શિશુને જન્મની થોડી મિનિટોમાં જ ફેફસાની અંદર દવા આપવાની ખાસ વિધી કરી અમે તેને વેંટીલેટર નામના સાધન પર કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ માટે મૂક્યુ. સામાન્ય રીતે પળે પળે જીવ સટોસટના આ ખેલમાં ડોક્ટર તરીકે અમારી ફરજ હોય છે કે શિશુના માતાપિતાને પરિસ્થિતીની જાણ કરીને અગત્યના નિર્ણયોમાં તેમની સહમતિ લઈએ. આ શિશુની ખૂબ જ ગંભીર હાલતમાં પણ ઘણી વાર જહોનનો ફોન પર જ સંપર્ક થતો અને તે ખૂબ સરળતાપૂર્વક વાત સાંભળી સહમતિ આપતો. ત્રણ દિવસ પછી આજે પહેલીવાર પેન્ની પોતાના શિશુને જોવા આવી રહી હતી.! બે માસથી ચોવીસે કલાક સુઈ રહેવાને લીધે પેન્નીના પગ કૃશ અને અશકત થઈ ગયા હતા. તે પોતાના પગ પર માંડ ઉભી રહી શકતી. વ્હીલચેર પર તેના શિશુ સુધી લઈ જઈ મેં અને જહોને તેને ટેકો આપી ઉભી રાખી ત્યારે તે માંડ ઉભી થઈ શિશુને જોઈ શકી. પોતાના શિશુને પહેલી વાર જ્યારે કોઈપણ માતા જુએ છે ત્યારે તેની આંખમાં થી વહેતુ વાત્સલ્ય ઝરણુ ખરેખર વિશ્વની પ્રેમની સૌથી પ્રથમ અને સૌથી સુંદર પળ હોય છે. પેન્નીના હર્ષાશ્રુ ના બુંદો મારા અને જહોનના હાથ ભીંજવી રહ્યા હતા અને એક ડોકટર હોવાના કારણે આ સુંદરતમ પળ નો હું સાક્ષી બની રહ્યો હતો. માતાના આંસુનો ગરમાવો દરેક સંસ્કૃતિમાં સમાન જ હોય છે પછી અમેરીકન હોય કે ગરવી ગુજરાતણ ! પેન્નીને તેના શિશુની બધી વિગતો આપી અને શિશુની ગંભીર પરિસ્થિતીની જાણ કરવાનુ કાર્ય ખરેખર અઘરુ હતુ તે મેં અનુભવ્યુ અને એટલે જ કદાચ સૌ બાળરોગ નિષ્ણાતોમાં શિશુ સંબધી ગંભીર વાત પિતા સાથે કે ઘરના વડીલ સાથે કરવાનો વણલખ્યો નિયમ છે!.
પેન્નીનું શિશુ વેંટીલેટર પર જીવન નો જંગ ખેલી રહ્યુ હતુ. પેન્ની પોતાની કૃશ અને અશકત હાલતમાં પણ પ્રતિદિન ચાર વખત શિશુની પાસે આવીને ઉભી રહેતી. શિશુને તેના ખોળામાં આપી શકાય તેમ ન હોય તે અશકત હાલતમાં ધ્રુજતા હાથે શિશુની નાની આંગળીને સ્પર્શતી અને વ્હાલ કરતી.આવી મમતામયી ક્ષણો વચ્ચે પેન્ની ડોક્ટર્સ અને નર્સ સૌને શિશુ વિશે પૂછતી અને અમારા હોઠ સિવાઈ જતા કારણ કે સમયની સાથે રોજ નવી મુશ્કેલીનો સામનો કરતુ એ નાજુક શરીર હવે જવાબ દઈ રહ્યુ હતુ. આધુનિકતમ સારવાર પણ આ શિશુને ઉભી થઈ રહેલી તકલીફોમાં લા-ઈલાજ થઈ રહી હતી ! એક સાંજે પેન્ની પોતાના શિશુને મળી આવી અને મને કહ્યુ કે તેના શિશુનુ નામ તેણે જોનાથન રાખવાનુ વિચાર્યુ છે. તે દિવસે સાંજે મારી ડ્યૂટી પૂરી થઈ અને બીજે દિવસે સવારે હું જયારે પાછો હોસ્પીટલ પર આવ્યો ત્યારે પેન્નીના શિશુના બેડ પર એક કાર્ડ અને એક સફેદ ફૂલ પડયુ હતુ..!
કાર્ડમાં લખ્યુ હતુ કે – “ અમારા શિશુ જોનાથન સાથે ના અમારા ટૂંકા સાથમાં આપ સૌએ જે ઉષ્માપૂર્ણ વ્યવહાર દાખવ્યો તે માટે અમો બધા ડૉકટર્સ અને નર્સીસના ઋણી છીએ!. જોનાથન ની આત્માને ઈશ્વર શાંતિ અર્પે”. – જહોન અને પેન્ની..જાણવા મળ્યુ કે સવારે જ જ્યારે આ ઘટના બની પછી પણ આ દંપતિ ખાસ સ્ટાફનો આભાર માનવા આવેલુ અને પોતાના માટેની આઘાતની ઘડીમાં પણ તેઓ આ શિષ્ટાચાર ન ચૂક્યા!
નવજાત શિશુ નિષ્ણાત તરીકે ઘણા નાજૂક ફૂલોને ડૂબી જતા જોયા છે ડોકટર તરીકે એમને આધાર આપવો અમારી ફરજ છે. પણ કયારેક પેન્ની અને જહોન જેવા માતા-પિતાઓ તેમના વ્હાલસોયાને ગુમાવ્યા બાદ પણ અમારી આ ફરજ પ્રત્યે આદર વ્યકત કરે છે ત્યારે આ ફૂલોને ઉછેરવામાં વાગતા કાંટાનો ડંખ પણ હળવો બની જતો હોય છે. એક અમેરીકન દંપતિને તેમના સંસ્કાર માટે ભારતીય ડોક્ટર ના સલામ !