સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, December 25, 2010

સ્કૂલે જતા વિદ્યાર્થી મિત્રો માટે હેલ્થ વિડીયો - 2

મિત્રો

સ્કૂલે જતા વિધ્યાર્થી મિત્રો માટે ઉપયોગી આરોગ્ય લક્ષી વિડીયોની શ્રેણી આગળ ધપાવી રહ્યો છુ.

આજે રજૂ કરુ છુ. બીજા બે વિડીયો

1. સ્વચ્છતા અને આરોગ્ય વિષયક

બાળકોને સ્વયં સ્વચ્છ રહેવાની વાત અને તે પણ સચીન તેંડુલકર શીખવાડે તો.... જુઓ ત્યારે ...
યુનિસેફની પોપ્યુલર એડનો અહિં સાભાર પ્રયોગ થયો છે.


2. આંખો ની જાળવણી

શાળાના ભણવાના વર્ષોથી  જ આંખો નું જતન કરવુ ખૂબ જરુરી છે એ વાત અને સાથે આંખની ટૂંકી દ્રષ્ટિની ખામી વિશે તથા વિટામીન- એની ખામી વિષે જાણો.આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, December 16, 2010

બાળકોને ઉપયોગી આરોગ્ય વિષયક વિડીયો

મિત્રો
શાળાએ જતા બાળકોમાં આરોગ્ય અંગે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા અમો શાળાના બાળકોને માટે કેટલીક શિક્ષણાત્મક વિડીયો તૈયાર કરી છે.

1. બાળકોમાં પાંડુરોગ કે એનીમીયા વિષે2. યોગ અને આઉટડોર સ્પોર્ટસ વિષે
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Wednesday, November 24, 2010

મોટી ઉધરસ (પર્ટયુસીસ) ફરી માથુ ઉંચકી રહ્યો છે. ...


કેટી અને ક્રેગ બંને ખૂબ ખુશ હતા કે ઈશ્વરની મહેરબાનીથી આજે તેમના ઘેર શિશુનું આગમન થયુ હતુ. આ ખુશી કદાચ અન્ય ખુશીની સરખામણીએ ચાર ગણી હતી કારણકે ચાર વખત કસુવાવડ પછી કેટીએ પ્રથમ વખત સંપૂર્ણ ગર્ભાવસ્થા પૂરી કરી અને એક સ્વસ્થ શિશુને જન્મ આપ્યો હતો. આ નાના શિશુને નામ અપાયુ કેલી ...! કેલીની કિલકારીઓ આ ઘર ને ફરી ગુંજાવી રહી હતી. આ શિશુનું આગમન ફરી એક વાર ઘરને ઘર બનાવી રહ્યુ હતુ.

35 દિવસ સુધી કેટી ને કોઈજ તકલીફ ન હતી. પછી એક દિવસ કેલીને મામૂલી ખાંસી થઈ હોય તેવુ લાગ્યુ. ક્રેગ અને કેટી તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યુકે આ માત્ર સામાન્ય શરદી જેવુ છે. અને કેલી પણ એ વખતે મજાથી રમતી લાગતી હતી. પણ ઉધરસની તકલીફ ચાલુ રહી અને તે પછી કેટલાક દિવસો ગયા. કેલી ને ફરી ડોક્ટરને દેખાડવા લઈ જવાના દિવસે અચાનક ખાંસી ખૂબ વધી અને કેટી અને ક્રેગ કેલીને લઈ ને હોસ્પીટલ દોડી ગયા. કેલીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અને હોસ્પીટલમાં વધુ સારવાર થાય તે પહેલા કેલીનો શ્વાસ થંભી ગયો.

કેલીની મેડીકલ તપાસ દ્વારા જાણવા મળ્યુ કે કેલીને મોટી ઉધરસ(pertussis)નો રોગ લાગુ પડ્યો હતો. આ રોગ સામાન્ય રીતે પર્ટુયુસીસ નો રોગ બોર્ટાડેલ પર્ટ્યુસીસ નામક બેક્ટેરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે. બાળકોમાં આરોગ સામાન્ય રીતે 3(ત્રણ)માસથી લઈને 5 (પાંચ) વર્ષ સુધી જોવા મળે છે. પરંતુ હમણા આ રોગના કેટલાક કેસો 10 વર્ષથી મોટામાં પણ જોવા મળે છે. આ રોગમાં પ્રારંભિક લક્ષણોમાં શરદી –સળેખમ અને હળવો તાવ હોય છે. આ સાથે ખાંસી શરુ થાય છે જે ધીમે ધીમે વધતી જાય છે. આ ખાંસી સામાન્ય રીતે કંઈ પણ ખાવાની સાથે કે રમતમાં ઝડપથી શ્વાસ લેવા સાથે પણ શરુ થઈ જાય છે અને પછી ખૂબ લાંબો સમય સુધી બાળક ખાંસતુ રહે છે તેનો ચહેરો લાલઘુમ થઈ જાય છે અને તેને શ્વાસમાં તકલીફ પણ પડે છે. મોટાભાગના કિસ્સામાં બાળક ખાંસતા ખાંસતા એક ખાસ પ્રકારનો ઉંડો શ્વાસ લે છે જે આ રોગનુ ખાસ લક્ષણ છે તેને અંગ્રેજી માં વ્હુપ (whoop) કહેવાય છે આથી આ રોગને અંગ્રેજીમાં વ્હુપીંગ કફ (whooping cough)તરીકે ઓળખાય છે. આ રોગમાં ખાંસીની તકલીફ લાંબો સમય ચાલતી હોવાથી તેને ગુજરાતીમાં મોટી ઉધરસ તરીકે ઓળખાય છે. જો બાળક નાની વયનુ હોય અને રોગની ગંભીરતા વધુ હોય તો ઘણી વાર દાખલ પણ કરવુ પડે કારણકે રોગની અન્ય તકલીફો જેવીકે ન્યુમોનીયા- મગજમાં સોજો – મગજમાં લોહીની ગાંઠ થવી – નિર્જલન વિ. શિશુ માટે જાનલેવા સાબીત થતુ હોય છે.

આ રોગ કેલીને ખૂબ નાની ઉંમરે થયો અને આ જ કારણે તે જાનલેવા સાબીત થયો. 1940 માં આ રોગ સામેનું અસરકારક રસીકરણ ડી.પી.ટી. ની રસી રુપે આવ્યા પછી મોટી ઉધરસના કેસમાં ખૂબ ઘટાડો જોવા મળેલ હતો અને આ પછી આવા કેસ ભાગ્યેજ જોવા મળતા હતા. અમેરીકામાં 2009ની સાલમાં મોટી ઉધરસના 17000 કેસ જોવા મળેલા. આમ ફરી એક વાર આ રોગના કેસ વધી રહેલા જોવા મળે છે. મોટાભાગના આ કેસ 10 થી 18 વર્ષના બાળકો અને વયસ્કોમાં જોવા મળેલા. આ ઉંમર ના બાળકોને મોટાભાગે સામાન્ય બિમારી અને થોડા દિવસની ખાંસી થી વધુ તકલીફ નથી જોવા મળતી. પરંતુ તેમનાથી જો છ માસથી નાના બાળકોને જો આ રોગનો ચેપ લાગે તો તે ઘણો ગંભીર બની શકે.

ભારતમાં આ માટેનું રસીકરણ DPT (ત્રિગુણી ) દોઢ માસે – અઢી માસે – સાડા ત્રણ માસે અને બુસ્ટર - દોઢ વર્ષ અને પાંચ વર્ષ ઉંમરે અપાય છે. પરંતુ હવે 10-18 વર્ષના બાળકોને પણ પર્ટ્યુસીસનું રસીકરણ આપવાની ભલામણ કરાઈ છે. દસ વર્ષે અને પંદર વર્ષે જ્યારે અગાઉ માત્ર ટીટેનસ (ધનુરની રસી) (T.T) વપરાતી ત્યાં હવે માત્ર ધનુરને બદલે ડીપ્થેરીયા અને પર્ટ્યુસીસ ની રસી પણ જરુરી છે તેવી ભલામણ વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ એ કરી છે. આ રસીઓ માં ડીપ્થેરીયા અને પર્ટુય્સીસના ભાગોનુ પ્રમાણ બાળકો માટેની ડી.પીટી (D.T.wP) થી ઘણુ ઓછુ હોય છે જ્યારે ટીટેનસ ના ભાગનુ પ્રમાણ મૂળ રસી જેટલુ જ હોય છે. આવી રસી ટીડી.એપી (Tdap)રસી તરીકે ઓળખાય છે. ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા હાલ આ રસી બાળકના માતા-પિતાની સાથે ચર્ચા કરીને 10 થી 12 વર્ષની ઉંમરે અપાવવાની ભલામણ કરાઈ છે. આ બાળકોને થતા રોગના કેસ ઘટે તો કદાચ અન્ય નાની વયના શિશુને પણ ચેપ લાગવાની સંભાવના ઘટે.

તસ્વીર સૌજન્ય - http://abcnews.go.comઆપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, July 8, 2010

માતૃ ઈચ્છા એ જયારે ઈશ્વરને મનાવ્યો ...


ગુજરાત ના એક જાણીતા શહેરના એક નામાંકિત સ્ત્રી રોગ વિશેષજ્ઞ સ્મિતાબેન આજે ખૂબ ખૂશ હતા.  સ્ત્રી રોગ વિશેષજ્ઞ તરીકે અનેક સ્ત્રીઓને માતૃત્વની કેડીએ એક રાહબર તરીકે સાથ આપ્યા બાદ આજે ઈશ્વરકૃપાથી તેમને ત્યાં પણ એક ફૂલ ખીલવાના એંધાણ એમના પોતાના પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ જણાઈ રહ્યા હતા. યસ કોંગ્રેચ્યુલેશન્સ ! યુ આર પ્રેગ્નન્ટ! એવુ અનેક લોકોને કહેનાર ડોક્ટરને આ વિધાન હવે પોતાની જાતને જ કહેવાનુ થયુ ત્યારે તે વિધાન સાથે પોતે અનેક લોકોને કેટલી ખુશી આપી હશે તેનો પહેલી વાર અનુભવ હવે તેમને થઈ રહ્યો હતો. એમણે જ્યારે પોતાના ડોક્ટર પતિને આ વિષયે જાણ કરી ત્યારે તેમને પણ જીવનની સૌથી ખુશનુમા ઘડી આજે એમના ઘેર અટકી ગઈ હોય તેવુ લાગ્યુ.

એક પછી એક પાંચ મહિના પસાર થયા અને અચાનક પરિવારમાં એક સ્વજન નું અકાળે મૃત્યુ થયુ. આ સ્વજનના પરિવારમાં નાના બાળકો અને તેમની પત્ની સિવાય અન્ય કોઈ ન હોઈ બધી જવાબદારી સ્મિતાબેન અને તેમના પતિને અદા કરવી પડી. બધી વિધી અને અન્ય ફરજો અદા કરવામાં એમણે પાછુ વળીને ન જોયુ અને એમાં એકાદ મહિનો પસાર થયો. આ દુઃખદ સમયે સ્મિતાબેન ને પોતાના દર્દીઓ અને ઘર તથા સ્વજનની તમામ ફરજો આડે પોતાની કોઈ સંભાળ લેવાનું પણ કદાચ ભૂલાઈ ગયુ.

છઠઠા માસની શરુઆતે સ્મિતા બેન ગર્ભસ્થ શિશુની સોનોગ્રાફી અને એ જમાના માં નવાજ આવેલા થ્રીડી/ ફોર-ડી સોનોગ્રાફી મશીન કે જેમાં શિશુનો પ્રથમ ચહેરો જોઈ શકાય તે માટે અમદાવાદની એક પ્રખ્યાત હોસ્પીટલમાં ડો.મ્હેતા સાહેબ પાસે ગયા. આ એક નોર્મલ રુટીન પ્રક્રિયા છે કે જે દ્વારા શિશુની આંતરીક રચના અને અવયવો તથા નાળમાં લોહીનો પ્રવાહ વિ. જાણી શકાય છે. આ મશીન ના જાદુગર અને આ પ્રકારની સોનોગ્રાફીમાં મ્હેતા સાહેબ ની માસ્ટરી... ! મ્હેતા સાહેબ જે સોનોગ્રાફી થી કહે તે લગભગ દરેક કિસ્સામાં બ્ર્હ્મ વાક્ય બની જતુ હતુ. ઘણા ખરા કિસ્સામાં એમણે શિશુ વિશે કહેલી વાત લોકો માની શકતા નહી પણ આખરે શિશુના જન્મ પછી સત્ય સાબીત થઈ જતી. સ્મિતાબેન પણ સ્ત્રી રોગ વિષયક તેમના વિવિધ રીસર્ચ પેપરો ને લીધે ગુજરાત ભરમાં ધીમે ધીમે જાણીતા થઈ રહ્યા હતા અને એટલેજ કદાચ મ્હેતા સાહેબ પણ પોતાના થી ઘણા જુનિયર એવા આ ડોક્ટરને જાણતા હતા. પણ આજે મ્હેતા સાહેબ સ્મિતાબેનની સોનોગ્રાફી તપાસ કરી રહ્યા હતા. એ.સી. ચેમ્બરમાં એક શાંત માહોલ હતો. સોનોગ્રાફી મશીનના સ્ક્રીન પર આવતી વિવિધ છબીઓથી મ્હેતા સાહેબ શિશુ વિશે અનેક માહિતી એકત્ર કરી રહ્યા હતા અને એમાં શિશુ વિષયક કોઈ જ આંતરીક ખામી જણાતી ન હતી. પણ અચાનક જ સાહેબ નો હાથ અટકી ગયો. ગર્ભાશયમાં શિશુ ફરતે આવેલુ ગર્ભજળ ખૂબ ઘટી ગયુ હતુ. મશીનમાં દેખાતો આંકડો અત્યંત ભયજનક અવસ્થા સૂચવતો હતો. જો આજ પરિસ્થિતી રહે તો થોડા જ સમયમાં શિશુની પ્રિમેચ્યોર ડીલીવરી કરાવી પડે કે ગર્ભાશયમાં મૃત્યુ સંભવ હતુ. ... ! અત્યંત લાગણીસભર એવા મ્હેતા સાહેબને હવે એસી ચેમ્બરમાં પણ બેચેની અનુભવાતી હતી કારણકે આવા સમાચાર કેવી રીતે સ્મિતાબેન ને કહેવા... ?

વળી આ એક રુટીન ચેક માની ને સ્મિતા બેન એકલાજ તપાસ માટે ગયેલા હતા એટલે મ્હેતા સાહેબ માટે હવે કોઈ બીજો રસ્તો ન હતો... ! અંતે આ વજ્રઘાતનુમા સમાચાર સાહેબે કહેવા જ પડ્યા...કદાચ એક મા માટે આ સમાચાર પચાવવા ઘણા અઘરા હતા પણ સ્મિતાબેનને તેમની ડોક્ટરી સ્વસ્થતા અને મજબૂત માનસિકતાએ આ સમાચાર સ્વીકરવામાં મદદ કરી અને જેમ તેમ કરી એ ઘેર પાછા ફર્યા.

હવે મન પર એક જ પ્રશ્ન ઉદભવતો કે આવું શા માટે થયુ કારણ કે પાણી ઘટવા માટે જવાબદાર મોટા ભાગના કોઈ જ કારણ એમના શરીરમાં ન હતા. કદાચ એ પેલા એક માસની ચિંતા અને તણાવ થી બન્યુ હશે કે કેમ એ પણ સ્પષ્ટ ન હતુ. હવે ધીરે ધીરે એક મા માનસિક રીતે વધુ સુદ્રઢ બનતી જતી હતી પણ ડોક્ટર હ્ર્દય હવે મૂંઝાઈ રહ્યુ હતુ. બસ એક માએ નક્કી કરી લીધુ કે મારા બાળક્ને કંઈ જ નહિ થવા દઉ અને પછી દિવસ રાત જાગી લાઈબ્રેરી ફેંદી નાખી દરેક મેડીકલ પુસ્તકો કે જેમા આ પ્રકારની પાણી ઘટવાની સમસ્યા પર જે કાંઈ પણ સાહિત્ય લખાયેલુ મળ્યુ એની લીટી એ લીટી વાંચી નાખી આખરે એક પુસ્તકમાં ગર્ભાશયના પાણી પર ગર્ભવતી સ્ત્રીની પાણી પીવાની આદતો પરની અસર પર થોડુ લખાયેલુ જોવા મળ્યુ. બસ સ્મિતાબેને ડૂબતો માણસ તરણુ ઝાલે તેમ ખૂબ બધુ પાણી પીવાનું શરુ કર્યુ...! ઘણા બધા સેલાઈનની અને અન્ય બોટલો ઈંજેક્શન દ્વારા લીધી. જે કદાચ એ વખતે એટલી પ્રચલિત ન હતી અને લોકોને ખૂબ નવાઈ લાગતી. પણ કદાચ પ્રેમેચ્યોર ડીલીવરી અને શિશુ ના મૃત્યુના જોખમ સામે એક માતાને આ હાંસીપાત્ર ઠરવુ કે લોકોની ટીકા સહન કરવી મંજૂર હતી....! ખૂબ બધુ પાણી પીવાથી હાથે-પગે સોજા આવી જતા પણ આ બધુ એમને મંજૂર હતુ... અને ચમત્કાર થયો હોય તેમ આશરે પંદર દિવસ બાદની સોનોગ્રાફીમાં પાણીનું સ્તર થોડુ વધ્યુ. બસ સ્મિતાબેને આ સીરસ્તો ચાલુ રાખ્યો અને બીજા પંદર દિવસે ધીરે-ધીરે ફરી પાણી નું સ્તર વધ્યુ અને ધીમે-ધીમે બે માસે નોર્મલ થઈ ગયુ....!

આજના સમયે આ પધ્ધતિ ને મેડીકલ વિજ્ઞાન હાયડ્રેશન થેરાપી કહે છે. પરંતુ એ વખતે લગભગ 10-12 વર્ષ પહેલા આ વિષય માં ભાગ્યેજ કોઈ આ વિષયમાં વધુ જ્ઞાન પ્રચલિત હતુ. મને લાગે છે કે આ એક ડોક્ટર થી વધુ એક માની જીત હતી કે જેણે પોતાના સંતાનને બચાવવાનો નિર્ધાર કરી લીધો હતો અને ઈશ્વરે પણ તેમા સાથ આપ્યો કદાચ એમના હજારો ગરીબ દર્દીઓના સંતોષ ની દુઆઓ એ પણ ઈશ્વરેને આ કૃપા માટે પ્રાર્થના કરી હોય... ! અને સ્મિતા બેને તેમની પ્રસુતિ પહેલા સુધી (પોતાના લેબર પહેલા ત્રણ કલાક) સ્વસ્થ મન અને તન સાથે પોતાના દર્દીઓને પોતાની સેવા ચાલુ રાખી એ પણ એટલે સુધી કે જે દિવસે રાત્રે તેમાના ઘેર સુંદર સ્વસ્થ લક્ષ્મીજી પધાર્યા તે દિવસે સવારેજ હજુ એમણે અન્ય એક દર્દીનુ સિઝેરીયન સેક્શન નું ઓપરેશન કર્યુ એ પણ એક પૈસાના સ્વાર્થ વગર .... !

(સત્ય ઘટના પર આધારીત... પાત્રોના નામ અને સ્થળ બદલેલા છે.)
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

- ડો.મૌલિક શાહ

એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ

એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, July 1, 2010

નવજાત શિશુ માટેની ખરીદી - ઘોડીયુ - ભારતીય / પશ્ચિમીવધુ મોટુ કરી વાંચવા ચિત્ર પર ક્લિક કરો.
વધુ મોટુ કરી વાંચવા ચિત્ર પર ક્લિક કરો.
વધુ મોટુ કરી વાંચવા ચિત્ર પર ક્લિક કરો.

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ
 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Tuesday, June 22, 2010

રેડનોઝ ડે - મારો રેડીયો ઈન્ટરવ્યુ

મિત્રો
ઓસ્ટ્રેલિયા ઉજવી રહ્યુ છે રેડ નોઝ ડે 25 જૂનના રોજ ... રેડ નોઝ એટલા માટે કે એ દિવસે સિડની ના રહીશો ખાસ જોકરની માફક લાલ કલરનું પ્લાસ્ટીક કે રબરનુ નાક લગાવી શહેર ભરમાં ફરે છે. શહેરની સેલિબ્રીટીનુમા વ્યક્તિ પણ આ દિવસે પોતાના નાક પર આ લાલ નાક ચડાવી સૌનો પાનો ચડાવે છે. અનેક લોકો આ સંદર્ભે દાન ની સરવાણી વહાવે છે !!!.

વેલ  આ દિવસ ઉજવાય છે એક ખાસ ઉદ્દેશ્ય માટે ...!!   આ ઉદ્દેશ્ય એટલે બાળમૃત્યુના મહત્વના કારણ SIDS પર જનજાગૃતિ લાવવી અને આ વિષય પર વધુ રીસર્ચ અને બાળકોની સારવાર માટે વધુ ધન ભંડોળ એકત્ર કરવુ. આ દિવસે SIDS થી મૃત્યુ પામેલા બાળકોના પરિવાર જનોને ખાસ દિલાસો આપવો અને તેમને સહાયભૂત થવા પ્રયાસ થાય છે. http://www.rednoseday.com.au/ પર લોગ ઈન કરી આપ વધુ માહિતી મેળવી શકશો.

સત્કાર્ય માટે દેશોના સીમાડા નથી નડતા. આ મહત્વપૂર્ણ કાર્ય માં મને પણ મારો સહયોગ આપવાનો લાભ મળ્યો છે  અને આ માટે નિમિત બન્યા શ્રી આરાધના બેન ભટ્ટ..! સૂર સંવાદ ગુજરાતી રેડીયો સિડની ઓસ્ટ્રેલીયા માટે આ વિષય સંબધી આરાધનાબેને મારો એક રેડીયો ટોક/ ઈંટરવ્યુ કર્યો અને આ 20 જૂન ના રોજ એ સમગ્ર વિશ્વમાં રીલીઝ થયો.. આ સુંદરતમ વિચાર અને લોકોપયોગી કાર્ય માટે સૂર સંવાદ રેડીયો ખરેખર અભિનંદન ને પાત્ર છે. મને પણ લાગ્યુ કે આ સરળ ગુજરાતી ઈન્ટરવ્યુ જો બ્લોગ પર મૂકી શકાય તો કદાચ ભારતમાં પણ SIDS થી મૃત્યુ અટકાવી શકાય....

તો પ્રસ્તુત છે કુલ પાંચ- પાંચ મિનિટના ત્રણ ભાગ માં આ ઈંટરવ્યુ ....પાર્ટ -2પાર્ટ - 3

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Friday, June 18, 2010

Sudden infant death syndrome (SIDS)


કોઠારીભાઈ ના ઘેર આનંદનો પાર ન હતો. દિકરી સુવાવડ કરાવવા માટે પિતાના ઘેર આવેલી અને પ્રથમ સુવાવડ માં જ પુત્ર રત્ન ની પ્રાપ્તિથી સહુ કોઈ ખુશ હતા. દિકરો પણ રાજાના કુંવર જેવો દિવસે ના વધે એટલો રાત્રે વધે!! ત્રણ માસ નો થયો ત્યાં તો પાંચ કિલોથી વધુ વજન નો થઈ ગયો અને ખિલખિલાટ હસતો ત્યારે ઘર આનંદ રસથી તરબોળ થઈ જતુ એવુ સહુ કોઈને લાગતુ. હજુ પંદર દિવસ પહેલા રસીકરણ વખતે ડોક્ટરે કહેલુ કે બાળક ખૂબ તંદુરસ્ત છે અને તેની પ્રગતિ સારી છે. બસ આ સમાચાર કોઠારી ભાઈ એ લગભગ અડધા ગામ ને કહેલા..!! અરે ભાઈ એકની એક દિકરી અને તેનો પહેલા ખોળાનો દેવ જેવો દિકરો આનંદ પણ કેમ ન હોય. !!


પણ ખબર નહી કેમ વિધિ નું વિધાન કંઈ અલગ જ હતુ. આવા નખમાં ય રોગ ન હોય તેવા શિશુને રાત્રે પેટ ભરાવી માતા એ સુવડાવ્યુ અને બીજે દિવસે વહેલી સવારે શિશુ જાગૃત જ ન થયુ. ઢંઢોળવા છતા જરાપણ હલન ચલન ન દેખાયુ. કોઠારી ભાઈને શંકા પડતા તેમણે શિશુને જોયુ તો તેનો શ્વાસ પણ ચાલુ ન હોય તેવુ લાગ્યુ. તેમણે તાત્કાલિક ઉપાય તરીકે શિશુને મોં વાટે કૃત્રિમ શ્વાશોચ્શ્વાસ પણ આપવાનું કર્યુ અને આમ કરતા કરતા જ ઘરના સહુ કોઈ તાત્કાલિક નજીકની બાળકોની હોસ્પીટલ પર દોડ્યા. જ્યાં શિશુ ને તપાસતા જ ડોક્ટરે મૃત ઘોષિત કર્યુ અને મેડીકલ તપાસ અનુસાર કદાચ શિશુ ઓછામાં ઓછી બે ત્રણ કલાક પહેલા મૃત્યુ પામ્યુ છે. આ સાંભળી કોઠારી ભાઈ ના પરિવાર પર તો જાણે આભ ટૂટી પડ્યુ. આ વાત કોઈ સ્વીકારી શકે તેમ જ ન હતુ. એમ ના મોં પર એક જ સવાલ હતો આવુ કેમ બન્યુ તેનુ કારણ આપો ડોક્ટર...૵ ડોક્ટરે પણ પોતાની રીતે શિશુની બધી જ તપાસ અને ઘણા સવાલો શિશુના આરોગ્ય વિશે પરિવારજનો ને કર્યા પરંતુ આમાંથી કોઈ પણ એવી માહિતી ન મળી કે જે શિશુના મૃત્યુના કારણ વિશે કોઈ પ્રકાશ પાડી શકે! ડોક્ટરે વધુ તપાસ અર્થે પોસ્ટ મોર્ટમ કરાવવા ભલામણ કરી કે જેથી કદાચ કોઈ છૂપી બિમારી કે કારણ મળી આવે તો ભાવિ સંતાન ને બચાવી શકાય. પોસ્ટ મોર્ટમ માં પણ કોઈ જ સ્પ્ષટ જવાબ ન મળ્યો ત્યારે મૃત્યુ નું કારણ સડન ઈન્ફન્ટ ડેથ સીંડ્રોમ આપવા માં આવ્યુ.

સડન ઈન્ફન્ટ ડેથ સીંડ્રોમ કે જેને ટૂંકમાં સીડ્સ તરીકે ઓળખાય છે. કદાચ ભારત અને એશિયન દેશોમાં ઓછુ જાણીતુ છે. ઘણા ખરા લોકો આને કદાચ કોઈ નવી બિમારી માની લેશે. પણ એવુ નથી. આવો જાણી એ આ સીડ્સ એટલે શું ??

સીડ્સ (SIDS) એટલે શું ??

SIDS એટલે કે એક વર્ષ થી નાની વયના બાળકોમાં જોવા મળતુ મૃત્યુનું એક મહત્વનુ કારણ. સામાન્ય રીતે તંદુરસ્ત શિશુનું અચાનક મૃત્યુ થાય અને જો મેડીકલ કે ફોરેંસીક તપાસ જેવી કે ઓટોપ્સી કે સ્થળ પર અપમૃત્યુ ને લગતી તપાસ પછી પણ જો કોઈ કારણ ન જોવા મળે તો તેને SIDS કહે છે.

SIDS શામાટે થાય છે ? / જવાબદર કારણૉ ?

SIDS માટે વૈજ્ઞાનિકો કોઈ એક ચોક્કસ જવાબદાર કારણ પર એક મત નથી પણ આ માટે જવાબદાર વિવિધ શક્ય કારણો ની થીયરી ઓ પ્રચલિત છે.

SIDS નો ભોગ બનતા શિશુની શરુઆતી અવસ્થામાં શ્વસન અને રુધિરા ભિસરણતંત્ર જેવી જીવન ટકાવી રાખવાની મહત્વની ક્રિયા પરનો કાબુ ધરાવતા મગજના કેન્દ્રો પ્રમાણ માં વધુ વિકસિત હોતા નથી આથી કેટલીક ખાસ પરિસ્થિતી માં જ્યારે આ પ્રક્રિયા પરનો યોગ્ય કાબુ ન રહે ત્યારે અચાનક જ શ્વાસ અટકી જવો કે હૃદય બંધ પડી જવા જેવી કે ઘટના બને છે. જેને લીધે ઉંઘની અવસ્થામાં જ શિશુ મૃત્યુ પામે છે.

આ સિવાય અનેક બીજા કારણૉને લગતી થિયરી પ્રચલિત છે. જે કદાચ સામાન્ય લોકોને માટે સમજવી વધુ કઠીન છે.

SIDS કઈ ઉંમરે થાય ?

અંદાજે 80% SIDS પાંચ માસ થી નાની વયે થાય છે. તેનુ સૌથી વધુ પ્રમાણ 2-4 મહીના ની વયે જોવા મળે . નવજાત અવસ્થામાં માત્ર 1% શિશુ નું SIDSથી મૃત્યુ થાય છે.

શું ભારત માં SIDS જોવા મળે છે ?

હાલ યુ.એસ.એ. ના ડેટા પ્રમાણે દર 2000 બાળકે એક બાળક SIDSથી મૃત્યુ પામે છે.આની સરખામણી એ એશિયન દેશોમાં આ પ્રમાણ ઘણુ ઓછુ છે. ભારતમાં પણ SIDS જોવા મળે છે કદાચ તેનું પ્રમાણ પશ્ચિમના દેશો કરતા ખૂબ ઓછુ કે નહિવત છે. કારણકે આપણે ત્યાં સ્તનપાનનું પ્રમાણ ઘણુ સારુ છે. બાળક્ને ઉંધા સુવડાવવાનું અહિં પ્રચલિત નથી. માતાઓમાં ધુમ્રપાન કે આલ્કોહોલ નું સેવન ઓછુ છે. ગરમ દેશ હોવાથી પ્રમાણ માં ઠંડી સાથે જોડાયેલ અપમૃત્યુ ઓછા બને છે.

SIDS કેવી રીતે અટકાવી શકાય ?

SIDS ઘણા અંશે રોકી શકાય છે કે તેનું પ્રમાણ ઘટાડી શકાય છે.

SIDS વિશે કદાચ પશ્ચિમ ના દેશોમાં જ સૌથી મોટો બદલાવ આવેલો છે. 1992 ની સાલ માં અમેરીકામાં SIDSનું પ્રમાણ દર હજારે 1.2 બાળક જેટલુ હતુ જે 2004 માં 55% ઘટીને 0.54 થયુ છે. આ માટે ઘણા સારા સૂચનો કદાચ જવાબદાર ગણી શકાય.

1. બાળકને હંમેશા ચત્તુ – પીઠભેર સુવડાવો ઉંધુ નહી.

જૂના સમયમાં પશ્ચિમ ના દેશોમાં શિશુને પાચન સારુ થાય અને જો સૂતા- સૂતા ઉલ્ટી થાય તો ફેફસામાં ન જાય તેવા હેતુ થી ઘણા ખરા લોકો પોતાના શિશુને ઉલ્ટા કે પેટભર સૂવડવતા હતા પરંતુ કદાચ આ પરિસ્થિતી શિશુઓ માટે જાણ્યે- અજાણ્યે ઘાતક નીવડતી. 1990 ની સાલ થી અમેરીકન ડોક્ટરો એ આ માટે એક સુંદર અભિયાન ચલાવ્યુ સ્લીપ ટુ બેક એટલે કે ચત્તા સુવડાવો. બસ આ એક મંત્ર ઘણો કારગર નીવડ્યો અને ધીમે ધીમે SIDSનું પ્રમાણ ઘટતુ ચાલ્યુ.

2. શિશુનો પલંગ કે ઘોડીયુ હંમેશા સપાટ અને મજબૂત સપાટી વાળુ હોવુ જોઈએ જે શિશુ સુરક્ષાના માપદંડ ધરાવતુ હોય. વધુ પોચી સપાટી વાળુ ગાદલુ કે બેડ યોગ્ય નથી.3. શિશુના બેડ પર બિન જરુરી તકિયા કે અન્ય વસ્તુ ઓ ન રાખો એ શિશુ ને ગુંગળાવી શકે છે.

4. શિશુ ને જો બ્લેન્કેટ થી ઢાંકવામાં આવે તો ચહેરો કે નાક બિલ્કુલ ન ઢાંકવા અને બ્લેંકેટ પથારીમાં યોગ્ય રીતે ભરાવી રાખો જેથી સળ પડીને શિશુ ફરતે વિંટળાઈ જ્વાનુ જોખમ ન રહે.

5. સગર્ભાવસ્થાથી જ ધુમ્રપાનથી દૂર રહો અને અન્ય ધુમ્રપાન કરતા હોય તો ત્યાંથી દૂર રહો. શિશુના જન્મ પછી તેના રૂમ માં કે તેની નજીક ધુમ્રપાન ન કરવુ કે કોઈ અન્યને કરવા દેવુ.

6. મા અને શિશુ એક જ રુમ માં સુવે તે જરુરી છે. શક્ય હોય તો પલંગ અલગ રાખવા.

7. પ્રથમ છ માસ ફક્ત સ્તન પાન કરાવો. સ્તન પાન દ્વારા SIDS દર પચાસ ટકા થી વધુ ઘટાડી શકાય છે. પ્રમાણ માં વધુ સ્તનપાન કરાવતા દેશો જેવા કે એશિયન દેશોમાં SIDSનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. સ્તન પાન ન કરાવતા હોય તો રાત્રે સૂતી વખતે પેસીફાયર(ચૂસણી) મોંમાં આપવી.

8. રુમનુ તાપમાન નિયંત્રીત રાખો વધુ ગરમ કે ઠંડુ ન થવા દો.

9. અન્ય પ્રયોગો ન કરો. કે આ માટે બજારુ સાધનો નો પ્રયોગ ન કરો.

SIDS વિશે કેટલીક ગેરમાન્યતા ઓ અને સત્ય હકીકત

1. સામાન્ય રીતે શિશુઓને શરુઆતી ઉંમરમાં જ રસીકરણ શરુ થતુ હોય છે અને માતા પિતા આને લઈને ઘણા ચિંતાતુર હોય છે. આથી ઘણી વાર રસીકરણ ના બે ત્રણ દિવસ માં કદાચ કોઈ SIDS જેવી ઘટના બને તો કાગનું બેસવુ અને તાડનું બેસવુ જેવુ બને અને રસીકરણ ની ઘટનાને કારણ તરીકે જોડી ને જોવામાં આવે. આ એક અવૈજ્ઞાનિક વાત છે. અમેરીકન સંસ્થા સી.ડી.સી.એ આવા અનેક દાવાઓ કે શંકાસ્પદ રજૂ કરાયેલ ઘટનાઓની તપાસ પછી આમાં કોઈજ તથ્ય મળ્યુ નથી. આવા અવૈગ્યાનિક પ્રચાર થી કદાચ ઘણા માતા પિતા જો રસીકરણ ન કરાવે તો ઉલ્ટુ વધુ ખતરનાક એવા ચેપી રોગથી બાળક્ને નુક્શાન થવાનો વધુ સંભવ છે.

2. SIDS માત્ર ગરીબ લોકોના ઘેર બનતુ હોય તેવી એક ખોટી માન્યતા પ્રવર્તે છે. પરિવારની આર્થિક પરિસ્થિતી કદાચ SIDS માટે વધુ જવાબદાર નથી હોતી પરંતુ SIDS અટકાવવા ઉપયોગી પગલાનું યોગ્ય પાલન થાય છે કે નહિ તે અગત્યનું છે. જેમકે શિશુને ચત્તુ સુવડાવવુ એ અત્યંત સરળ ઉપાય છે. જે પરિવારની આર્થિક પરિસ્થિતી સાથે જોડાયેલ નથી.

આપના શિશુને પણ સીડ્સ થી રક્ષણ આપો. ઉપાય ખૂબ આસાન છે.


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, May 20, 2010

“ મેડીકલ વિદ્યાશાખામાં -ગ્લેમર vs રિયાલિટી “ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતાની સાથે જ અનેક વિદ્યાર્થીમિત્રોને ખૂબ સરસ માર્કસ આવ્યા. અનેક મિત્રોનો સેંટર અને બોર્ડમાં રેંક આવ્યો.આ મિત્રોને હંમેશ મુજબ જર્નાલિસ્ટ મિત્રોએ પૂછ્યું “ ભાવિ કારકિર્દી “ વિશે અને લગભગ મિત્રોના સમાન જવાબ – “ મેડીકલ વિદ્યાશાખામાં જવું છે “ ! શા માટે જવું છે.-
“લોકોની સેવા કરવા !” વાહ ભાઈ વાહ કેટલા ઉદ્દાત વિચારો છે.! ઘણા મિત્રોએ એ થી પણ આગળ ઉપરની મહેચ્છા વ્યકત કરી કાર્ડીયોલોજીસ્ટ કે ન્યુરોસર્જન થવા વિશે ! ખૂબ સુંદર ! ગુજરાતી કહેવત છેને – “ નિશાન ચૂક માફ પણ નહી માફ નીચુ નિશાન !” મોટાભાગના મિત્રો આ કહેવતને ખરેખર જાણતા અને અનુસરતા લાગે છે.

મેડીકલ વિદ્યાશાખા વિશેનું આ સ્વપન ખરેખર છેલ્લા બે દાયકાથી ખૂબ જોવાતું અને ઉંચો ટી.આર.પી. ધરાવતું રહ્યું છે. માતાપિતા અને વિદ્યાર્થીમિત્રો સૌનુ વ્હાલુ આ સ્વપન ઘણી વાર આંખ ખૂલે ત્યારે વાસ્તવિકતા માં દુખદ બની રહેતુ હોય છે. દર વર્ષે મેડીકલ વિદ્યાશાખામાં ઘણા વિદ્યાર્થી મિત્રો આ શાખા છોડી જતા રહે છે અને ઘણા લાંબા સમય પછી મન સાથે સમાધાન કરે છે તેવુ સામાન્યપણે જોયેલુ છે. મેડીકલ વિદ્યાશાખા અને શિક્ષણની સાથે છેલ્લા 15 વર્ષથી સંકળાયેલ હોવાથી ઘણા વિદ્યાર્થીમિત્રો સહજ રીતે પૂછી લે છે “શું સાહેબ આ કોર્સ લેવા જેવો છે”?! ત્યારે આ વિશે કેટલાક પાસાનો વિચાર કરી લેવો જરુરી છે અને કારકિર્દીના ઉંબરે ઉભેલા આ મિત્રોને મદદરુપ થવા માટે મારા વિચારો રજૂ કરુ છું – તટસ્થતા પૂર્વક અભ્યાસ કરી મિત્રો પોતાની ભાવિ જીંદગી નો નિર્ણય લે તેવી અભ્યર્થના.!

ગ્લેમર નં. -1 – “ ડોક્ટરને સોશ્યલ સ્ટેટસ અને સાહેબ કહેવાય ભાઈ” !

હા એ સાચુ કે સમાજ હંમેશા તેમને ઉપયોગી અને કામના માણસોને માન આપે છે. પણ ભાઈ આવું તો દરેક ક્ષેત્રમાં છે. મૂળ વાત તો છે ગરજે ગધેડાને બાપ કહેવો પડે અને દવા અને ડોકટર ની ફી બચાવવા ઘણા લોકો ઉપરછ્લ્લુ માન અને વ્યવહાર રાખતા હોય છે. બાકિ તો ગરજ સરી કે વૈદ વેરી ! એજ સમાજ જ્યારે ડોકટરને કે તેના નિર્ણયને સમજી નથી શકતો કે શંકા કરે છે ત્યારે પળવાર પહેલા ભગવાન બનેલા સાહેબ કે તેમની હોસ્પીટલની ખેર નથી રહેતી...! આવા અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. એટલે ફૂલની સુગંધ ક્યારે પથથર માં પરિવર્તીત થાય તે કહેવું મુશ્કેલ છે. જો કે આવા બનાવોની સંખ્યા ઓછી છે પરંતુ સોશ્યલ સ્ટેટસના ફૂગ્ગાની હવા કાઢવા પૂરતા છે.

ગ્લેમર નં -2 - “ આ શાખામાં પૈસો ઘણો છે.” !

 હા ખાસ કરી ને ડોકટર સમાજ ના સફળ મિત્રોના આવક ના આંકડા ખરેખર ચોંકાવનાર હોય છે. પણ ભાઈલા, સમાજમાં મુકેશ અંબાણી, ટાટા, બિરલા કે બજાજ તો હોવાના પણ શું દેશના બધા ઔદ્યોગિક કર્મશીલો એમના સમાન ગણી શકાય. કોઈપણ ક્ષેત્રમાં આર્થિક ઉપાર્જન ની સંભાવનાઓ નક્કી કરતા પહેલા તે ક્ષેત્રના તળિયે રહેલા લોકોની સામાન્ય આવક થી વિચારવું અને વળી આ ઓછા માં ઓછી આવક મેળવવા માટે કરવો પડેલ સંઘર્ષ પણ ગણતરી માં લેવો. સરેરાશ એમ.બી.બી.એસ ડોક્ટર થતા અંદાજે સાડા પાંચ વર્ષ થઈ જાય છે જ્યારે માસ્ટર ડીગ્રી(એમ.ડી. કે એમ.એસ.) સાડા આઠ વર્ષ લઈ લે છે. બીજો ઓછા માં ઓછો એક વર્ષનો અનુભવ જોડો તો માસ્ટર ડીગ્રી ધારક ડોકટર દસ વર્ષે કમાવા લાયક સ્થિતિમાં પહોંચે છે. ત્યારે પણ તેને મળતી રકમ તેનાજ સમાન ઉંમરના અન્ય શાખાના સ્નાતકો (દા.ત. ઈજનેરો કે એમ.બી.એ). ને મળતા સેલરી પેકેજ થી ઓછી જ હોય છે. સરેરાશ ડોકટર કરતા તેનાજ જેટલા હોંશિયાર અન્ય શાખાના લોકો ડોક્ટર સાહેબ ખૂરસી પર બેસે ત્યાં સુધીમાં બે કે ત્રણ નોકરી-બદલી અને ત્રણ વિદેશ પ્રવાસો કરી ચૂક્યા હોય છે.!

જે ડોકટર મિત્રો હિંમતથી મોટા શહેરો માં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરે છે તેમને શરુઆતી સમયમાં ખૂબ મોટી રકમનું રોકાણ કરવુ પડે છે. પ્રેકટીસ ની શરુઆતમાં બેંકના લોન ના હપ્તા ભરવામાં પણ તકલીફ પડતી હોય છે. રાત-દિન દર્દીના સુખમાં સુખ અને દુઃખે દુઃખ સમજવું પડે તો પણ કોઈ ગેરેંટી નથી કે થોડા સમય પછી હોસ્પીટલ ટકશે કે માલિક બદલાશે! શું અન્ય વ્યવસાય કે બિઝનેસમાં આટલા રોકાણ થી શાંતિપૂર્વક કમાઈ ન શકાય ? શું આ કોસ્ટ બેનીફીટ રેશ્યો તમારા હિસાબમાં બેસે છે ? -તો આવો મેદાન માં !

ગ્લેમર 3 – “જોબ સીક્યુરીટી છે ભાઈ...!”

ડોકટરીના વ્યવસાયમાં નોકરી મેળવવી ખાસ અઘરી નથી ખાસ કરીને જો સ્થળ અંગે ની સૂગ ન હોય. આજની તારીખે પણ અનેક નાના શહેરો થી માંડી મોટી કોર્પોરેટ હોસ્પીટલ માં પણ નોકરી મળવી અઘરી નથી. પરંતુ શું આટલી બધી મહેનત પછી બીજા કોઈ વ્યવસાયમાં પણ નોકરી ન મળે કે ન ટકે વિચારી જૂઓ.!

મારો મત... મેડીકલ વ્યવસાય કદી પૈસા, સ્ટેટસ કે જોબ સિક્યોરીટી વિચારી પસંદ ન કરવો ખરેખર તો આ વ્યવસાય પસંદ કરવાનું સૌથી મોટું કારણ છે તેમાં રહેલું ‘ જોબ સેટીસ્ફેક્શન્ ‘ - એક દર્દીના દુઃખને તમે હળવુ કરી શકો, એક સ્ત્રીને માતા બનવામાં મદદરુપ થઈ શકો, એક શિશુને શ્વાસ આપી આખી જીંદગી આપી શકો કે સ્વર્ગના દ્વારે ઉભેલાને ધરતી પર પાછો લાવવાનું ભગીરથ કાર્ય કરવાની સંજીવની કે વિદ્યા આ અભ્યાસક્રમ આપે છે!. એ જ છે એમાં ડૂબકી મારવાનું પ્રબળ પ્રેરક બળ્! પૈસા કે સ્ટેટસ બીજી બધી વિદ્યાશાખામાં મેડીકલ થી કદાચ વધુ મળશે પણ આ અમૂલ્ય સંતોષ મેળવવાનું શક્ય નથી. પણ બોસ ઓલી.. સ્પાઈડરમેન ફિલ્મમાં કહે છે ને કે “દરેક શક્તિ પોતાની સાથે જવાબદારીનુ પોટલુ લાવે છે”- એમ આ સંજીવની બાણ મળ્યા પછી ધનુષ્ય ઉપાડી ફરવાની તાકાત છે ને !!

થોડી ગમ્મત...

હું ડોકટર શા માટે બન્યો તેના સાચા-ખોટા કેટલાક સબળ કારણૉ નીચે મુજબ છે ...!

1. બોસ !, આમેય પહેલે થી આપણી ઉંઘ ઓછી...!

2. ગણિત ગોટાળુ કંઈ ન જાણુ ને ભૂમિતિ માં મોટુ ભોપાળુ ...!

3. મારા અક્ષર પહેલે થી જ ખરાબ રહેલા...!

4. આ બધી મોજમજા અને જલસા બહુ થયા ભાઈ ! જીંદગી બહુ માણી લીધી..!

5. નાનપણ થી જ મારો સ્વભાવ ચિંતાજનક- જરીયે કોઈનું દુઃખ ન જોવાય ભાઈ...!

6. મારા મતે જીવન ના પહેલા 30 વર્ષ આર્યકાળ અનુસાર ‘બ્રહ્મચર્યાશ્રમ’ માં ગાળવા જોઈએ.!

7. આ શાખામાં પાછલી જીંદગીની ચિંતા નથી રહેતી!(કારણકે ડોક્ટરોની સરેરાશ વય ઘટી છે.)

8. માણસે પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત આ દુનિયામાં જ કરવું જોઈએ...!

9. સ્ટ્રેસથી જો બી.પી. કે હ્રદયરોગ થાયતો બોસ આપણે પૈસા જ નથી ખરચવા...

વળી જીંદગી ના યુવાની ના વર્ષો આ દસ વર્ષની તપસ્યામાં ક્યાં જતા રહે છે તે ખબર પણ નથી પડતી. પુસ્તકો ની બહારની દુનિયા,તહેવારો કે સામાજીક પ્રસંગો વિશેનું તાત્પર્ય સમય જતા જાણે ભૂલાતુ જાય છે!. એક ડીગ્રીની કિંમત આ તનતોડ મહેનત અને અનેક ઈચ્છાઓ ના દમન થી ચૂકવવા તૈયાર રહેવું પડે છે. શું આ કોસ્ટ બેનીફીટ રેશ્યો તમારા હિસાબમાં બેસે છે ? - તો આવો મેદાન માં !

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Monday, May 17, 2010

દાંતનો સડો (dental caries) part -1

દાંતની કોઈપણ સપાટી પરનું દાંતનું ખનિજ દ્રવ્ય ઓગળી જતા પડેલા ખાડાને દાંતનો સડો કહે છે. સફેદ કલરના દાંતમાં દાંતનો સદો કાળા કે બ્રાઉન કલરના ખાડા રુપે જોવા મળે છે. દાંત નો સડો કોઈપણ ઉમરની વ્યક્તિને થઈ શકે છે બાળકોમાં દાંત ના સડાનુ પ્રમાણ વધુ જોવા મળે છે.

દાંતનો સડો એ બેક્ટેરીયા દ્વારા થતો રોગ છે. આપણા મોંમાં અનેક પ્રકારના બેક્ટેરીયા જોવા મળે છે. આમાંના કેટલીક પ્રકારના બેક્ટેરીયા એસિડ બનાવે છે. આ એસિડ દાંતના ખનીજ બંધારણ ને ઓગાળી નાખે છે. બેક્ટેરીયા અન્ય સજીવની માફક જ ખોરાક નો ઉપયોગ કરીને નકામા ઉત્સર્ગ પદાર્થનો ત્યાગ કરે છે. દાંતના સડા માટે જવાબદાર બેક્ટેરીયા (સામાન્યતઃ – સ્ટ્રેપ્ટોકોક્કસ મ્યુટન્સ કે એસીડો ફિલસ લેક્ટોબેસીલાઈ) દાંત પર ચોંટેલા અન્નકણોનો કે ચોંટેલી શર્કરાનો ઉપયોગ કરીને પોતાનું જીવન ટકાવી રાખેછે અને આ પ્રક્રિયાના અંતે બનતા ઉત્સર્ગી પદાર્થ તરીકે એસીડ નો ત્યાગ કરે છે. આ એસીડ દાંતના બંધારણ ને ઓગળી ને નુકશાન કરી મૂકે છે. દરેક મોં માં અનેક બેક્ટેરીયા હોય છે જો વ્યવસ્થિત સફાઈ ન થાય તો આવા બેક્ટેરીયા દાંત પર પોતાનો વંશ વેલો વધારે છે અને આવી વધતી જતી બેક્ટેરીયાની વસ્તી દાંત પર એક પીળુ છારીનૂમા પડ બનાવે છે જે ડેન્ટલ પ્લાક નામ થી ઓળખાય છે. આ પડ દાંતને કુલ બે રીતે નુકશાન પહોંચાડે છે-

1. આ ડેન્ટલ પ્લાક બેક્ટેરીયાનુ ઘર છે જે તેને રક્ષે છે.
2. બેક્ટેરીયા દ્વારા પેદા થતો એસીડ વહી જવાને બદલે આ પડની બાઉન્ડ્રી ને લીધે સતત દાંત સાથે ચીપકેલો રહે છે. જે ધીમે ધીમે દાંત ને ખોતરી નાખે છે.

દાંતનો સડો એ સતત થતી ધીમી પ્રક્રિયા છે જેને મહિનાઓ કે વર્ષો લાગે છે. આ સડાની પ્રગતિ નો આધાર ડેન્ટલ પ્લાકની ઉંમર- બેક્ટેરીયાની પ્રજાતિ – દાંતની સફાઈ અને ખાન પાન ની પ્રવૃતિ પર છે. મીઠી- ચીકણી વસ્તુ નો વધુ પડતો ઉપયોગ આ પ્રક્રિયા ઝડપી બને છે.

દાંતના સડામાં શરુઆતના તબક્કામાં કોઈ જ દુઃખાવો કે તકલીફ પડતી નથી. પરંતુ આ સડો આગળ વધે અને ઈનેમલ તથા ડેંટીન ને ખોતરીને જ્યારે પલ્પ તરીકે ઓળખાતી દાંતની નસ સુધી પહોંચે ત્યારે જ દુઃખાવો થાય છે. દાંતની નસ જ માત્ર સંવેદના વ્યક્ત કરી શકતી ચેતા નસો ધરાવે છે ઈનેમલ કે ડેંટીન તરીકે ઓળખાતા બહારી પડો નહી. આથી સડાની શરુઆતી અવસ્થામાં દુઃખાવો થતો નથી.

એકવાર દાંતમાં સડો થાય પછી જો તે સારવારથી દૂર ન થાય તો તે ક્રમશઃ વધુ ને વધુ ઉંડો ઉતરે છે. આ સડો અન્ય કોઈ રીતે અટકાવી શકાય નહી.

આજ વસ્તુ સમજો આ એનીમેશન વિડીયો થીદાંતમાં સડો થવાના કારણૉ

1. સતત મીઠો અને ચીકણૉ ખોરાક લેવાથી જેવો કે – ચોકલેટ, ગોળ, આઈસ્ક્રીમ, મીઠાઈ વિ.

2. નાના બાળકોને ઉંઘમાં રાત્રે બોટલ થી દૂધ આપવાથી.


3. રાત્રે ગળ્યુ દૂધ આપીને બાળક્ને જો બ્રશ ન કરાવાય તો ...

4. પીવાના પાણી માં જ્યારે ફ્લોરાઈડનુ પ્રમાણ ઓછુ હોય તો ...

5. દાંતમાં ઉંડા તેમજ સાંક્ડા ખાંચા કે તિરાડો હોય તો કે જે કુદરતી રીતે અન્ન કણૉ ફસાઈ જવાની સરળ વ્યવસ્થા આપે છે.

6. અપૂરતી સફાઈ અને બ્રશ ન કરવાથી.

7. દાંત આડા-અવળા કે વાંકાચૂકા હોય તો બ્રશ યોગ્ય થતુ નથી અને સડો થવાની સંભાવના વધે છે.


મૂળ લેખન - ડો.ભરત કટારમલ  ડેન્ટલ સર્જન - જામનગર

નાવીન્ય સભર રજૂઆત અને પૂરક માહિતી - ડો. મૌલિક શાહ

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. -

Thursday, May 13, 2010

રસીકરણ (vaccination) શા માટે ??ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે. કેટલાક રોગ થયા પછી તેની સારવાર ખૂબ અઘરી અને ઘણી વાર અશક્ય હોય છે અને અંતે દર્દી માટે જીવલેણ નીવડે છે. પણ આવા ઘણા રોગને અટકાવવા નો અસરકારક ઉપાય છે – રસીકરણ . રસીકરણ દ્વારા ખૂબ ઘાતક અને ગંભીર પ્રકારના રોગ પણ રોક લગાવી શકાય છે. દા.ત. ડીપ્થેરીયા રોગ જો થાય તો શિશુ માટે પ્રાણ ઘાતક નીવડી શકે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.


અમુક રોગ કદાચ પ્રમાણ માં ઓછા ઘાતક છે અને દર્દીનુ મૃત્યુ ન પણ થાય પણ તેની આડ અસરો અને બિમારીના સમય દરમ્યાન બિન કાર્યક્ષમ રહેવાથી થતુ નુકશાન ઘણુ મોટુ હોય છે . દા.ત. ઓરીનો રોગ કદાચ સીધી રીતે શિશુને પ્રાણ ઘાતક ન પણ બને પણ તેના કારણે થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય ચાલતા ઝાડાની બિમારીથી શિશુને ઘણુ નુકશાન થાય છે તેનો વિકાસ અટકી જાય છે. જ્યારે અછબડા જેવી બિમારી સામાન્ય રીતે જાન્યુઆરી થી એપ્રીલ માસમાં થતી હોય છે જે સમય દરમ્યાન શાળા કોલેજોમાં પરીક્ષાઓનો હોય છે અને તે દરમ્યાન એકાદ અઠવાડીયાની માંદગી બાળકને અભ્યાસમાં પાછળ કરી શકે છે. વળી અછબડામાં રહી જતા ચહેરા પરના ડાઘ કયારેક સૌદર્ય પ્રત્યે વધુ સભાન બાળકમાં(ખાસ કરી ને કિશોરીઓમાં) લઘુતાગ્રંથિ પણ લાવી શકે છે. આમ રસીઓ માત્ર જીવ બચાવવા માટે જ નહી પણ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા પણ જરુરી છે.

ઘણા રોગ અને બિમારીની હોસ્પીટલોમાં સારવાર શક્ય છે અને કદાચ આડરસરો માંથી પણ બચી શકાય પણ સરવાળે જો હિસાબ માંડવામાં આવે તો થતુ આર્થિક નુકસાન અને સમય નો વ્યય હંમેશા રસીકરણની કિંમત થી ઓછો જ હોય છે.

રસીકરણ માત્ર આપના બાળકને જ રક્ષણ નથી આપતુ એ સમાજને પણ ઉપયોગી થાય છે . કેટલાક બાળકો કે જે કદાચ આપના બાળકની સાથે સ્કૂલમાં ભણતા હશે કે ઘરની નજીક સાથે રમતા હશે કે જે પોતે રસીકરણ લેવા છતા પણ જરુરી રોગ પ્રતિકારક શક્તિ પેદા નહી કરી શકતા હોય કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ પેદા કરતા હશે એમના માટે પણ આપના બાળકને રોગ ન થાય તે આશીર્વાદ રુપ બની શકશે.

જો બાળકો ઓછા માંદા પડે તો આરોગ્ય લક્ષી સેવાઓ નો ખર્ચ ઘટે છે. માતા-પિતા પોતાનુ કાર્ય સંભાળી શકે છે જેથી એમની સેવાઓ જેતે ક્ષેત્રમાં સતત પ્રાપ્ય રહે છે. આમ રસીકરણ દ્વારા રોગ અટકાવવાથી એક તંદુરસ્ત સમાજ અને કાર્યક્ષમ રાષ્ટ્રનુ નિર્માણ થાય છે.આથી દેશ ના વિકાસમાં આપ સીધો સહયોગ કરો છો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ ગણી શકાય છે.

રસીકરણ દ્વારા અનેક રોગોની નાબૂદી શક્ય છે. દા.ત. શીતળાનો રોગ આપણે નાબૂદ કર્યો છે અને હવે તેનુ રસીકરણ જરુરી નથી. આમ જો યોગ્ય રસીકરણ કાર્યક્રમો અને વિવિધ ઝુંબેશ ચાલુ રહેશે તો બીજા અનેક રોગ માંથી આવનારી પેઢીને મુક્તિ મળી જશે. આવી જ એક મોટી ઝુંબેશ ભારતમાં આપણે પોલિયો નાબૂદી માટે ચાલુ છે.આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Monday, May 10, 2010

દાંતની સંભાળ - બ્રશ કેમ કરશો....
દાંત એ મનુષ્યને કુદરતે આપેલી બત્રીસ દિકરાની ભેટ કે વરદાન છે. આમ દાંત એ દીકરા છે તે કોઈ મજૂર નથી અને દીકરાનું જતન યોગ્ય રીતે થાય તે જરુરી છે . આમ દાંતની માવજત યોગ્ય રીતે અને દરરોજ થવી જરુરી છે કારણકે શરીરની તંદુરસ્તીની શરુઆત દાંતની તંદુરસ્તીથી થાય છે.


દાંતની જાળવણી માં સૌથી વધુ મહત્વ સફાઈ છે. આ માટે જરુરી છે સાચી વૈજ્ઞાનિક રીતે બ્રશ કરવુ. મોટા ભાગના લોકો જાણે જંગે જવાનું હોય તેમ દુશ્મનોનો કચ્ચરઘાણ વાળતા હોય તેવી રીતે ફટા ફટ બ્રશ કરે છે. આવો જાણીએ દાંતને બ્રશ કરવાની આદર્શ પધ્ધતિ (brushing technique)

બ્રશ કરવાની આદર્શ પધ્ધતિ

1.       દાંતની ઓછામાં ઓછી બે વાર સફાઈ જરુરી છે. સવાર કરતા પણ રાત્રે દાંત બ્રશ કરવા અત્યંત જરુરી છે. રાત્રિ ના અન્નકણો દાંતમાં જો ભરાઈ રહે તો આખી રાત ના સમય દરમ્યાન બેક્ટેરીયાને મોક્ળુ મેદાન મળે અને આ અન્નકણૉ માંથી પેદા થયેલા એસિડથી દાંતની અંદર સડો પેદા થાય અને જો પહેલાથી હોય તો વધુ વકરે છે.
2.      
    દાંતની સફાઈ માટે સૌથી મહત્વનુ બ્રશની પસંદગી છે. બ્રશ નરમ વાળ વાળુ હોવુ જોઈએ અને આ વાળ સીધા હોવા જોઈએ વળેલા નહી. ઘણી વાર બ્રશ વધુ વપરાય તો વાળ કડક અને વાંકા વળી જતા હોય છે આથી દર ત્રણ માસ પર બ્રશ બદલવુ જરુરી છે. કડક વાળ દાંત અને પેઢાને નુક્શાન પહોંચાડે છે જ્યારે વળી ગયેલા વાળ વાળુ બ્રશ યોગ્ય સફાઈ નથી કરી શક્તુ.

3.       બ્રશ કરતી વખતે મોં હંમેશા ખુલ્લુ રાખો. ઉપરના જડબાના અને નીચેના જડબાના દાંત અલગ અલગ સાફ 
    કરવા. દાંત ભેગા કરીને એકસાથે બ્રશ ફેરવી દેવુ તેમ નહિ...4.       બ્રશને દાંતની ઉપર 45 ડીગ્રી ના ખૂણે ગોઠવો અને પછી ઉપરના દંત માટે ઉપરથી નીચે તરફ અને નીચેના દાંત માટે નીચે થી ઉપર તરફ બ્રશ ફેરવો. બ્રશને નાજુકાઈ થી હળવે હાથે ફેરવવુ. દાંત એ કોઈ મેલુ કપડુ નથી કે તેને ઘસી ઘસીને ઉજળુ કરવાનુ હોય આથી વધુ પડતુ જોર લગાવી ઘસવુ જરુરી નથી. યાદ રાખો કે બ્રશ દ્વારા માત્ર ફસાયેલા અન્નકણૉ જ દૂર કરવાના છે. જો આપના દાંતનો કુદરતી કલર જ પીળો હશે તો ઘસવાથી સફેદ નહિ થાય અને ઉલ્ટાનુ ઈનેમલ ઘસાઈ જવાથી દાંતને નુકશાન થશે.

5.       દાંતને બ્રશ કરવા માટે ત્રણ મિનિટ જેટલો સમય પર્યાપ્ત છે. આથી વધુ સમય જરુરી નથી.

6.       બ્રશ કરતી વખતે દાંતની અંદર અને બાહરની સપાટી અને બે દાંત વચ્ચેની જગ્યા અને ખૂણા ખાંચા સાફ કરવા એટલાજ મહત્વના છે. દાંત પંકતિ પર નીચેથી ઉપર અને ઉપરથી નીચેની દિશામાં ચાલવુ જોઈએ. જમણેથી ડાબે કે ડાબેથી જમણે નહિ.

7.       બે દાંત વચ્ચેની જગ્યા સાફ રાખવા માટે ટૂથપીક કે સોય વિ. નો ઉપયોગ કદાપિ કરશો નહિ. જો સાદા બ્રશથી આ શક્ય ન હોય તો તે માટે ડેંટલ ફ્લોશ કે ઈંટરડેંટલ બ્રશ વાપરવુ.

8.       જમ્યા પછી કે  ગળ્યુ ખાધા બાદ કોગળા કરવા જરુરી છે.

9.       નાના બાળકોમાં પ્રથમ વર્ષ બાદ દાંત ની સફાઈ ખૂબ મહત્વની બની જાય છે કારણ કે લગભગ ચાર કે છ દાંત આવી ચૂક્યા હોય છે. શરુઆતી દિવસો માં આ માટે માતા માત્ર આંગળી થી મસાજ કરી આપે કે ભીના રુમાલ વડે સાફ  કરે. અને ત્યાર બાદ બેબી બ્રશ થી દાંતની સફાઈ કરવાનું ચાલુ કરી શકાય. બાળકને આ માટે માનસિક રીતે તૈયાર કરવા માટે પ્રથમ ઢિંગલી પર બ્રશ કરવાનું કહિ શકાય કે માતાના દાંત સાફ કરવાની રમત રમાડી શકાય ત્યાર બાદ એ રમતમાં બાળકના દાંત ની સફાઈનો વારો આવે તેવુ કંઈ કરી શકાય. થોડા મોટા બાળકોને ટીથ કાઉંટીંગ દ્વારા સમજાવી બ્રશ કરાવી શકાય છે.

કેટલાક સામાન્ય પ્રશ્નો

1.       કઈ ટૂથ પેસ્ટ દાંત માટે સૌથી સારી...??

જવાબ – દાંતને વયવ્સ્થિત સાફ કરવા બ્રશ ની ગુણવતા અને બ્રશ કરવાની પધ્ધતિ વધુ અગત્યની છે નહિકે ટૂથ પેસ્ટ..! બ્રશ સરળતાથી થાય તેમાટે ટૂથ પેસ્ટ ઉપયોગી છે પરંતુ તે કઈ બ્રાન્ડની છે તે મહત્વનુ નથી. ટૂથ પેસ્ટમાં રહેલ એંટીસેપ્ટીક માઉથ વોશ દ્વારા થોડા સમય માટે મોંમાં તાજગી વરતાય છે પરંતુ ફલાણી ટૂથ પેસ્ટ વાપરવાથી તમારા દાંત 24 કલાક સુરક્ષિત રહેશે ભલે પછી તમે ચોકલેટ ખાઓ- કેન્ડી ખાઓ કે ચીકણી મિઠાઈ ખાઓ તો એ હળાહળ જૂઠો પ્રચાર માત્ર છે અને વૈજ્ઞાનિક સત્ય નથી. દાંતને સુરક્ષિત રાખવા જમ્યા પછી બ્રશ કરવુ જરુરી છે અને જો બ્રશ કર્યા પછી ચોકલેટ- કેન્ડી કે ચીકણી મિઠાઈ ખાશો તો દાંતની સુરક્ષાની કોઈ જ ગેરંટી નથી.

2.       શું ફ્લોરાઈડ ટૂથપેસ્ટ વાપરવી વધુ બહેતર છે??

જવાબ – ફ્લોરાઈડ દાંતના ઈનેમલ ને મજબૂત કરતુ એક રાસાયણિક તત્વ છે. બાળકોને (ખાસ કરીને 6 વર્ષથી નાની ઉંમરમાં) ફ્લોરાઈડ નિયત પ્રમાણમાં આપવાથી દાંતોના ઈનેમલ ને રક્ષણ મળે છે. ફ્લોરાઈડ પાણી અને ટૂથ પેસ્ટ દ્વારા આપી શકાય છે. પરંતુ જો નિયત પ્રમાણથી વધુ પ્રમાણમાં ફ્લોરાઈડ શરીરમાં દાખલ થાય તો ફ્લોરોસીસ નામક રોગ થઈ શકે. ભારતના ઘણા ભાગોમાં પીવાના પાણીમાંજ ફ્લોરાઈડ વધુ જોવા મળે છે આથી ટૂથ પેસ્ટ માં ફ્લોરાઈડ આપવુ જરુરી નથી. પરંતુ જો આપના વિસ્તારમાં પાણી માં ફ્લોરાઈડ નું પ્રમાણ ઓછુ હોય અને જો દાંતમાં સડો થવાની વધુ સંભાવના ડોક્ટરને જણાય તો ફ્લોરાઈડ ટૂથપેસ્ટ એક ઉપયોગી વિકલ્પ છે. 
   
3.       દાંતણ સારુ કે બ્રશ ??

જવાબ- દાંતણ શહેરી લાઈફ માં હવે કદાચ આઉટડેટેડ વસ્તુ છે અને વિદેશોમાં રહેતા બાળકોને એ જોવા ભારત આવવુ પડશે. તેના ફાયદા અને ઉણપ નીચે મુજબ છે.

ફાયદા -
1. દાંતણ ચાવવાથી દા6તને પકડી રાખતી પેશીઓને કસરત મળે છે જે બ્રશ થી મળતી નથી.
2. દાંતણ સામાન્ય રીતે લીમડા- કરંજ કે દેશી બાવળ ના હોય છે આ વનસ્પતિનો ઔષધીય ગુણ છે કે તેને ચાવવાથી તેમાંનું ક્લોરોફીલ છૂટૂ પડે છે જેમાં જીવાણુ વિરોધી ગુણધર્મ છે આથી મોં માં સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ઘટે છે.

ઉણપ -

1. દાતણ બે દાંતની વચ્ચેની જગ્યામાં સફાઈ નથી કરી શક્તુ જે બ્રશ વડે શક્ય છે.
2. નાના બાળકો દાતણ નો પ્રયોગ કરી શક્તા નથી.  
2. શહેરોમાં દાતણ સહેલાઈથી પ્રાપ્ય નથી.

મૂળ લેખન - ડો. ભરત કટારમલ

પૂરક માહિતી અને નાવીન્ય સભર રજૂઆત- ડો.મૌલિક શાહ

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Sunday, May 9, 2010

માતૃત્વની કેડીએ - એક વર્ષ પૂર્ણ કરે છે... હેપ્પી મધર્સ ડે....


મિત્રો

યોગાનુ યોગ છે કે મધર્સ ડે પર ચાલુ થયેલ સંગાથ આજે એક વર્ષ પૂર્ણ કરે છે. ગુજરાતી ભાષામાં માતૃત્વ અને નવજાત શિશુ લક્ષી સંપૂર્ણ વૈજ્ઞાનિક મેડીકલ જાણકારી આપતો  કદાચ આ સર્વ પ્રથમપ્રથમ બ્લોગ છે. આ એક વર્ષમાં ગુજરાતી બ્લોગ જગત વિશે ઘણુ નિકટ દર્શન થયુ. બ્લોગ અને બ્લોગરો વિશે થોડો માહિતગાર થયો. જો એક વર્ષનું સરવૈયુ નિષ્પક્ષ રીતે કરુ તો

1. બ્લોગીંગ ઘણુ અઘરુ અને ખાસ કરીને જયારે પોતાની જ રચના મૂકવાની હોય ત્યારે ખૂબ સમય માંગતુ છે.      

2.  વૈજ્ઞાનિક રીતે સાચુ લખવા માટે ખૂબ મહેનત પડે છે અને દરેક વાક્ય પાછળના પૂરાવા(રેફરન્સ) હોવા
     જરુરી છે. સનસનાટી નહિ પણ સત્ય લખવુ ખૂબ જરુરી છે.

3. અનુભવ ઘડે છે અને બ્લોગીંગ તથા રજૂઆત વધુ સારી કરવા માટે સતત બ્લોગીંગના ટેકનીકલ પાસા
    જાણવા પડે છે. ટેકનીકલ એક્સ્પર્ટ મિત્રો ઘણા ઉપયોગી સાબીત થાય છે.

4. વિવિધ બ્લોગર ગ્રુપો પોત પોતાની મનસૂફી પ્રમાણે ચાલે છે પણ આમાં મોડરેટર નો રોલ અતિ મહત્વનો
    છે.

5. બ્લોગ પર કોમેંટ મળવી કે ન મળવી એ લેખની ગુણવત્તા વત્તા બીજા અનેક પાસા જેમકે બ્લોગ વાચકો નો
    રસ - પસંદગી વિ. પર આધારીત છે. અહિં કદાચ લેખકે કર્મણ્યે વાધિકારસ્તે .... યાદ કરીને લખવુ પડે
    કારણકે વાચકને ફાયદો થાય કે ન થાય તમારુ આ વિષય પરનુ જ્ઞાન વધુ ઉત્કૃષ્ટ બને છે.

6. મને મળેલા આંકડાઓ -
    કુલ આવેલા વાચકો - 11186
    કુલ વંચાયેલા પેજ (ક્લિકસ)- 17266
   કદાચ આ અન્ય બ્લોગર મિત્રો કરતા ક્યાંય ઓછા છે. પણ મને મળેલ આપનો પ્રેમ અદભૂત રહેલ છે.

વિનંતી
1. કૃપા કરી  આ બ્લોગ વિશે આપના સૂચનો નીચેના ફોર્મ માં આપશો.. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Wednesday, May 5, 2010

પ્રિમેચ્યોર શિશુઓની સંજીવની - કાંગારુ મધર કેર... વિડીયો પોસ્ટ

                                                                 મિત્રો

વિશ્વભરના નવજાત શિશુઓમાં ખાસ કરીને અધૂરા મહિને જન્મેલા કે ઓછા વજનના શિશુઓનું મૃત્યુનું મુખ્ય કારણ જન્મ પછી ગર્ભાશય જેવી હુંફ ન મળવાનું છે. આ માટે મશીનો તો ઉપલબ્ધ છે જ પણ એનાથી પણ વધુ અસરકારક અને સરળ પધ્ધતિ કે જેમાં માત્ર માનવીય સ્પર્શ અને માતૃત્વનો આનંદ સમાયેલો છે એ છે કાંગારુ માતૃ સુરક્ષા પધ્ધતિ. શ્રી નેથાલી ચર્પક આ પધ્ધતિના પ્રણેતા ગણાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પધ્ધતિ ના ઉપયોગ થી અનેક શિશુઓ હસતા રમતા ઘેર પહોંચી ગયા છે.


 અહિં એક દાદીમા એમના પોત્ર/ પોત્રી ને કાંગારુ માતૃ સુરક્ષા આપી રહ્યા છે .


આ સંદર્ભે પ્રસ્તુત છે મારુ જ એક પ્રેઝેંટેશન જે નીચે છે.

KMC GUJARATI


હવે માણૉ આ સંદર્ભે એક ઉપયોગી વિડીયો .... ગુજરાતીમાં

મિત્રો આ સાથે અમારા વોર્ડમાં દાખલ થયેલ એક પ્રિમેચ્યોર શિશુની માતાનો ઈંટરવ્યુ કે જે એકદમ અભણ અને ગામડાના હોવા છતા કેવી રીતે કાંગારુ મધર કેર કરે છે. આ માતા લગભગ એક માસ હોસ્પીટલ માં રહી અને તેના શિશુને ખૂબ સુંદર રીતે સંભાળ રાખી... અને શિશુનું વજન વધી ગયા બાદ ઘેર રજા થયે લઈ ગયા.આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો
.

 - ડો.મૌલિક શાહ

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Friday, April 30, 2010

દુધિયા દાંત(Primery Teeth) વિશે સામાન્ય સમજણ


વ્હાલા બાળમિત્રો અને વાલીઓ

શરીર ની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરુરી છે. મોં એ શરીરનું પ્રવેશ દ્વાર છે. જો મોમાં જ રોગ નું ઘર હોય તો આખુ શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે. ગંદા દાંત એ અસ્વચ્છતા અને બેદરકારીની નિશાની છે. દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરાવવી એ કરતા એ પહેલાજ યોગ્ય માવજત કરી ને દાંતનુ રક્ષણ કરવુ એ જ સમજદારી છે. દાંતનુ આરોગ્ય એ શરીરના આરોગ્યનું પ્રથમ સોપાન છે.
 સામાન્ય રીતે પુખ્તવયના મનુષ્યના મોં માં 32 દાંત હોય છે જ્યારે બાળકોમાં આ દાંત જેને દુધિયા દાંત પણ કહે છે તે કુલ 20 હોય છે. મોંમાં દાંતની જગ્યા- આકાર અને કાર્યને આધારે ચાર પ્રકારના દાંત હોય છે (જુઓ ચિત્ર).

દુધિયા અને કાયમી દાંત આવવાનો સમય
સામાન્ય રીતે શિશુ જ્યારે છ થી સાત માસનું થાય ત્યારે સૌ પ્રથમ નીચેના આગળના દાંત ફૂટે છે. તે પછી ઉપરનાં આગળના દાંત ફૂટે છે. જેને દુધિયા દાંત કે પ્રાથમિક દાંત(primery teeth) કહે છે. બાળકની ઉંમર આશરે બે વર્ષ થાય ત્યાં સુધીમાં બધાજ દુધિયા દાંત આવી જાય છે. આ કુલ 20 દાંત માં 8 કાપવાના (incisor) 4 ચીરવાના(canine) અને 8 દળવાનાં(molar) દાંત હોય છે. આમ આ દરેક દાંતની કામગીરી નિર્ધારીત હોય છે.

     સામાન્ય રીતે બાળકોમાં દુધિયા દાંત પડવાની શરુઆત 6-7 વર્ષે થાય છે અને તે 13–14 વર્ષ સુધી ચાલુ રહે છે. આ પ્રક્રિયામાં ક્રમશઃ દુધિયા દાંત નું સ્થાન કાયમી દંત(permanent teeth) લેછે. આ પ્રક્રિયા આમતો 13-14 વર્ષ ચાલે છે પરંતુ અપવાદ રુપે ડહાપણની દાઢ 17 વર્ષ બાદ ગમે ત્યારે આવે છે. આ સમય ગાળૉ એક સરેરાશ માર્ગદર્શક છે. જે-તે બાળકના કિસ્સામાં તે વહેલુ કે મોડુ હોય શકે છે.

હાલમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના બાળકોમાં દાંત ના રોગનું પ્રમાણ 70 ટકાથી વધુ જોવા મળ્યુ. આમાં મુખ્યત્વે દાંત માં સડો જોવા મળેલ. આ ગુજરાતી માતા પિતાની આ દિશામાં બેદરકારી સૂચવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમે આ દિશામાં લોકોનુ ધ્યાન દોરી એક સરાહનીય ફરજ અદા કરી છે .

માતા પિતાના આ વિષયે કેટલાક સામાન્ય પ્રશ્નો

1.       મારુ બાળક નવ માસનું થયુ તેને હજુ તેને દાંત નથી આવ્યા તો શું કરવુ ??  શું તેને કેલ્શયમ નું સિરપ કે મમરી આપવી જોઈએ. ??”

જવાબ – બાળકને દાંત આવવાની પ્રક્રિયા કુદરતી છે. સગર્ભાવસ્થામાં દાંત નું બધારણ નક્કી થઈ જતુ હોય છે અને પેઢા નીચે થી દાંતને માત્ર બાહર આવવાની પ્રક્રિયા જ થવાની ક્રિયા જન્મ પછી થશે. આવા સંજોગો માં જો કોઈ બાળકને આ ક્રિયા થોડી મોડી વહેલી પણ થઈ શકે. આ માટે કોઈ પણ પ્રકારનું કેલ્શયમ સીરપ કે મમરી આપવી જરુરી નથી. તેનાથી ફાયદા કરતા ક્યારેક નુક્શાન પણ થઈ શકે. આ એક બહુજ વ્યાપેલી ગેર સમજ છે અને તે દૂર થવી જોઈએ. જો બાળકને પેઢા નીચે દાંત નો કઠણ ભાગ અડી પારખી શકાતો હોય તો ખાસ ચિંતા ન કરવી. ઘણા કિસ્સામાં બાળકોને એકાદ વર્ષ સુધી કોઈ દાંત ન આવ્યા હોય અને પછી બધા સામાન્ય રીતે આવી જાય તેવુ પણ બને છે. જો બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધી કોઈ દાંત ન આવે તો ચોક્કસ પણે વિશેષજ્ઞની સલાહ લેવી.

2.   દુધિયા દાંત તો આખરે પડી જવાના તેમાં સારવાર કરાવવાથી કે સંભાળ લેવાથી શો ફાયદો ?
જવાબ- આ પ્રશ્નના જવાબમાં કુલ બે કારણૉ નીચે મુજબ આપી શકાય.
1.       દુધિયા દાંત કાયમી દાંત માટે જડબામાં જગ્યા રોકી રાખવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. જો દુધિયા દાંત તેના કુદરતી ક્રમ થી વહેલા સડી જવાથી કાઢી નાખવા પડે તો તે જગ્યા ખાલી પડે છે અને તેનો વિકાસ ઓછો થાય છે. વળી આ ખાલી પડેલા દાંતની જગ્યા બુરવા પાસેના દાંતો નજીક આવી જાય છે. આથી આ જગ્યાએ આવનાર કાયમી દાંતને અપૂરતી જગ્યા મળે છે પરિણામે તે અસ્ત વ્યસ્ત રીતે ગોઠવાય છે અને અંતે બાળકના જડબામાં એક બેડોળ પણુ આવેછે તેની કાર્યક્ષમતા પણ ઘટે છે. આગળ ઉપર આવા બાળકને ચહેરાની સુંદરતા પર પણ અસર પડી શકે છે.
2.       દુધિયા દાંત અકુદરતી રીતે વહેલા પડે તો કાયમી દાંત આવે ત્યા સુધી બાળકને ખોરાક ચાવવામાં તકલીફ પડે છે અને તેની સીધી અસર તેની પાચન શક્તિ પર પડી શકે છે.

 લેખન.... 

ડો. ભરત કટારમલ 
ડેન્ટલ સર્જન
શાલિભદ્ર કોમ્પ્લેક્સ
પોલીસ ચોકી સામે
જામનગર (ગુજરાત)

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.- હવેથી દર શનિવારે બાળકોની દાંત ની સંભાળ વિશે વિવિધ લેખ અનુભવી ડેન્ટીસ્ટની કલમે.....

Wednesday, April 28, 2010

પ્રસુતિ આયોજન ના સમીકરણ -2-વ્યવસાયી માતા-પિતા માટે...

મિત્રો

આજના સ્પર્ધાત્મક યુગમાં પતિ- પત્ની બંને કોઈ વ્યવસાયમાં લાગેલા જ હોય છે. આવા કામકાજી માતા-પિતાને આવનારી પ્રસુતિ માટે ઘણુ જ આયોજન કરવું પડે. હવે જો માતા કામકાજી હોય તો સૌથી મોટો પ્રશ્ન પ્રસુતિ પછી શિશુની સારસંભાળ માટે જરુરી રજાઓ નો આવે... તો ભાઈ એમાં એક ઘણા સારા સમાચાર છે. નવજાત શિશુને પ્રથમ છ માસ માત્ર સ્તનપાન જ કરાવવુ જોઈએ એ વૈજ્ઞાનિક સલાહ પર હવે ભારત સરકારે પણ સરાહનીય પગલુ લીધેલ છે અને સ્ત્રીઓને મળતી મેટરનીટિ લીવ હવે છ માસ કરી દેવા પ્રસ્તાવ થયેલ છે. આ સુંદર પગલુ આપના પ્રસુતિ માટેના આયોજન ને સરળ બનાવશે અને આપ નિશ્ચિંત બનીને નવજાત શિશુનું યોગ્ય લાલન પાલન કરી શકશો. આવી જ અનેક વાતો રજૂ છે આજે પ્રસુતિ આયોજન ના સમીકરણ -2 માં .....

 ચિત્ર પર ક્લિક કરી મોટુ જુઓ...ચિત્ર પર ક્લિક કરી મોટુ જુઓ...


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

- ડો.મૌલિક શાહ

એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ

એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, April 22, 2010

નવજાત શિશુની આંખની સંભાળનવજાત શિશુની આંખની સંભાળ


નવજાત શિશુ ની આંખ અત્યંત કોમળ અને નાજુક હોય છે. આ આંખોની નીચે મુજબ સંભાળ લેશો.

1. આંખોને દિવસમાં એક વાર રોજ નવડાવયા પછી ગરમ પાણી (સહન થઈ શકે તેટલુ)થી સાફ સુતરાઉ રુમાલ વડે હળવેથી સાફ કરો. આ માટે સૌપ્રથમ આપના હાથ સાબુથી ધોઈ સાફ કરવા પડશે. તમારા હાથની આંગળીઓમાં નખ વધેલા ન હોવા જોઈએ નહિંતો શિશુને ચેપ લાગવાનુ કે ઈજા પહોંચવાનુ જોખમ વધી જાય છે.

2. શિશુની આંખમાં કાજળ કે કોઈ પણ અન્ય પદાર્થ ન આંજશો. તેનાથી શિશુને એલર્જી કે ચેપની તકલીફ થઈ શકે છે. કાજળ આંજવા થી કોઈજ દેખીતો વૈજ્ઞાનિક ફાયદો જોવા મળેલો નથી.નવજાત શિશુની આંખ કુદરતી રીતે સુંદર જ હોય છે તેને કાજળ લગાવ્યાથી તે વધુ સારી દેખાતી નથી. ઉલ્ટાનુ શિશુ નું કુદરતી રુપ બગડી જતુ હોય છે.

3. નવજાત શિશુને નવડાવતી વખતે આંખમાં સાબુ કે શેમ્પુ કે ગંદુ પાણી ન જાય તે ધ્યાન આપવુ.

4. શિશુના જન્મ પછી એક વખત વિશેષજ્ઞ પાસે આંખ ચેક ચોક્કસ કરાવશો ઘણી વખત શિશુઓમાં રહેલી જન્મ જાત આંખની ખામી જેવી કે મોતિયો કે આંખની બનાવટમાં રહેલી ખામી વિશે દેખીતી રીતે ઘણી વાર સામાન્ય માણસને ખ્યાલ પણ ન આવે તેવુ બની શકે.

નવજાત શિશુની આંખની સામાન્ય તકલીફો

1. આંસુથી છલકાતી આંખ – Epiphoraબેકગ્રાઉંડ – દરેક મનુષ્યની આંખમાં ઉપરના ભાગે અશ્રુ ગંથિ આવેલી હોય છે. આ ગ્રંથિ સતત ચોવીસે કલાક અશ્રુનું સર્જન કરે રાખે છે. આ અશ્રુ આંખના બાહ્ય પારદર્શી કોમળ ભાગ કોર્નીયા ને ભીનુ રાખે છે અને તેને પોષણ આપે છે. આ અત્યંત જરુરી પ્રક્રિયા છે જેના વગર કોર્નીયા સુકાઈ જવાથી દેખાતુ બંધ થઈ શકે. આ અશ્રુઓ આંખના ખૂણામાં આવેલી બારીક નળીઓ દ્વારા અશ્રુ કોટરવાટે થઈ નાકમાં ખૂલે છે. નાકની ખાસ પ્રકારની અંદરની ચામડી આ અશ્રુ ના ટીપા શોષીલે છે. જ્યારે ખૂબ ટૂંકા સમય માં ખૂબ વધુ આંસુ પેદા થાય તો જ તે આંખ માંથી છલકાતા જોવા મળે છે જેમકે રુદન ના સમયે . નવજાત શિશુમાં આ અશ્રુ વહન કરતી નલિકાઓ ખૂબ નાની અને બારીક હોઈ ઘણી વાર રજકણૉ કે અન્ય પદાર્થો થી બંધ થઈ જાય કે આ નલિકાઓ જન્મજાત સાંકડી હોય અથવા જન્મથી જ બંધ હોય તો આ અશ્રુઓનો માર્ગ અવરોધાવાથી તે આંખમાંથી છલકાઈ ને નીકળી આવે છે. આ પરિસ્થિતિને કારણે ઘણી વાર આંસુ આંખમાં એકત્રીત રહેતા હોવાથી અશ્રુ કોટરનુ ઈંફેક્શન કે આંખમાં ઈંફેક્શન જોવા મળે છે. આવા શિશુને આંખમાં ચિપડા વળે – આંખમાંથી પરુ નીકળે અને આંખના ખૂણા પાસે નાક્ની તરફ એક નાનુ દાણા જેવો ભાગ ઉપસી આવે તેવા લક્શણૉ જોવા મળે છે.

સારવાર

1. સૌપ્રથમ એકવાર વિશેષજ્ઞ પાસે આ પરિસ્થિતીનુ નિદાન ચોક્કસ કરાવો.

2. જો આંખમાં કે અશ્રુકોટરમાં ઈંફેકશનની અસર જોવા મળે તો વિશેષજ્ઞની સલાહ મુજબ ટીપા નાખવા કે એંટીબાયોટીક દવા નો નિયત કોર્સ જરુરી બનશે.

3. ખાસ મસાજ – આંખના નાક તરફના ખૂણા પર ચિત્ર મુજબ હળવા હાથે દબાણ આપી મૂકી દેવાની ક્રિયા પાંચ થી દસ વાર ના સેટમાં બે વાર પ્રતિ દિન કરવુ. આ સિવાય હળવા હાથે આંખના નાક તરફી ખૂણા થી નાક ની તરફ ટચલી (નાની આંગળી) વડે હળવા હાથે ઉપરથી નીચે તરફ મસાજ કરવાથી પણ ફાયદો થઈ શકે છે. શરુઆતી વખતે એક વાર વિશેષજ્ઞની હાજરીમાં આ પ્રક્રિયા કરીને શિખી લેવી.

આ બંને પ્રકારની ક્રિયા બંધ અશ્રુનલિકા ખોલવા માટે ઉપયોગી છે જે થોડા જ પ્રયાસો પછી ખૂલી થતા શિશુની તકલીફ હળવી પડી જશે. જો માત્ર આંસુ છલકવાની જ તકલીફ હોય તો આ ખાસ મસાજ કરવાથી ચોક્કસ ફાયદો થતો જોવા મળે છે.

4. સર્જરી – ખાસ કિસ્સામાં ક્યારેક આ માટે ઓપરેશન કરવુ જરુરી બને છે પણ તે ખૂબ જ જૂજ કિસ્સામાં જરુરી બને છે. આ માટે વિશેષજ્ઞની સલાહ લેવી.આંખોના ડોળા પર દેખાતુ લોહી ( Sub conjuctival Hemorrhage)


જન્મ પછી ક્યારેક શરુઆતી દિવસોમાં આંખોના ડોળાના સફેદ ભાગ પર લાલાશ પડતા ડાઘ સમાન લોહી જોવા મળે છે. આ સામાન્યતઃ નોર્મલ પ્રસુતિથી જન્મેલા કે પ્રસુતિ થવામાં લાંબો સમય રહેલા શિશુમાં વધુ જોવા મળે છે. આ એક સામાન્ય રીતે જોવા મળતી ઘટના છે. આવા નવજાત શિશુને સામાન્યતઃ આંખો અને તેની આસપાસ સોજો રહેતો હોઈ તથા નવજાત શિશુ જન્મસમયે ખૂબ પ્રકાશ સંવેદી હોઈ આંખો ખોલતા ન હોવાથી ઘણી વખત શરુઆતના બે ત્રણ દિવસ સુધી આ વિશે માતા-પિતા કે ડોક્ટરને પણ ખબર ન પડે તેવું પણ બની શકે છે.

સારવાર

આ પ્રકારનુ લોહી તેની આપોઆપ જ 7 થી 10 દિવસમાં શોષાઈ ને દૂર થઈ જશે. તે માટે કોઈ જ વિશેષ પ્રક્રિયા કરવાની રહેતી નથી. પરંતુ પ્રારંભિક નિદાન માટે વિશેષજ્ઞ ની સલાહ ચોક્કસ લેવી.

આંખોમાં લાગતો ચેપ- પરૂ નીક્ળવુ (conjuctivitis)


નવજાત શિશુને ઘણી વાર શરુઆતી દિવસોમાં આંખના બાહ્ય આવરણ – માં ચેપ લાગવાથી આંખોનો ડોળાનો ભાગ લાલ ઘૂમ જણાય છે. આંખોમાં થી સતત પાણી અને મોટા ભાગે પરૂ નીકળી આવે છે અને આંખો ચોંટી જતી જણાય છે. આ સામાન્યતઃ વાઈરસ કે બેક્ટેરીયાના ચેપથી બને છે. આ એક ચેપ હોવાથી તેની તાત્કાલિક સારવાર કરાવવી ખૂબ જરુરી છે.

સારવાર- વિષેશજ્ઞ પાસે સલાહ લઈ ને જરુરી એન્ટી બાયોટીક દવા કે ટીપા લેવા ખૂબ જરુરી છે.


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

- ડો.મૌલિક શાહ

એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
જામનગર (ગુજરાત)

Wednesday, April 21, 2010

પ્રસુતિ આયોજન ના અગત્યના સમીકરણો -1


મિત્રો

જૂના સમયમાં પ્રસુતિને એક કુદરતી ક્રિયા ગણાતી અને લોકો એક સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈ ખાસ આયોજન વગર પણ સહેલાઈ થી ઘણી સમસ્યા સહેલાઈ થી હલ થતી. લોકો કહેતા એ તો પડશે તેવા દેવાશે...! પણ હવે જમાનો બદલાઈ ગયો છે અને હવે તો ભાઈ કેવા પડશે અને કેવા દેવાશે તે પહેલાથી વિચારી લેવુ પડે છે. આ નિયમ પ્રસુતિ આયોજન ને પણ લાગુ પડે છે અને હવે કુલ બે હપ્તે વાંચો પ્રસુતિ આયોજન ના અગત્યના સમીકરણો -1. આર્થિક અને સામાજીક સુસજ્જતા...

નીચેના પેઈજ પર ક્લિક કરો અને મોટુ ચિત્ર સરળતાથી વાંચો.
please click on the picture below to read enlarged HTML VERSION
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

- ડો.મૌલિક શાહ

એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
જામનગર (ગુજરાત)

Saturday, April 17, 2010

બાળકનું નામ કેવી રીતે પસંદ કરવુ ??
બાળકનો જન્મ થતા અનેક ખુશી આવે અને હરખની હેલી ઘર- પરિવારમાં ફરી વળે.!! હવે ચાલુ થાય નામની શોધ... પહેલા આ માટે ફૈબા પર આધાર રખાતો અને ફૈબાનો આ અબાધિત અધિકાર આ સિવાય ધર્મ ગુરુ- ઘરના વડીલ વિ. પણ થોડા અંશે ભોગવતા..! હવે જમાનો બદલાયો મા બાપનો રોલ મહત્વનો બન્યો અને શિશુ જન્મની શરુઆતી પળોમાંથી પરવારે કે ચાલુ થાય એક મહાન ખોજ- ‘ધ નેમ હન્ટ' ...!
આ વાંચવા વાળા ઘણા ખરા અનુભવી મા-બાપ કદાચ મીઠા-ખાટા કે થકાવી નાખનારા સંભારણામાં ડૂબી જતા હોય છે. પણ આજે મારી અમર નામ યાત્રા એ વિષય પર હાસ્ય નિબંધ નથી લખવો એ કામ કદાચ શાહબુદ્દીન રાઠોડ કે અશોક દવે માટે છોડવા યોગ્ય છે.! આજે તો ખરેખર નવા માતા-પિતાની આ મુશ્કેલી હળવી કરવી છે અને મદદરુપ ટીપ્સ આપવાની છે.

નામ રાખવાની પ્રક્રિયામા પહેલા કેટલાક સિધ્ધાંતો નક્કી રાખવા.

1. નામ રાશિ મુજબ રાખવુ છે કે નહી તે નક્કી કરી જો રાશિ મુજબ રાખવુ તો જન્મ સમય પ્રમાણે રાશિ ચોક્ક્સ કરો.
2. બહુ લાંબા કરતા ટૂંકૂ નામ પસંદ કરો વધુમાં વધુ ચાર અક્ષરવાળુ પસંદ કરવુ.
3. નામ જો અર્થપૂર્ણ હોય તો વધુ સારુ.
4. પસંદગીના નામને પિતાના નામ તથા સરનેમ સાથે લખીને જોઈ લેવુ તથા ટૂકમાં(initials) લખતી વખતે પણ સારુ લાગવુ જરુરી છે.
5. મોર્ડન નામ કે અંગ્રેજી નામ પસંદ કરતા પહેલા તેના અર્થ અને શક્ય અપભ્રંશ વિશે વિચારી લેવુ.
6. અન્ય ભાષાના નામો પસંદ કરતી વખતે ઉચ્ચારણ અને સ્પેલીંગ જોઈ લેવા.

નામ પસંદ કરવાના ઉપયોગી સ્ત્રોત....
1. પરિવાર-મિત્ર વર્તુળ 
2. પુસ્તક
3. ઈન્ટરનેટ - વેબસાઈટ
4. ટી.વી.-ફિલ્મો.

પરિવાર-મિત્રવર્તુળ...
સામાન્ય રીતે પરિવાર અને મિત્રવર્તુળ ખૂબ ઉપયોગી થશે ખાસ કરી ભારતમાં કે જ્યાં હજુ પણ સંયુકત પરિવારો છે. દરેક પરિક્ષામાં સીનિયર જેમ જુનિયરને મદદરુપ થાય તેમ આમાં પણ નામનુ સૂચન મળી રહે તો ઘણી કસરતમાંથી બચી જવાય છે. મિત્રોમાં પણ ‘નાગર મિત્રો' આમાં ખૂબ મદદરુપ થાય છે. નવા નામો અને અનોખા નામો પાડવામાં તેમનો કોઈ જવાબ નથી.! આવા કોઈ મિત્રને કામે લગાડવામાં કોઈ વાંધો નહી.!! બસ ક્યારેક બોલવામાં-લખવામાં કે સમજવામાં ભારે નામ આવી ન જાય તે ધ્યાન રાખવુ.!

પુસ્તકો- (Books)
ગુજરાતી ભાષામાં નામ પાડવા માટે ખૂબ જ ઓછા (વધુમાં વધુ ત્રણ કદાચ...) ઉપલ્બ્ધ છે વળી સમય અનુસાર આમાં કોઈ મોટો ફેરફાર આવેલો નથી અને નવા નામોની ઘણી વાર આમાં એન્ટ્રી થતી નથી.. જાણીતા પુસ્તકો નીચે મુજબ છે.
1. મોહક બાળ નામાવલિ - લેખક - યશ રાય - ગાલા પ્રકાશન
2. ચંદ્રકાંત બક્ષીના નવા નામો - લેખક ચંન્દ્રકાંત બક્ષી
3. આધુનિક નામાવલી - લેખક અનંતભાઈ વ્યાસ
                                   આ પુસ્તકો બધા લીડિંગ બુક શોપ્સ પર મળી જ જશે.

 ઈંટરનેટ - વેબ સાઈટ
ઘણી બધી (ગૂગલ સર્ચ મુજબ - 53,100,000!!! ) જેટલા વેબ પેજ માત્ર ઈંડીયન બેબી નેમ વેબ સાઈટ માટે સર્ચ કરતા મળી આવે છે. પરંતુ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નામો રાખવા અને તેમા પણ વિવિધતા જેમકે રાશિ - છોકરો કે છોકરી- ધાર્મિક નામ - અર્થપૂર્ણ નામ - ટ્વીન (જોડકા) માટે ના નામ ગોતવા ઘણા અઘરા હોય છે. આથી જેતે વેબ સાઈટ કદાચ આપણો મતલબ પાર ન પણ પાડે..!  તો આપનો સમય બચાવવા ઉપયોગીતાના ક્રમ અનુસાર આ વેબ સાઈટસ ને મારી દ્રષ્ટિએ નીચે મુજબ ગોઠવી શકાય.


ક્રમ

વેબ સાઈટ લિંક

વિશેષતા / ટીપ્પણી

1.

http://www.bachpan.com/

પસંદગી નો અવકાશ - સરળ આયોજન        - ગુજરાતી માં પણ

2.

http://babynames.indobase.com/

પસંદગીનો વિશાળ અવકાશ- સરળ આયોજન
ભારતીય નામો ની વિપુલતા  ... 

3.

http://www.indiaparenting.com/names/

વિવિધ રાશિ - ધર્મ અનુસાર પસંદગી
ઉપલબ્ધ નામો

4.

http://www.hiren.info/indian-baby-names/

કલેક્શન સારુ છે.

5.

http://www.indianhindunames.com/

પસંદગી થોડી ઓછી - પ્રેઝેંટેશન ગીચ

6.

http://www.wegujarati.com/kidsnames.asp


પસંદગી ઓછી પણ સરળતા વધુ .

આ વેબ સાઈટસ એકદમ યુઝર ફ્રેંડલી છે અને આપની જરુરત મુજબ વિકલ્પ મળી રહેશે.
આશા છે આ લેખ આપને ઉપયોગી થશે અને આપના શિશુને સુંદર નામ આપી શકશો.
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.
- ડો.મૌલિક શાહ
એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
જામનગર (ગુજરાત)