સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Monday, November 23, 2009

MUSIC THERAPY - 1

મિત્રો
સંગીત એક મહાન કલા જ નહિ પણ સંજીવની છે અને સંગીતના ઉપયોગથી કોઈપણ મનુષ્યને શાંતિ અને આરામ આપી શકાય છે અને ગર્ભસ્થ શિશુ કે નવજાત શિશુ પણ આમાંથી બાકાત નથી. પૌરાણિક કાળની મહાભારતની વાતમાં અભિમન્યુ જ્યારે માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે પણ તેણે સાંભળેલ યુધ્ધ્કલા નો તેણે ઉપયોગ સમયાંતરે કર્યો અને અમર થયો. આ વાત આડકતરી રીતે મ્યુઝિક થેરાપીના વિજ્ઞાનને સમર્થન કરે છે. હાલના સમયમાં આ વિષય પર ઘણુ સંશોધન થયુ છે અને હવેથી કુલ ત્રણ લેખની શ્રુંખલામાં હું પ્રયાસ કરીશ કે આ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક બેકગ્રાઉંડ અને મજાની વાતો રજૂ કરુ...

લેખ પર ક્લિક કરો અને વધુ મોટુ html ચિત્ર વાંચો.
please click on the picture and read larger HTML VERSION.





હવે માણો આ સુંદર વૈજ્ઞાનિક વિડીયો જે આપના મનમાં મ્યુઝિક થેરાપી વિશે વધુ ઉત્કંઠા ભરી દેશે.




Monday, November 16, 2009

happy CHILDREN'S DAY


બાળ દિન એટલે કે 14 નવેમ્બર પણ મારે તો 365 દિન બાળદિન છે(બાળકોના ડોકટર છુ ને ભાઈ) અને એટલે હું આજે પણ બાળદિન નિમિતે કંઈ લખુ તો કદાચ દરગુજર કરશો. આ 14 નવેમ્બર શનિવારે કેટલાક બાળ આરોગ્યને લગતા અગત્યના કાર્યોમાં વ્યસ્ત હોઈ કંઈ કરી ન શક્યો પણ આજે માત્ર એક વિડીયો અસલી બાળકોના ભારત વિશે અને એક યુનિસેફ ની અપીલ મૂકૂ છુ આશા છે બાળકોના ઉચ્ચ ભવિષ્યની દિશામાં મને તમારો અમૂલ્ય સાથ મળતો રહેશે...!



Wednesday, November 4, 2009

મિલેનીયમ બેબી


વાત છે 31 ડીસેમ્બર 1999 ના દિવસની... ચારેકોર ચર્ચા હતી આવનાર વર્ષ 2000 ની ..! અને મિલેનીયમ યર તરીકે બહુમાન પામીને આ વર્ષ કંઈ અલગ જ રીતે લોકજીભે ચડેલુ હતુ. અખબારો માં જ્યોતિષ કોલમ થી ગોસીપ કોલમ અને પેજ થ્રી પર બધે આવનાર વર્ષ અને તેના સ્વાગતની પાર્ટી વિશે ની ભરમાર હતી. સામાન્ય રીતે શિયાળાની સર્દ ગણાતી એ 31 ડીસેમ્બરની રાત ખરેખર ગરમા ગરમ બની જાય તેવી અવનવી થીમ વાળી પાર્ટીની જાહેરાતોથી શહેરની બધી હોટલો ચમકતી હતી. જોકે આજે 31 ડીસેમ્બર છે તેની જાણ મને સવારે નવજાત શિશુ વિભાગમાં દર્દી તપાસી ને કેસ પેપરમાં તારીખ લખતી વખતે જ થઈ હતી!! આમ પણ નવજાત શિશુ વિભાગમાં જુનિયર રેસીડેન્ટ માટે તો બધી ઋતુ અને બધા દિન સરખા હોય છે. ડ્યુટી ડે અને નાઈટ પછી આજે મારો ઓફ છે કે નહી એટલુ જ યાદ રહેતુ હોય છે.! ખેર તે દિવસે સવારે જ નાસ્તો કરતી વખતે જ્યારે ડ્યૂટી લિસ્ટ બનાવાઈ રહ્યુ હતુ ત્યારે મિત્રોએ મને કેવી હળવી રીતે આજની ડ્યૂટીમાં મને ફીટ કરી દીધો તેનુ ભાન પણ એ પછી થી થયુ!! જોકે કોઈ એકને ડ્યૂટી પર રાખી જલસા મારવા જવુ આમતો અમારી ટોળકીની પરંપરા ન હતી પરંતુ શું થાય નવજાત શિશુ વિભાગની પરિસ્થિતિ જ કંઈ એવી હોય છે કે એક નુ બલિદાન ન હોય તો બધાને જીવતદાન ન મળે ...!
ડયૂટી ની એ રાત્રિએ હું વોર્ડ પર પહોચ્યો ત્યારે મારી સાથે મારી સીનીયર જીગીષા ની પણ ડ્યૂટી હતી. વોર્ડ માં દર્દીની સખ્યા પણ રોજીંદાથી થોડી ઓછી હતી અને બધા દર્દી ની હાલત સ્થિર હતી. એટલે હુંને જીગીષા વાતે વળગ્યા બંને ને થોડો ઘણો 31 ડીસેમ્બર – મિલિનીયમ નાઈટ ચૂકી જવાનો રંજ ખરો એટલે કંઈ કરવાનો વિચાર કર્યો . જિગીષા તેની રુમ પરથી ઝટપટ જઈને દિવાળી દરમ્યાન ન વપરાયેલો ડેકોરેશન સામાન લઈ આવી. અમે બંને એ વિચાર્યુ નવા વર્ષનુ સ્વાગત કંઈ અનોખુ કરવુ અને નવા વર્ષે આવનાર પ્રથમ શિશુને એક રાજકુમાર જેવુ સ્વાગત આપવુ! બસ લાગી પડ્યા અમે એક બેબી ટ્રાન્સ્પોર્ટ ટ્રોલીને સુંદર શણગારી અને એક રથ સમાન ફેરવી કાઢી. નવજાત શિશુને વળી કંઈ ભેટતો આપવી પડે ને ! એટલે બંને એ 20 -20 રુપિયા કાઢ્યા (રેસીડેંસી ના દિવસો માં એટલાજ પરવડે તેમ હતા ! ) અને એક સ્વેટર – ટોપીનો સેટ ખરીદયો. વોર્ડના દ્વારે ફૂગ્ગા ટાંગ્યા અને પાછા કામે વળગ્યા . હવે અમને ઈંતેજાર હતો 12 ના ટકોરા પછી આવનારા પ્રથમ મહેમાનનો કે જેનુ સ્વાગત કરીને અમો પણ અમારી પાર્ટી કરશુ એવુ વિચાર્યુ હતુ.
અમારે હોસ્પીટલમાં લેબરરુમ(પ્રસુતિ કક્ષ ) નવજાત શિશુ વિભાગની બરોબર સામે છે એટલે નવજાત શિશુને તાત્કાલિક સારવાર મળી રહે. બરોબર 11ને 35 મિનિટે લેબર રુમ માંથી કોલ આવ્યો અને બંદા રીસસીટેશન માટે ના સાધનો લઈ દોડ્યા!! મેં પહોંચીને જોયુ તો કોઈ પેશન્ટની ડીલીવરી ન્હોતી થઈ રહી . પ્રસુતિ વિભાગના નાઈટ ડ્યૂટી ના ડોકટરો એ મને માત્ર એપ્રીલ ફૂલ બનાવવા મજાક કરી હતી. એ રાત્રે પ્રસુતિ વિભાગના ગગન ભાઈ ડ્યૂટી પર હતા મને કહે કે યાર આતો પાર્ટી માટે કેક મગાવવી હતી એટલે તમારા લોકોનો ફાળો એકત્રિત કરવા જ તને બોલાવ્યો હતો જો એમજ બોલાવ્યો હોત તો તુ કલાકે આવેત એટલે આ રસ્તો અપનાવ્યો !! વેલ સાથે ડ્યૂટી કરતા ડોક્ટર મિત્રો માં આવો મજાક વ્ય્વહાર તો હોય છે એટલે મેં કેક માટે અમારો ફાળો નોંધવ્યો અને પૂછ્યુ કે હવે ડીલીવરી સાચ્ચે સાચ કયારે થવાની છે તો અમે તૈયાર રહીએ . ગગનભાઈ કહે યાર બે વાગ્યે કદાચ આ બેનને થશે. બિચારી કયારની પીડાતો અનુભવી રહી છે. વેલ સાચુ કહુ તો એ બહેન જેટલી જ પીડા ત્યારે મને થઈ કારણ કે મારે તો શિશુ નુ સ્વાગત બારના ટકોરા પછી જેટલુ જલ્દી બને એટલુ કરવુ હતુ આખરે મિલેનીયમ યરની શરુઆતની જ તો મજા હોય છે. ખેર ઈશ્વર ના હાથની વસ્તુ માં આપણે શું કરી શકીએ ?
11-58 મિનિટે ફરી લેબરરુમના આયાબેન પધાર્યા – સાહેબ બેબી કોલ છે ...! મારી બરોબરની છટકી કે યાર આ શુ મસ્તી સુઝી છે . એટલે ખખડાવવાના ભાવ સાથે હું લેબરરુમમાં પ્રવેશ્યો ! અને જોયુ તો જે બહેનની ડીલીવરી બે વાગ્યે થવાની હતી તેના બાળકનુ માથુ બહાર આવી ચૂક્યુ હતુ અને પ્રસુતિ પૂર્ણ થવાના આરે હતી ! આ એક અચાનક થયેલી ડીલીવરી- precipitated Labour હતી જેના માટે મારા જેટલાજ અચંબિત પ્રસુતિ વિભાગના ડોક્ટરો હતા!! . મેં ઝટપટ બાળકનો કબ્જો સંભાળી તેની શરુઆતી સારવાર કરી શિશુએ સુંદર રુદન કર્યુ અને ઘડીયાળ નો સમય 12-01 બતાવતો હતો. મિલેનીયમ યરના પ્રથમ ટકોરે લક્ષ્મીજી પધાર્યા હતા. લેબરરુમની બારીમાંથી બાહર ફૂટી રહેલા ફટાકડાનો પ્રકાશ લેબરરુમને વધુ પ્રકાશિત કરી રહી હતી. જાણે કે પ્રકૃતિ પણ શિશુને વધાવી રહી હતી ...! અમે સૌ ડોક્ટરો ભાવવિભોર બન્યા અને ઈશ્વરની કરામતને નિહાળી આનંદિત બન્યા. લેબરરુમ માંથી શિશુને હવે વાજતે – ગાજતે શણગારેલી ટ્રોલી માં નવજાત શિશુ વિભાગમાં લઈ જવાનુ હતુ. મેં શિશુની માતાને અભિનંદન આપ્યા અને તેના પિતા પાસે શિશુને પહેરાવવા માટે ઝભલુ લાવ્યા હોય તો આપવા કહ્યુ તો તેની આંખમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યુ ગામથી પહેરે લૂગડે આવેલા છીએ અને પૈસા પણ નથી! વેલ આજે અમારા રાજકુમારી ની સરભરાના અમારા આનંદમાં ગરીબી આડે આવે એ શક્ય ન હતુ તુરંત નવા કપડાનો સેટ પણ અમારા તરફથી આપવામાં આવ્યો અને ત્યારબાદ સ્વેટર વિ. પણ પહેરાવી અને શણગારીત રથમાં ચાલી નીકળ્યા. તાલીઓનો ગડગડાટ – સીટી અને હર્ષોલ્લાસ થી થઈ રહેલા ચિત્કારોને લીધે આજુ બાજુના ત્રણે વોર્ડના દરદી અને સગાવ્હાલા પણ આ આનંદોત્સવને નિહાળી રહયા હતા અને એક નાની રાજકુમારી પર આશીર્વચનોને જાણે ચારે કોરથી ફૂલવર્ષા થઈ રહી હતી! સહુ કોઈ શિશુને જાણે સ્ટેન્ડીંગ અવેશન આપી રહ્યા હતા.
અમારી રાજકુમારીની વધામણી રુપે અમે સહુએ પછી કેક ને ન્યાય આપ્યો અને શિશુના માતા પિતાએ પણ કદ્દાચ એમના જીવનની પ્રથમ કેક ખાધી ! . એ વેળાએ તેમની આંખો માં તરવરતો કૃતજ્ઞતા અને સંતોષનો ભાવ જોઈ અમે ધન્યતા અનુભવી અને જાણે જીવનની સૌથી શાનદાર પાર્ટી માણી હોય તેટલી મજા પડી !! થોડી વારમાં તો ખબરનહી ક્યાંથી પ્રેસ અને મિડીયાકર્મીઓ નુ ધાડુ આવી પહોંચ્યુ અને અમારી રાજકુમારી અને તેનો રથ બીજા દિવસે બધા અખબારો ના ફ્રન્ટ પેજ પર હતી !! અમારા સહુના નામ સહિત એ રાતની એ વાત આખાએ શહેરે માણી હતી.! જોકે વધુ આનંદિત થવાય તેવી વાત અખબારના બીજા પાના પર હતી જેમાં વિવિધ સંસ્થાઓ અને સરકારના મહિલા અને બાળકલ્યાણ તથા અનેક ખાતાઓએ કરેલ આયોજન અનુસાર શહેર માં મિલેનીયમ યરમાં પ્રથમ જન્મેલ શિશુ તરીકે અમારી રાજકુમારી લગભગ ત્રણેક લાખ રુપિયાના ઈનામની હકદાર બની હતી !!! મને રાત્રે ચિંથરે હાલ જોયેલા ગરીબ માબાપ યાદ આવી ગયા!! ખરેખર તેમના ઘરે લક્ષમીજી પધાર્યા હતા!! અમારુ મિલેનીયમ બેબી અમને પણ યાદગાર અનુભવની ભેટ આપી ગયુ જે કદાચ કોઈ પણ પાર્ટી ન આપી શકી હોત.

મૌલિક શાહ
4-10-2009.