સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Wednesday, November 24, 2010

મોટી ઉધરસ (પર્ટયુસીસ) ફરી માથુ ઉંચકી રહ્યો છે. ...


કેટી અને ક્રેગ બંને ખૂબ ખુશ હતા કે ઈશ્વરની મહેરબાનીથી આજે તેમના ઘેર શિશુનું આગમન થયુ હતુ. આ ખુશી કદાચ અન્ય ખુશીની સરખામણીએ ચાર ગણી હતી કારણકે ચાર વખત કસુવાવડ પછી કેટીએ પ્રથમ વખત સંપૂર્ણ ગર્ભાવસ્થા પૂરી કરી અને એક સ્વસ્થ શિશુને જન્મ આપ્યો હતો. આ નાના શિશુને નામ અપાયુ કેલી ...! કેલીની કિલકારીઓ આ ઘર ને ફરી ગુંજાવી રહી હતી. આ શિશુનું આગમન ફરી એક વાર ઘરને ઘર બનાવી રહ્યુ હતુ.

35 દિવસ સુધી કેટી ને કોઈજ તકલીફ ન હતી. પછી એક દિવસ કેલીને મામૂલી ખાંસી થઈ હોય તેવુ લાગ્યુ. ક્રેગ અને કેટી તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યુકે આ માત્ર સામાન્ય શરદી જેવુ છે. અને કેલી પણ એ વખતે મજાથી રમતી લાગતી હતી. પણ ઉધરસની તકલીફ ચાલુ રહી અને તે પછી કેટલાક દિવસો ગયા. કેલી ને ફરી ડોક્ટરને દેખાડવા લઈ જવાના દિવસે અચાનક ખાંસી ખૂબ વધી અને કેટી અને ક્રેગ કેલીને લઈ ને હોસ્પીટલ દોડી ગયા. કેલીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અને હોસ્પીટલમાં વધુ સારવાર થાય તે પહેલા કેલીનો શ્વાસ થંભી ગયો.

કેલીની મેડીકલ તપાસ દ્વારા જાણવા મળ્યુ કે કેલીને મોટી ઉધરસ(pertussis)નો રોગ લાગુ પડ્યો હતો. આ રોગ સામાન્ય રીતે પર્ટુયુસીસ નો રોગ બોર્ટાડેલ પર્ટ્યુસીસ નામક બેક્ટેરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે. બાળકોમાં આરોગ સામાન્ય રીતે 3(ત્રણ)માસથી લઈને 5 (પાંચ) વર્ષ સુધી જોવા મળે છે. પરંતુ હમણા આ રોગના કેટલાક કેસો 10 વર્ષથી મોટામાં પણ જોવા મળે છે. આ રોગમાં પ્રારંભિક લક્ષણોમાં શરદી –સળેખમ અને હળવો તાવ હોય છે. આ સાથે ખાંસી શરુ થાય છે જે ધીમે ધીમે વધતી જાય છે. આ ખાંસી સામાન્ય રીતે કંઈ પણ ખાવાની સાથે કે રમતમાં ઝડપથી શ્વાસ લેવા સાથે પણ શરુ થઈ જાય છે અને પછી ખૂબ લાંબો સમય સુધી બાળક ખાંસતુ રહે છે તેનો ચહેરો લાલઘુમ થઈ જાય છે અને તેને શ્વાસમાં તકલીફ પણ પડે છે. મોટાભાગના કિસ્સામાં બાળક ખાંસતા ખાંસતા એક ખાસ પ્રકારનો ઉંડો શ્વાસ લે છે જે આ રોગનુ ખાસ લક્ષણ છે તેને અંગ્રેજી માં વ્હુપ (whoop) કહેવાય છે આથી આ રોગને અંગ્રેજીમાં વ્હુપીંગ કફ (whooping cough)તરીકે ઓળખાય છે. આ રોગમાં ખાંસીની તકલીફ લાંબો સમય ચાલતી હોવાથી તેને ગુજરાતીમાં મોટી ઉધરસ તરીકે ઓળખાય છે. જો બાળક નાની વયનુ હોય અને રોગની ગંભીરતા વધુ હોય તો ઘણી વાર દાખલ પણ કરવુ પડે કારણકે રોગની અન્ય તકલીફો જેવીકે ન્યુમોનીયા- મગજમાં સોજો – મગજમાં લોહીની ગાંઠ થવી – નિર્જલન વિ. શિશુ માટે જાનલેવા સાબીત થતુ હોય છે.

આ રોગ કેલીને ખૂબ નાની ઉંમરે થયો અને આ જ કારણે તે જાનલેવા સાબીત થયો. 1940 માં આ રોગ સામેનું અસરકારક રસીકરણ ડી.પી.ટી. ની રસી રુપે આવ્યા પછી મોટી ઉધરસના કેસમાં ખૂબ ઘટાડો જોવા મળેલ હતો અને આ પછી આવા કેસ ભાગ્યેજ જોવા મળતા હતા. અમેરીકામાં 2009ની સાલમાં મોટી ઉધરસના 17000 કેસ જોવા મળેલા. આમ ફરી એક વાર આ રોગના કેસ વધી રહેલા જોવા મળે છે. મોટાભાગના આ કેસ 10 થી 18 વર્ષના બાળકો અને વયસ્કોમાં જોવા મળેલા. આ ઉંમર ના બાળકોને મોટાભાગે સામાન્ય બિમારી અને થોડા દિવસની ખાંસી થી વધુ તકલીફ નથી જોવા મળતી. પરંતુ તેમનાથી જો છ માસથી નાના બાળકોને જો આ રોગનો ચેપ લાગે તો તે ઘણો ગંભીર બની શકે.

ભારતમાં આ માટેનું રસીકરણ DPT (ત્રિગુણી ) દોઢ માસે – અઢી માસે – સાડા ત્રણ માસે અને બુસ્ટર - દોઢ વર્ષ અને પાંચ વર્ષ ઉંમરે અપાય છે. પરંતુ હવે 10-18 વર્ષના બાળકોને પણ પર્ટ્યુસીસનું રસીકરણ આપવાની ભલામણ કરાઈ છે. દસ વર્ષે અને પંદર વર્ષે જ્યારે અગાઉ માત્ર ટીટેનસ (ધનુરની રસી) (T.T) વપરાતી ત્યાં હવે માત્ર ધનુરને બદલે ડીપ્થેરીયા અને પર્ટ્યુસીસ ની રસી પણ જરુરી છે તેવી ભલામણ વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ એ કરી છે. આ રસીઓ માં ડીપ્થેરીયા અને પર્ટુય્સીસના ભાગોનુ પ્રમાણ બાળકો માટેની ડી.પીટી (D.T.wP) થી ઘણુ ઓછુ હોય છે જ્યારે ટીટેનસ ના ભાગનુ પ્રમાણ મૂળ રસી જેટલુ જ હોય છે. આવી રસી ટીડી.એપી (Tdap)રસી તરીકે ઓળખાય છે. ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા હાલ આ રસી બાળકના માતા-પિતાની સાથે ચર્ચા કરીને 10 થી 12 વર્ષની ઉંમરે અપાવવાની ભલામણ કરાઈ છે. આ બાળકોને થતા રોગના કેસ ઘટે તો કદાચ અન્ય નાની વયના શિશુને પણ ચેપ લાગવાની સંભાવના ઘટે.

તસ્વીર સૌજન્ય - http://abcnews.go.comઆપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)