સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Sunday, March 20, 2011

વિશ્વની સૌપ્રથમ માતૃત્વ અને શિશુસંભાળ તથા રસીકરણ અંગેની ગુજરાતી વેબ નું વિમોચન્.


સહર્ષ જણાવવાનું કે સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં મારા દ્વારા રચિત
1.       માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ – gujmom.com
2.       બાળકોનાં રસીકરણ અંગેની વેબ સાઈટ – bal-rasikaran.com
3.       બાળકોનું રસીકરણ પુસ્તક
ના વિમોચન નો પ્રસંગ જામનગર ખાતે તા. 19-3-2011 ના યોજેલ જેમાં પ્રોફેસર વસુબેન ત્રિવેદી ના વરદ હસ્તે વેબ સાઈટ અને પુસ્તકો રીલીઝ થયા.



gujmom.com વિશે
સગર્ભાવસ્થાથી જ અનેક સપનાઓથી અંજાયેલ આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઉમટી ઉઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરુર પડે છે માર્ગદર્શક મિત્રો- તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની...! પરંતુ આવા મિત્રો હોવાનું સદભાગ્ય દરેક વ્યક્તિને સાંપડતુ નથી. વળી તબીબ મિત્રો પોતાના વ્યસ્ત સમયમાં દરેક નાની બાબતોનું ઝીણવટભર્યુ માર્ગદર્શન આપી શક્વાને અસમર્થ હોય છે. વૈજ્ઞાનિક સાહિત્યની સદાય ઉણપ રહી છે ખાસ કરીને આપણી ભાષામાં...! અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય સમાજ્ના દરેક વર્ગને લાગુ પડે તેવુ હોતુ નથી અને તેમાંની ઘણી ખરી માહિતી પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર હોય છે આથી ભારતીય પરિવારોને ઘણી સલાહ અનુચિત પણ લાગે છે. ઘણી વેબ સાઈટ પરની માહિતી ઘણી વખત પ્રાયોજકનું  વ્યવાસાયિક હિત જાળવવા વૈજ્ઞાનિક માહિતી સાથે ચેડા પણ કરે છે. આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્ત્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરુરી જ્ઞાન પીરસે તેની અત્યંત જરુરિયાત અનુભવાઈ રહી છે. આ જરુરીયાત ને સંતોષવા મારા પ્રથમ પુસ્તક ´ માતૃત્વની કેડી નું સર્જન કર્યુ અને તેની અપાર સફળતા પછી દૂર-સૂદૂર ના લોકોને ઘેર બેઠા વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડીયો તથા વિડીયો સાથે આ માહિતી આપવાના હેતુ થી આ વેબ સાઈટ નું સર્જન થયુ છે.
વેબ સાઈટમાં  સગર્ભાવસ્થાની વિવિધ સારસંભાળ(આહાર-યોગ-મેડીકલ તપાસ- ભયજનક અવસ્થાઓ)- ડીલીવરી(સીઝેરીયન/નોર્મલ) વિશે, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ માટે ની વિવિધ તૈયારી (ક્પડા- સાધનો–રમક્ડા-જરુરી ઘર વપરાશની ચીજો) , નવજાત શિશુ માટેની સંભાળ (સ્તન પાન-ચેપથી બચાવ-કાંગારુ મધર કેર- નવડાવવા અને માલિશ વિશે ), નિઃસંતાન દંપતિ માટે સૂચનો જેવા અનેક વિવિધ વિભાગ ખૂબ સુંદર રીતે અપાયેલ છે. વળી જો વાચક મિત્ર ને કોઈ પ્રશ્ન હોય તો તે પૂછવા માટે વિભાગ અને ડીલીવરીની સંભવિત તારીખ ગણતરી માટે ખાસ ગેઝેટ પણ છે.
bal-rasikaran.com વિશે
 વૈજ્ઞાનિક સંશોધનોની હરણફાળે રક્ષણ આપતી અનેક રસીઓ શોધી કાઢી છે પરંતુ આ લિસ્ટ લાંબુ થતુ ગયુ તેમ માતા-પિતાને માટે મૂંઝવણો પણ વધતી ચાલી છે. આવા સમયે બાળરોગ ચિકિત્સકો અને રસીકરણ કરતા તમામ ડોક્ટર મિત્રો પાસે માતા-પિતા એક સાચી સલાહની અપેક્ષા રાખે છે. પરંતુ દરેક રસીકરણ અંગે અનેક પાસાઓ જેમકે બાળકને તે રોગ થવાનુ જોખમ, ખર્ચનુ આર્થિક પાસુ, રસીની અસરકારકતા અને રસી વિશે હાલના તબક્કે ઉપલ્બ્ધ વૈજ્ઞાનિક સલાહ વિ. ને વિસ્તૃત રીતે સમજાવવુ સમયની વ્યસ્તતાને લીધે લગભગ અશક્ય હોય છે. રસીકરણ વિશે નિષ્પક્ષ અને સાચી વૈજ્ઞાનિક માહિતી આપતા પુસ્તકો અંગ્રેજી માં અને મેડીકલ ભાષા માં હોવાથી આપણે દર્દીઓને આવુ કોઈ સાહિત્ય આપી શકતા નથી. જેથી  માતા-પિતા ને પોતાને ઉદભવતા પ્રશ્નો નુ નિરાકરણ થતુ નથી. આમ આ સંદર્ભે સરળ શબ્દોમાં કામની વાત કરે તેવા લોક ભોગ્ય સાહિત્ય ની ખૂબ તાતી જરુરીયાત મને જણાય છે.
આ રસીકરણ અંગેની વેબસાઈટ તમામ નવી અને જૂની રસીઓ – તેમનાથી કયા રોગ અટકાવી શકાય – તે રોગના લક્ષણો – રસી વિશે ની વિગતો – માતાપિતાને ધ્યાનમાં લેવાની બાબતો – રસીકરણ નો દુઃખાવો કેમ ઘટાડી શકાય રસીઓના શોધકો વિશે – રસીકરણ વિશેના પ્રશ્નો અને વિવિધ દેશો ના રસીકરણ પત્રકો જેવા પાસા આવરીલે છે. 
વેબસાઈટની ખાસ વિશેષતા તેમાં અપાયેલ રસીકરણ કેલેંડર છે કે જેમાં માત્ર બાળકની માત્ર જન્મ તારીખ દાખલ કરતાજ તેને જન્મ થી 15 વર્ષની ઉંમર સુધી દેવી પડતી તમામ રસીઓની તારીખ આવી જાય છે. જે માતા પિતાને ખૂબ ઉપયોગી થશે.
 આ વેબસાઈટ મુખ્યત્વે અનેક તટસ્થ વૈજ્ઞાનિક પુસ્તકો, ભારત સરકારશ્રી દ્વારા સૂચિત રસીકરણ માર્ગ દર્શિકાઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા પ્રકાશિત સાહિત્યના આધારે સંકલિત માહિતી છે જેને મેં માતા પિતાના દ્રષ્ટિકોણને અનુલક્ષી પીરસી છે.રસીકરણ વિશે અનેક ઉપયોગી વિડીયો અને અનેક જ્ઞાનવર્ધક વિભાગો છે. 


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, March 10, 2011

ભણવાની ઋતુ આવી... (the exam season arrived...)




મિત્રો

ધોરણ 10 અને 12 ની આવી રહેલી પરિક્ષાના વાતાવરણમાં દરેક વિદ્યાર્થી મિત્રોની હાલત કદાચ આ ચિત્રની મીણબત્તી જેવી જ હશે પણ યાદ રાખજો મિત્રો ... ડર કે આગે જીત હૈ.... !!!

 વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને સમર્પિત કરુ છુ આ વિડીયો સોંગ ...




ભણવાની ઋતુ આવી.... 

ગીતકાર - ડો. મુકુલ ચોકસી
સંગીત - મેહુલ સુરતી
ગાયક - અમન લેખડીયા અને વૃંદ
વિડીયો એડીટ - ડો. મૌલિક શાહ




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. -

 ડો.મૌલિક શાહ 

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ
 જામનગર (ગુજરાત)

Wednesday, March 2, 2011

બ્લોગ જગતના દાદાની “દાદાગીરી “ …!


આંગણવાડી ના કાર્યકરોને પ્રણવ મુખરજીએ આ બજેટમાં ખરેખર રાજી કર્યા એ પણ માત્ર એમના હકનું આપીને...! ઘણા મિત્રોને કદાચ એ ખબર નહિ હોય કે આંગણવાડી ભલા કઈ બલા છે ? તો તેમની જાણકારી માટે કહેવાનું કે - આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટીક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે વિટામિન સી અને આર્યન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે.!! બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ  બાલભોગ્  નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે.
આવા આંગણવાડી કાર્યકરોને તેમની સુંદર કાર્યવાહી માટે જો પ્રોત્સાહિત કરવામાં આવે તો જ તેમનું ભગીરથ કામ તેમના નિમ્ન વેતન ( 1000 રુ – 2009 માં 1500 રુ -2010 માં હવે 2011/12 માં 3000 રુ ) માં પણ કરવા ઉત્સાહ રહે.
આ વર્કર બહેનો વિશે મેં એક આર્ટીકલ - નાનુ નામ મોટા કામ ...!  તા. 17-7-2009 ના રોજ મારા બ્લોગ પર લખેલ (http://matrutvanikediae.blogspot.com/2009/07/blog-post_17.html) આ લેખને બ્લોગના અનેક વાચકમિત્રોએ પસંદ કર્યો અને પોતાની લાગણી કોમેન્ટ લખી વ્યક્ત કરી. અમેરીકા નિવાસી અને બ્લોગ જગતના દાદા એવા શ્રી સુરેશ ભાઈ જાનીને એટલો હર્ષ થયો કે તેમણે લેખના નાયિકા બહેનને માટે અને આંગણવાડી માટે એક રકમ પુરસ્કાર રુપે આપવા મને વિનંતી કરી અને ખાસ આગ્રહ કર્યો કે આ કાર્યમાં તેમનુ નામ ક્યાંય જાહેર ન કરવુ..!  મારી મૂંઝવણ વધી પડી કારણકે વર્ણવેલ પ્રસંગ સમાન ઘટના લગભગ ઘણા ખરા આંગણવાડી વર્કરના કાર્યમાં બનતી જ હોય છે. માત્ર જામનગરમાં જ 1500 આંગણવાડી કાર્યરત છે. એમાંથી માત્ર એકને સન્માનિત કરીએ તો એ યોગ્ય નથી. અમે આંગણવાડીના કાર્યક્ષમ ઉપરી ઓફીસરોને મળ્યા સદભાગ્યે પારુલબેન અને ઈલાબા જેવા ફરજ પરસ્ત ઓફિસરો એ આ માટે વિચાર્યુ અને ગત વર્ષની વિવિધ આંગણવાડી સેવાકીય પ્રવૃતિ અને કાર્યવાહીના આધારે એક આંતરીક મૂલ્યાંકન કર્યુ . અંદાજે 30 દિવસને અંતે અમે કુલ છ આંગણવાડીને પસંદ કરી અને તેમને ફરી એકવાર આઈ.એમ.એન.સી.આઈ  પ્રોગ્રામ કે જેને આધારે નવજાત શિશુ અને બાળકોની માંદગી માં સારવાર અપાય છે તે માટેના જ્ઞાનની ચકાસણી કરાઈ.!! તમામ છ આંગણવાડી વર્કરો કસોટીમાં ખરા ઉતર્યા.! અમો એ સુરેશ ભાઈ ને જાણ કરી અને એમણે આ તમામ આંગણ વાડી વર્કરોને માટે ચેક મોકલી આપ્યા. આંગણ વાડીના ઈતિહાસમાં કદાચ પ્રથમ વાર એક પર વતનથી દૂરના માનવી એ વતનના આ આરોગ્ય રક્ષકોને સન્માન્યા છે. ખૂબ જ નાના મહેનતાણામાં પણ ફરજ પર દિલથી તત્પરતા દર્શાવતા આ બહેનો ને હર્ષ થાય તેવુ આ સન્માન એમણે પહેલીવાર થયુ . (બ્લોગ આર્ટીકલ- બ્લોગથી થયું એક શુભકામ...) 2009ના અંતે આ કાર્યક્રમ પ્રથમ વાર થયો અને સુરેશભાઈ ની ખાસ સૂચનાથી આ આર્ટીકલમાં મેં તેમની આ સખાવત ગુપ્ત રાખી. પણ તેમણે આ કાર્ય પ્રતિવર્ષ કરવા તત્પરતા દેખાડી.
હવે વર્ષ આવ્યુ 2010નું અંતે અમો એ ફરી છ આંગણ વાડી વર્કર ને પસંદ કરી ને સુરેશ ભાઈ ને જાણ કરી અને અમારો આનંદ બમણો થયો કે તેઓ આ વખતે ભારતમાં જ હતા. અમારા ખાસ આગ્રહને માન આપી તેઓ જામનગર પધાર્યા. તેમની હાજરીમાં છ આંગણ વાડી વર્કરો ને પ્રોત્સાહિત કરાયા. જિલ્લા પંચાયત સભાગૃહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસોયા સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં આ કાર્યક્રમ દબદબા ભેર સંપન્ન થયો. આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા શ્રી સુરેશ ભાઈનું શાલ ઓઢાડી સન્માન કરાયુ. સમારોહ માં સુરેશભાઈ એ ખૂબ ભાવવિભોર થઈ વાત કરીકે એમની જીંદગીમાં જ્યારે એમના પૌત્રોની સાથે સમય ગાળ્યો અને અને તેમના ઉછેરમાં માનો રોલ જોયો ત્યારે તેમને આખી જિંદગીભર આજીવિકા રળવાનું કામ વધુ સહેલુ લાગ્યુ. કદાચ એટલે જ માતા સમાન કાર્ય કરતી આ આંગણ વાડી વર્કરો ને બિરદાવવાનું એમને વધુ ગમ્યુ. અને આજીવન પ્રતિવર્ષ આ કાર્ય કરવાનું બીડુ ઉઠાવી લીધુ છે.
આ લેખમાં પણ પોતાનું નામ લખવાની શ્રી સુરેશ ભાઈએ મનાઈ કરી છે છતા પણ મને લાગે છે વધુ વખત એ ઢાંકી રાખવુ શક્ય નથી. અને કદાચ બ્લોગ જગતના અસંખ્ય વાચકોને આ સત્કાર્ય ની જાણ થવી મને જરુરી લાગે છે. વળી છેવાડાના આ અંગણ વાડીને યોગ્ય રીતે જો કાર્યરત રાખી શકીશુ તોજ ગુજરાત ની આવતીકાલ વાઈબ્રન્ટ બનશે. આ વર્ષે અમો કુપોષિત બાળકો માટે ખાસ કાર્ય કરવા ઈચ્છીએ છીએ અને આ માટે આપ સૌની ભાગીદારી જરુરી છે.    


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ
 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)