સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Monday, December 28, 2009

મમ્મીની મલકાતી દુનિયા...!

મિત્રો આજે વાત કરવાની છે એક જીવન સંધ્યામાં પણ દૈદીપ્યમાન એવા મમ્મીની !! એમની ઉંમર હાલ છે 78 વર્ષની ! બાળપણ માં એક સુશિક્ષિત પરિવારના મોટા સંતાન તરીકે ભણતરમાંથી કે એક ગૃહિણી તરીકે સંસાર ચલાવવામાંથી કે એક અંગ્રેજી શિક્ષક તરીકે બાળકોને ભણાવવામાંથી એમને ક્યારેય પોતાના માટે સમય ન મળ્યો. પણ આ બા રીટાયર થયા અને શરુ થઈ પોતાના શોખ માટે ની અને એક નિજાનંદની દુનિયા ...!!73 વર્ષની વયે નાની પુત્રી એ પિંછી પકડાવી અને બાએ ચિત્રોમાં રંગ પૂર્યા અને એક નવુ ક્ષિતિજ ખૂલી ગયુ .!! પણ કેનવાસની દુનિયામાંથી એક દિન અચાનક ઘરના નકામા ગાભા –ચિંથરા અને વેસ્ટ મટીરીયલ નો ઉપયોગ કરી તેમણે એક ઢિંગલી બનાવી. બસ બાને એક નવા શોખની બારી ખુલી અને એમના કલ્પનાશીલ મનને જાણે કે પાંખો આવી બસ પછી તો બાને ઉઠતા-બેસતા ખાતા-પીતા પોતાની નવી ઢિંગલી ના જ વિચારો આવે. આઈસ્ક્રીમની સ્ટીકમાં એમને ઢિંગલીની છત્રી દેખાય તો થર્મોકોલના નાના મણકામાંથી ફુગ્ગાવાળાની ઢિંગલીના ફૂગ્ગા બનાવવાનુ સૂજી આવે ...! અને સર્જાઈ એક અનોખી શ્રેણી
જેમાં લોકસાહિત્યના પાત્રો થી લઈ મોર્ડન વિદેશી ફેશન શોની થીમ પણ હતી. મહાભારતના પાત્રો હોય કે લીયોનર્ડો ના ચિત્રોના અમર પાત્રો બાએ એને એટલીજ સાહજીકતા થી ન્યાય આપ્યો છે. એમના સ્ત્રી પાત્રોમાં કૃષ્ણભક્ત રાધા – અરેબીયન નાઈટસ્ની મોર્જીના –વાસણવાળી – સીંડ્રેલા- બાર્બી – ખેડુત સ્રી – નર્સ – રાસ રમતી ગોવાલણ – ચાઈનીઝ સ્ત્રી – પ્રેમમાં પડેલી છોકરી – સ્વેટર ગૂંથતી માતા જેવુ વૈવિધ્ય છે તો પુરુષ પાત્રો માં નાળિયેર વાળો –ચોકીદાર – ફરસા સાથે પરશુરામ – નારદજી – સાપ રમાડતો મદારી - જીવરામ જોષીના પાત્રો છકો મકો – નેતા વિ. છે. કુલ 200 થી વધુ આ ઢિંગલીઓમાં ઉડીને આંખે વળગે તેવી વાત છે બાની ચીવટતા અને પાત્રને લગતી નાનામાં નાની વસ્તુનુ ઝીણવટ ભર્યુ સર્જન. ઘણી ઢિંગલીઓમાં વિવિધ ભાવોનુ સર્જન કરવા એમણે લગાવેલ ‘ આઈડીયા’ પણ કમાલ છે ...!
આ બાનુ નામ છે શ્રીમતી માલવિકા બેન આર શાહ. એમણે અંગ્રેજી વિષય સાથે બી.એ.બીએડ કરેલુ છે . માલવિકાબેનની કલા યાત્રા નિહાળવાનો અને વાર્તાલાપનો સુંદર મોકો હાલ યોજાયેલા તેમના પ્રદર્શન – મમ્મીની મલકાતી દુનિયા દરમ્યાન મળ્યો . આશા રાખુ કે આપ સૌને પણ આ કલારસિક અને સર્જક બાનો પરીચય મળે ...!
બાનુ સરનામુ -
શ્રીમતી માલવિકા બેન આર શાહ
34 –રાજસુયા બંગ્લોઝ, રામદેવનગર, અમદાવાદ -15. (ગુજરાત )

- By : Dr. Maulik Shah for matrutvanikediae.blogspot.com

Tuesday, December 22, 2009

music therapy 2

મ્યુઝિક થેરાપી શ્રુંખલા ના બીજા ભાગમાં ચર્ચા કરીએ આજે મ્યુઝિક થેરાપી કેવી રીતે આપવી તે વિશે...
પ્રસ્તુત છે ....MUSIC THERAPY DEMO PIECE...

વધુ મોટુ કરી વાંચવા લેખ-ચિત્ર પર ક્લિક કરો....
to read enlarged HTML version click on picture.
વધુ મોટુ કરી વાંચવા લેખ-ચિત્ર પર ક્લિક કરો....
to read enlarged HTML version click on picture.


વધુ મોટુ કરી વાંચવા લેખ-ચિત્ર પર ક્લિક કરો....
to read enlarged HTML version click on picture.


વધુ મોટુ કરી વાંચવા લેખ-ચિત્ર પર ક્લિક કરો....
to read enlarged HTML version click on picture.

વધુ મોટુ કરી વાંચવા લેખ-ચિત્ર પર ક્લિક કરો....
to read enlarged HTML version click on picture.Wednesday, December 2, 2009

બાળ-સારવારમાં આવતી રમૂજી પળૉ...


મિત્રો
બાળકોની સારવાર અમારે ખૂબ ગંભીરતાપૂર્વક કરવાની હોય છે પરંતુ આ દરમ્યાન કયારેક ખૂબ રમૂજી પ્રસંગો પણ બનતા હોય છે . આવાજ બે પ્રસંગો આજે રજૂ કરુ છુ આશા છે આપને પસંદ આવશે... !1) શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્ય્રાર્થી ઓને તપાસવા માટે જવાનુ થતુ. આ કાર્યક્રમ માં એક સૂત્રતા જળવાઈ રહે અને બાળકોની તપાસમાં કોઈ મુદ્દો રહી ન જાય તે હેતુથી એક પ્રશ્ન સૂચિ વાળુ કાર્ડ પણ સાથે આપવામાં આવતુ. જેમાં બાળક્ને તપાસ અર્થે પૂછવાના પ્રશ્નોનુ લિસ્ટ રહેતુ અને સાથેના ખાલી ખાના માં ‘હા’ અથવા ‘ના’ લખવાની રહેતી. દા.ત. બાળકને સંડાસમાં કૃમિ (worms) આવે છે..રાત્રે બરોબર દેખાય છે ? વિ. જેવા સવાલો. અને જે બાળકોમાં તક્લીફ જણાય તેને એ માટે સારવાર આપવાની રહેતી. મારી હાજરી માં એક વખત અમારા ઈન્ટર્ન ડોક્ટરો માંનો એક બિહારી મિત્ર કે જેને ગુજરાતી બોલવાના થોડા ફાંફા પડતા એ પણ આ પ્રશ્ન સૂચિ પોતાની રીતે પૂરી કરતો !!
એ દરમ્યાન એક બાળક ને તપાસ માટે લાવવામાં આવ્યો અને અમારા બિહારી મિત્રએ તેને સવાલો પૂછવાનુ ચાલુ કર્યુ અને આખરે તે પેલા સવાલ પર આવ્યો કે બાળકને સંડાસમાં કૃમિ (worms) આવે છે પણ ભાષા તકલીફ ને લીધે એ કૃમિ શબ્દનું યોગ્ય ભાષાંતર ન વિચારી શક્યો. પણ પ્રયત્ન કરી ને તેણે જેમ તેમ પૂછ્યુ “બેટા, સંડાસ માં જનાવર આવે છે ?” બસ થોડી મિનિટ શાંતિ છવાઈ ગઈ તપાસ અર્થે લવાયેલ બાળક કંઈ ઉંડા વિચારમાં ખોવાઈ ગયો!! થોડી મિનિટ પછી એણે ખૂબ ગંભીરતા સાથે કહ્યુ “સાહેબ , એ તો કોઈ દહાડો જો ભૂલ થી આંક્ડીયો દેવાનુ રહી ગયુ હોય તો કૂતરા આવે છે .....!!! “

2) એક દરબાર દંપતિ ના ઘેર મોટી ઉમરે પારણુ બંધાયુ. અને ‘ખોટનો દીકરો’ એટલે મા-બાપ તરીકે બિચારા ખૂબ ચિંતા કરી મૂકે . નાના બાળકને કંઈ પણ અજૂગતુ લાગે કે બંને દોડીને ગમે ત્યારે હોસ્પિટલ દોડી આવે અને હાંફળા-ફાંફળા થઈ જાય. મોટા ભાગના કિસ્સામાં બાળક સાજુ નરવુ જ હોય માત્ર ચિંતાને લીધે સામાન્ય શારીરીક ફેરફારો ને પણ ખૂબ ગંભીરતા થી દેખાડવા પહોંચી જતા. વિકાસ પામતા નાના બાળકોમાં કયારેક કપાળ કે માથાનો ભાગ અન્ય ભાગ કરતા થોડો વધુ ગરમ લાગતો હોવો એક સામાન્ય ઘટના ગણી શકાય, જો શરીરનુ તાપમાન એ વખતે સામાન્ય રેકોર્ડ થાય. આ બાળકને પણ એકવાર કપાળ ગરમ લાગવાથી તપાસ અર્થે લાવવામાં આવ્યુ . તપાસમાં બાળક નોર્મલ જણાયુ એટલે ઘેર મોકલી ધ્યાન રાખવા અને તાવ આવે તો આવવા કહ્યુ. બીજે દિવસે ફરી એજ ઘટનાનુ પુનરાવર્તન થયુ. ત્રીજે અને ચોથે દિવસે પણ ફરી બન્યુ.. દરેક વખતે ફરજ પરનો ડોકટર શાંતિ થી સમજાવે તો પણ આ ક્રિયાનુ પુનરાવર્તન થયે રાખે અને તે પણ ખૂબ ચિંતા સાથે ... હવે આ દંપતિ ને આ એક નોર્મલ શારીરીક – દેહધાર્મિક ક્રિયા(physilogy) છે તે સમજાવવાનુ મારા ભાગે આવ્યુ. પાંચમા દિવસે જ્યારે ફરી એજ સવાલ સાથે માતા-પિતા આવ્યા ત્યારે મેં નિરાતે ફરી બાળક તપાસ્યુ અને બધી પૂછ્પરછ કરી. થર્મોમીટર નોર્મલ તાપમાન બતાવે ને દરબાર દંપતિ બિચારા ચિંતા કરી ને દુઃખી થાય!! મેં ખૂબ ગંભીરતાપૂર્વક પૂછ્યુ ઘરમાં કોઈ ગરમ મગજનુ છે ? બસ પછીની દસ મિનિટ એ બહેને ભોળા ભાવે દરબાર પરિવારની યશો ગાથા અને ગુસ્સા ગાથા કરી !!! પછી મેં કહ્યુ “ હવે બરોબર છે, ઘરમાં જો આટલા બધા ગરમ મગજ ના હોય તો બાળક્ને વારસામાં આવેજ ને “ !!! બંને માતા- પિતા આ વાત સાથે સહમત થઈ ગયા. એમને ખૂબ શાંતિ થઈ. અને પછી મેં સમજાવ્યુ કે “ બાપુ મગજ ગરમ તો દરબાર છે તો રહેવાનુ જ છે હવે જો ડીલ (શરીર ) ધગે તો ચિંતા કરજો” !! અને બતાવવા આવજો . બસ પછી બાપુ ખરેખર તાવ આવે તો જ બતાવવા આવતા. અને જ્યારે મળે તો કહે કે “સાહેબ દરબારોને તમે એક જ ડોકટર નિદાન કરી શકો છો...!! “

Monday, November 23, 2009

MUSIC THERAPY - 1

મિત્રો
સંગીત એક મહાન કલા જ નહિ પણ સંજીવની છે અને સંગીતના ઉપયોગથી કોઈપણ મનુષ્યને શાંતિ અને આરામ આપી શકાય છે અને ગર્ભસ્થ શિશુ કે નવજાત શિશુ પણ આમાંથી બાકાત નથી. પૌરાણિક કાળની મહાભારતની વાતમાં અભિમન્યુ જ્યારે માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે પણ તેણે સાંભળેલ યુધ્ધ્કલા નો તેણે ઉપયોગ સમયાંતરે કર્યો અને અમર થયો. આ વાત આડકતરી રીતે મ્યુઝિક થેરાપીના વિજ્ઞાનને સમર્થન કરે છે. હાલના સમયમાં આ વિષય પર ઘણુ સંશોધન થયુ છે અને હવેથી કુલ ત્રણ લેખની શ્રુંખલામાં હું પ્રયાસ કરીશ કે આ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક બેકગ્રાઉંડ અને મજાની વાતો રજૂ કરુ...

લેખ પર ક્લિક કરો અને વધુ મોટુ html ચિત્ર વાંચો.
please click on the picture and read larger HTML VERSION.

હવે માણો આ સુંદર વૈજ્ઞાનિક વિડીયો જે આપના મનમાં મ્યુઝિક થેરાપી વિશે વધુ ઉત્કંઠા ભરી દેશે.
Monday, November 16, 2009

happy CHILDREN'S DAY


બાળ દિન એટલે કે 14 નવેમ્બર પણ મારે તો 365 દિન બાળદિન છે(બાળકોના ડોકટર છુ ને ભાઈ) અને એટલે હું આજે પણ બાળદિન નિમિતે કંઈ લખુ તો કદાચ દરગુજર કરશો. આ 14 નવેમ્બર શનિવારે કેટલાક બાળ આરોગ્યને લગતા અગત્યના કાર્યોમાં વ્યસ્ત હોઈ કંઈ કરી ન શક્યો પણ આજે માત્ર એક વિડીયો અસલી બાળકોના ભારત વિશે અને એક યુનિસેફ ની અપીલ મૂકૂ છુ આશા છે બાળકોના ઉચ્ચ ભવિષ્યની દિશામાં મને તમારો અમૂલ્ય સાથ મળતો રહેશે...!Wednesday, November 4, 2009

મિલેનીયમ બેબી


વાત છે 31 ડીસેમ્બર 1999 ના દિવસની... ચારેકોર ચર્ચા હતી આવનાર વર્ષ 2000 ની ..! અને મિલેનીયમ યર તરીકે બહુમાન પામીને આ વર્ષ કંઈ અલગ જ રીતે લોકજીભે ચડેલુ હતુ. અખબારો માં જ્યોતિષ કોલમ થી ગોસીપ કોલમ અને પેજ થ્રી પર બધે આવનાર વર્ષ અને તેના સ્વાગતની પાર્ટી વિશે ની ભરમાર હતી. સામાન્ય રીતે શિયાળાની સર્દ ગણાતી એ 31 ડીસેમ્બરની રાત ખરેખર ગરમા ગરમ બની જાય તેવી અવનવી થીમ વાળી પાર્ટીની જાહેરાતોથી શહેરની બધી હોટલો ચમકતી હતી. જોકે આજે 31 ડીસેમ્બર છે તેની જાણ મને સવારે નવજાત શિશુ વિભાગમાં દર્દી તપાસી ને કેસ પેપરમાં તારીખ લખતી વખતે જ થઈ હતી!! આમ પણ નવજાત શિશુ વિભાગમાં જુનિયર રેસીડેન્ટ માટે તો બધી ઋતુ અને બધા દિન સરખા હોય છે. ડ્યુટી ડે અને નાઈટ પછી આજે મારો ઓફ છે કે નહી એટલુ જ યાદ રહેતુ હોય છે.! ખેર તે દિવસે સવારે જ નાસ્તો કરતી વખતે જ્યારે ડ્યૂટી લિસ્ટ બનાવાઈ રહ્યુ હતુ ત્યારે મિત્રોએ મને કેવી હળવી રીતે આજની ડ્યૂટીમાં મને ફીટ કરી દીધો તેનુ ભાન પણ એ પછી થી થયુ!! જોકે કોઈ એકને ડ્યૂટી પર રાખી જલસા મારવા જવુ આમતો અમારી ટોળકીની પરંપરા ન હતી પરંતુ શું થાય નવજાત શિશુ વિભાગની પરિસ્થિતિ જ કંઈ એવી હોય છે કે એક નુ બલિદાન ન હોય તો બધાને જીવતદાન ન મળે ...!
ડયૂટી ની એ રાત્રિએ હું વોર્ડ પર પહોચ્યો ત્યારે મારી સાથે મારી સીનીયર જીગીષા ની પણ ડ્યૂટી હતી. વોર્ડ માં દર્દીની સખ્યા પણ રોજીંદાથી થોડી ઓછી હતી અને બધા દર્દી ની હાલત સ્થિર હતી. એટલે હુંને જીગીષા વાતે વળગ્યા બંને ને થોડો ઘણો 31 ડીસેમ્બર – મિલિનીયમ નાઈટ ચૂકી જવાનો રંજ ખરો એટલે કંઈ કરવાનો વિચાર કર્યો . જિગીષા તેની રુમ પરથી ઝટપટ જઈને દિવાળી દરમ્યાન ન વપરાયેલો ડેકોરેશન સામાન લઈ આવી. અમે બંને એ વિચાર્યુ નવા વર્ષનુ સ્વાગત કંઈ અનોખુ કરવુ અને નવા વર્ષે આવનાર પ્રથમ શિશુને એક રાજકુમાર જેવુ સ્વાગત આપવુ! બસ લાગી પડ્યા અમે એક બેબી ટ્રાન્સ્પોર્ટ ટ્રોલીને સુંદર શણગારી અને એક રથ સમાન ફેરવી કાઢી. નવજાત શિશુને વળી કંઈ ભેટતો આપવી પડે ને ! એટલે બંને એ 20 -20 રુપિયા કાઢ્યા (રેસીડેંસી ના દિવસો માં એટલાજ પરવડે તેમ હતા ! ) અને એક સ્વેટર – ટોપીનો સેટ ખરીદયો. વોર્ડના દ્વારે ફૂગ્ગા ટાંગ્યા અને પાછા કામે વળગ્યા . હવે અમને ઈંતેજાર હતો 12 ના ટકોરા પછી આવનારા પ્રથમ મહેમાનનો કે જેનુ સ્વાગત કરીને અમો પણ અમારી પાર્ટી કરશુ એવુ વિચાર્યુ હતુ.
અમારે હોસ્પીટલમાં લેબરરુમ(પ્રસુતિ કક્ષ ) નવજાત શિશુ વિભાગની બરોબર સામે છે એટલે નવજાત શિશુને તાત્કાલિક સારવાર મળી રહે. બરોબર 11ને 35 મિનિટે લેબર રુમ માંથી કોલ આવ્યો અને બંદા રીસસીટેશન માટે ના સાધનો લઈ દોડ્યા!! મેં પહોંચીને જોયુ તો કોઈ પેશન્ટની ડીલીવરી ન્હોતી થઈ રહી . પ્રસુતિ વિભાગના નાઈટ ડ્યૂટી ના ડોકટરો એ મને માત્ર એપ્રીલ ફૂલ બનાવવા મજાક કરી હતી. એ રાત્રે પ્રસુતિ વિભાગના ગગન ભાઈ ડ્યૂટી પર હતા મને કહે કે યાર આતો પાર્ટી માટે કેક મગાવવી હતી એટલે તમારા લોકોનો ફાળો એકત્રિત કરવા જ તને બોલાવ્યો હતો જો એમજ બોલાવ્યો હોત તો તુ કલાકે આવેત એટલે આ રસ્તો અપનાવ્યો !! વેલ સાથે ડ્યૂટી કરતા ડોક્ટર મિત્રો માં આવો મજાક વ્ય્વહાર તો હોય છે એટલે મેં કેક માટે અમારો ફાળો નોંધવ્યો અને પૂછ્યુ કે હવે ડીલીવરી સાચ્ચે સાચ કયારે થવાની છે તો અમે તૈયાર રહીએ . ગગનભાઈ કહે યાર બે વાગ્યે કદાચ આ બેનને થશે. બિચારી કયારની પીડાતો અનુભવી રહી છે. વેલ સાચુ કહુ તો એ બહેન જેટલી જ પીડા ત્યારે મને થઈ કારણ કે મારે તો શિશુ નુ સ્વાગત બારના ટકોરા પછી જેટલુ જલ્દી બને એટલુ કરવુ હતુ આખરે મિલેનીયમ યરની શરુઆતની જ તો મજા હોય છે. ખેર ઈશ્વર ના હાથની વસ્તુ માં આપણે શું કરી શકીએ ?
11-58 મિનિટે ફરી લેબરરુમના આયાબેન પધાર્યા – સાહેબ બેબી કોલ છે ...! મારી બરોબરની છટકી કે યાર આ શુ મસ્તી સુઝી છે . એટલે ખખડાવવાના ભાવ સાથે હું લેબરરુમમાં પ્રવેશ્યો ! અને જોયુ તો જે બહેનની ડીલીવરી બે વાગ્યે થવાની હતી તેના બાળકનુ માથુ બહાર આવી ચૂક્યુ હતુ અને પ્રસુતિ પૂર્ણ થવાના આરે હતી ! આ એક અચાનક થયેલી ડીલીવરી- precipitated Labour હતી જેના માટે મારા જેટલાજ અચંબિત પ્રસુતિ વિભાગના ડોક્ટરો હતા!! . મેં ઝટપટ બાળકનો કબ્જો સંભાળી તેની શરુઆતી સારવાર કરી શિશુએ સુંદર રુદન કર્યુ અને ઘડીયાળ નો સમય 12-01 બતાવતો હતો. મિલેનીયમ યરના પ્રથમ ટકોરે લક્ષ્મીજી પધાર્યા હતા. લેબરરુમની બારીમાંથી બાહર ફૂટી રહેલા ફટાકડાનો પ્રકાશ લેબરરુમને વધુ પ્રકાશિત કરી રહી હતી. જાણે કે પ્રકૃતિ પણ શિશુને વધાવી રહી હતી ...! અમે સૌ ડોક્ટરો ભાવવિભોર બન્યા અને ઈશ્વરની કરામતને નિહાળી આનંદિત બન્યા. લેબરરુમ માંથી શિશુને હવે વાજતે – ગાજતે શણગારેલી ટ્રોલી માં નવજાત શિશુ વિભાગમાં લઈ જવાનુ હતુ. મેં શિશુની માતાને અભિનંદન આપ્યા અને તેના પિતા પાસે શિશુને પહેરાવવા માટે ઝભલુ લાવ્યા હોય તો આપવા કહ્યુ તો તેની આંખમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યુ ગામથી પહેરે લૂગડે આવેલા છીએ અને પૈસા પણ નથી! વેલ આજે અમારા રાજકુમારી ની સરભરાના અમારા આનંદમાં ગરીબી આડે આવે એ શક્ય ન હતુ તુરંત નવા કપડાનો સેટ પણ અમારા તરફથી આપવામાં આવ્યો અને ત્યારબાદ સ્વેટર વિ. પણ પહેરાવી અને શણગારીત રથમાં ચાલી નીકળ્યા. તાલીઓનો ગડગડાટ – સીટી અને હર્ષોલ્લાસ થી થઈ રહેલા ચિત્કારોને લીધે આજુ બાજુના ત્રણે વોર્ડના દરદી અને સગાવ્હાલા પણ આ આનંદોત્સવને નિહાળી રહયા હતા અને એક નાની રાજકુમારી પર આશીર્વચનોને જાણે ચારે કોરથી ફૂલવર્ષા થઈ રહી હતી! સહુ કોઈ શિશુને જાણે સ્ટેન્ડીંગ અવેશન આપી રહ્યા હતા.
અમારી રાજકુમારીની વધામણી રુપે અમે સહુએ પછી કેક ને ન્યાય આપ્યો અને શિશુના માતા પિતાએ પણ કદ્દાચ એમના જીવનની પ્રથમ કેક ખાધી ! . એ વેળાએ તેમની આંખો માં તરવરતો કૃતજ્ઞતા અને સંતોષનો ભાવ જોઈ અમે ધન્યતા અનુભવી અને જાણે જીવનની સૌથી શાનદાર પાર્ટી માણી હોય તેટલી મજા પડી !! થોડી વારમાં તો ખબરનહી ક્યાંથી પ્રેસ અને મિડીયાકર્મીઓ નુ ધાડુ આવી પહોંચ્યુ અને અમારી રાજકુમારી અને તેનો રથ બીજા દિવસે બધા અખબારો ના ફ્રન્ટ પેજ પર હતી !! અમારા સહુના નામ સહિત એ રાતની એ વાત આખાએ શહેરે માણી હતી.! જોકે વધુ આનંદિત થવાય તેવી વાત અખબારના બીજા પાના પર હતી જેમાં વિવિધ સંસ્થાઓ અને સરકારના મહિલા અને બાળકલ્યાણ તથા અનેક ખાતાઓએ કરેલ આયોજન અનુસાર શહેર માં મિલેનીયમ યરમાં પ્રથમ જન્મેલ શિશુ તરીકે અમારી રાજકુમારી લગભગ ત્રણેક લાખ રુપિયાના ઈનામની હકદાર બની હતી !!! મને રાત્રે ચિંથરે હાલ જોયેલા ગરીબ માબાપ યાદ આવી ગયા!! ખરેખર તેમના ઘરે લક્ષમીજી પધાર્યા હતા!! અમારુ મિલેનીયમ બેબી અમને પણ યાદગાર અનુભવની ભેટ આપી ગયુ જે કદાચ કોઈ પણ પાર્ટી ન આપી શકી હોત.

મૌલિક શાહ
4-10-2009.

Wednesday, October 14, 2009

wishing "Happy DIWALI & Prosperous New Year"

મેહુલ સુરતી દ્વારા સંગીતબધ્ધ ગણેશ સ્તુતિ અને ફિલ્મ હોમ ડીલીવરી ના ગીતને ચિત્રો સાથે સંકલિત કરી મૂકેલ આ વિડીયો દ્વારા હું અને મારો પરીવાર આપને અને આપના પરીવારને દિપાવલી અને નૂતન વર્ષ ની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ.

Sunday, October 11, 2009

આરાધનાધામ (હાલાર તીર્થ)

હાલારતીર્થ તરીકે ઓળખાતુ આરાધના ધામ એ જૈન સંપ્રદાયનુ એક મોટુ તીર્થધામ છે. સૌરાષ્ટ્રના યાત્રાધામોની યાદીમાં તે એક મોખરાનુ સ્થાન ધરાવે છે. આરાધના ધામ જામનગરથી 46 કિમી. દૂર આવેલ છે. જામનગરથી બસ કે પ્રાઈવેટ વાહન દ્વારા જઈ શકાય છે. જામનગર ખાતે એરપોર્ટ અને રેલ્વે વ્યવસ્થા હોઈ દેશ-વિદેશના અનેક યાત્રિકો આ તીર્થધામનો લાભ લે છે.
આ તીર્થધામ એક વિરાટ સંકુલમાં આવેલુ છે. જેમાં એક સુંદરતમ મંદિર- મ્યુઝિયમ- આરાધના ભવન-આવાસ વ્યવસ્થા- ભોજનશાળા વિ. આવેલ છે. ભવ્યતમ કલાત્મક કોતરણી વાળા મંદિરમાં મૂળ નાયક શ્રી મહાવીરસ્વામી બિરાજે છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથસ્વામી ની મનમોહક પ્રતિમા પણ અહીં જ પ્રસ્થાપિત છે. આ વિશાળ મંદિરમાં એક સાથે ઘણા લોકો પૂજન અર્ચન કરી શકે તેની ખાસ વ્યવસ્થા છે.
મંદિર ની પાસે જ એક 60 ફૂટ ઉંચા માનસ્થંભજી આવેલા છે જેના પર નવકાર મંત્રનુ સુંદરતમ પ્રસ્થાપન કરાયુ છે. પાસેજ એક વિશાળ ફલકમાં મ્યુઝિયમ આવેલુ છે. મહદ અંશે આ મ્યુઝિયમ અક્ષરધામ-ગાંધીનગર ની યાદ અપાવે છે. મ્યુઝિયમમાં બેનમુન ચિત્રો અને પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી મૂર્તિમંત અનેક જૈન ધર્મના કથાનકો ઉપસાવાયા છે. દરેકની સાથેની વાર્તા નાના-મોટેરા સહુની માટે ઉપદેશ પૂરો પાડે છે. માત્ર ધાર્મિક જ નહી પણ વ્યસન મુક્તિ –સ્વસ્થજીવન માટેના વિવિધ નિયમો પર પણ અહીં વ્યાપક પ્રકાશ પાડેલ છે. સિક્કો નાખીને ચાલે તેવા વિરાટ ઈલેક્ટ્રોમીકેનીકલ સ્ટેચ્યુ પ્રદર્શની છે જે અદભૂત છે. આમાં સિક્કો નાખી ભગવાનની આરતી ઉતારતા પાંચ સર્પને જોઈ શકાય છે ગ્રામ્યજીવન ની ઝાંખી લઈ શકાય છે અને અન્ય અનેક કથાનકો અનુભવી શકાય છે. નાના ભૂલકાને લઈ જાઓ તો ચોક્કસ ઘણા સિક્કા લઈ જજો..! શાંતિથી પ્રદર્શની સંપૂર્ણ જોતા અંદાજે 2 કલાક થઈ શકે છે.
આ સંકુલમાં જ સુંદરતમ ભોજનશાળાની વ્યવસ્થા છે જ્યાં ખૂબ પ્રેમપૂર્વક જૈન ભોજન ઉપલબ્ધ છે.
આવાસ વ્યવસ્થાનુ આરામદાયક આયોજન પણ સંકુલમાં છે. રાત્રિ રોકાણ પણ કરી શકાય છે.
આરાધના ધામ આસપાસમાં દ્વારકા 100 કિમી. દૂર , રીલાયન્સ ટાઉનશીપ- મોલ 20 કિમી દૂર આવેલ છે. જે આપની ટૂરમાં ઉમેરી શકો છો.

Tuesday, October 6, 2009

બ્લોગથી થયુ એક શુભ કાર્ય...!


બ્લોગ લખવાની શરુઆત કદાચ મારુ કાર્ય, જ્ઞાન, અનુભવ અને વિચાર લોકો સાથે ચર્ચવા ના ઉદ્દેશ્યથી થઈ . એ દરમ્યાનમાં અમારા આરોગ્યતંત્રના સૌથી છેવાડાના સૈનિક એટલેકે ગામડામાં નાના બાળકો ની સંભાળ રાખતા આંગણવાડી કાર્યકરો વિશે લખવાનુ મન થયુ અને આંગણવાડી કાર્યકરની રોજીંદી જિંદગીમાં બનતી એક સત્યઘટના પ્રસંગ મેં મારા બ્લોગ પર તા. 17-7-2009 ના મૂક્યો (નાનુ નામ મોટા કામ ...) આ લેખમાં એક આંગણવાડી કાર્યકરની ફરજપરસ્તી અને જ્ઞાનથી કેવી રીતે એક નાના બાળકનો જીવ બચી જાય છે તે વર્ણવાયુ છે. આંગણવાડી વર્કર પોતાના નાના અમથા મહેનતાણામાં પણ લાખેણુ કામ અંજામ દે છે તે હ્રદયસ્પર્શી બની રહ્યુ. આ લેખને બ્લોગના અનેક વાચકમિત્રોએ પસંદ કર્યો અને પોતાની લાગણી કોમેન્ટ લખી વ્યક્ત કરી. તા.18-7-2009ના શ્રી સુરેશભાઈ જાની એ તેમના પોપ્યુલર બ્લોગ- ગદ્યસૂર દ્વારા આ લેખ વિશ્વભરના વાચકો માટે ફરી મૂક્યો જેને પણ અનેક વાચક મિત્રોએ વખાણ્યો. પરંતુ એક અમેરીકા નિવાસી ભારતીયને એટલો હર્ષ થયો કે તેમણે લેખના નાયિકા બહેનને માટે અને આંગણવાડી માટે એક રકમ પુરસ્કાર રુપે આપવા મને વિનંતી કરી અને ખાસ આગ્રહ કર્યો કે આ કાર્યમાં તેમનુ નામ ક્યાંય જાહેર ન કરવુ..! મારી મૂંઝવણ વધી પડી કારણકે વર્ણવેલ પ્રસંગ સમાન ઘટના લગભગ ઘણા ખરા આંગણવાડી વર્કરના કાર્યમાં બનતી જ હોય છે. માત્ર જામનગરમાં જ 1500 આંગણવાડી કાર્યરત છે. એમાંથી માત્ર એકને સન્માનિત કરીએ તો એ યોગ્ય નથી. અમે આંગણવાડીના કાર્યક્ષમ ઉપરી ઓફીસરોને મળ્યા સદભાગ્યે પારુલબેન અને ઈલાબા જેવા ફરજ પરસ્ત ઓફિસરો એ આ માટે વિચાર્યુ અને ગત વર્ષની વિવિધ આંગણવાડી સેવાકીય પ્રવૃતિ અને કાર્યવાહીના આધારે એક આંતરીક મૂલ્યાંકન કર્યુ . અંદાજે 30 દિવસને અંતે અમે કુલ છ આંગણવાડીને પસંદ કરી અને તેમને ફરી એકવાર આઈ.એમ.એન.સી.આઈ પ્રોગ્રામ કે જેને આધારે નવજાત શિશુ અને બાળકોની માંદગી માં સારવાર અપાય છે તે માટેના જ્ઞાનની ચકાસણી કરાઈ.!! તમામ છ આંગણવાડી વર્કરો કસોટીમાં ખરા ઉતર્યા.! હવે અમે પેલા અમેરીકા વાળા સજ્જનને જાણ કરી અને તેમણે જે તે વર્કરના નામે પહેલાની મોટી રકમને યોગ્ય રુપે વહેંચી અને છ સરખા ભાગે આવતી રકમના ચેક મોકલી આપ્યા.!!
ભારતભરમાં આંગણવાડીઓની સ્થાપનાને 34 વર્ષ પૂરા થયા તે ઉપલક્ષમાં તા. 5-10-2009 ના રોજ તાલુકા પંચાયત- જામનગર ખાતે એક નાનો સમારોહ આયોજીત થયો. આ કાર્યક્રમ માં આંગણવાડીના 34મા બર્થ ડે માટે એક કેક કપાઈ અને કેકની મિઠાશ સંઘભાવના રુપે સહુ કોઈમાં ફરી વળે તેવી દુઆ કરાઈ. મોટા ભાષણૉ વગરના આ કાર્યક્રમમાં બહેનો એ તેમના કાર્ય અને અનુભવો વ્યકત કર્યા. એક બહેને પોતે રચેલ સુંદર આરોગ્ય સંદેશ વાળુ ગીત ગાયુ ત્યારે થયુ કે પોતાના કાર્ય માટે તેમની તત્પરતા ખરેખર દિલથી છે. મેં મારુ કાર્ય નિભાવ્યુ અને બહેનોને ચેક તથા મારા તરફથી મારુ પુસ્તક અને એક પ્રશસ્તિપત્ર આપ્યા. જ્યારે આ બહેનોએ જાણ્યુ કે ઈન્ટરનેટના ઉપયોગથી બ્લોગ જેવા માધ્યમથી અનેક લોકો એમના કાર્ય વિશે અવગત થયા અને અનેક લોકોએ તેમને લાગણી સભર સંદેશ મોકલ્યા છે ત્યારે તેમની આંખોમાં જોયેલા હર્ષાશ્રુએ મને અભિભૂત કર્યો. એજ સમયે મેં નિર્ધાર કર્યો કે આ છેવાડાના આરોગ્ય સૈનિકને સન્માનવાનુ આ શુભ કાર્ય પ્રતિવર્ષ હું ચાલુ રાખીશ - મિત્રોના સથવારે કે મારા બળે...!

આ પછી જામનગરના આંગણવાડીના ચીફ ઓફીસર પારુલબેને જણાવ્યુ કે તેમના પચ્ચીસ વર્ષના અનુભવમાં તેમણે આવો પ્રથમ પ્રસંગ જોયો છે કે જ્યારે એક આંગણવાડી વર્કરના કાર્યને કોઈએ બિરદાવ્યુ હોય અને વતનથી દૂરના માનવી એ વતનના આ આરોગ્ય રક્ષકોને સન્માન્યા છે. ખૂબ જ નાના મહેનતાણામાં પણ ફરજ પર દિલથી તત્પરતા દર્શાવતા આ બહેનો ને હર્ષ થાય તેવુ આ સન્માન એમણે પહેલીવાર જોયુ છે.પારુલબેનની આ વાત એ સમયે હાજર તમામ બહેનોની આંખમાં સાફ ઝલકી રહી હતી.!! મને લાગ્યુ બોસ આપણે બ્લોગ લખવાથી એક સારા કામના નિમિત્ત બનવાનુ સદભાગ્ય પ્રાપ્ત થયુ. એ બિન નિવાસી ભારતીય સજ્જનને જ્યારે આ માટે ધન્યવાદ આપ્યા તો તેમણે આ કાર્ય માટે નુ બીડુ જીવનપર્યંત ઉપાડી લીધુ અને પાછુ કહી દીધુ કે બોસ આપણુ ક્યાંય નામ કે પબ્લિસીટી ના જોઈએ હોં કે !!!
-મૌલિક શાહ બ્લોગ પોસ્ટ- તા.6-10-2009.

Wednesday, September 30, 2009

સંગીત ની સંગતે કરો બાળ વિકાસ...

સગર્ભાવસ્થાથી જ શિશુ અંદાજે 5મા માસથી જ તમામ શ્રાવ્ય અવાજો સાંભળી શકે છે. સૌથી વધુ તેને સંભળાતો અવાજ છે માતાનો!! આજ કારણ છે કે જન્મ પછી પણ માતાનો અવાજ શિશુને સૌથી વધુ ગમે છે. અમે હંમેશા માતાને પોતાના શિશુ સાથે વાતો કરવા કે ગાવા કહીએ છીએ. જરુરી નથી કે દરેક માતાનો અવાજ લતા મંગેશકર જેવો કર્ણપ્રિય હોય પણ તે બાળક માટે ચોક્કસ સૌથી વધુ પ્રિય હોય છે.!! એટલે થોડા જોડકણા કે ગીત જરુરથી ગાવા!! ભલે ઘરના બધા કાન બંધ કરે તેવી બીક લાગે પણ શિશુના વિકાસમાં તે સૌથી લાભદાયક રહેશે. વૈજ્ઞાનિક રીતે આને ઓડીટરી સ્ટીમ્યુલેશન થેરાપી કહે છે. શ્રાવ્ય શક્તિ બાળક્ના મગજમાં વિકાસના નવા તંતુઓ ખોલે છે. વિકસતા મગજને આ પ્રકારના સ્ટીમ્યુલેશન થી ખૂબ મદદ થશે અને તેનો વિકાસ એક હરણફાળ ભરે છે. સગર્ભાવસ્થાની મ્યુઝિક થેરાપી અને પછીનુ ઓડીટરી સ્ટીમ્યુલેશન શિશુનો બુધ્ધિ આંક 10 થી 15 જેટલો વધારી દે છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યુ છે.

માતૃત્વની કેડી પર શરુ થઈ રહી છે મ્યુઝિક થેરાપીની લેખ શૃંખલા પણ આજે માત્ર થોડા હાલરડા જ...

સૂરમયી અખિયોંમે... (યશુદાસના મખમલી અવાજમાં)
અદભૂત હાલરડુ- ધીરે સે આ નિંદીયા અખિયનમેં (લતાજીના અવાજમાં)

Thursday, September 24, 2009

કાંગારુ માતૃસુરક્ષા (Kangaroo Mother Care)

પ્રસ્તુત છે ગુજરાતી લેખન... સ્ક્રોલ કરી વાંચો ...

Kangaroo Mother Careકાંગારુ માતૃ સુરક્ષા સમજો - સરળ વિડીયો થી...
સાંભળૉ એક અભણ માતાએ કેમ બચાવ્યુ પોતાનુ અત્યંત નબળુ બાળક કાંગારુ માતૃ સુરક્ષા વડે...
આપનો અભિપ્રાય આપશો.

Monday, September 21, 2009

ગાંઠીયા-પ્રેમી વિદેશી પંખીડુ...!!

તમે ક્યારેય કોઈ વિદેશીને ખૂબ રસથી ગાઠીયા ખાતા જોયા છે ?! શું એવા વિદેશીને જોયા છે કે જે ગાંઠીયા ખાવા પોતાના વતન પાછા ન જાય !? અને એ વિદેશી જો એક પક્ષી હોય કે જે પોતાના દેશમાં પાછુ મહદ અંશે માંસાહારી હોય તો ?! વેલ, વધુ સસ્પેન્શ ન રાખતા કહી દઉ તો એ પક્ષી છે સી-ગુલ તરીકે ઓળખાતા અમારા જામનગર ના મોંધેરા મહેમાન...!
સી-ગુલ એક પ્રવાસી વિદેશી પક્ષી છે જે ઠંડા પ્રદેશોમાં વસે છે અને ત્યાંનો કાતિલ શિયાળો બીજા ઓછા ઠંડા પ્રદેશમાં ગાળવા જઈ પહોંચે છે. ક્રિકેટ રસીકો માટે સરળ ક્લુ એ છે કે આ એજ પક્ષી છે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડના મેદાનો પર રમત દરમ્યાન જોવા મળે છે..! અત્યંત બુધ્ધિશાળી એવુ આ પક્ષી પોતાનો લાખો માઈલના પ્રવાસનો નક્શો ભૂલતુ નથી અને દર વર્ષે એ જ સ્થળે આવી પહોંચે છે!! સી-ગુલ વાતાવરણ અને મનુષ્યો સાથે ઝડપી અનૂકૂલન માટે જાણીતા છે અને તે જે દેશમાં જાય ત્યાં જલ્દીથી સેટ થઈ જાય છે!! આ પક્ષીના રોજીંદા મુખ્ય આહાર-મેનુ માં નાના કીટકો કે માછલી વિ. થી માંડી જલજ વનસ્પતિ છે. પરંતુ છેલ્લા લગભગ 6 કે 7 વર્ષથી જામનગર ખાતે આ પક્ષી ગાંઠીયા ખાતુ જોવા મળે છે. અને તે પણ ખૂબ રસપૂર્વક !!
આ પક્ષીને ગાઠીયા એટલી હદ સુધી વ્હાલા થઈ ગયા છે કે તેના સિવાય અન્ય વસ્તુ જે તે શરુઆતમાં ખાતા દા.ત. બિસ્કીટ કે પાંઉ ના ટૂકડા વિ. તે હવે સૂંઘતા પણ નથી !! જોકે આ આહાર પરિવર્તન સારુ કે ખરાબ તે પક્ષી વિશેષજ્ઞોમાં પણ શોધનો વિષય છે અને તેના વિશે મત-મતાંતરો જોવા મળે છે. 2006ની સાલમાં જ્યારે અચાનક અનેક સી-ગુલનુ મૃત્યુ થયુ ત્યારે તેમના મૃત્યુનુ એક કારણ આ ગાઠીયાને ગણવામાં આવ્યુ હતુ! અને સી-ગુલ ને ગાઠીયા ન ખવડાવવા ખાસ અનુરોધ કરતી આ વિડીયો મેં બનાવી અને લોકલ કેબલ ટી.વી. પર મૂકી હતી. પરંતુ છેલ્લ ત્રણ વર્ષથી ન તો જનતાએ આ અનુરોધ પાળ્યો છે કે ન સી-ગુલે !! એ પછી ક્યારેય કોઈ દુર્ઘટના નોંધાયી નથી કદાચ સી-ગુલે અનૂકૂલન સાધી લીધુ છે... જામનગર કે સૌરાષ્ટ્રના લોકોની જેમ તેને પણ ગાઠીયા સાથે સવારની શરુઆત કરવી કદાચ ગમે છે ??!!

તા.ક. પ્રસ્તુત વિડીયો 2006-2007માં બનાવેલી મારી પહેલી એમેચ્યોર વિડીયો છે. ક્વોલિટી દરગુજર કરશો.

Friday, September 18, 2009

નવરાત્રી-લવ રાત્રી- તેરે સંગ...!

(image courtesy- flickr photo-by deepu)

નવરાત્રી આવે એટલે અખબારો- ચેનલો વિ. અમુક નિયત કાગારોળ ચલાવે. જેમકે...

1. હવે નવરાત્રી એ તો લવ-રાત્રી થઈ ગઈ છે.
2. જો જો મદહોશીમાં હોશ ન ખોવાય...
3. નવરાત્રી પછી વધતો એબોર્શન રેટ...(આંકડા કહે છે આ નર્યુ જૂઠાણુ છે.).
વિગેરે- વિગેરે પરંતુ આ સાથે કેટલીક વાતો જે આપણે નજર અંદાજ કરીએ એ છે કે હવે કદાચ માત્ર ભક્તિનો તહેવાર નથી રહ્યો નવરાત્રી- એ જગતનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટીવલ બની ગયો છે. પરાણે પૂજા અને ભક્તિ ન થાય! માહોલ જ્યારે આનંદ અને ઉત્સવનુ હોય અને મનમાં યૌવન હિલોળા લેતુ હોય ત્યારે તેને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. કદાચ એ આ મહિનામાં પોકેટ મની મળે અને ગરબાનો એકસ્ટ્રા ખર્ચ માગતા જ મળે ત્યારે કોઈ ટીન-એજર ના ચહેરા પર જોઈ શકાય છે. એ કદાચ ધીરુભાઈને રીલાયન્સની સ્થાપના વખતે મળ્યો હોય તેનાથી જરાય ઓછો નહી હોય..! નવરાત્રીમાં મોટા ભાગના કદાચ 99 થી વધુ ટકા ટીન-એજરો નાચવા – કૂદવા અને થોડી મજાક થી આગળ વધતા નથી. પણ ક્યાંક હોર્મોન્સ નો રંગ અને ક્યાંક એકાંતનો સંગ ક્યારેક લપસાવી દે છે.!
સવાલ આવે છે આવુ ન બને એ માટે શું કરવુ? વેલ, જુદા-જુદા મેગેઝીન-અખબાર ના કહેવાતા સમાજ સુધારક – અનુભવી – સમજણશીલ લોકો એક-બે-ત્રણ-ચાર નિયમોના સ્વરુપમા લખી ચૂક્યા છે!! (છેલ્લા દસ વર્ષોથી એક જ પ્રિન્ટ નામ બદલી છપાતી હોય તેવુ લાગે છે.!!). શું માતા-પિતા ચોવીસ કલાક કે ત્રણસો પાંસઠ દિવસ જાસૂસી રાખી શકે? તો શું કરવુ વેલ જવાબ છે તરુણોને સમજો અને સલામ કરો અને તેમને સારા-નરસાનો ભેદ સમજાવો. જીવનનુ સત્ય એ જેટલુ વહેલુ સમજે તે તેમના માટે સારુ છે. જુદી-જુદી હાઈ સ્કૂલોમાં તરુણોને માટે ના લેકચર લેતી વેળાએ તેમની આંખોમાં જોયેલી ઈંતેજારી અને જાણવાની ઉત્કંઠા વિ. જોઈ ને સમજેલી છે. પરાણે હેલ્મેટ ન પહેરાવી શકાય પણ જો હેલ્મેટ ન પહેરવાના ગેરફાયદા કોઈ સમજી જાય તો કદાચ તે જાતે હેલ્મેટ પહેરી લે !?
એક ફિલ્મ તાજેતરમાં જોઈ – તેરે સંગ – જેનો વિષયવસ્તુ ખરેખર થોડો ભારતીય સંદર્ભે રુઢિચુસ્તોનુ ધ્યાન ખેંચે તેવો છે.! એ છે ટીન એજ લવ અને પ્રેગ્નન્સી પર...!

ઘણા લોકો હજુ પણ એવુ માને છે કે આવુ ભારતમાં ન બને પણ એ લોકો શાહમૃગ જેવી સોચ ધરાવે છે! કારણકે દિન પ્રતિદિન તરુણાવસ્થાના શારીરીક ફેરફારો વહેલી ઉંમરે આવી રહ્યા છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યુ છે. અને શારીરીક ફેરફારો શું માનસિક ફેરફારો કે આવેગો નહી લાવે ? જો હા તો બસ થોડા સોચો સમજો યાર! એક પિડીયાટ્રીશ્યન તરીકે અમે ટીનએજરોનુ કાઉન્સેલીંગ કરીએ છીએ એટલે કહી શકુ કે આ ફિલ્મ ખરેખર દરેક માતા-પિતાને અને તેના ટીન-એજરો એ સાથે જોઈ અને પછી ચર્ચા કરવા યોગ્ય છે. જેમકે ફિલ્મનો હીરો-હીરોઈન જે ભણવાને બદલે જે કરે છે તેનાથી તેમને ભોગવવા પડતા પરિણામો અને મુશ્કેલી વિશે સમજાવી શકાય...

અને હા આ ગીત જરા ગણગણવા લાયક તો ખરુ જ...!

આપના પ્રતિભાવો આપશો.....

Saturday, September 12, 2009

નાની બેદરકારી જ્યારે જાનલેવા બને છે...


નવજાત શિશુ એક કોમળ ફૂલ જેવા હોય છે અને માતા-પિતાનુ જરાક બેધ્યાનપણુ કે અજ્ઞાનતા તેને પળવારમાં મુરઝાવી શકે છે. નવજાત શિશુની આવશ્યક સંભાળ માં ખાસ ધ્યાન આપવુ જરુરી છે. પરંતુ ક્યારેક કપડા- વસ્ત્રોની પસંદગી અને પહેરાવવાની વિધિને પણ ખૂબ ધ્યાનથી કરવાની જરુર છે.
આજે એવા એક તાજા બનેલા પ્રસંગની વાત કરવી છે જે સાંભળી ને આપના રુંવાટા ચોક્કસ ખડા થઈ જશે પરંતુ જો ધ્યાન ન રખાય તો એ ઘટના આપના ઘર-પરિવાર પણ થઈ શકે!!
એક મધ્યમ વર્ગીય પરિવારના ઘેર એક તંદુરસ્ત શિશુનો જન્મ થયો. પેંડા વહેંચાયા અને ખુશીનો પાર ન રહ્યો. પ્રથમ વખત શિશુ જન્મથી આનંદિત થયેલા આ પરિવાર માં શરુઆતી ત્રણ દિવસ તો પળવારમાં વિતી ગયા. ચોથા દિવસે બાળક્ના નવા વસ્ત્રોમાંથી પસંદગી કરી નવો જ સેટ પહેરાવાયો. હાથ-પગમાં નવા મોજાનો સેટ પહેરાવાયો. બાળક નવા વસ્ત્રોમાં ખૂબ સુંદર દેખાતુ હતુ એટલે નજર ન લાગે તેનો ટીકો પણ લગાવાયો. પણ સાંજ પડતા સુધીમાં બાળક ખૂબ રડવા લાગ્યુ. પ્રમાણમાં ઓછુ ભણેલા મા-બાપ બાળકને શાંત કરવા શું કરવુ વિચારવા લાગ્યા. જેટલા મોં એટલી વાત..! શિશુ ભૂખ્યુ હશે તેમ જાણી ધવડાવી જોયુ,
શિશુને પેટમાં ચૂક આવતી હશે તેમ માની ચૂકના ટીપા પીવડાવ્યા; શિશુ ને ગેસ થયો હશે તેમ જાણી ખભે રાખી થાબડી જોયુ પણ પરિણામ શૂન્ય ! હવે શું કરવુ તે સમજ માં ન આવી રહ્યુ હતુ અને શિશુ વચ્ચે રડી રડી થાકીને સૂઈ જતુ અને વળી ઉઠીને રડવા લાગતુ.!! હવે માતા-પિતાને લાગ્યુ કે કદાચ ગરમી થતી હશે.
એટલે ગરમી દૂર કરવા નવડાવવાનુ નક્કી કર્યુ ! અને આમ કરતા બાળકનુ હાથનુ મોજુ જરા પલળી ગયુ એટલે મોજુ બદલાવવા દોરી ખોલીને કાઢવામા આવ્યુ અને માતા પિતાએ જે જોયુ તે જોઈ એમના હોશ ઉડી ગયા.! એમના શિશુનો મોજામાં રહેલો હાથ સૂજીને લાલ થઈ ગયેલ અને કાંડાનો ભાગ કાળો પડી ગયેલ.! તાબડતોબ તેને સારવાર માટે લઈ જવાયુ....
વાત જાણે એવી હતી કે હાથમોજામાં મોજા બાંધવા દોરી આવતી હોય છે જે સામાન્યતઃ ખૂબ ઢીલી બાંધવી જોઈએ અથવા આવા મોજા ન વાપરવા જોઈએ. પરંતુ આ શિશુને ભૂલથી દોરી થોડી વધુ બંધાઈ ગઈ હતી અને દોરીના દબાણથી હાથના કાંડાના ભાગમાંથી પસાર થતી લોહીની ધમનીમાં લોહીનુ પરિભ્રમણ અટકી ગયુ. જેથી હાથના પંજા અને આંગળાના ભાગને પહોંચતુ તાજુ લોહી અટકી ગયુ. લાંબો સમય આ પરિસ્થિતી રહેવાથી હાથના પંજા અને આંગળામાં કોશિકાઓ મૃત થવાનુ ચાલુ થયુ અને સોજો આવવાનો ચાલુ થયો. શિશુએ રડી-રડીને માતા-પિતાને જાણ કરવાની કોશિશ કરી પણ જે પંજામાં આ બધુ બની રહ્યુ હતુ તે મોજા થી ઢંકાયેલુ હતુ. આથી માતા-પિતાને એ વિશે કદાચ ખબર પણ ન પડી અને તેમણે એ બધુ કર્યુ જે કોઈપણ સામાન્ય મા-બાપ કરે...!

આવા કિસ્સા પ્રમાણમાં જૂજ બને છે. પરંતુ એ લાલબત્તી સમાન છે. આવુ સામાન્ય રીતે મેં પગના પંજામાં બનતુ જોયુ છે. આવા અકસ્માતો માં લોકો સામાન્યપણે મા-બાપને દોષી ગણે છે પરંતુ આને કદાચ અનુભવ હીન અજ્ઞાનતા અને સંજોગનો શિકાર જ ગણવો જોઈએ. ખૂબ ભણેલા પરિવારોમાં પણ આવા બનાવો જોયેલા છે.

આવા અકસ્માતો ટાળી શકાય છે તેના માટે કેટલીક વાતોનુ ખાસ ધ્યાન રાખો.
 1. નવજાત શિશુના કપડા હંમેશા સુતરાઉ (cotton) કાપડના પસંદ કરો. ડીઝાઈન કે સ્ટાઈલ કરતા શિશુને આરામદાયક વસ્ત્રો પસંદ કરવા. સજાવટ કરવા જીંદગી ઘણી પડી છે.!


 2. હંમેશા આગળ બટન વાળા કે વેલ્-ક્રો વાળા વસ્ત્રો નવજાત શિશુ માટે પસંદ કરવા.ટી-શર્ટ વિ. પહેરાવવામાં અઘરા પડે છે. બિન અનુભવી માતાને વધુ તકલીફ પડશે. ચેઈનવાળા વસ્રોમાં ઈજા પહોંચવનો ભય રહેલો છે.


 3. શિશુને તેના માપ-સાઈઝ મુજબ જ વસ્ત્રો પહેરાવો. વધુ મોટી સાઈઝ કે નાની સાઈઝ જોખમી છે.


 4. ગળામાં દોરી વિ. આવે તેવા વસ્ત્રો ટાળો કે ન લો. તે ખૂબ જોખમી છે.


 5. બટન વાળા વસ્ત્રોના બટન ટાઈટ અને નીકળી ન શકે તેવા હોવા જરુરી છે કારણકે કોઈ વખત બાળક બટન ગળી જઈ શકે છે.


 6. હાથ કે પગના મોજામાં દોરીને બદલે ઈલાસ્ટીક પસંદ કરો અને તે ખાસ ટાઈટ ન રહે તે જુઓ.


 7. વસ્ત્રોની પસંદગી ઋતુઅનુસાર કરો. વધુ સમય પહેરી રાખવા પડતા વસ્ત્રો જેમ કે હાથ કે પગના મોજા કે માથાની ટોપી સુતરાઉ હોયતો વધુ અનૂકૂળ રહેશે.


 8. લાંબો સમય બાળકને ડાઈપરમાં ન રાખી મૂકવુ.


 9. બાળક જો ખૂબ રડે કે રડવાનુ અજૂગતુ લાગે તો એક વખત બધા કપડા કાઢી જોઈ લેવુ ; ઘણી વાર કપડા ની તકલીફ, પરસેવો કે કોઈ જંતુના કરડી જવાથી પણ બાળક રડતુ હોઈ શકે.


 10. એકસામટા વધુ વસ્ત્રો ન લેવા કારણકે નવજાત શિશુનો શરુઆતી વિકાસ ખૂબ ઝડપી રહેશે.


આપની જરાક અમથી સાવધાની શિશુને ઘણા અકસ્માતો માંથી બચાવી લેશે.
(video courtesy- Dr.Nilesh Baraiya.)Wednesday, September 9, 2009

BOOK RELEASE

JUST RELEASED....
માતૃત્વની કેડીએ.. - દ્વિતિય આવૃતિ
"Dear friends,

I have released 2nd edition of my book MATRUTVA NI KEDIAE (on the path of motherhood) in GUJARATI language describing planning & preparation for an in utero child for expecting couple. The first edition was a huge success & i am thankful to all friends of medical community for their kind support.

The book is available on stands at 150 rs. MRP. how ever for BLOG READERS can avail it at 33% discount( 100/- rs. + postage) to gift their relatives as the aim of the book is not to earn but to circulate real scientific information in regional language.

you may read articles of this book on my blog- matrutvanikediae.blogspot.com."

મિત્રો
મારુ પુસ્તક માતૃત્વની કેડીએ.. - દ્વિતિય આવૃતિ પ્રકાશિત થઈ અને આજ રોજ રજૂઆત પામી રહ્યુ છે. બે-એક વર્ષ પહેલા પ્રથમ આવૃતિ રજૂ કરેલ જેને ખૂબ પ્રતિસાદ સાંપડેલ અને માત્ર ત્રણ માસમાં જ 2000 કોપી વેંચાઈ ચૂકી હતી. મારી વ્યવસાયિક વ્યસ્તતાને લીધે ફરી મુદ્રણ અને પ્રકાશન માટે વ્યવસ્થા કરી ન શકેલ. ઘણા ડોક્ટર મિત્રો- વાચકોએ અનુરોધ કરેલ તેથી ખાસ આ દ્વિતિય આવૃતિ રજૂ કરી રહ્યો છુ. સગર્ભા સ્ત્રીઓ અને દંપતિઓને ગુજરાતી ભાષામાં માત્ર સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી આપવાના હેતુ થી લખાયેલુ પુસ્તક કુલ 104 પેઈજ ધરાવે છે જેમાં 16 પેઈજ કલર છે. પુસ્તક સામાન્ય વાચકને બુક સ્ટેન્ડ પરથી રુ.150 માં મળી શકશે (વિતરક - આર. આર. શેઠની કંપની - અમદાવાદ phone- 079-25506573). પુસ્તકમાંથી અર્થોપાર્જનનો કોઈ જ હેતુ નથી. પુસ્તકની રોયલ્ટીની એક રાશિ ગરીબ બાળ દર્દી માટે ખર્ચ થશે. ગુજબ્લોગ કે ગુજરાતી ક્લબના કે ફન ફોર અમદાવાદી ગ્રુપના વાચક મિત્રો પોતાના પરિવાર કે ભેટ આપવાના હેતુસર મને ઈ મેઈલ (maulikdr@gmail.com) કરી શકે છે- જેમાં ખાસ 33 % ડિસ્કાઉન્ટ કિંમત (રુ. 100 ) + પોસ્ટેજ ચાર્જ લાગુ પડશે. આપ પુસ્તકના કેટલાક લેખો મારા બ્લોગ પર (matrutvanikediae.blogspot.com) પર વાંચી શકો છો. પ્રસ્તુત ચિત્ર તેનુ ફન્ટ કવર દર્શાવે છે.

Saturday, September 5, 2009

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની....!

આમતો ડોક્ટરોને સમાજમાં રહેતા અસામાજિક પ્રાણી તરીકે ગણાય છે- કારણકે દરેક સામાજિક પ્રસંગોએ એમની ગેરહાજરી હોય કે કસમયે પધરામણી હોય..! મોટા ભાગના પ્રોમિસ સાહેબ પાળતા ન હોય એટલે ઘરમાં-પરિવારમાં એમની કોઈ પ્રસંગે ગણતરી ન થતી હોય કે ન એમની પાસે કોઈ કામની અપેક્ષા લેવાતી હોય. આમ જુઓ તો મારા જેવા લેટ લતીફોને તે ઈમ્પ્રેશનનો ફાયદો થાય છે આપણી ભૂલ ઢંકાય જાયને !!
ભારત દેશ તહેવારોનો દેશ છે અને અહીં બાવન રવિવાર સિવાય બીજી કદાચ બાવન રજા નાના મોટા તહેવારોની હોય છે. પણ જાણીને નવાઈ લાગશે કે મેડીકલ લાઈફમાં વિદ્યાર્થી દિવસોથી જ એકાંતરા વર્ષે કદાચ દિવાળી કે નવરાત્રી કે ક્રિસમસ માણવા મળે છે. વિદ્યાર્થી દિવસોમાં આ તહેવાર લાઈબ્રેરી ના ટેબલ પર પુસ્તકોના ઢગલા વચ્ચે કે હોસ્ટેલની મેસમાં મનાવાય છે પણ મનાવાય છે ચોક્કસ...! વળી વૈવિદ્ય પણ ઘણુ કારણકે અબ્દુલના અમ્મીએ મોકલેલો શિરખુરમા હોય કે એડવીનના ઘરે થી આવેલી પ્લમ કેક હોય જેના ઘરેથી આવેલ હોય તેનો તો વારો જ ન આવે.. ! ખેર એ થોડી પળો પાછી પુસ્તકો વચ્ચે ખોવાઈ જતી હોય છે કારણકે ક્યાંક રજા લંબાઈ જાય તો પછી છ માસ જેટલી લાંબી થઈ જાય...!( મેડીકલમાં દર છ માસે રીપીટ પરિક્ષા લેવાય છે.) વેલ એ પછી રેસીડન્સી હોય કે સાહેબગીરી હોય સરકારી હોસ્પીટલમાં નિયમ મુજબ આવશ્યક સેવાઓ બે સળંગ દિવસ બંધ ન રહી શકે એટલે એકાદ દિવસ થી વધુ રજા ન હોય. વળી બિમારીઓ કે રોગ કોઈ તહેવાર પાળતા નથી તે મોટુ દુઃખ છે.! ખેર ઘણી દિવાળી કે ક્રિસમસના ફટાકડા વોર્ડની બારીમાંથી બાહર ફૂટતા જોયા છે જેના ભડાકા શરુઆતમાં અંદર થતા પણ હવે બધુ કોઠે પડી ગયુ છે. અમારા એક બોસ નો ખાસ તકિયા કલામ હતો- it’s a part of life…! બસ એવુ જ કંઈ...!
રખેને એવુ ન માની લેતા કે આ લેખ કંઈ હાય બળતરા કાઢવા લખ્યો છે.! ખેર ઘણા ઓછા લોકોને ખબર હશે પણ ડોકટરો પણ દરેક તહેવારો જે તે સ્થળ પર જ ઉજવી લે છે. એ પણ જીવન ની સાથે જોડી ને ..!
દશેરા ના દિવસે ગુજરાતમાં રાવણ દહનના પ્રસંગો ઉજવાય છે જ્યારે દક્ષિણ ભારતમાં આ દિવસે આયુધ પૂજા એટલે કે શસ્ત્ર પૂજન ના ઉપલક્ષમાં ઉજવાય છે. દરેક માણસ પોતાના રોજી-રોટીના સાધન કે પોતાના શસ્ત્રને પૂજા કરે છે અને ઈશ્વરના આશિર્વાદ મેળવે છે. આ પ્રસંગ ત્યાં ખૂબ આદર અને ભક્તિભાવથી આમ આદમીની જીંદગીમાં વણાયેલો છે નાનો લારીવાળો હોય કે મોટી હોટલવાળો સહુ કોઈ આયુધ પૂજન તો કરશે જ...! તો પછી ડોક્ટરો શાના બાકિ રહે...! મનિપાલ હોસ્પીટલમાં અમારા નવજાત શિશુ વિભાગ મા આયુધ પૂજા કરવાની પ્રથા પાળતા.!! વિચાર આવે કે ડોક્ટરો ના વળી કેવા હથિયાર ? તો સાંભળો વેન્ટીલેટર(કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવાનુ મશીન)-વાર્મર(શિશુનુ તાપમાન નિયંત્રિત રાખતુ મશીન)- પલ્સઓક્સીમીટર(લોહીમાં ઓક્સીજનનુ પ્રમાણ જાણવાનુ મશીન) અને અનેક બીજા આધુનિક સંયંત્રો...
વેલ આ બધાને તે વળી પૂજાતા હશે ? ચોક્કસ પૂજવા પડે કારણકે દિમાગનુ કામ જો દિલથી ન કરીએ તો દિમાગ પણ થાકી જાય... દરેક મશીનનો શોધક માણસ છે અને મશીન અને માણસની ટીમ જ્યારે દર્દીને બચાવવા કામે લાગે છે ત્યારે ઘણા કિસ્સામાં માત્ર વિજ્ઞાન કામ નથી આવતુ , ઈશ્વરનો આશીર્વાદ પણ જોઈએ છીએ. એ આશીર્વાદ કે જે કદા અને તૂટતા ધબકારા વચ્ચે પણ અમને અને મશીન ને ખંતથી કામ કરતા રાખે છે!!. એ આશીર્વાદ કે જે બચીચ અમારા દ્વારા સારા નિર્ણયો લેવડાવે છે અને વખાણ અમારા થાય છે!!. એ આશીર્વાદ જે ખૂટતા જતા શ્વાસ ગયેલા શિશુના મુખ પર વહેલી સવારે સ્મિત બનીને ચમકે છે.! બસ એટલે જ આ પરંપરા અમે પણ પાળી. આયોજન કરવામાં સહુ કોઈ લાગી ગયુ પંડીત અને પૂજન સામગ્રી લાવવાનુ કામ કર્યુ મલયાલી બ્યુનિસ બ્યુલા કે જે ખૂદ ક્રિશ્ચ્યન છે. કેળના પાન અને અન્ય સજાવટ એક મુસ્લીમ-હિન્દુ-જૈન સાથી મળી કરી. પૂજામાં જે માત્ર દસ મિનિટ જ સહુ સાથે મળી બેઠા..! કારણ કે ઉદ્દેશ્ય માત્ર એક હતો હે પ્રભુ અમારા નિર્ણયો માં અમારા આ યુધ્ધમાં સતત અમારી સાથે રહેજે અને અમને અમારા જ્ઞાનરુપી શસ્ત્રનો સદુપયોગ શીખવજે....
(જુઓ ફોટોગ્રાફ)

આવી જ પરંપરા અમે અમારા જામનગરના નવજાત શિશુ વિભાગમાં નિભાવીએ છીએ. આપણે ગુજરાતી એટલે રક્ષાબંધન નુ મહત્વ ઘણુ.. રક્ષાબંધનની મૂળ કથાના હાર્દમાં રક્ષણનો મહિમા છે.. નાના એવા નવજાત શિશુનુ રોગથી અને બિમારી થી રક્ષણ થાય એ અમારા સહુનુ મિશન છે. આ મિશન માં જરુરી છે
સહુનો ઉત્સાહ પૂર્ણ સાથ – ઉચિત નિર્ણયો અને ઈશ્વરનો આશીર્વાદ. નવજાત શિશુ વિભાગ સતત ધમધમતો અને ચોવીસ કલાક ઈમરજન્સી સારવાર આપવા ચાલુ રહેતો વિભાગ છે એટલે અહીં રેસીડેન્ટ ડોક્ટરો કે સ્ટાફને મોટા ભાગે માંદગી સિવાય રજા જ નથી મળતી. આવા સમયે સહુનો ઉત્સાહ જળવાઈ રહે તે પણ જરુરી છે અને તહેવારમાં ઘરની યાદ આવે તે પણ સ્વાભાવિક છે. એટલે અમે આ દિવસે વોર્ડમાં જ તમામના હિત સચવાઈ જાય અને ઈશ્વરની આરાધના પણ થાય તે રીતે રક્ષાબંધન ઉજવીએ છીએ.

અમે નાના નવજાત શિશુને રક્ષા બાંધી એ છીએ અને જો એ ખૂબ બિમાર હોય તો તેના બેડને બાંધીએ છીએ અને ઈશ્વરને આ એસ.એમ.એસ. થી બટરીંગ કરીએ છીએ...! ઈશ્વર તો સાંભળે જ છે પણ આ પ્રસંગથી સહુનુ મોં મીઠુ કરીને તાજા માજા કરી શકાય છે અને એક વધુ સંકલીત અભિગમ સર્જાય છે જેને તમે મેનેજમેન્ટેરીયલ રુલ ગણી શકો!. વળી નવજાત શિશુ પ્રત્યેની ફરજ તત્પરતા પણ વધે છે. (ફોટોગ્રાફ)


કદાચ ઘણા લોકો આને ભારતીયોની પોકળ માનસિકતા માને પણ દવા અને દુઆ બંને નો દોર જ તૂટતા શ્વાસને જોડે છે અને જીવનને ધબકતુ રાખે છે એવુ મારુ માનવુ છે...!


-DR.MAULIK SHAH
4-09-2009.

Tuesday, September 1, 2009

માતૃશિક્ષણ કરશે શિશુનું રક્ષણ...


ગર્ભધાન અને પ્રસુતિ મહદઅંશે એક કુદરતી પ્રક્રિયા છે જ્યારે શિશુ-ઉછેર એ ઘણો પુરુષાર્થ અને જ્ઞાન માગી લેતી પ્રક્રિયા છે. કોઈપણ શિશુ માટે શરુઆતી બે વર્ષ અત્યંત મહત્વના છે કારણકે મગજનો કદ અને આકાર ની દ્રષ્ટિએ કુલ 80 ટકા જેટલો વિકાસ આ પ્રથમ બે વર્ષમાં થશે. આથી શરુઆતી વિકાસ શિશુને જીવનમાં ભાવિ વિજેતા બનાવવા અત્યંત આવશ્યક છે. નવજાતશિશુની નાજૂક સંભાળ ની બાબતે નવી માતા બનેલ સ્ત્રી પાસે તેને બધુ આવડતુ જ હોય તેવી અપેક્ષા રાખવી અથવા તો ‘પડશે એવા દેવાશે’ ની નીતિ યોગ્ય નથી. શિશુ-સંભાળ વિશે દુર્ભાગ્યવશ ન તો કોઈ અભ્યાસક્રમ શિખવાડે છે કે ન આ વિષયમાં કોઈ વ્યવસ્થિત લોકભોગ્ય સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. સરવાળે જેટલા મોં એટલી વાતો અને શિશુની આસપાસ રહેલી દરેક વ્યક્તિ પોતાના જ્ઞાન નો પટારો ખોલી દે છે અને ઘણા ખરા શિશુને ક્યારેક ઘણું આરોગ્યલક્ષી નુકશાન વેઠવુ પડે છે.
આ બધી બાબતો નો અભ્યાસ કરી અમે ડીપાર્ટ્મેંટમાં વિચાર્યુ કે સો વાતની એક વાત માતાને જ સાચુ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાથી જ આ સમસ્યા હલ કરી શકાય અને વળી, આ જ્ઞાન જો હોસ્પીટલમાંથી આપીને ઘેર મોકલી શકાય તો કેટલુ સારુ ! બસ, લાગી ગયા બધા કામે - સરકારશ્રીએ ડીપાર્ટમેન્ટને આપેલી ઘણી ખરી આધુનિક સવલતો – ટી.વી.-ડી.વી.ડી.-વિડીયો કેમેરા અને નવજાતશિશુ સંબધી વિવિધ વિશ્વસ્નીય સંસ્થાઓ દ્વારા અપાયેલ સાહિત્ય વિ.નો ઉપયોગ કરી જરુર જણાઈ ત્યાં ઓડીયો – વિડીયો ઉપકરણો નો ઉપયોગ કરી અમે એક અંદાજીત 30 મિનિટ જેટલો ચાલે તેવો વિડીયો પ્રોગ્રામ રચ્યો જે ટી.વી.સ્ક્રીન પર દેખાડી શકાય અને સાથે ગુજરાતીમાં કોમેંટરી પણ આપી શકાય . વળી આ બધું હતું સરળ ગુજરાતી ભાષામાં ! આ વિડીયો કેપ્સયુલમાં સામેલ હતા - નવજાતશિશુની રોજિંદી આવશ્યક સંભાળ , સ્તનપાન ની વૈજ્ઞાનિક પધ્ધતિ અને કાંગારુ માતૃ સુરક્ષા જેવા અતિ આવશ્યક વિષયો.
જી.જી.હોસ્પીટલ એ સૌરાષ્ટ્રની એક સૌથી મોટી રેફરલ ટીંચીંગ હોસ્પીટલ હોવાથી અહીં દર્દીઓનો સતત વિશાળ પ્રવાહ ધસમસતો રહે છે. અમારો નવજાતશિશુ વિભાગ વર્ષે લગભગ હોસ્પીટલમાં જ જન્મતા 6000 નવજાતશિશુને અને અંદાજે 1500 જેટલા બાહરથી રીફર થયેલા શિશુઓને સેવા આપે છે. આટલા વિશાળ ફલક પર જો અમે આ તમામ શિશુની માતાઓને પ્રશિક્ષીત કરી શકીએ તો ખરેખર દુરગામી પરિણામો નવજાતશિશુ સંભાળ અંગે સમાજ ને અવશ્ય જાગૃત કરી શકે. પ્રશિક્ષણનું આ ભગીરથ કાર્ય જે રોજીંદા ધોરણે કરવુ અને તે પણ દરદીઓની સંભાળ સાથે તે માત્ર ડોકટરોથી શક્ય ન હતુ. હવે વારો હતો અમારા નર્સીંગ સ્ટાફનો કે જેમણે અમારી સાથે ખભે-ખભો મેળવીને આ કાર્યને રોજીંદા ધોરણે અંજામ દેવા ખાસ કમર કસી. અને શરુ થયો એક જ્ઞાન યજ્ઞ જેમાં માતાઓને એક અલાયદા એરકન્ડીશન્ડ સેમીનાર રુમ(કે જે નવજાતશિશુ વિભાગમાં જ છે.)માં ખાસ ખુરશી આપી વિશાળ ટી.વી. સ્ક્રીન પર પ્રશિક્ષીત કરવામાં આવે છે. તેમને વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછીને મનમાં રહેલી વિવિધ શંકાનું સમાધાન કરવા પ્રોત્સાહિત કરાય છે.


આ પ્રશિક્ષણ કાર્ય શરુ થયાને હવે છ માસ થયા છે અને અમે અમારા આ પ્રયાસ માટે ધન્યતા અનુભવીએ છીએ કારણકે હવે આવી પ્રશિક્ષણ લઈને ગયેલી માતાઓ ફરી બતાવવા આવે ત્યારે શિશુ સંભાળ માં સામાન્ય ભૂલો નથી દેખાતી – સ્તનપાન માં અનુભવાતી તક્લીફો ઘટી છે. અભણ અને ગરીબ માતાઓ પણ પાછા મળ્યે અમારી આ “ ફીલમ “ ને ચોક્ક્સપણે યાદ કરે છે!!
આ કાર્યએ નર્સીંગ સ્ટાફ,ડીપાર્ટમેન્ટ ઓફ પિડીયાટ્રીક્સ, જી.જી.હોસ્પીટલ ઓથોરિટી અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ ઓથોરિટી તથા આરોગ્ય તંત્ર નો એક સંયુક્ત પ્રયાસ છે. ઈશ્વર અમને આ કાર્ય આગળ ધપાવવા બળ આપે એ જ અભ્યર્થના....


New Born Baby Ward

Tuesday, August 25, 2009

આ મમ્મી થી તો ભાઈ તોબા...!!


સ્વાઈન ફ્લુને લીધે ગુજરાતમાં એક ફફડાટ લગભગ દરેક આમ આદમી ના મનમાં ઘર કરી ગયો છે. માસ્ક-દવા-ડોકટર-છાપુ-ટીવી આજકાલ રોજીંદી જરુરીયાત બની ગયા છે ! આજે વાત કરવાની છે એક ઘણુ ભણેલા (પોસ્ટગ્રેજ્યુએટ) મમ્મી ની !
મારા એક મિત્રનુ બાળક 4 વર્ષનુ છે જે એક જાણીતી સ્કૂલમાં એલ.કે.જી(lower kinder garden)માં અભ્યાસ કરે છે. બાળકને એક દિવસથી જરા શરદી-ઉધરસ-તાવ થયા જે કોઈપણ વાઈરલ રોગના સામાન્ય લક્ષણો ગણી શકાય.
આ બાળકને તેની મમ્મી લઈને ગઈ સ્કૂલે ..! સ્કૂલમાં બાળકને શરદી-ઉધરસ જોઈ સ્કૂલ સત્તાવાળાઓ એ બાળકને સારુ ન થાય ત્યાં સુધી ઘેર લઈ જઈ ને મેડીકલ તપાસ તથા ઈલાજ કરાવવાની માતાને વિનંતી કરી. માતાએ કહ્યુ આ તો સામાન્ય બિમારી છે અને હુ કંઈ નથી કરવાની. સ્કૂલ સત્તાવાળાઓએ કહ્યુ કે અમોને ઉપરથી આદેશ છે કે હાલ સ્વાઈન ફ્લુના સંક્રમણને ધ્યાનમા રાખીને આવા શરદી-ઉધરસ વાળા બાળકોને શાળામાં ન આવવા કહેવુ જેથી અન્ય બાળકોને ચેપ ન લાગે.
બસ આ મમ્મી ઉગ્ર બની ગયા તેમની દલીલ હતી. અમે ક્યાય બહારગામ કે વિદેશ નથી ગયા તો અમારા બાળકને થોડો સ્વાઈન ફ્લુ હોય ! તમે જો બાળકને આવી રીતે ઘેર લઈ જવાનુ કહેશો તો એના ભણતર પર ખરાબ અસર પડશે. વળી બાળકની આજે ડ્રોઈંગ ટેસ્ટ લેવાના છે તો તેના માર્કનુ શું ...!!
સાદી શરદી જ છે અને એવુ તો ઘણા બાળકોને હોય છે તમે એને ના પાડશો તો બધાને લાગશે કે શું આ બાળકને સ્વાઈન ફ્લુ છે .!! હું તમારી શાળા શિક્ષણાધિકારીને ફરિયાદ કરીશ એના પપ્પાને તો શિક્ષણ વિભાગમાં પણ ઓળખાણ છે.
બિચારા શાળા સંચાલકોએ અંતે નમતુ જોખ્યુ અને બાળકને અલગ ઓરડામાં ડ્રોઈંગ ટેસ્ટ અપાવી ! ( આમ તો એક રીંગણાના ચિત્રમાં કલર જ ભરવાનો હતો...!) આ મમ્મી પછી સાંજે મળી એની મિત્રોને અને એ સભામાં એમની આ વાત અને તેમાં તેમની શાળાને ધમકાવવાની સિધ્ધિ વિશે અન્યોને જાણ કરી.!
અન્ય બહેનો એ આમાથી શું શિખ લીધી એ તો રામ જાણે પણ મને કેટલાક મુદ્દાઓ આપ સૌ સમક્ષ રજૂ કરવાની જરુરિયાત ખરેખર લાગી...!


વિચારવા લાયક મુદ્દાઓ...


1. હંમેશા હવા માં છીંક કે ખાંસી દ્વારા ફેલાયેલા સૂક્ષ્મ વિષાણુ ના અન્ય મનુષ્યમાં દાખલ થવાથી વાઈરલ ઈન્ફેકશન થતુ હોય છે. આ સિવાય આ વિષાણુઓ જો અન્ય વસ્તુ પર લાગેલા હોય તેના વાળો હાથ જો આંખ કે નાકને અડે તો લાગી શકે. આથી કોઈપણ જગ્યા કે જ્યાં છ ફીટથી ઓછા અંતરે મનુષ્યો એકઠા થશે ત્યાં સહુ કોઈ પોતાના વાઈરસની ગીફ્ટ અન્યને આપશે !! આ જગ્યા ઓફિસ- ઘર- સિનેમા હોલ કે સ્કૂલ હોઈ શકે. સ્કૂલમાં આ માટે આદર્શ વાતાવરણ છે. ઘણી ખરી સ્કૂલમાં નાના કલાસરુમમાં સારી એવી વિદ્યાર્થી સંખ્યા હોય છે. એકબીજાને ભેટવામાં-લડવામાં-એક બીજાના લંચ બોકસ માંથી ખાવામાં કે એક જ બોટલ કે પ્યાલામાંથી પાણી પીવામાં એમને આભડછેટ નથી !!


2. કોઈપણ વાઈરસજન્ય રોગમાં માનવ શરીરને સંપૂર્ણ સાજા થતા 5-7 દિવસ થઈ જાય છે. આ સમય દરમ્યાન પૂરતી-ઉંઘ-આરામ-પોષક આહાર જરુરી છે. આવુ ન કરવાથી ઘણી વાર બિમારી લંબાઈ જાય છે.
તકસાધુ બેકટેરીયાનુ સંક્રમણ પણ આવા સમયે થવા સંભવ છે. અને સાદી શરદી ગંભીર ન્યુમોનિયામાં પરિણમે છે.


3.બે કે ત્રણ દિવસની સ્કૂલ કે શરુઆતી ધોરણની પરિક્ષાના નામે બિમારીના સમયે બાળકને ધરારથી સ્કૂલે મોકલવાથી બાળકને માનસિક ત્રાસ પણ વેઠવો પડે છે. શિસ્ત અને અનુસાશનના નામે બાળકને પરાણે ભણવુ પડે છે.

4. સ્વાઈનફ્લુ હવે છઠા સ્ટેજમાં છે અને હવે ધીરે ધીરે ભારતના બધા ભાગોમાં કેસ રીપોર્ટ થાય છે આથી સતર્કતા જરુરી છે. શાળાઓને સરકારશ્રીના આદેશ અનુસાર કોઈપણ શરદી-ઉધરસ-તાવ વાળા બાળકને ઓળખી અને તુરંત ડોકટરી તપાસ અને ઓછામાં ઓછા સાત દિવસ અન્ય બાળકોથી દૂર ઘેર જ રહેવાની સલાહ આપવાની માર્ગદર્શિકા અપાયેલ છે.(સંદર્ભ- http://mohfw-h1n1.nic.in/final_guidelines-_swine_flu_-_for_schools%5b1%5d.doc) આવા સમયે દરેક નાગરીકની ફરજ છે કે સરકારશ્રીના આ આદેશનુ પાલન કરે અને આ મહામારી થી બાળકો અને અન્યોને બચાવવામાં મદદ કરે.

5. આથી ઉલ્ટુ જો કોઈપણ માતા-પિતા કદાચ પોતાના બાળકને શરદી હોય અને સાત દિવસ સ્કૂલે ન મોકલે કે ઘેર રાખે તો સ્કૂલને પણ આદેશ છે કે આ અંગે કોઈપણ મેડીકલ સર્ટિફિકેટનો આગ્રહ ન રાખવો.

તો સમજો ચતુર સુજાણ... આપણી સુરક્ષા આપણે હાથ જ છે ... માત્ર સા.બુ. વાપરો...
સરકાર હવે વાલીઓની માર્ગદર્શિકા પણ વેબ સાઈટ પર મૂકે તો સારુ !!!

Sunday, August 23, 2009

નવીનતમ H1 N1 નુ અતિક્રમણ


કયા નામ થી ઓળખીશુ ?

• સ્વાઈન ફ્લુ ??
• H 1 N1 ??
• નવીનતમ- H1 N1 ??આ એચ-1 અને એન-1 ક્યાંથી આવ્યા?

વાઈરસની કોષ રચનામાં વિવિધ ભાગો પરથી તેની વૈજ્ઞાનિક ઓળખાણ- નામ એચ-1 એન-1 રખાયુ.

વાઈરસનો પરિચય


· ઈન્ફ્લુએન્ઝા - RNA-પ્રકારના વાઈરસ કે જેનુ જનિનિક દ્વવ્ય હંમેશા બદલાય છે.
· અતિશય સૂક્ષ્મ (80-200nm)
· ઈન્ફ્લુએન્ઝા વાઈરસના જ પક્ષી- ડુક્કર અને મનુષ્યસ્વરુપમાં જોવામળતા જનીનો આ વાઈરસમાં જોવામળેલા છે.આમ તે નવીનતમ રચના વાળો અગાઉ ન ઓળખાયેલ વાઈરસ છે.માટે તેને નવીનતમ એચ-1 એન-1 કહેવાય છે.

વાઈરસનો ઉદભવ કેમ થયો?મનુષ્ય- ડુક્કર – પક્ષી માં જોવા મળતા ઈન્ફ્લુએન્ઝા વાઈરસમાં જનીનીક બદલાવ આવ્યો અને તે હવે મનુષ્ય માટે પણ ચેપી બન્યો અને વિશ્વમાં ફેલાયો.
આ રોગ કેવી રીતે ફેલાય છે?• મનુષ્ય થી મનુષ્ય માં ફેલાય છે.
• શ્વાસ- છીંક અને ખાંસી દ્વારા હવામાં સૂક્ષ્મ બુંદો દ્વારા જીવાણુ ફેલાય છે(6-10 ફીટ સુધી ).
• આવી સૂક્ષ્મ બુંદો વાળા હાથ બીજા સાથે મેળવવાથી કે તેના વાળી વસ્તુ અડવાથી તે હાથ પર લાગે છે. પછે આવો હાથ નાક પર કે મોં પર લાગવાથી ચેપ લાગે છે.

સ્વાઈન ફ્લુના લક્ષણૉ

· તાવ
· તૂટ-કળતર
· શરદી-ખાંસી
· ગળામાં દુઃખાવો
· શ્વાસ લેવામાં તકલીફ
· ઉબકા
· ઉલ્ટી
· ઝાડા
· બેચેની
· થાક
· ભૂખ ન લાગવી

વાઈરસ ક્યાં સુધી ચેપી છે?


વયસ્ક મનુષ્યમાં
લક્ષણો ના 1 દિવસ પહેલાથી - લક્ષણો દેખાયાના 7 દિવસ સુધી...
બાળકોમાં
લક્ષણો ના 1 દિવસ પહેલાથી - લક્ષણો દેખાયાના 10 દિવસ સુધી...


આટલો ડર કેમ છે …!!?


· કદાચ ભૂતકાળમાં ઈન્ફ્લુએન્ઝાના ઘાતક સંક્રમણની ભયાનક યાદો થી...
· કદાચ માત્ર આંકડાથી...
· કદાચ નવી બિમારી છે એટલે..
· કદાચ જેટલા મોં એટલી વાતો...બિન વૈજ્ઞાનિક માહિતીનો અપપ્રચાર...અફવાઓ ફેલાવાથી..

ચાલો લડીએ સાથે મળીને...

આ છે આપણા હથિયાર...


• સ્વયંશિસ્ત
• સારી આદતો
• મેડીકલ સહાય
• સકારાત્મક અભિગમ

સ્વયંશિસ્ત

• જો આપને શરદી-ખાંસી-તાવ જેવી બિમારી જણાય તો ઘેર રહો અને ઓફિસ- શાળા –

કોલેજ ભીડવાળી જગ્યાએ જવાનુ ટાળો.
• છીંક -ખાંસી ખાતી વખતે નાક અને મોં આડો રુમાલ રાખો.
• શરદી -ખાંસી હોય ત્યારે હાથ મેળાવવાનુ કે ગળે મળવાનુ ટાળો.
• ભીડ ભાડ વાળી જગ્યાઓ માં જવાનુ ટાળો.
• જરુર જણાય ત્યારે સરકાર માન્ય હોસ્પીટલોમાં સ્વાઈન ફ્લુ સંબંધી સલાહ લો.


સારી આદતો

• પૂરતી ઉંઘ લો. આરામ કરો.
• ચિંતા અને તણાવ થી દૂર રહો.
• વારંવાર સાબુથી હાથ ધુઓ.
• હાથ ધોયા વગર આંખો કે નાકને ન અડકો.
• તમારો રુમાલ તમારા પૂરતો જ વાપરો.
• વપરાયેલા ટીસ્યુ પેપરોને યોગ્ય રીતે કચરા ટોપલીમાં એકત્ર કરી પછી બાળી નાખો.


મેડીકલ સારવાર


• સરકાર માન્ય હોસ્પીટલોમાં પરિક્ષણ અને સારવાર ઉપલબ્ધ છે.
• બધા દર્દીને દાખલ થવાની કે પરિક્ષણની કે દવાની જરુર નથી.
• સારવાર અને પરિક્ષણ નો નિર્ણય મેડીકલ તપાસ બાદ તબીબી નિષ્ણાંત કરશે.
• જરુર પડ્યે આ ફ્લુ બિમારી માટે ઉપલ્બ્ધ દવા (જે માત્ર સરકાર માન્ય હોસ્પીટલમાં જ પ્રાપ્ય છે)

તેનો પ્રયોગ ડોકટર સૂચવશે.
• હાલ આ માટે ઓસેલ્ટામિવિર (પ્રચલિત નામ-ટેમીફ્લુ) વાપરવામાં આવે છે.
• આ સાથે અન્ય તબીબી સલાહ અને સારવાર પણ જરુરી છે.


ઘર પર ઉપચાર


• આરામ કરો – પૂરતી ઉંઘ લો.
• શરદી-ખાંસી ની સામાન્ય દવાઓ(તબીબી સલાહ અનુસાર) લો.
• તાવ માટે યોગ્ય ડોઝમાં માત્ર પેરાસીટામોલ દવા જ વાપરો.
• મીઠાના પાણીના કોગળા કરો.
• ગરમ પાણીનો નાસ લો.
• યોગ્ય આહાર લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવો.


જાણવા જેવુ...


• H1N1-વાઈરસના બંધારણમાં રહેલ વિશેષ રચનાને લીધે તેની મનુષ્યમાં જોખમી બિમારી કરવાની ક્ષમતા ઓછી છે.
• અન્ય ઈન્ફ્લુએન્ઝા વાઈરસ પ્રમાણમાં વધુ ઘાતક હોય છે. (દાત. પક્ષીમાંથી ઉદભવતો એવીઅન- ઈન્ફ્લુએન્ઝા)


સકારાત્મક અભિગમ


• આંકડાઓ અનુસાર મોટા ભાગના લોકોમાં આ બિમારી તદ્દન મામૂલી શરદી થી આગળ વધતી નથી.
• દવાઓ ઉપલ્બ્ધ છે.
• રોગ વિરોધી રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

ઉપયોગી વેબસાઈટ


http://mohfw-h1n1.nic.in/

http://www.flu.gov/
http://www.whoindia.org/EN/Index.htm

http://www.swinefluindia.org/


કેવળ જનહિતમાં પ્રસિધ્ધ...

ખાસનોંધ....
પ્રસ્તુત માહિતી માત્ર જન-સામાન્ય ના સામાન્ય જ્ઞાન હેતુ છે. દર્દી સંબંધી કે બિમારી સંબંધી તમામ નિર્ણયો સ્થળ પર હાજર તબીબી વિશેષજ્ઞની સલાહ અને નિર્ણય અનુસાર જ લેવા. સરકારશ્રીના નિયમો અને માર્ગદર્શિકા માટે અધિકારીક વેબસાઈટ જોવા વિનંતી.

આપનો અભિપ્રાય કે સૂચન આવકાર્ય...

ડો.મૌલિક શાહ એમ.ડી. (પેડ)
એસોસીયેટ પ્રોફેસર- પિડીયાટ્રેક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
અને જી.જી.હોસ્પીટલ
જામનગર (ગુજરાત)
maulikdr@gmail.com
http://matrutvanikediae.blogspot.com/

તમારા પ્રશ્નો અહીં commentsમાં લખવા શક્ય એટલા જવાબ આપવા પ્રયત્ન કરીશ...
SWINE FLU(H1N1) INFORMATIVE POSTERS

Friday, August 7, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ સ્પેશ્યલ લેખ-4

સ્તનપાન ની પૂર્વતૈયારી - પૌષ્ટીક આહાર સગર્ભાને...ધાત્રી માતાને...
ચિત્ર પર ક્લિક કરો- અને મોટુ વાંચો..
click to see enlarged HTML versionહવે માણો એક વિડીયો..

Wednesday, August 5, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ (1 થી 7 ઓગષ્ટ) - લેખ -3

સ્તનપાન સંબંધી ગેરમાન્યતાઓ (BREAST FEEDING related MYTHS)
મિત્રો આરોગ્યલક્ષી બાબતોમાં તો ભાઈ જેટલા મોં એટલી વાત ! લોકો પોતાની અજ્ઞાનતા અન્ય પર ઠોકી બેસાડવામાં કંઈ બાકિ નથી રાખતા.. અને તે પણ ખૂબ જ્ઞાની જન ની જેમ્.! આવી જ અનેક ગેરમાન્યતા સ્તનપાન વિશે પ્રવર્તે છે. આજે પ્રયાસ કરુ છુ આવી અનેક ગેરમાન્યતા દૂર કરવાનો આશા છે આ લેખથી ભવિષ્યમાં માતા બનનાર બહેનોને ફાયદો થશે...
લેખને મોટુ કરીને વાંચવા લેખ પર ક્લિક કરો...
Please CLICK on the PICTURE below to READ larger HTML version

આપનો પ્રતિભાવ- કોમેન્ટ જરુરથી નીચે લખશો...

Sunday, August 2, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) -2

મિત્રો, વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) ની ઉજવણી માં આજે પ્રસ્તુત છે દ્વિતિય લેખ....
મોટુ કરી બહેતર વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરશો.
to read better click on the picture to see larger HTML VERSION


આપનો અભિપ્રાય ચોક્કસ આપશો.

આ વર્ષના સ્તનપાન સપ્તાહના થીમ ને અંગ્રેજીમાં વાંચો

ક્લિક કરો- http://www.worldbreastfeedingweek.org/images/english_2009actionfolder.pdf

Friday, July 31, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) - 1

મિત્રો
વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) ની ઉજવણી માં આજે પ્રસ્તુત છે પ્રથમ લેખ....

મોટુ કરી બહેતર વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરશો.
to read better click on the picture to see larger HTML VERSIONયુનિસેફ - કહે છે ગળથૂથી ન આપશો શરુ કરો તુરંત સ્તનપાન્..
જો શિશુ જન્મ પહેલા કોઈ જોખમ તમે નથી લેતા તો પછી શામાટે.... american commercialસ્તનપાન આપો જ્યાં સુધી બાળક ચાહે અને તમે ચાહો... CYWHS commercial.

Wednesday, July 29, 2009

આજે આજે ઓ.આર.એસ. દિવસ...O.R.S. DAY...!


ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ (Oral Rehydration Salt) એટલે કે ઝાડા-ઉલ્ટીની સારવારમાં શરીરમાં પાણી અને ક્ષાર ખાલી થઈ જતુ અટકાવતો પાવડર. આ સામાન્ય જણાતા પાવડરની શોધ અને તેના ઉપયોગને લગભગ ત્રીસ વર્ષ થશે. વિશ્વમાં જો કોઈ દવા થકી દર્દીના પ્રાણ બચાવવાનું અંકગણિત માંડવામાં આવેતો ઓ.આર.એસ. નો પ્રથમ નંબર બિનહરીફ રીતે જાહેર થાય..! આ પાવડરના પ્રયોગે ઝાડા ઉલ્ટીથી થતા મૃત્યુદર ખાસ કરીને બાળમૃત્યુદર ને ખૂબ જ ઘટાડી દીધો છે. 2005 સુધીમાં ઝાડા ઉલ્ટીમાં બાળમૃત્યુનો દર પહેલાના દરની સરખામણીએ ઘટીને 50% થી પણ ઓછો થયેલો અને 2008-2009 માં આ

અંક હજુ પણ ઘણા અંશે ઘટી જવા પામ્યો છે. થેંક યુ ઓ.આર. એસ. !!!
ઝાડા-ઉલ્ટી નો દર બાળકોમાં પ્રથમ બે વર્ષમાં ખૂબ વધારે જોવા મળે છે. અંદાજે દરેક બાળક ને જીંદગીના પહેલા બે વર્ષોમાં 3થી 4 વખત પ્રતિ વર્ષ આ બિમારી લાગુ પડે છે. સામાન્ય રીતે આ બિમારી વાઈરસજન્ય હોવાથી થોડા સમયમાં મટી જતી હોય છે. પરંતુ ઘણી વખત જો બાળકને વધુ પાણી ઝાડામાં વહી જાય કે ઉલ્ટી વધુ પ્રમાણ માં હોયતો ગંભીર પરિસ્થિતી સર્જાઈ જતી હોય છે. વળી જો આ બિમારી લાંબા સમય સુધી ચાલે તો તેમાં બાળકનુ પોષણ પણ જોખમાઈ શકે. અને તેથી બાળક પોતાનુ વજન ગુમાવે અને તેનો વિકાસદર પણ અટકી શકે. આમ ઝાડા-ઉલ્ટીને લીધે બાળકને અનેક નુકશાન શક્ય છે પરંતુ કેટલાક સામાન્ય ઉપાયો થી આ બધુ અટકાવવુ શકય છે.માતાપિતાને થતી ઘણી મૂંઝવણોને આવો જાણીએ કેટલાક પ્રશ્નોત્તરના માદ્યમથી ...

પ્રશ્ન -મારા બાળકને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા છે તો કયારે મટશે ડોક્ટર ?
જવાબ- બાળકોમાં ઝાડાની બિમારી હંમેશા ધીમે-ધીમે મટતી હોય છે અને અંદાજે પાંચ થી સાત દિવસે મટે છે. આવુ બનવાનું મુખ્ય કારણ બાળકના આંતરડામાં વાઈરસના હુમલાથી થયેલી ઈજાને સાજી થવામાં લાગતો સમય છે. આ પાંચ દિવસોમાં આપ બાળકની બિમારીમાં ક્રમિક સુધારો ચોક્કસ નોંધશો જેમકે ચિડીયુ રહેતુ બાળક ધીમે-ધીમે રમતુ થાય, ઝાડાની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળે વિ. પરંતુ એકદમ જ ઝાડા બંધ થઈ જાય તેવુ શક્ય નથી. ઝાડાની બિમારીના આ કુદરતી ક્રમને સમજી અને ધીરજ રાખવી જરુરી છે.


પ્રશ્ન- મારા બાળકને ઝાડા મટાડવા કોઈ ઈંજેકશન કે બાટલો લગાવવો જરુરી છે કે શુ?
જવાબ-
મોટા ભાગના(90%) ઝાડાનું કારણ વાઈરલ ઈન્ફેકશન હોય છે આથી આ માટે બાળકને કોઈ એન્ટીબાયોટીક દવા દેવી જરુરી જ નથી. આમ કરવાથી ઉલ્ટુ નુકશાન વધુ થાય છે. ઝાડા ઉલ્ટીમાં બાળક મુખ્યત્વે પાણી અને ક્ષાર ગુમાવે છે જે ખૂબ સરળતાથી ઓ.આર.એસ. કે અન્ય ઘરગથ્થુ પ્રવાહી દ્વારા પૂર્ણ કરી શકાય છે. જે પદાર્થો બાળક મોં વાટે લઈ શકતુ હોય તેજ વસ્તુ સોય દ્વારા બાટલાના માદ્યમથી દેવાનુ જરુરી નથી. મોટાભાગના બાળકો ખૂબ સરળતાથી મોંથી પાણી લઈ શકતા હોય છે કે ખાઈ શકતા હોય છે. આવા સંજોગોમાં બાળકને હોસ્પીટલાઈઝ કરવુ કે બાટલો ચડાવવો જરુરી નથી.
જો બાળક ને ઉલ્ટી ચાલુ હોય કે મોંવાટે લેતુ ન હોય કે ઝાડા દ્વારા સર્જાયેલુ નિર્જલન(dehydration) વધુ પ્રમાણ માં છે તેવુ ડોકટરને લાગે તો જ બાટલો ચડાવવો કે અન્ય ઈન્જેકશન લગાવવા જરુરી છે.


USE O.R.S. IN Diarrhoeal Disorders says SAKSHI TANVAR.પ્રશ્ન- ઝાડા હોય તેવા બાળકને મોં વાટે શું આપી શકાય ?
જવાબ
- છ માસથી નાના બાળકને માતાના ધાવણ અને ઓ.આર.એસ. (ORS) સિવાય કશુ જ નહી.
છ માસથી મોટા બાળકને – ઓ.આર.એસ., સાદુ પાણી, નાળિયેર પાણી, ઓસામણ, પાતળી છાસ, લીંબુ પાણી, દૂધ કે તાજા ફળોનો રસ(ઉપરથી ખાંડ નાખ્યા સિવાય) આપી શકાય.
આ સિવાય માનુ ધાવણ અને ઘરનો બનાવેલો તાજો અને હળવો ખોરાક પણ બાળક માગે તે પ્રમાણે ચાલુ રાખવો જોઈએ.


પ્રશ્ન- ઝાડા હોય તેવા બાળકને શું ન આપી શકાય ?
જવાબ- ઝાડા હોય તેવા બાળકને કોફી, માત્ર ગ્લુકોઝનુ પાણી, બજારુ ઠંડા પીણા કે વધુ ખાંડ વાળા પદાર્થો ન આપવા.
ખાસ યાદ રાખો ક્યારેય પણ મેડીકલ સ્ટોર પરથી ઝાડા બંધ કરવાની દવા ડોકટરી સલાહ વગર લઈ અને ન આપવી તે અતિશય જોખમી છે.


પ્રશ્ન- બજારમાં ઉપલબ્ધ અનેક ઓ.આર.એસ. માંથી કયુ લેવુ. ?
જવાબ- ઓ.આર.એસ. એ ગ્લુકોઝ અને ક્ષારનુ યોગ્ય પ્રમાણમાં બનાવેલુ દ્રવ્ય છે. જો તેમાં કોઈપણ પદાર્થનુ મૂલ્ય નિયત વૈજ્ઞાનિક માત્રાથી ઓછુ કે વધુ હોય તો તે ફાયદા કરતા નુક્શાન પહોંચાડે તેવો સંભવ છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.)એ પ્રમાણિત માપદંડો અનુસારનુ ઑ.આર.એસ. જ લેવુ બાળકને માટે લાભદાયક છે. આ માટે ઓ.આર.એસ. ના પેક પર આવુ લખાણ છે કે નહી તે અવશ્ય નક્કી કરો.

ઓ.આર.એસ. કેમ બનાવવુ એ જાણૉ વાનગી બનાવવાના નિષ્ણાંત સંજીવ કપૂર પાસેથી...પ્રશ્ન- ઝાડામાં અન્ય કઈ દવાઓ ઉપયોગી છે ?
જવાબ- ઝાડા ગ્રસ્ત બાળકને ઓ.આર.એસ. સિવાય ઝિંક(ZINC) નુ સીરપ, ડ્રોપ્સ કે ટેબ્લેટ આપવુ જોઈએ. ઝીંક બાળકના આંતરડાની આંતરીક રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વારંવાર થતા ઝાડા ના બનાવો ઘટાડે છે. બાળકના સ્વાસ્થય ને સુધારે છે. ઝિંકના બીજા અનેક લાભ પૂરવાર થયેલા છે આથી બાળકને તેનો કુલ ચૌદ દિવસનો કોર્સ કરાવવો જોઈએ. ઝાડા મટી જાય તો પણ ઝિંક નો ડોઝ ચૌદ દિવસ સુધી ચોક્કસ આપવો જ જોઈએ.

હવે જુઓ ઝિંક ના વપરાશ પર એક સંદેશ...
પ્રશ્ન- ઝાડા ન થાય તે માટે કયા ઉપાયો કરવા ?
જવાબ-

 • છ માસ સુધી શિશુને માત્ર માનુ ધાવણ જ આપો.
 • બાળકને શૌચ ક્રિયા બાદ અને રમીને આવે પછી હાથ સાબુથી ધોવડાવો.
 • ખાદ્ય પદાર્થો ઢાંકેલા રાખો અને સફાઈ જાળવો.
 • શિશુને ઓરીની રસી સમયસર મૂકાવો અને વિટામીન-એ નો ડોઝ પણ અપાવો.
 • પીવાના પાણીને જરુરી સફાઈ બાદ પ્રયોગમા લેવુ અને જરુર જણાયતો ઉકાળીને વાપરવુ.


Tuesday, July 28, 2009

HAPPY BIRTHDAY - JAMNAGAR !!!


હા મિત્રો ! મારા શહેર જામનગરનો આજે સ્થાપનાનો 469મો હેપ્પી બર્થ ડે છે. કચ્છથી આવેલા જામરાવળ અમારા શહેરના આદ્યસ્થાપક છે જેમણે આ શહેરની સ્થાપના કરી. શહેરની સ્થાપના વખતે ની લોકવાયકા મુજબ કૂતરા અને સસલા વાળી વાત જે અમદાવાદ શહેરની સ્થાપનામાં સંભળાય છે તેવી જ વાત અમારા શહેરની સ્થાપનાના ઈતિહાસમાં છે. શહેરની સ્થાપના દરબારગઢમાં ખાંભી સ્થાપી કરવામાં આવી કહેવાય છે કે તે સ્થળે રાજ્ જ્યોતિષી એ સુચિત જગ્યા અને સમય પ્રમાણે ન થતા જામનગર પર વારંવાર સંકટ આવે છે અને આ શહેર ક્યારેય મહાન શહેર કે આર્થિક રાજધાની જેવો વિકાસ ન સાધી શક્યુ.
જામનગર શહેર પર કુલ 21 જામ સાહેબ (જામનગરના રાજવી)રાજ કરી ચૂક્યા છે. શહેરના ખ્યાતનામ રાજવી જામ રણજિતસિંહજી ની આગવી સૂઝથી જામનગરની નવીનતમ શહેરી બાંધણીનું માળખાકીય સર્જન થયુ. જોકે રણજિતસિંહજી ને લોકો તેમના ક્રિકેટ થી વધુ ઓળખે છે. હાલ જામનગર ના જામસાહેબ તરીકે રાજવી પરિવારના શ્રી શત્રુશલ્યજી શોભાયમાન છે.તેઓ પણ ક્રિકેટના ખૂબ શોખીન છે.!

શહેરના જોવાલાયક સ્થળોમા શહેરની મધ્યે આવેલુ લાખોટા તળાવ એક સુંદરતમ ઐતિહાસિક સ્મારક અને એક ઉત્તમ સહેલગાહનુ સ્થળ છે. અહીં શિયાળાના સમયે આવતા પરદેશી- પ્રવાસી એવા સી-ગલ પક્ષીઓ ને જોવા એ એક લ્હાવો છે. તળાવમાં બોટીંગ વિ.પ્રવૃતિ પણ થાય છે. તળાવના કાંઠે અનેક બાળકો માટે બગીચા,માછલીઘર,નેચર પાર્ક વિ. છે. અહીં આવેલુ બાલા હનુમાન મંદિર કે જ્યાં 44 વર્ષથી સતત વણથંભી રામધૂન થાય છે જે એક ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે.!
છોટી કાશી તરીકે ઓળખતા જામનગરમાં સર્વધર્મ સમભાવ જોવા મળે છે. અહીં સુંદરતમ શિવાલયો છે. 400થી વધુ વર્ષ જૂના એવા જૈન મંદિરો છે જેનું સુંદરતમ નકશીકામ અદભૂત છે. મુસ્લીમ ધર્મસ્થાનો પણ શહેરની શોભા વધારે છે.
શહેરનો અર્થ વ્યવહાર મુખ્યત્વે ખેતી અને બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર આધારીત છે. રીલાયન્સ ઉદ્યોગની એશિયાની સૌથી મોટી રિફાયનરી શહેરથી 26 કિમી. દૂર આવેલી છે અને તેની જ થોડે દૂર અન્ય પેટ્રો ક્ષેત્રની મોટી એસ્સાર કંપનીનુ આવુ જ સંકુલ આવેલ છે.
શહેરની સુતરાઉ કાપડ અને સિલ્ક પર અદભૂત ભાત પાડતી પ્રિન્ટ પધ્ધતિ કે જે બાંધણી ના નામે ઓળખાય છે તે મશહુર છે.
શહેરની અન્ય પ્રચલિત વસ્તુઓ કંકુ- કાજળ અને સૂરમો છે. અહીંની નકશીકામ વાળી સૂડી પણ વખણાય છે.જામનગરની કચોરી ની દેશ-વિદેશમાં ખૂબ માગછે.
તો બોલો આવશોને મારા ગામ્..!
photo graph courtesy-flickr.com

Wednesday, July 22, 2009

માર્થા મેસન - જેણે પોલીયોને પરાસ્ત કર્યો...!


લેટીમોર કે જે નોર્થ કેરોલીનામાં આવેલ માત્ર ચારસો લોકોની વસ્તી ધરાવતુ નાનાકડુ ગામ છે ત્યાં રાતના તારા ચમકી રહ્યા હતા પણ ચંદ્રના શાંત પ્રકાશમાં પણ અગિયાર વર્ષની એક બાળકી માર્થા કણસી રહી હતી. પોતાના બેડ પર સુતેલી માર્થાનુ સમગ્ર શરીર તૂટી રહયુ હતુ !. તાવ અને આ પીડાના અસહ્ય વેદનાના આંસુ તે મનોમન પી રહી હતી. માર્થાને ખૂબ પ્રેમ કરતા તેના માતા પિતા બાજુના ઓરડામાં જ સૂતા હતા અને કદાચ તેમને બોલાવવા એક નાનો હલકારો જ કાફી હતો પરંતુ એ દિકરી પોતાની પીડા પોતાના હ્ર્દયમાં જ સંઘરી રાખી માતા પિતાને રાત્રે ઉઠાડવા માગતી ન હતી કારણકે આગલી ઘણી રાત્રિથી જાગેલા માતાપિતા આજે જ તેના 13 વર્ષીય ભાઈની દફનવિધી કરી ઘણા દિવસો પછી પહેલી વાર આરામ કરી રહ્યા હતા.! એમનો વ્હાલસોયો પુત્ર પોલિયોના રોગમાં મૃત્યુ પામેલ હતો.!
પણ પોલિયોનો યમ આ ઘર ભાળી ચૂક્યો હતો અને બીજે દિવસે માર્થા પણ આ જ બિમારી નો ભોગ બની ચૂકી છે તે નિદાન જ્યારે ડોકટરે જાહેર કર્યુ ત્યારે આ દંપતિ માથે આભ તૂટી પડ્યુ. એક હોસ્પીટલથી બીજે તેમ ફરતા ફરતા માર્થાની સારવાર સંબધી અનેક કોશિશો તેમણે કરી પરંતુ આ રોગનો કોઈ ઈલાજ ન હતો. અંતે આ રોગને લીધે માર્થા ને પણ ડોકથી નીચેનો શરીરનો દરેક ભાગ લકવાગ્રસ્ત બની ગયો. હવે તે માત્ર ચહેરાના સ્નાયુ ચલાવી શકતીૢ બોલી અને જોઈ શકતી! તેની શ્વાસ લેવાની ક્ષમતા પણ હવે ન રહી હતી! ડોકટરો એ તેને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ માટેના એ જમાનાના લોખંડી ઉપકરણ પર મૂકી કે જે લૂહારની ધમણ માફક વ્હૂશ વ્હૂશ કરતુ ચાલતુ અને તેમાં બનતા નેગેટીવ પ્રેશરથી અંદરના દર્દીના શ્વાસોચ્છ્વાસ ચાલતા.!! આ મશીન(જૂઓ-ફોટો અને વિડીયો) એ જમાનાની મોટી શોધ ગણાતુ અને પોલિયોના અનેક દર્દીઓને તેના પર મૂકાતા પરંતુ મોટા ભાગના આવા દર્દીઓ થોડા સમયથી વધુ ઝીંક ઝીલી શકતા નહિ !!
આથી ડોકટરો એ પણ માર્થાને મશીન (કે જે આયર્ન લંગ તરીકે ઓળખાતુ) સાથે ઘેર લઈ જવાની સલાહ માતાપિતાને આપી. અને જતા પહેલા માર્થા કદાચ વધીને એકાદ વર્ષ કાઢશે તેવી ભીતિ વ્યકત કરી!
પરંતુ પોતાના વ્હાલસોયા પુત્રને ખોઈ ચૂકેલુ એ દંપતિ પોતાની પુત્રીને કોઈપણ ભોગે અને કોઈપણ હાલતમાં જીવિત જોવા માગતુ હતુ આથી પાછુ લેટીમોર આવ્યુ અને સાથે શરુ થઈ એક મહા ગાથા માર્થાની...!
માર્થા હવે લેટીમોરમાં પાછી આવી. ધીમે-ધીમે તેણે પોતાનો છોડેલો અભ્યાસ ચાલુ કર્યો અને લોખંડની પેટીમાં મશીની શ્વાસ સાથે વાંચન કાર્યથી ખૂબ ધૈર્યતા પૂર્વક ભણવાનો નિર્ધાર જાગૃત કર્યો. શિક્ષકોએ પણ આ સ્પેશ્યલ વિદ્યાર્થીને ઘેર જઈને ખાસ શિક્ષણ આપ્યુ!! અને રંગ લાવી આ મહેનત - તેણે પોતાનો શાળાકીય અભ્યાસ અવ્વલ નંબરે પાસ કર્યો. તેની વિદ્યા પ્રત્યેની લગન અને અભ્યાસ કરવાની મહેચ્છાને જોઈને મેસન દંપતિએ માર્થાને હવે કોલેજ મોકલવાનો નિર્ણય કર્યો.! નાનાકડા લેટીમોરમાં તો કોલેજ કરવી શક્ય ન હતી આથી મેસન દંપતિ તેમની લાડકી માર્થાને એક બેકરીના ટ્રકમાં તેના લોખંડી મશીન સાથે વિન્સટન સાલેમ લઈ ગયા જ્યાંની વિખ્યાત વેક ફોરેસ્ટ કોલેજમાં માર્થાને એડમીશન અપાવ્યુ. આવડા મોટા – લગભગ સાત ફૂટના એ લોખંડી મશીન સાથે રોજ કોલેજના ક્લાસરૂમમાં આવવુ શક્ય ન હતુ. પણ કોલેજ સત્તાવાળાની ખાસ મદદથી મેસન દંપતિને કોલેજ કેમ્પસમાં જ એક મકાન અપાયુ કે જેમાં ઈન્ટરકોમ સ્પીકરની મદદથી માર્થા ક્લાસમાં ભણાવાતા લેકચરને અક્ષરસ: સાંભળી શકે !! આ સાથે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ ઈ.સ્ 1960માં માર્થાએ વેક ફોરેસ્ટ કોલેજમાંથી બેચલર ડિગ્રી હાંસલ કરી અને તે પણ ફર્સ્ટ કલાસ – ફર્સ્ટ !!
માર્થા ને લઈ મેસન દંપતિ પાછુ લેટીમોર ફર્યુ, માર્થાએ એક લોકલ દૈનિક પત્ર માટે લેખન કરવાનુ કાર્ય ચાલુ કર્યુ. આ માટે તે પોતાના વિચારો બોલીને માતાને સંભળાવતી અને માતા તે કાગળ પર ટપકાવી ને લેખ રચતી. આમ ડીકટેશન આધારીત એક લેખન કાર્ય શરુ તો થયુ પણ ત્યાં જ માર્થાના પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો અને તે પણ પથારીવશ બન્યા. હવે માતાને બે પથારીવશ સ્વજનોની સંભાળ લેવાની હતી અને એ પરિસ્થિતીમાં માર્થાનુ લેખન કાર્ય શક્ય ન હતુ. પણ માર્થાએ હાર ન માની તેણે સારા પુસ્તકોનુ વાંચન ચાલુ રાખ્યુ અને પોતાના મનમાં અનેક નવા લેખોને સંઘરી લીધા.!
ભલુ થજો લેટીમોર ગામનુ કે જેણે માર્થાને માત્ર મેસન દંપતિની પુત્રી ન રહેવા દેતા, ગામની પુત્રી ગણી લીધી! સહુ કોઈ ગામ લોકો માર્થા અને મેસન પરિવારને મળવા રોજીંદા ધોરણે આવતુ અને આ પરિવારને મદદરુપ થતુ અને તેમનુ દુઃખ હળવુ કરતુ. વિદ્યાર્થીઓ શાળામાં શીખવાડેલી નવી વાતો કે મેળવેલા ઈનામો માર્થાને બતાવતા તો નવા પરણિત દંપતિ પણ માર્થાને મળવા અને આશીર્વાદ લેવા પહોંચી જતા. આનંદી સ્વભાવની માર્થાના ઘરે હંમેશા મેળાવડો જામેલો રહેતો. ભેટ-સોગાદો અને પત્રોનો પણ પાર ન હતો. જાણે કે એ વિસ્તારના લોકોને માટે આ પરિવાર તેમનું જ અંગ હતુ. ગામના જીવનમાં માર્થા એટલી લોકપ્રિય હતી કે લોખંડી મશીન કે જેના પર માર્થાનો શ્વાસ ટકી રહ્યો હતો તે વિજળીની મદદથી ચાલતુ હતુ આથી ગામમાં જો વિજ-પૂરવઠો ખોરવાય તો ફાયર ડીપાર્ટમેંટના લોકો દોડીને પહેલા મેસન દંપતિના ઘરનુ જનરેટર સંભાળતા!!પણ વિધિની વક્રતાએ ત્યાં ફરી દેખા દીધી. પ્રેમાળ પિતાનુ ઈ.સ.1977માં અવસાન થયુ. થોડા વર્ષો બાદ માતાને પણ પક્ષઘાતનો હુમલો થયો અને તે પોતાની સુધબુધ ખોઈ બેઠા. માનસિક રીતે અસ્થિર બનેલી માતા હવે હોશ ગુમાવી બેઠી હતી અને મન પડે તે રીતે ગુસ્સો કરતી અશબ્દો બોલતી અને માર્થાને પણ કોઈ વખત મારી બેસતી. પણ માર્થા નુ મનોબળ ખરેખર લોખંડી હતુ તેણે હવે પોતાના ઘરની જવાબદારી પોતાના શિરે લઈ લીધી. બે સહાયકો રાખીને તેમણે પોતાની અને બિમાર માતાની તમામ જવાબદારી નિભાવવાની શરુ કરી. લોકોની સલાહ થી વિરુધ્ધ માર્થાએ માનસિક રીતે અસ્થિર અને ચિત્તભ્રમીત માતાને પણ પોતાના જ ઘરમાં રાખી સારવાર ચાલુ કરાવી અને પોતાનુ ઋણ અદા કર્યુ.
માર્થાની જીંદગીમાં સોનેરી આશાનુ કિરણ બની ને આવી કોમ્પ્યુટર ક્રાંતિ! હવે વોઈસ એકટીવેટેડ કોમ્પ્યુટર સોફ્ટવેરથી માર્થા પોતાના વિચારો ને શબ્દોમાં અને લેખમાં પરિવર્તીત કરી શકતી હતી. ઈ-મેઈલ અને ઈન્ટરનેટની દુનિયાથી તે વિશ્વમાનવી બની ચૂકી હતી. હવે તેણે ચાલુ કરી પોતાનુ પ્રથમ પુસ્તકની રચના કે જેના માટે છ વર્ષ ખર્ચાયા પરંતુ એ સુંદરતમ પુસ્તક આખરે પ્રકાશીત થયુ . એ પુસ્તક હતુ- Breath: Life in the Rhythm of an Iron Lung,” 2003 માં આ પુસ્તક પ્રકાશીત થયુ અને એ આધારીત છે માર્થાની જીવન સંઘર્ષગાથા પર. આ પુસ્તકને કદાચ કોઈ મહાન પુરસ્કાર નથી મળ્યો પણ એ જગતને હંમેશા યાદ અપાવશે માર્થાના મહાન સંઘર્ષની...
71 વર્ષની વયે માર્થાએ ઉંઘમાં જ અંતિમ શ્વાસ લીધા ત્યારે એ લોખંડી મશીનનું કાર્ય આખરે 60 વર્ષે થંભ્યુ. આવા સમયે સૌને માર્થાનુ એ વિધાન યાદ આવ્યુ કે માર્થાને જ્યારે પૂછાયુ કે જે છોકરીને ડોક્ટરોએ કહેલુ કે તે એકાદ વર્ષ માંડ કાઢશે ત્યારે તેણે કેવી રીતે આટલુ લાંબુ જીવન મેળવ્યુ ? ત્યારે માર્થાનો જવાબ હતો કે “દરેક વર્ષે મને થતુ કે હજુતો મારે ઘણુ ભણવાનુ ને શીખવાનુ બાકિ છે....!”
ખાસનોંધ-
- આ લેખ માર્થા મેસન પર ઉપલબ્ધ વિવિધ લેખો, અખબારીનોંધો, ડોક્યુમેંટરી ફિલ્મ અને શ્રધ્ધાંજલિઓમાં લખાયેલ વાતો પરથી સંપાદિત કરેલ છે.
-પ્રસ્તુત તસ્વીર માર્થા મેસનની તેમના પર ડોક્યુમેન્ટરી બનાવનાર મેરી ડાલ્ટન સાથેની છે- સૌજન્ય- New York Times .
-પ્રસ્તુત ‘ યુ ટ્યુબ વિડીયો – “ ફાઈનલ ઈંચ “ કે જે પોલિયો પર આધારીત વિષયવસ્તુ લઈ બનેલી છે અને ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ છે તેમાંથી લેવાયેલ છે.
-આ તમામ સર્જકોનો હું આભારી છુ.
એક અપીલ
-આ લેખ દ્વારા પોલિયો રોગ સામે લડત આપનાર તમામ દર્દીઓને હું અંજલિ આપુ છુ. અને દરેક ભારતવાસીને અપીલ કરુ છુ કે આપણા દેશને પોલિયો મુકત કરવા ના તમામ પ્રયાસો માં મુકત મને જોડાઓ. એક પણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે ખાસ ધ્યાન આપશો.