સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, September 5, 2009

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની....!

આમતો ડોક્ટરોને સમાજમાં રહેતા અસામાજિક પ્રાણી તરીકે ગણાય છે- કારણકે દરેક સામાજિક પ્રસંગોએ એમની ગેરહાજરી હોય કે કસમયે પધરામણી હોય..! મોટા ભાગના પ્રોમિસ સાહેબ પાળતા ન હોય એટલે ઘરમાં-પરિવારમાં એમની કોઈ પ્રસંગે ગણતરી ન થતી હોય કે ન એમની પાસે કોઈ કામની અપેક્ષા લેવાતી હોય. આમ જુઓ તો મારા જેવા લેટ લતીફોને તે ઈમ્પ્રેશનનો ફાયદો થાય છે આપણી ભૂલ ઢંકાય જાયને !!
ભારત દેશ તહેવારોનો દેશ છે અને અહીં બાવન રવિવાર સિવાય બીજી કદાચ બાવન રજા નાના મોટા તહેવારોની હોય છે. પણ જાણીને નવાઈ લાગશે કે મેડીકલ લાઈફમાં વિદ્યાર્થી દિવસોથી જ એકાંતરા વર્ષે કદાચ દિવાળી કે નવરાત્રી કે ક્રિસમસ માણવા મળે છે. વિદ્યાર્થી દિવસોમાં આ તહેવાર લાઈબ્રેરી ના ટેબલ પર પુસ્તકોના ઢગલા વચ્ચે કે હોસ્ટેલની મેસમાં મનાવાય છે પણ મનાવાય છે ચોક્કસ...! વળી વૈવિદ્ય પણ ઘણુ કારણકે અબ્દુલના અમ્મીએ મોકલેલો શિરખુરમા હોય કે એડવીનના ઘરે થી આવેલી પ્લમ કેક હોય જેના ઘરેથી આવેલ હોય તેનો તો વારો જ ન આવે.. ! ખેર એ થોડી પળો પાછી પુસ્તકો વચ્ચે ખોવાઈ જતી હોય છે કારણકે ક્યાંક રજા લંબાઈ જાય તો પછી છ માસ જેટલી લાંબી થઈ જાય...!( મેડીકલમાં દર છ માસે રીપીટ પરિક્ષા લેવાય છે.) વેલ એ પછી રેસીડન્સી હોય કે સાહેબગીરી હોય સરકારી હોસ્પીટલમાં નિયમ મુજબ આવશ્યક સેવાઓ બે સળંગ દિવસ બંધ ન રહી શકે એટલે એકાદ દિવસ થી વધુ રજા ન હોય. વળી બિમારીઓ કે રોગ કોઈ તહેવાર પાળતા નથી તે મોટુ દુઃખ છે.! ખેર ઘણી દિવાળી કે ક્રિસમસના ફટાકડા વોર્ડની બારીમાંથી બાહર ફૂટતા જોયા છે જેના ભડાકા શરુઆતમાં અંદર થતા પણ હવે બધુ કોઠે પડી ગયુ છે. અમારા એક બોસ નો ખાસ તકિયા કલામ હતો- it’s a part of life…! બસ એવુ જ કંઈ...!
રખેને એવુ ન માની લેતા કે આ લેખ કંઈ હાય બળતરા કાઢવા લખ્યો છે.! ખેર ઘણા ઓછા લોકોને ખબર હશે પણ ડોકટરો પણ દરેક તહેવારો જે તે સ્થળ પર જ ઉજવી લે છે. એ પણ જીવન ની સાથે જોડી ને ..!
દશેરા ના દિવસે ગુજરાતમાં રાવણ દહનના પ્રસંગો ઉજવાય છે જ્યારે દક્ષિણ ભારતમાં આ દિવસે આયુધ પૂજા એટલે કે શસ્ત્ર પૂજન ના ઉપલક્ષમાં ઉજવાય છે. દરેક માણસ પોતાના રોજી-રોટીના સાધન કે પોતાના શસ્ત્રને પૂજા કરે છે અને ઈશ્વરના આશિર્વાદ મેળવે છે. આ પ્રસંગ ત્યાં ખૂબ આદર અને ભક્તિભાવથી આમ આદમીની જીંદગીમાં વણાયેલો છે નાનો લારીવાળો હોય કે મોટી હોટલવાળો સહુ કોઈ આયુધ પૂજન તો કરશે જ...! તો પછી ડોક્ટરો શાના બાકિ રહે...! મનિપાલ હોસ્પીટલમાં અમારા નવજાત શિશુ વિભાગ મા આયુધ પૂજા કરવાની પ્રથા પાળતા.!! વિચાર આવે કે ડોક્ટરો ના વળી કેવા હથિયાર ? તો સાંભળો વેન્ટીલેટર(કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવાનુ મશીન)-વાર્મર(શિશુનુ તાપમાન નિયંત્રિત રાખતુ મશીન)- પલ્સઓક્સીમીટર(લોહીમાં ઓક્સીજનનુ પ્રમાણ જાણવાનુ મશીન) અને અનેક બીજા આધુનિક સંયંત્રો...
વેલ આ બધાને તે વળી પૂજાતા હશે ? ચોક્કસ પૂજવા પડે કારણકે દિમાગનુ કામ જો દિલથી ન કરીએ તો દિમાગ પણ થાકી જાય... દરેક મશીનનો શોધક માણસ છે અને મશીન અને માણસની ટીમ જ્યારે દર્દીને બચાવવા કામે લાગે છે ત્યારે ઘણા કિસ્સામાં માત્ર વિજ્ઞાન કામ નથી આવતુ , ઈશ્વરનો આશીર્વાદ પણ જોઈએ છીએ. એ આશીર્વાદ કે જે કદા અને તૂટતા ધબકારા વચ્ચે પણ અમને અને મશીન ને ખંતથી કામ કરતા રાખે છે!!. એ આશીર્વાદ કે જે બચીચ અમારા દ્વારા સારા નિર્ણયો લેવડાવે છે અને વખાણ અમારા થાય છે!!. એ આશીર્વાદ જે ખૂટતા જતા શ્વાસ ગયેલા શિશુના મુખ પર વહેલી સવારે સ્મિત બનીને ચમકે છે.! બસ એટલે જ આ પરંપરા અમે પણ પાળી. આયોજન કરવામાં સહુ કોઈ લાગી ગયુ પંડીત અને પૂજન સામગ્રી લાવવાનુ કામ કર્યુ મલયાલી બ્યુનિસ બ્યુલા કે જે ખૂદ ક્રિશ્ચ્યન છે. કેળના પાન અને અન્ય સજાવટ એક મુસ્લીમ-હિન્દુ-જૈન સાથી મળી કરી. પૂજામાં જે માત્ર દસ મિનિટ જ સહુ સાથે મળી બેઠા..! કારણ કે ઉદ્દેશ્ય માત્ર એક હતો હે પ્રભુ અમારા નિર્ણયો માં અમારા આ યુધ્ધમાં સતત અમારી સાથે રહેજે અને અમને અમારા જ્ઞાનરુપી શસ્ત્રનો સદુપયોગ શીખવજે....
(જુઓ ફોટોગ્રાફ)

આવી જ પરંપરા અમે અમારા જામનગરના નવજાત શિશુ વિભાગમાં નિભાવીએ છીએ. આપણે ગુજરાતી એટલે રક્ષાબંધન નુ મહત્વ ઘણુ.. રક્ષાબંધનની મૂળ કથાના હાર્દમાં રક્ષણનો મહિમા છે.. નાના એવા નવજાત શિશુનુ રોગથી અને બિમારી થી રક્ષણ થાય એ અમારા સહુનુ મિશન છે. આ મિશન માં જરુરી છે
સહુનો ઉત્સાહ પૂર્ણ સાથ – ઉચિત નિર્ણયો અને ઈશ્વરનો આશીર્વાદ. નવજાત શિશુ વિભાગ સતત ધમધમતો અને ચોવીસ કલાક ઈમરજન્સી સારવાર આપવા ચાલુ રહેતો વિભાગ છે એટલે અહીં રેસીડેન્ટ ડોક્ટરો કે સ્ટાફને મોટા ભાગે માંદગી સિવાય રજા જ નથી મળતી. આવા સમયે સહુનો ઉત્સાહ જળવાઈ રહે તે પણ જરુરી છે અને તહેવારમાં ઘરની યાદ આવે તે પણ સ્વાભાવિક છે. એટલે અમે આ દિવસે વોર્ડમાં જ તમામના હિત સચવાઈ જાય અને ઈશ્વરની આરાધના પણ થાય તે રીતે રક્ષાબંધન ઉજવીએ છીએ.

અમે નાના નવજાત શિશુને રક્ષા બાંધી એ છીએ અને જો એ ખૂબ બિમાર હોય તો તેના બેડને બાંધીએ છીએ અને ઈશ્વરને આ એસ.એમ.એસ. થી બટરીંગ કરીએ છીએ...! ઈશ્વર તો સાંભળે જ છે પણ આ પ્રસંગથી સહુનુ મોં મીઠુ કરીને તાજા માજા કરી શકાય છે અને એક વધુ સંકલીત અભિગમ સર્જાય છે જેને તમે મેનેજમેન્ટેરીયલ રુલ ગણી શકો!. વળી નવજાત શિશુ પ્રત્યેની ફરજ તત્પરતા પણ વધે છે. (ફોટોગ્રાફ)


કદાચ ઘણા લોકો આને ભારતીયોની પોકળ માનસિકતા માને પણ દવા અને દુઆ બંને નો દોર જ તૂટતા શ્વાસને જોડે છે અને જીવનને ધબકતુ રાખે છે એવુ મારુ માનવુ છે...!


-DR.MAULIK SHAH
4-09-2009.

3 comments:

 1. અમે નાના નવજાત શિશુને રક્ષા બાંધી એ છીએ અને જો એ ખૂબ બિમાર હોય તો તેના બેડને બાંધીએ છીએ અને ઈશ્વરને આ એસ.એમ.એસ. થી બટરીંગ કરીએ છીએ...!

  ReplyDelete
 2. આદરણીય શ્રીશાહસાહેબ,

  આપના બ્લોગ પર, નીચે દર્શાવેલ, અદભૂત લાગણી વ્યક્ત કરેલી જોઈને,સર્વપ્રથમ તેજ, વાક્યને મેં ક્વૉટ કર્યું પણ, આ લેખ મને એટલો બધો સ્પર્શી ગયોકે, તે બાબતે, હું આગળ કાંઈ લખું તે પહેલાં, મારી ભૂલથી તે પબ્લીશ થઈ ગયો. સૉરી.,,


  " અમે નાના નવજાત શિશુને રક્ષા બાંધી એ છીએ અને જો એ ખૂબ બિમાર હોય તો તેના બેડને બાંધીએ છીએ અને ઈશ્વરને આ એસ.એમ.એસ. થી બટરીંગ કરીએ છીએ...! "

  ખરેખર, `નારાયણો વૈદ્યો હરી`, તે ન્યાયે આપની સારવાર હેઠળ શ્વસતા એક બાળકને, ખૂદ નારાયણ રક્ષાકવચ બાંધે, તેનાથી વધારે, તે બાળક અને તેનાં માતા પિતાનું સદભાગ્ય બીજું શું હોઈ શકે?

  મારાથી અધુરા પબ્લીશ થયેલા,પ્રતિભાવના સ્થાને, આપ જો, થોડી તકલીફ લઈને, આ પ્રતિભાવ પબ્લીશ કરશો તો, મારી ભૂલને માફ કરી છે તેમ માની આપનો આભારી રહીશ.

  આપને ખૂબ ખૂબ અભિનંદન.

  માર્કંડ દવે

  ReplyDelete
 3. ખૂબ જ સરસ ... મનને સ્પર્શી ગઈ આ વાત ..!! માનવતાની મહેક પ્રસરી રહી હોય જાણે .. ! આમ જુવો તો લોકો જ્યારે પોતાનું સ્વજન કે પોતે દર્દી હોય છે ત્યારે ભગવાન જેટલી જ શ્રદ્ધા ડોકટર્સ પ્રત્યે ધરાવતા જોવા મળે .. અને ડોકટરની જવાબદારી વધી જાય છે ત્યારે એમની શ્રદ્ધા અને હિંમત આ રીતે ઈશ્વર વધારે છે ... ! ખૂબ ખૂબ અભીનંદન અને શુભેચ્છાઓ ..!!

  ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...