સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Wednesday, September 28, 2011

ડો.પ્રજ્ઞા પૈ – એક વિરલ વ્યક્તિત્વ


મિત્રો, આજે એક અનોખા ડોક્ટર અને માતૃબાળ અને સમાજ ઉપયોગી સાહિત્યના દંતકથા સમાન લેખક ડો. પ્રજ્ઞા પૈ ની વાત... મારા જેવા અનેક લોકો જેમને વાંચીને લખવાની પ્રેરણા મેળવે છે તેવા આ ગુજરાતી લેખક ની જીવન વિશેની વાત અને તેમનો સંદેશ આપના સુધી પહોંચાડવાનો મારો આ પ્રયાસ ચોક્ક્સ આપને સ્પર્શશે. એક પત્ર ઈન્ટરવ્યુ દ્વારા મેં તેમને પૂછેલા પ્રશ્નો અને જવાબ પ્રસ્તુત છે. 

ડો. પ્રજ્ઞા પૈ MD(Ped) DCh , FIAP વય: 70 વર્ષ
અભ્યાસ વિશે
પ્રારંભિક અને ઉચ્ચ મેડીકલ અભ્યાસ નાયર હોસ્પીટલ અને ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજમાં કરી એમ.ડી (પેડીયાટ્રીક્સ) ડી.સી.એચ તરીકે ડીગ્રી હાંસલ કરી. તેજ સંસ્થામાં  સૌ પ્રથમ લેક્ચરર તરીકે અને પછી વિવિધ પદોન્નતિ દ્વારા પ્રોફેસર અને વિભાગ પ્રમુખ તરીકે 16 વર્ષ સેવા નિભાવી. ત્યારબાદ મુંબઈની સૌથી મોટી કે.ઈ.એમ. હોસ્પીટલ અને શેઠ જી.એસ. મેડીકલ કોલેજ ના ડીન તરીકે 10 થે વધુ વર્ષ સેવા બજાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. ઈ.સ. 1999થી સેવા નિવૃત થયા બાદ પણ અનેક રાસ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં સલાહકાર કે વિષય નિષ્ણાત તરીકે પ્રવૃત રહ્યા. તેમના અનેક રીસર્ચ પેપરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે.

લેખક તરીકે
જન્મભૂમિ પ્રવાસી - સંદેશ – મુંબઈ સમાચાર જેવા ખ્યાતિપ્રાપ્ત અખબારો માં પંદર વર્ષથી વધુ સમય થી સામાન્ય આરોગ્ય,માતા અને શિશુ સંભાળ, સમાજીક દૂષણો, જીવન જીવવાની કલા, મેનેજમેન્ટ વિ. વ્યાપક વિષયો પર સતત તેમની કોલમ પ્રકાશિત થાય છે. અનેક ગુજરાતી અને અંગ્રેજી મેગેઝીનમાં તેમના લેખ પ્રકાશિત થયા છે.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તેમના 24 થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે અને વિવિધ ક્ષેત્રીય ભાષામાં અનુવાદિત થયા છે.

ડોક્ટર થવાનું કારણ .... !
રૂપાળી અને ગોરી ત્વચા ધરાવતી મારી માતાએ 21 વર્ષની વયે મને જન્મ આપ્યો બે દિવસ પછી પ્રસૂતાને ‘ બોલાવવા’ આવેલા મારા દૂરના મારા મામીએ મને જોતા વેંત કહ્યુ નીલીબેન ની બેબી આટલી કાળી ...! અરરર....!. આને લેશે કોણ ...! આવી ટકોર હૈયા સોંસરવી ઉતરી જાય તે સહજ છે. મારી ત્વચાનો રંગ ઉઘાડવા – હળદર, લીંબુ,હાઈડ્રોજન પેરોક્સઈડ અને તે સમયે મલતા ‘ફ્લોરોઝોન’ નામક વ્હાઈટનીંગ ક્રીમ વિ. માતાએ અજમાવી જોયા...!  સાથે સાથે મારા મનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ ઠસાવવા તે કહેતા કે લગ્ન ન કર્યા હોય પણ ખૂબ ભણેલી સ્ત્રીઓ એકલી સ્વનિર્ભર રહી શકે છે. તું I.C.S. ( હાલનું I.A.S.) અથવ સમકક્ષ મેડીકલ અભ્યાસ કરજે. !!   બસ પછી ભણવામાં મેં પાછી પાની નથી કરી અને નસીબમાં ડોક્ટર થવાનું લખ્યુ હશે તો આ પ્રોત્સાહક બળ વડે તે બની....!

લખવાનો વિચાર કેમ આવ્યો ...!! ?
બહુ નાની વયથી હું થોડુ લખતી. મારા સાક્ષર નાના (સ્વ.રામભાઈ બક્ષી) લખવાનું સતત ઉત્તેજન આપતા અને મારા લખાણો છપાતા પણ ખરા...! કે.ઈ.એમ. હોસ્પીટલના ડીન (અધિષ્ઠાતા) તરીકે જવાબદારી સ્વીકાર્યા પછી વ્યસ્તતા વધી જતા હું બાળદર્દીઓ – માતાઓ વાલીઓ વિ. ને ઓછો સમય ફાળવી શકતી... અને તેથી પરોક્ષ રીતે મારી સલાહ અને વિવિધ ઉપયોગી માહિતી તેમના સુધી પહોંચાડવાના વ્યાપક પ્રયાસ રૂપે મેં નિયમિત પ્રશ્નોત્તરી, લેખ અને પુસ્તકો માતે લેખન શરુ કર્યુ અને અખબારો તથા સામાયિકો માટે કોલમ લખવાનું બીડુ ઉપાડ્યુ. જે આજ પર્યંત ચાલુ છે. ..!

પરિવારનો ફાળો
પરિવારનો સહકાર અને ઉત્તેજન સતત મળતા રહ્યા અને મારા પતિ અને સંતાનોએ કેટલીક વાર દૂર રહીને પણ મને ખલેલ વગર લખવાનો સમય આપ્યો. જીવનના દરેક પગથિયે વિકસવાની તક પણ આપી.

કયુ કાર્ય વધુ તક મળે તો કરવા ઈચ્છો છો ....! ?
તક સતત મળતી જ રહી છે. જે પ્રવૃતિ બાળકો માટે –માતા પિતા માટે - વડીલોમાટે અને સમાજ માટે ઉપયોગી હોય તે કરવી મને ગમે છે. આ પ્રવૃતિ કરવાની વધુ ક્ષમતા મળે તો મને ગમશે...!

આજના માતા પિતાને માટે સંદેશ...
પ્રત્યેક બાળકને પોતાનું આગવુ –અજોડ અસ્તિત્વ,બંધારણ અને વ્યક્તિત્વ હોય છે. તેને ચાવી દીધેલા રમકડાની જેમ કે કઠપૂતલીની જેમ આપણી મરજી કે ઘેલછા કે અપેક્ષા મુજબ ન નચાવી શકાય ..! પુસ્તકો, લેખ, નેટ પરથી મળેલી માહિતી ઉપયોગી છે પરંતુ બાળ ઉછેર માટે અંતઃસ્ફૂરણા,સહનશીલતા અને પ્રેમ એ વૈજ્ઞાનિક માહિતીથી પણ વધુ મહત્વના છે. અનુભવી વ્યક્તિના સૂચનો પણ લાભદાયી નીવડી શકે.
  ભવિષ્યની ચિંતાનો બોજ લઈ ચિંતિત રહેવાને બદલે બાળકો બાળપણ માણે – માતાઓ માતૃત્વ માણે અને સતત બીજાની સાથે સરખામણી કરવાનું ટાળે તેમાં જ ડહાપણ ...!!!
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)