
અબ્દુલ ના માતાપિતા નાના ગામમાં શાકભાજી વહેંચતા પણ સંતોષપૂર્ણ જીવન જીવતા. ગામના બીજા બાળકોની માફક અબ્દુલને પણ ગામમાં ચાલતી આંગણવાડીમાં મૂકવામાં આવ્યો. નાના ગામમાં ચાલતી આંગણવાડી મોટા શહેરોની પ્લેસ્કૂલ અને કિંડર ગાર્ડન ની ગરજ સારે છે.! માતા-પિતા અહીં બાળકોને મૂકી સવારના ભાગે કામે નિશ્ચિંત બની જઈ શકે છે.
આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટીક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે વિટામિન સી અને આર્યન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે.!! બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ બાલભોગ્ નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે. આવી વાનગી મેં ખુદ ચાખેલી છે અને તેની ગુણવત્તા ખરેખર સારી છે. આવી એક આંગણવાડી માં અબ્દુલને સવિતા બહેન નામના આંગણવાડી વર્કર બહેન સાચવતા. સવિતાબહેન અંદાજે 40 વર્ષની વયના આનંદી સ્વભાવના અને બાળકો પ્રત્યે ખૂબ માયાળુ. સવિતા બહેન અબ્દુલને સવારે રોજ પ્રાર્થના બોલાવે – સારી રીતભાતો શીખવે અને રોજ અલગ અલગ નાસ્તો ખવડાવે. અબ્દુલ ઘણી વખત કહેતો કે તેને ઘર કરતા પણ વધુ સવિતાબહેનને ત્યાં ગમતુ! સવિતાબેનના આ નાનાકડા બાગમાં અલગ અલગ પરિવારો અને ધર્મોના અનેક ફૂલો વિકાસ પામતા હતા. એક દિવસ સવારે અબ્દુલ ન આવ્યો , બીજા દિવસે પણ ન દેખાયો. બસ સવિતાબેન જઈ પહોંચ્યા પોતાના શિષ્યને ત્યાં! અબ્દુલ પથારીમાં પડ્યો હતો , માતાએ જણાવ્યુ કે બે દિવસથી શરદી – ઉધરસ થવાથી તે બિમાર છે અને પથારીમાં પડ્યો પડ્યો કણસે છે. સવિતાબેને જઈ અને અબ્દુલને જોયો. અબ્દુલ બીમાર હતો પણ સવિતાબેન ને જોઈ તેના મોં પર થોડી ક્ષણો માટે હાસ્ય આવી ગયુ. પણ સવિતાબેનના ચહેરા પરથી હાસ્ય ઉડી ગયુ. કારણકે અબ્દુલને શ્વાસ લેવાનો દર ખૂબ વધારે હતો અને શ્વાસ લેવાની સાથે છાતીમાં ખાડા પણ પડતા હતા. સવિતાબેન તેમની આઈ.એમ.એન.સી.આઈ.(Integrated Management of Neonatal & Childhood Illness) નામની સરકાર આયોજીત તાલીમ દરમ્યાન શીખી ચૂક્યા હતા કે આવા લક્ષણો ગંભીર બિમારી અને ન્યુમોનિયા સૂચવે છે.અને આવા દર્દીને વધુ સારવાર માટે મોટી હોસ્પીટલમાં મોકલવામાં વિલંબ ન થવો જોઈએ.
પણ હવે મોટુ સંકટ હતુ અબ્દુલને શહેર પહોંચાડવાનુ અને તે પહેલા તેના માટે તેના માતાપિતાને સમજાવવાનુ.! અનેક પ્રશ્નો ખડા થયા જેમકે શહેરમાં કોણ હાથ જાલે? ગરીબ હોવાથી આવવા જવાનો કે સારવારનો ખર્ચ કેમ કાઢવો.? અબ્દુલથી નાના ભાઈ-ભાંડુનું શું ? વિ.વિ. પણ સવિતાબેન એમ કાંઈ લડયા વગર હાર માની લે તેમ ન હતા. તેમણે કોઠાસુઝ કામે લગાડી ગામના સેવાભાવી લોકો પાસેથી ફાળો એકત્ર કર્યો , એક ભાઈને ટ્રેકટરમાં શહેર સુધી મૂકી જવા વિનંતી કરી, અબ્દુલના નાના ભાઈ ભાંડુને પોતાના ઘેર બીજા હેલ્પર બેન પાસે સંભાળવા મૂકી. ટ્રેકટરમાં નીકળી પડ્યા અબ્દુલ અને તેના માતા પિતાને લઈ! હવે તેમણે પોતાની તાલીમને કામે લગાડી અને અબ્દુલને જીવાણુનાશક દવાનો અને તાવ ઉતારવાની દવાનો પહેલો ડોઝ પણ તેમને અપાયેલા પુસ્તક માંથી જોઈને આપી દીધો. તાલીમ દરમ્યાન અમે આપેલ હોસ્પીટલના ઈમરજન્સી નંબર પર દર્દી વિષયક જાણ કરી તૈયારી રાખવા વિનંતી કરી. અબ્દુલ ખૂબ સમયસર હોસ્પીટલ પહોંચી ગયો અને તેને પીડીયાટ્રીક આઈ.સી.યુ માં તેની સારવાર થતા તે એકાદ સપ્તાહમાં ઘરે પાછો જવા લાયક પણ થઈ ગયો. આ બાળકની જીવનરક્ષાનો તમામ શ્રેય સવિતાબેન જેવા કાર્યકરને જાયછે. સવિતાબેનને હું મળી ને તેમનો આભાર ન માની શક્યો કારણકે તે તો અબ્દુલને ભરતી કરાવી ને વળતી સવારે બસમાં ગામ પરત ફરી ગયા આખરે ત્યાં પણ બીજા ઘણા અબ્દુલને તેમના રાહબરની જરુર હતી!! પણ મને ખૂબ આનંદ છે કે સવિતાબેન કે જે માત્ર આઠ ચોપડી પાસ છે છતા તેમણે તેમને આપવામાં આવેલ તાલીમ અને ફરજપરસ્તી નો ઉત્તમ નમૂનો આપ્યો. આવા અનેક સવિતાબેન ગુજરાતના ગામે ગામ કાર્યરત છે અને ગુજરાતનુ ભવિષ્ય તેમના હસ્તે સંભાળપૂર્વકનો ઉછેર પામી રહયુ છે તે માટે તે બધાને મારા શત શત પ્રણામ.!! આવા પાયાના સૈનિકો ને બાળઆરોગ્યની ચાવી રુપ તાલીમ - આઈ. એમ. એન.સી.આઈ. આપવા માં સામેલ થવાનો મને ગર્વ છે. તાલીમ નો હથિયાર તરીકે ઉપયોગ કરી બાળઆરોગ્યનુ રક્ષણ કરતા આ સૈનિકો આદર ને પાત્ર છે.
(આ ઘટનાના પાત્રોના માત્ર નામ બદલેલા છે.દર્શાવેલી તસ્વીર IMNCI તાલીમાર્થી બહેનો ની છે.)
બાળ આરોગ્યની ચાવી રુપ 'IMNCI' તાલીમનો હથીયાર તરીકે ઉપયોગ કરી બાળ આરોગ્યનું રક્ષણ કરતી તમામ બહેનોની કમગીરી કાબીલે દાદ છે. આ તમામ તાલીમાર્થી/સૈનીકોને મારા શત શત પ્રણામ !!
ReplyDeleteસવિતાબેનને સો સલામ .. પુણ્ય પરવાર્યું નથી જ .
ReplyDeleteખૂબ જ આનંદ થાય એવી વાત.
ReplyDeleteગરીબીને કારણે કોઇ પરીવારનાં ખિલતા ફૂલ ન કરમાય એ પ્રયત્નમાં કોઇપણ જો થોડાપણ સહાયરૂપ બની શકે એવા લોકો માટે એમનો પ્રયત્ન એમનાં જીવનનો સૌથી મૂલ્યવાન સમય કહેવાય. માનવજીવનને મહામૂલ્ય માનનાર એ તમામ આંગણવાડી વર્કર બહેનોને હદયપૂર્વકનાં નમન.
ReplyDeleteસવિતા બહેનને લાખ લાખ વંદન ! આંગણવાડીઓના તમામ કર્મીઓ સવિતાબહેનના આવા ઉમદા કાર્યમાંથી પ્રેરણા લે અને કટોકટીના કપરા સમયમાં ગરીબ કે ધનિકના ભેદ ભાવ ભૂલી પરસ્પર એક બીજાને સૌ સહય રૂપ બને તેવી શુભેચ્છા.
ReplyDeleteસ્-સ્નેહ
અરવિંદ
good... congrats !
ReplyDeleteઆવા અનેક સવિતાબેન ગુજરાતના ગામે ગામ કાર્યરત છે અને ગુજરાતનુ ભવિષ્ય તેમના હસ્તે સંભાળપૂર્વકનો ઉછેર પામી રહયુ છે તે માટે તે બધાને મારા શત શત પ્રણામ.!!
ReplyDeleteધન્યવાદ સવિતાબહેનને.
ReplyDelete