સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Friday, July 31, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) - 1

મિત્રો
વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) ની ઉજવણી માં આજે પ્રસ્તુત છે પ્રથમ લેખ....

મોટુ કરી બહેતર વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરશો.
to read better click on the picture to see larger HTML VERSIONયુનિસેફ - કહે છે ગળથૂથી ન આપશો શરુ કરો તુરંત સ્તનપાન્..
જો શિશુ જન્મ પહેલા કોઈ જોખમ તમે નથી લેતા તો પછી શામાટે.... american commercialસ્તનપાન આપો જ્યાં સુધી બાળક ચાહે અને તમે ચાહો... CYWHS commercial.

Wednesday, July 29, 2009

આજે આજે ઓ.આર.એસ. દિવસ...O.R.S. DAY...!


ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ (Oral Rehydration Salt) એટલે કે ઝાડા-ઉલ્ટીની સારવારમાં શરીરમાં પાણી અને ક્ષાર ખાલી થઈ જતુ અટકાવતો પાવડર. આ સામાન્ય જણાતા પાવડરની શોધ અને તેના ઉપયોગને લગભગ ત્રીસ વર્ષ થશે. વિશ્વમાં જો કોઈ દવા થકી દર્દીના પ્રાણ બચાવવાનું અંકગણિત માંડવામાં આવેતો ઓ.આર.એસ. નો પ્રથમ નંબર બિનહરીફ રીતે જાહેર થાય..! આ પાવડરના પ્રયોગે ઝાડા ઉલ્ટીથી થતા મૃત્યુદર ખાસ કરીને બાળમૃત્યુદર ને ખૂબ જ ઘટાડી દીધો છે. 2005 સુધીમાં ઝાડા ઉલ્ટીમાં બાળમૃત્યુનો દર પહેલાના દરની સરખામણીએ ઘટીને 50% થી પણ ઓછો થયેલો અને 2008-2009 માં આ

અંક હજુ પણ ઘણા અંશે ઘટી જવા પામ્યો છે. થેંક યુ ઓ.આર. એસ. !!!
ઝાડા-ઉલ્ટી નો દર બાળકોમાં પ્રથમ બે વર્ષમાં ખૂબ વધારે જોવા મળે છે. અંદાજે દરેક બાળક ને જીંદગીના પહેલા બે વર્ષોમાં 3થી 4 વખત પ્રતિ વર્ષ આ બિમારી લાગુ પડે છે. સામાન્ય રીતે આ બિમારી વાઈરસજન્ય હોવાથી થોડા સમયમાં મટી જતી હોય છે. પરંતુ ઘણી વખત જો બાળકને વધુ પાણી ઝાડામાં વહી જાય કે ઉલ્ટી વધુ પ્રમાણ માં હોયતો ગંભીર પરિસ્થિતી સર્જાઈ જતી હોય છે. વળી જો આ બિમારી લાંબા સમય સુધી ચાલે તો તેમાં બાળકનુ પોષણ પણ જોખમાઈ શકે. અને તેથી બાળક પોતાનુ વજન ગુમાવે અને તેનો વિકાસદર પણ અટકી શકે. આમ ઝાડા-ઉલ્ટીને લીધે બાળકને અનેક નુકશાન શક્ય છે પરંતુ કેટલાક સામાન્ય ઉપાયો થી આ બધુ અટકાવવુ શકય છે.માતાપિતાને થતી ઘણી મૂંઝવણોને આવો જાણીએ કેટલાક પ્રશ્નોત્તરના માદ્યમથી ...

પ્રશ્ન -મારા બાળકને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા છે તો કયારે મટશે ડોક્ટર ?
જવાબ- બાળકોમાં ઝાડાની બિમારી હંમેશા ધીમે-ધીમે મટતી હોય છે અને અંદાજે પાંચ થી સાત દિવસે મટે છે. આવુ બનવાનું મુખ્ય કારણ બાળકના આંતરડામાં વાઈરસના હુમલાથી થયેલી ઈજાને સાજી થવામાં લાગતો સમય છે. આ પાંચ દિવસોમાં આપ બાળકની બિમારીમાં ક્રમિક સુધારો ચોક્કસ નોંધશો જેમકે ચિડીયુ રહેતુ બાળક ધીમે-ધીમે રમતુ થાય, ઝાડાની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળે વિ. પરંતુ એકદમ જ ઝાડા બંધ થઈ જાય તેવુ શક્ય નથી. ઝાડાની બિમારીના આ કુદરતી ક્રમને સમજી અને ધીરજ રાખવી જરુરી છે.


પ્રશ્ન- મારા બાળકને ઝાડા મટાડવા કોઈ ઈંજેકશન કે બાટલો લગાવવો જરુરી છે કે શુ?
જવાબ-
મોટા ભાગના(90%) ઝાડાનું કારણ વાઈરલ ઈન્ફેકશન હોય છે આથી આ માટે બાળકને કોઈ એન્ટીબાયોટીક દવા દેવી જરુરી જ નથી. આમ કરવાથી ઉલ્ટુ નુકશાન વધુ થાય છે. ઝાડા ઉલ્ટીમાં બાળક મુખ્યત્વે પાણી અને ક્ષાર ગુમાવે છે જે ખૂબ સરળતાથી ઓ.આર.એસ. કે અન્ય ઘરગથ્થુ પ્રવાહી દ્વારા પૂર્ણ કરી શકાય છે. જે પદાર્થો બાળક મોં વાટે લઈ શકતુ હોય તેજ વસ્તુ સોય દ્વારા બાટલાના માદ્યમથી દેવાનુ જરુરી નથી. મોટાભાગના બાળકો ખૂબ સરળતાથી મોંથી પાણી લઈ શકતા હોય છે કે ખાઈ શકતા હોય છે. આવા સંજોગોમાં બાળકને હોસ્પીટલાઈઝ કરવુ કે બાટલો ચડાવવો જરુરી નથી.
જો બાળક ને ઉલ્ટી ચાલુ હોય કે મોંવાટે લેતુ ન હોય કે ઝાડા દ્વારા સર્જાયેલુ નિર્જલન(dehydration) વધુ પ્રમાણ માં છે તેવુ ડોકટરને લાગે તો જ બાટલો ચડાવવો કે અન્ય ઈન્જેકશન લગાવવા જરુરી છે.


USE O.R.S. IN Diarrhoeal Disorders says SAKSHI TANVAR.પ્રશ્ન- ઝાડા હોય તેવા બાળકને મોં વાટે શું આપી શકાય ?
જવાબ
- છ માસથી નાના બાળકને માતાના ધાવણ અને ઓ.આર.એસ. (ORS) સિવાય કશુ જ નહી.
છ માસથી મોટા બાળકને – ઓ.આર.એસ., સાદુ પાણી, નાળિયેર પાણી, ઓસામણ, પાતળી છાસ, લીંબુ પાણી, દૂધ કે તાજા ફળોનો રસ(ઉપરથી ખાંડ નાખ્યા સિવાય) આપી શકાય.
આ સિવાય માનુ ધાવણ અને ઘરનો બનાવેલો તાજો અને હળવો ખોરાક પણ બાળક માગે તે પ્રમાણે ચાલુ રાખવો જોઈએ.


પ્રશ્ન- ઝાડા હોય તેવા બાળકને શું ન આપી શકાય ?
જવાબ- ઝાડા હોય તેવા બાળકને કોફી, માત્ર ગ્લુકોઝનુ પાણી, બજારુ ઠંડા પીણા કે વધુ ખાંડ વાળા પદાર્થો ન આપવા.
ખાસ યાદ રાખો ક્યારેય પણ મેડીકલ સ્ટોર પરથી ઝાડા બંધ કરવાની દવા ડોકટરી સલાહ વગર લઈ અને ન આપવી તે અતિશય જોખમી છે.


પ્રશ્ન- બજારમાં ઉપલબ્ધ અનેક ઓ.આર.એસ. માંથી કયુ લેવુ. ?
જવાબ- ઓ.આર.એસ. એ ગ્લુકોઝ અને ક્ષારનુ યોગ્ય પ્રમાણમાં બનાવેલુ દ્રવ્ય છે. જો તેમાં કોઈપણ પદાર્થનુ મૂલ્ય નિયત વૈજ્ઞાનિક માત્રાથી ઓછુ કે વધુ હોય તો તે ફાયદા કરતા નુક્શાન પહોંચાડે તેવો સંભવ છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.)એ પ્રમાણિત માપદંડો અનુસારનુ ઑ.આર.એસ. જ લેવુ બાળકને માટે લાભદાયક છે. આ માટે ઓ.આર.એસ. ના પેક પર આવુ લખાણ છે કે નહી તે અવશ્ય નક્કી કરો.

ઓ.આર.એસ. કેમ બનાવવુ એ જાણૉ વાનગી બનાવવાના નિષ્ણાંત સંજીવ કપૂર પાસેથી...પ્રશ્ન- ઝાડામાં અન્ય કઈ દવાઓ ઉપયોગી છે ?
જવાબ- ઝાડા ગ્રસ્ત બાળકને ઓ.આર.એસ. સિવાય ઝિંક(ZINC) નુ સીરપ, ડ્રોપ્સ કે ટેબ્લેટ આપવુ જોઈએ. ઝીંક બાળકના આંતરડાની આંતરીક રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વારંવાર થતા ઝાડા ના બનાવો ઘટાડે છે. બાળકના સ્વાસ્થય ને સુધારે છે. ઝિંકના બીજા અનેક લાભ પૂરવાર થયેલા છે આથી બાળકને તેનો કુલ ચૌદ દિવસનો કોર્સ કરાવવો જોઈએ. ઝાડા મટી જાય તો પણ ઝિંક નો ડોઝ ચૌદ દિવસ સુધી ચોક્કસ આપવો જ જોઈએ.

હવે જુઓ ઝિંક ના વપરાશ પર એક સંદેશ...
પ્રશ્ન- ઝાડા ન થાય તે માટે કયા ઉપાયો કરવા ?
જવાબ-

 • છ માસ સુધી શિશુને માત્ર માનુ ધાવણ જ આપો.
 • બાળકને શૌચ ક્રિયા બાદ અને રમીને આવે પછી હાથ સાબુથી ધોવડાવો.
 • ખાદ્ય પદાર્થો ઢાંકેલા રાખો અને સફાઈ જાળવો.
 • શિશુને ઓરીની રસી સમયસર મૂકાવો અને વિટામીન-એ નો ડોઝ પણ અપાવો.
 • પીવાના પાણીને જરુરી સફાઈ બાદ પ્રયોગમા લેવુ અને જરુર જણાયતો ઉકાળીને વાપરવુ.


Tuesday, July 28, 2009

HAPPY BIRTHDAY - JAMNAGAR !!!


હા મિત્રો ! મારા શહેર જામનગરનો આજે સ્થાપનાનો 469મો હેપ્પી બર્થ ડે છે. કચ્છથી આવેલા જામરાવળ અમારા શહેરના આદ્યસ્થાપક છે જેમણે આ શહેરની સ્થાપના કરી. શહેરની સ્થાપના વખતે ની લોકવાયકા મુજબ કૂતરા અને સસલા વાળી વાત જે અમદાવાદ શહેરની સ્થાપનામાં સંભળાય છે તેવી જ વાત અમારા શહેરની સ્થાપનાના ઈતિહાસમાં છે. શહેરની સ્થાપના દરબારગઢમાં ખાંભી સ્થાપી કરવામાં આવી કહેવાય છે કે તે સ્થળે રાજ્ જ્યોતિષી એ સુચિત જગ્યા અને સમય પ્રમાણે ન થતા જામનગર પર વારંવાર સંકટ આવે છે અને આ શહેર ક્યારેય મહાન શહેર કે આર્થિક રાજધાની જેવો વિકાસ ન સાધી શક્યુ.
જામનગર શહેર પર કુલ 21 જામ સાહેબ (જામનગરના રાજવી)રાજ કરી ચૂક્યા છે. શહેરના ખ્યાતનામ રાજવી જામ રણજિતસિંહજી ની આગવી સૂઝથી જામનગરની નવીનતમ શહેરી બાંધણીનું માળખાકીય સર્જન થયુ. જોકે રણજિતસિંહજી ને લોકો તેમના ક્રિકેટ થી વધુ ઓળખે છે. હાલ જામનગર ના જામસાહેબ તરીકે રાજવી પરિવારના શ્રી શત્રુશલ્યજી શોભાયમાન છે.તેઓ પણ ક્રિકેટના ખૂબ શોખીન છે.!

શહેરના જોવાલાયક સ્થળોમા શહેરની મધ્યે આવેલુ લાખોટા તળાવ એક સુંદરતમ ઐતિહાસિક સ્મારક અને એક ઉત્તમ સહેલગાહનુ સ્થળ છે. અહીં શિયાળાના સમયે આવતા પરદેશી- પ્રવાસી એવા સી-ગલ પક્ષીઓ ને જોવા એ એક લ્હાવો છે. તળાવમાં બોટીંગ વિ.પ્રવૃતિ પણ થાય છે. તળાવના કાંઠે અનેક બાળકો માટે બગીચા,માછલીઘર,નેચર પાર્ક વિ. છે. અહીં આવેલુ બાલા હનુમાન મંદિર કે જ્યાં 44 વર્ષથી સતત વણથંભી રામધૂન થાય છે જે એક ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે.!
છોટી કાશી તરીકે ઓળખતા જામનગરમાં સર્વધર્મ સમભાવ જોવા મળે છે. અહીં સુંદરતમ શિવાલયો છે. 400થી વધુ વર્ષ જૂના એવા જૈન મંદિરો છે જેનું સુંદરતમ નકશીકામ અદભૂત છે. મુસ્લીમ ધર્મસ્થાનો પણ શહેરની શોભા વધારે છે.
શહેરનો અર્થ વ્યવહાર મુખ્યત્વે ખેતી અને બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર આધારીત છે. રીલાયન્સ ઉદ્યોગની એશિયાની સૌથી મોટી રિફાયનરી શહેરથી 26 કિમી. દૂર આવેલી છે અને તેની જ થોડે દૂર અન્ય પેટ્રો ક્ષેત્રની મોટી એસ્સાર કંપનીનુ આવુ જ સંકુલ આવેલ છે.
શહેરની સુતરાઉ કાપડ અને સિલ્ક પર અદભૂત ભાત પાડતી પ્રિન્ટ પધ્ધતિ કે જે બાંધણી ના નામે ઓળખાય છે તે મશહુર છે.
શહેરની અન્ય પ્રચલિત વસ્તુઓ કંકુ- કાજળ અને સૂરમો છે. અહીંની નકશીકામ વાળી સૂડી પણ વખણાય છે.જામનગરની કચોરી ની દેશ-વિદેશમાં ખૂબ માગછે.
તો બોલો આવશોને મારા ગામ્..!
photo graph courtesy-flickr.com

Wednesday, July 22, 2009

માર્થા મેસન - જેણે પોલીયોને પરાસ્ત કર્યો...!


લેટીમોર કે જે નોર્થ કેરોલીનામાં આવેલ માત્ર ચારસો લોકોની વસ્તી ધરાવતુ નાનાકડુ ગામ છે ત્યાં રાતના તારા ચમકી રહ્યા હતા પણ ચંદ્રના શાંત પ્રકાશમાં પણ અગિયાર વર્ષની એક બાળકી માર્થા કણસી રહી હતી. પોતાના બેડ પર સુતેલી માર્થાનુ સમગ્ર શરીર તૂટી રહયુ હતુ !. તાવ અને આ પીડાના અસહ્ય વેદનાના આંસુ તે મનોમન પી રહી હતી. માર્થાને ખૂબ પ્રેમ કરતા તેના માતા પિતા બાજુના ઓરડામાં જ સૂતા હતા અને કદાચ તેમને બોલાવવા એક નાનો હલકારો જ કાફી હતો પરંતુ એ દિકરી પોતાની પીડા પોતાના હ્ર્દયમાં જ સંઘરી રાખી માતા પિતાને રાત્રે ઉઠાડવા માગતી ન હતી કારણકે આગલી ઘણી રાત્રિથી જાગેલા માતાપિતા આજે જ તેના 13 વર્ષીય ભાઈની દફનવિધી કરી ઘણા દિવસો પછી પહેલી વાર આરામ કરી રહ્યા હતા.! એમનો વ્હાલસોયો પુત્ર પોલિયોના રોગમાં મૃત્યુ પામેલ હતો.!
પણ પોલિયોનો યમ આ ઘર ભાળી ચૂક્યો હતો અને બીજે દિવસે માર્થા પણ આ જ બિમારી નો ભોગ બની ચૂકી છે તે નિદાન જ્યારે ડોકટરે જાહેર કર્યુ ત્યારે આ દંપતિ માથે આભ તૂટી પડ્યુ. એક હોસ્પીટલથી બીજે તેમ ફરતા ફરતા માર્થાની સારવાર સંબધી અનેક કોશિશો તેમણે કરી પરંતુ આ રોગનો કોઈ ઈલાજ ન હતો. અંતે આ રોગને લીધે માર્થા ને પણ ડોકથી નીચેનો શરીરનો દરેક ભાગ લકવાગ્રસ્ત બની ગયો. હવે તે માત્ર ચહેરાના સ્નાયુ ચલાવી શકતીૢ બોલી અને જોઈ શકતી! તેની શ્વાસ લેવાની ક્ષમતા પણ હવે ન રહી હતી! ડોકટરો એ તેને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ માટેના એ જમાનાના લોખંડી ઉપકરણ પર મૂકી કે જે લૂહારની ધમણ માફક વ્હૂશ વ્હૂશ કરતુ ચાલતુ અને તેમાં બનતા નેગેટીવ પ્રેશરથી અંદરના દર્દીના શ્વાસોચ્છ્વાસ ચાલતા.!! આ મશીન(જૂઓ-ફોટો અને વિડીયો) એ જમાનાની મોટી શોધ ગણાતુ અને પોલિયોના અનેક દર્દીઓને તેના પર મૂકાતા પરંતુ મોટા ભાગના આવા દર્દીઓ થોડા સમયથી વધુ ઝીંક ઝીલી શકતા નહિ !!
આથી ડોકટરો એ પણ માર્થાને મશીન (કે જે આયર્ન લંગ તરીકે ઓળખાતુ) સાથે ઘેર લઈ જવાની સલાહ માતાપિતાને આપી. અને જતા પહેલા માર્થા કદાચ વધીને એકાદ વર્ષ કાઢશે તેવી ભીતિ વ્યકત કરી!
પરંતુ પોતાના વ્હાલસોયા પુત્રને ખોઈ ચૂકેલુ એ દંપતિ પોતાની પુત્રીને કોઈપણ ભોગે અને કોઈપણ હાલતમાં જીવિત જોવા માગતુ હતુ આથી પાછુ લેટીમોર આવ્યુ અને સાથે શરુ થઈ એક મહા ગાથા માર્થાની...!
માર્થા હવે લેટીમોરમાં પાછી આવી. ધીમે-ધીમે તેણે પોતાનો છોડેલો અભ્યાસ ચાલુ કર્યો અને લોખંડની પેટીમાં મશીની શ્વાસ સાથે વાંચન કાર્યથી ખૂબ ધૈર્યતા પૂર્વક ભણવાનો નિર્ધાર જાગૃત કર્યો. શિક્ષકોએ પણ આ સ્પેશ્યલ વિદ્યાર્થીને ઘેર જઈને ખાસ શિક્ષણ આપ્યુ!! અને રંગ લાવી આ મહેનત - તેણે પોતાનો શાળાકીય અભ્યાસ અવ્વલ નંબરે પાસ કર્યો. તેની વિદ્યા પ્રત્યેની લગન અને અભ્યાસ કરવાની મહેચ્છાને જોઈને મેસન દંપતિએ માર્થાને હવે કોલેજ મોકલવાનો નિર્ણય કર્યો.! નાનાકડા લેટીમોરમાં તો કોલેજ કરવી શક્ય ન હતી આથી મેસન દંપતિ તેમની લાડકી માર્થાને એક બેકરીના ટ્રકમાં તેના લોખંડી મશીન સાથે વિન્સટન સાલેમ લઈ ગયા જ્યાંની વિખ્યાત વેક ફોરેસ્ટ કોલેજમાં માર્થાને એડમીશન અપાવ્યુ. આવડા મોટા – લગભગ સાત ફૂટના એ લોખંડી મશીન સાથે રોજ કોલેજના ક્લાસરૂમમાં આવવુ શક્ય ન હતુ. પણ કોલેજ સત્તાવાળાની ખાસ મદદથી મેસન દંપતિને કોલેજ કેમ્પસમાં જ એક મકાન અપાયુ કે જેમાં ઈન્ટરકોમ સ્પીકરની મદદથી માર્થા ક્લાસમાં ભણાવાતા લેકચરને અક્ષરસ: સાંભળી શકે !! આ સાથે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ ઈ.સ્ 1960માં માર્થાએ વેક ફોરેસ્ટ કોલેજમાંથી બેચલર ડિગ્રી હાંસલ કરી અને તે પણ ફર્સ્ટ કલાસ – ફર્સ્ટ !!
માર્થા ને લઈ મેસન દંપતિ પાછુ લેટીમોર ફર્યુ, માર્થાએ એક લોકલ દૈનિક પત્ર માટે લેખન કરવાનુ કાર્ય ચાલુ કર્યુ. આ માટે તે પોતાના વિચારો બોલીને માતાને સંભળાવતી અને માતા તે કાગળ પર ટપકાવી ને લેખ રચતી. આમ ડીકટેશન આધારીત એક લેખન કાર્ય શરુ તો થયુ પણ ત્યાં જ માર્થાના પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો અને તે પણ પથારીવશ બન્યા. હવે માતાને બે પથારીવશ સ્વજનોની સંભાળ લેવાની હતી અને એ પરિસ્થિતીમાં માર્થાનુ લેખન કાર્ય શક્ય ન હતુ. પણ માર્થાએ હાર ન માની તેણે સારા પુસ્તકોનુ વાંચન ચાલુ રાખ્યુ અને પોતાના મનમાં અનેક નવા લેખોને સંઘરી લીધા.!
ભલુ થજો લેટીમોર ગામનુ કે જેણે માર્થાને માત્ર મેસન દંપતિની પુત્રી ન રહેવા દેતા, ગામની પુત્રી ગણી લીધી! સહુ કોઈ ગામ લોકો માર્થા અને મેસન પરિવારને મળવા રોજીંદા ધોરણે આવતુ અને આ પરિવારને મદદરુપ થતુ અને તેમનુ દુઃખ હળવુ કરતુ. વિદ્યાર્થીઓ શાળામાં શીખવાડેલી નવી વાતો કે મેળવેલા ઈનામો માર્થાને બતાવતા તો નવા પરણિત દંપતિ પણ માર્થાને મળવા અને આશીર્વાદ લેવા પહોંચી જતા. આનંદી સ્વભાવની માર્થાના ઘરે હંમેશા મેળાવડો જામેલો રહેતો. ભેટ-સોગાદો અને પત્રોનો પણ પાર ન હતો. જાણે કે એ વિસ્તારના લોકોને માટે આ પરિવાર તેમનું જ અંગ હતુ. ગામના જીવનમાં માર્થા એટલી લોકપ્રિય હતી કે લોખંડી મશીન કે જેના પર માર્થાનો શ્વાસ ટકી રહ્યો હતો તે વિજળીની મદદથી ચાલતુ હતુ આથી ગામમાં જો વિજ-પૂરવઠો ખોરવાય તો ફાયર ડીપાર્ટમેંટના લોકો દોડીને પહેલા મેસન દંપતિના ઘરનુ જનરેટર સંભાળતા!!પણ વિધિની વક્રતાએ ત્યાં ફરી દેખા દીધી. પ્રેમાળ પિતાનુ ઈ.સ.1977માં અવસાન થયુ. થોડા વર્ષો બાદ માતાને પણ પક્ષઘાતનો હુમલો થયો અને તે પોતાની સુધબુધ ખોઈ બેઠા. માનસિક રીતે અસ્થિર બનેલી માતા હવે હોશ ગુમાવી બેઠી હતી અને મન પડે તે રીતે ગુસ્સો કરતી અશબ્દો બોલતી અને માર્થાને પણ કોઈ વખત મારી બેસતી. પણ માર્થા નુ મનોબળ ખરેખર લોખંડી હતુ તેણે હવે પોતાના ઘરની જવાબદારી પોતાના શિરે લઈ લીધી. બે સહાયકો રાખીને તેમણે પોતાની અને બિમાર માતાની તમામ જવાબદારી નિભાવવાની શરુ કરી. લોકોની સલાહ થી વિરુધ્ધ માર્થાએ માનસિક રીતે અસ્થિર અને ચિત્તભ્રમીત માતાને પણ પોતાના જ ઘરમાં રાખી સારવાર ચાલુ કરાવી અને પોતાનુ ઋણ અદા કર્યુ.
માર્થાની જીંદગીમાં સોનેરી આશાનુ કિરણ બની ને આવી કોમ્પ્યુટર ક્રાંતિ! હવે વોઈસ એકટીવેટેડ કોમ્પ્યુટર સોફ્ટવેરથી માર્થા પોતાના વિચારો ને શબ્દોમાં અને લેખમાં પરિવર્તીત કરી શકતી હતી. ઈ-મેઈલ અને ઈન્ટરનેટની દુનિયાથી તે વિશ્વમાનવી બની ચૂકી હતી. હવે તેણે ચાલુ કરી પોતાનુ પ્રથમ પુસ્તકની રચના કે જેના માટે છ વર્ષ ખર્ચાયા પરંતુ એ સુંદરતમ પુસ્તક આખરે પ્રકાશીત થયુ . એ પુસ્તક હતુ- Breath: Life in the Rhythm of an Iron Lung,” 2003 માં આ પુસ્તક પ્રકાશીત થયુ અને એ આધારીત છે માર્થાની જીવન સંઘર્ષગાથા પર. આ પુસ્તકને કદાચ કોઈ મહાન પુરસ્કાર નથી મળ્યો પણ એ જગતને હંમેશા યાદ અપાવશે માર્થાના મહાન સંઘર્ષની...
71 વર્ષની વયે માર્થાએ ઉંઘમાં જ અંતિમ શ્વાસ લીધા ત્યારે એ લોખંડી મશીનનું કાર્ય આખરે 60 વર્ષે થંભ્યુ. આવા સમયે સૌને માર્થાનુ એ વિધાન યાદ આવ્યુ કે માર્થાને જ્યારે પૂછાયુ કે જે છોકરીને ડોક્ટરોએ કહેલુ કે તે એકાદ વર્ષ માંડ કાઢશે ત્યારે તેણે કેવી રીતે આટલુ લાંબુ જીવન મેળવ્યુ ? ત્યારે માર્થાનો જવાબ હતો કે “દરેક વર્ષે મને થતુ કે હજુતો મારે ઘણુ ભણવાનુ ને શીખવાનુ બાકિ છે....!”
ખાસનોંધ-
- આ લેખ માર્થા મેસન પર ઉપલબ્ધ વિવિધ લેખો, અખબારીનોંધો, ડોક્યુમેંટરી ફિલ્મ અને શ્રધ્ધાંજલિઓમાં લખાયેલ વાતો પરથી સંપાદિત કરેલ છે.
-પ્રસ્તુત તસ્વીર માર્થા મેસનની તેમના પર ડોક્યુમેન્ટરી બનાવનાર મેરી ડાલ્ટન સાથેની છે- સૌજન્ય- New York Times .
-પ્રસ્તુત ‘ યુ ટ્યુબ વિડીયો – “ ફાઈનલ ઈંચ “ કે જે પોલિયો પર આધારીત વિષયવસ્તુ લઈ બનેલી છે અને ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ છે તેમાંથી લેવાયેલ છે.
-આ તમામ સર્જકોનો હું આભારી છુ.
એક અપીલ
-આ લેખ દ્વારા પોલિયો રોગ સામે લડત આપનાર તમામ દર્દીઓને હું અંજલિ આપુ છુ. અને દરેક ભારતવાસીને અપીલ કરુ છુ કે આપણા દેશને પોલિયો મુકત કરવા ના તમામ પ્રયાસો માં મુકત મને જોડાઓ. એક પણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે ખાસ ધ્યાન આપશો.

Friday, July 17, 2009

નાનુ નામ- મોટા કામ..


અબ્દુલ ના માતાપિતા નાના ગામમાં શાકભાજી વહેંચતા પણ સંતોષપૂર્ણ જીવન જીવતા. ગામના બીજા બાળકોની માફક અબ્દુલને પણ ગામમાં ચાલતી આંગણવાડીમાં મૂકવામાં આવ્યો. નાના ગામમાં ચાલતી આંગણવાડી મોટા શહેરોની પ્લેસ્કૂલ અને કિંડર ગાર્ડન ની ગરજ સારે છે.! માતા-પિતા અહીં બાળકોને મૂકી સવારના ભાગે કામે નિશ્ચિંત બની જઈ શકે છે.
આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટીક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે વિટામિન સી અને આર્યન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે.!! બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ બાલભોગ્ નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે. આવી વાનગી મેં ખુદ ચાખેલી છે અને તેની ગુણવત્તા ખરેખર સારી છે. આવી એક આંગણવાડી માં અબ્દુલને સવિતા બહેન નામના આંગણવાડી વર્કર બહેન સાચવતા. સવિતાબહેન અંદાજે 40 વર્ષની વયના આનંદી સ્વભાવના અને બાળકો પ્રત્યે ખૂબ માયાળુ. સવિતા બહેન અબ્દુલને સવારે રોજ પ્રાર્થના બોલાવે – સારી રીતભાતો શીખવે અને રોજ અલગ અલગ નાસ્તો ખવડાવે. અબ્દુલ ઘણી વખત કહેતો કે તેને ઘર કરતા પણ વધુ સવિતાબહેનને ત્યાં ગમતુ! સવિતાબેનના આ નાનાકડા બાગમાં અલગ અલગ પરિવારો અને ધર્મોના અનેક ફૂલો વિકાસ પામતા હતા. એક દિવસ સવારે અબ્દુલ ન આવ્યો , બીજા દિવસે પણ ન દેખાયો. બસ સવિતાબેન જઈ પહોંચ્યા પોતાના શિષ્યને ત્યાં! અબ્દુલ પથારીમાં પડ્યો હતો , માતાએ જણાવ્યુ કે બે દિવસથી શરદી – ઉધરસ થવાથી તે બિમાર છે અને પથારીમાં પડ્યો પડ્યો કણસે છે. સવિતાબેને જઈ અને અબ્દુલને જોયો. અબ્દુલ બીમાર હતો પણ સવિતાબેન ને જોઈ તેના મોં પર થોડી ક્ષણો માટે હાસ્ય આવી ગયુ. પણ સવિતાબેનના ચહેરા પરથી હાસ્ય ઉડી ગયુ. કારણકે અબ્દુલને શ્વાસ લેવાનો દર ખૂબ વધારે હતો અને શ્વાસ લેવાની સાથે છાતીમાં ખાડા પણ પડતા હતા. સવિતાબેન તેમની આઈ.એમ.એન.સી.આઈ.(Integrated Management of Neonatal & Childhood Illness) નામની સરકાર આયોજીત તાલીમ દરમ્યાન શીખી ચૂક્યા હતા કે આવા લક્ષણો ગંભીર બિમારી અને ન્યુમોનિયા સૂચવે છે.અને આવા દર્દીને વધુ સારવાર માટે મોટી હોસ્પીટલમાં મોકલવામાં વિલંબ ન થવો જોઈએ.
પણ હવે મોટુ સંકટ હતુ અબ્દુલને શહેર પહોંચાડવાનુ અને તે પહેલા તેના માટે તેના માતાપિતાને સમજાવવાનુ.! અનેક પ્રશ્નો ખડા થયા જેમકે શહેરમાં કોણ હાથ જાલે? ગરીબ હોવાથી આવવા જવાનો કે સારવારનો ખર્ચ કેમ કાઢવો.? અબ્દુલથી નાના ભાઈ-ભાંડુનું શું ? વિ.વિ. પણ સવિતાબેન એમ કાંઈ લડયા વગર હાર માની લે તેમ ન હતા. તેમણે કોઠાસુઝ કામે લગાડી ગામના સેવાભાવી લોકો પાસેથી ફાળો એકત્ર કર્યો , એક ભાઈને ટ્રેકટરમાં શહેર સુધી મૂકી જવા વિનંતી કરી, અબ્દુલના નાના ભાઈ ભાંડુને પોતાના ઘેર બીજા હેલ્પર બેન પાસે સંભાળવા મૂકી. ટ્રેકટરમાં નીકળી પડ્યા અબ્દુલ અને તેના માતા પિતાને લઈ! હવે તેમણે પોતાની તાલીમને કામે લગાડી અને અબ્દુલને જીવાણુનાશક દવાનો અને તાવ ઉતારવાની દવાનો પહેલો ડોઝ પણ તેમને અપાયેલા પુસ્તક માંથી જોઈને આપી દીધો. તાલીમ દરમ્યાન અમે આપેલ હોસ્પીટલના ઈમરજન્સી નંબર પર દર્દી વિષયક જાણ કરી તૈયારી રાખવા વિનંતી કરી. અબ્દુલ ખૂબ સમયસર હોસ્પીટલ પહોંચી ગયો અને તેને પીડીયાટ્રીક આઈ.સી.યુ માં તેની સારવાર થતા તે એકાદ સપ્તાહમાં ઘરે પાછો જવા લાયક પણ થઈ ગયો. આ બાળકની જીવનરક્ષાનો તમામ શ્રેય સવિતાબેન જેવા કાર્યકરને જાયછે. સવિતાબેનને હું મળી ને તેમનો આભાર ન માની શક્યો કારણકે તે તો અબ્દુલને ભરતી કરાવી ને વળતી સવારે બસમાં ગામ પરત ફરી ગયા આખરે ત્યાં પણ બીજા ઘણા અબ્દુલને તેમના રાહબરની જરુર હતી!! પણ મને ખૂબ આનંદ છે કે સવિતાબેન કે જે માત્ર આઠ ચોપડી પાસ છે છતા તેમણે તેમને આપવામાં આવેલ તાલીમ અને ફરજપરસ્તી નો ઉત્તમ નમૂનો આપ્યો. આવા અનેક સવિતાબેન ગુજરાતના ગામે ગામ કાર્યરત છે અને ગુજરાતનુ ભવિષ્ય તેમના હસ્તે સંભાળપૂર્વકનો ઉછેર પામી રહયુ છે તે માટે તે બધાને મારા શત શત પ્રણામ.!! આવા પાયાના સૈનિકો ને બાળઆરોગ્યની ચાવી રુપ તાલીમ - આઈ. એમ. એન.સી.આઈ. આપવા માં સામેલ થવાનો મને ગર્વ છે. તાલીમ નો હથિયાર તરીકે ઉપયોગ કરી બાળઆરોગ્યનુ રક્ષણ કરતા આ સૈનિકો આદર ને પાત્ર છે.
(આ ઘટનાના પાત્રોના માત્ર નામ બદલેલા છે.દર્શાવેલી તસ્વીર IMNCI તાલીમાર્થી બહેનો ની છે.)

Sunday, July 12, 2009

જોડીયા સંતાનો 2

જોડીયા બાળકોની માતાને અનુભવાતા લક્ષણો


 • શરુઆતી માસમાં વધુ પડતી ઉલ્ટી- ઉબકા
 • ઝડપથી વધતુ વજન
 • વધુ મોટુ જણાતુ પેટ
 • ગર્ભસ્થશિશુઓનુ વધુ હલન ચલન અને ખાવી પડતી કીક !
 • સામાન્યથી થોડો વધુ થાકનો અનુભવ
 • પગે આવતા થોડા વધુ સોજાજરુરી તપાસ
 • સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તબીબી તપાસ
 • જરુરી લોહી-પેશાબ તપાસ (નિષ્ણાત સલાહ અનુસાર્)
 • સોનોગ્રાફી – ખાસ કરીને શિશુની ખોડખાપણ લક્ષી તપાસ્
જુઓ શું કાળજી લેશો...

માણૉ થોડી હળવી પળો જે કદાચ જીંદગીભર ચાલુ રહે....!

Thursday, July 9, 2009

સાંતાક્લોસ્..


પીડીયાટ્રીક ઈંટેસીવ કેર યુનિટ(પી.આઈ.સી.યુ.) એટલે કે બાળકો માટેની સઘન સારવાર વ્યવસ્થા વાળા ખાસ વોર્ડમાં મનીપાલ હોસ્પીટલ બેંગલોર ખાતે હું એમ્.ડી. (પિડીયાટ્રીકસ)થયા બાદ વધુ ખાસ તાલીમ અર્થે ગયેલ હતો. અમારા પી.આઈ.સી.યુ.માં ડોક્ટર અને સ્ટાફ વચ્ચે ખાસ્સો તાલમેલ રહેતો અને તે બાળકોની સારવારમાં ખૂબ જરુરી હતુ. સહુ કોઈ પોતાની ફરજ હળીમળીને નિભાવતા અને બાળક્ને સારુ કરીને કેમ જલ્દી ઘેર મોકલી શકાય તે માટે તત્પર રહેતા.
નર્સીંગ સ્ટાફ માં મોટા ભાગના કેરાલાના મલયાલમભાષી સીસ્ટરો(નર્સ) હતા. કેરાલા માં ઘણા પરિવારોમાં નર્સીંગ ના વ્યવસાયમાં જોડાવાની પરંપરા હોય છે. આ ઉમદા સેવાકીય પ્રવૃતિ વિશે કેરાલાના પરિવારોની વિચારસરણી ઘણી ઉત્તમ છે. ભારતના ઘણા રાજ્યોમાં આજે પણ લોકો પોતાના સંતાનોને આ વ્યવસાયમાં જોડાતા રોકે છે અને સમાજમાં અનેક ભ્રમણા ફેલાયેલી જોવા મળે છે. પરંતુ કેરાલી નર્સીસ ખરેખર ઉમદા કોટિનુ કાર્ય કરી જાણે છે. વિશ્વમાં નર્સીંગ વ્યવસાયમાં કેરાલી નર્સનુ નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. આ માટે તેમનુ સુંદર અંગ્રેજી જ્ઞાન- નવુ શીખવાની તત્પરતા – નર્સીંગ વ્યવસાય પ્રત્યે સમર્પિતતા- દર્દીની સેવા માટેનો ઉમળકો જેવા અનેક ગુણો જવાબદાર છે. અમારા પી.આઈ.સી.યુ માં પણ લગભગ 80 % જેટલી નર્સ કેરાલાની હતી. ધર્મે ક્રિશ્ચયન અને ભાષાકીય રીતે મલયાલી આ નર્સીંગ સ્ટાફ ખરેખર ઘણો પ્રશિક્ષિત હતો. પી.આઈ.સી.યુ માં વસુધૈવ કુટુંબકમ જેવુ વાતાવરણ રહેતુ કારણકે નર્સીસ કેરાલાની- ડોક્ટરો તામિલનાડુ,કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, પંજાબ ના તો વળી દર્દી ઘણી વાર વિદેશી પણ રહેતા!!
એ દિવસો ડીસેમ્બર માસ ના આખરી દિવસો હતા. હોસ્પીટલમાં પણ અમે દરેક ધર્મના તહેવારો ને સંપૂર્ણ આદરથી ઉજવીએ છીએ એવુ માનીને કે માનવતા એ સૌથી મોટો ધર્મ છે અને ઈશ્વર કોઈપણ સ્વરુપે હોય તેમના આશીર્વાદથી સૌનુ કલ્યાણ જ થતુ હોય છે.! વળી અમારા વ્યવસાયમાં બાળકની નિર્દોષતા જ આવા તમામ ધર્મોના વાડા-સીમાડા તોડી નાખે છે.! એ નાનાકડા ભગવાનને ખુશ કરી અને તેનુ દર્દ ગાયબ કરો એ ચારધામ ની ડીલક્સ ટૂર જ છે ! નાતાલના તહેવારની ઉજવણી દરેક સ્થળે થાય તેમ અમારા પી.આઈ.સી.યુ. માં પણ આયોજીત કરી. આ માટે બેથલેહામ ગામનો જીસસ ના જન્મ સમયનુ આબેહુબ વાતાવરણ દર્શાવતો નાનો સેટ અમે ઉભો કર્યો. મધર મેરીના હાથમા નાના જીસસ ની મૂર્તિનુ એ દ્રશ્ય માતૃત્વની જીવંત પ્રતિમા ખડી કરતુ હતુ. આ સમયે આઈ.સી.યુ માં દર્દીના કક્ષની બાહરના ખુલ્લા ભાગમાં ફૂગ્ગા-રીબન વિ. લગાવી પી.આઈ.સી.યુ. ને પણ ઉત્સવના વાતાવરણમાં રંગી નાખ્યુ. આ કાર્યમાં રેની, ડેન્સી, સુનિથા જેવી નર્સીસ અને અમારા ડોકટરો સાન્ડ્રા વિ. એ ખાસ જહેમત ઉઠાવી. રેની એ અમારા નર્સીસ સ્ટાફની એક ચબરાક યુવા નર્સ હતી. દુબળી – પાતળી એવી આ કેરાલી યુવતી ને ગુસ્સો હંમેશા નાક પર જ રહેતો.! જો કોઈ કામ બરોબર ન થતુ તો હંમેશા આયાબેનો-સ્વીપરો-ગાર્ડ- કેંટીન બોય વિ.નુ આવી બનતુ. માતા-પિતા પણ દવા દેવામાં ગડબડ કરે કે થોડુ ઘણુ અયોગ્ય વર્તન કરે તો ખલાસ..! પરંતુૢ કામ અને ફરજ પ્રત્યે તેની સમર્પિતતા માટે કંઈ કહેવાપણુ ન હતુ. રેની ડ્યુટી પર હોય તો બાળકોને ખૂબ સરસ સાચવતી. બાળક્ને સ્પંજબાથ- વાળ ઓળી દેવા કે તૈયાર કરવાની તેની ઢબ ઘણી વાર માતા-પિતાને પણ અચંબામાં નાખી દેતી. જો બાળક ક્યારેક નખરા કરે તો રેની તેને પણ નાજુક-ખોટા ગુસ્સાથી સમજાવી લેતી!
ક્રિસ્મસના આવા શુભ દિને કન્નડ બોલતુ એક બેંગ્લોરી દંપતિ તેમના 2½વર્ષના પુત્રને લઈ દોડતા આવ્યા. બાળક ખૂબ ગંભીર હાલતમાં હતુ. ન્યુમોનીયા થવાથી તેના ફેફસા ધમણની જેમ શ્વાસ લઈ રહ્યા હતા. શરીરમાં ઓક્સીજનનુ પ્રમાણ ભયજનક રીતે ઓછુ હતુ. બાળકને તાત્કાલીક કૃત્રિમ શ્વાચ્છોશ્વાસના મશીન- વેન્ટીલેટર પર લઈ લેવુ પડ્યુ. વેન્ટીલેટર પર ઘણા બાળ દર્દીને મૂકીએ ત્યારે મશીન બાહરથી એક નિર્ધારીત દર પર શ્વાચ્છોશ્વાસ કરાવે છે જેમાં બાળક ને પોતાને કોઈ કાર્ય કરવાનુ રહેતુ નથી. વળી ઘણી વાર જો બાળક ની પોતાની શ્વાસોચ્છશ્વાસની ક્રિયા મશીનના કાર્યમાં અવરોધક બનતી હોય તો ટૂંકા ગાળા માટે દવાઓ દ્વારા બાળક્ને સુવડાવી દઈ શાંત રહે તે જરુરી બને છે. વળી આવી દવાઓ દર્દશામક પણ હોય છે આથી બેવડો ફાયદો થતો હોય છે. આ બાળક પિયુષને પણ અમે આવી દવા આપી તેનુ શ્વસન વ્યવસ્થિત કર્યુ. પિયુષની હાલત ઘણી ગંભીર હતી તેને થયેલ ન્યુમોનીયા ખૂબ ગંભીર પ્રકારનો હતો જેમાં ફેફસા ફરતેની સપાટી પર પરુ જમા થઈ ગયેલ હોઈ બે નાના ઓપરેશન અમારે તાત્કાલિક કરવા પડ્યા. પિયુષ હવે જીવન રક્ષક દવાઓ અને એંટીબાયોટીક દવાઓ ના સહારે કૃત્રિમ શ્વાસોચ્છશ્વાસ પર સ્થિર થઈ ટકી રહ્યો હતો. સમયના કાંટે આ જીવન મરણના જંગમાં અમે સહુ કોઈ આ બાળક માટે દુઆ માંગી રહ્યા હતા. બાળકની માતા બે હાથ જોડીને ઉભા હતા તો રેનીનો હાથ ગળામાં પહેરેલા ક્રોસ પર થી હટતો ન હતો! આમને આમ એક પછી એક દિવસો પસાર થતા ગયા પિયુષની હાલત સ્થિર હતી વધુ બગડી ન હતી. અમે તેના માતા- પિતાને થોડા સમય માટે ઘરે આરામ માટે ખાસ વિનંતી કરી મોકલી આપતા. આખરે ચાર દિવસે પિયુષની હાલતમાં નિશ્ચિત સુધારો જોવા મળ્યો. તેનો ન્યુમોનીયા હવે સુધારા પર હતો. તેની કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ પરની નિર્ભરતા હવે ઘટતી જતી હતી. આથી અમે હવે ધીરે-ધીરે નિયમાનુસાર ક્રમબધ્ધ રીતે તેને વેંટીલેટર પર થી દૂર કરી તેના પોતાના શ્વાસ પર લઈ જવાનુ કાઉન્ટ ડાઉન ચાલુ કર્યુ. આ માટે સૌથી પહેલા વેન્ટીલેટર પરના જુદા-જુદા પેરામીટર ઘટાડ્યા. ત્યારબાદ પિયુષને અપાતી પેલી સુવડાવવાની દવા ઘટાડવાનુ શરુ કર્યુ. પરંતુ હજુ પણ ચોવીસ કલાક સુધી તેને વેન્ટીલેટર પર રાખી સારવાર આપવી જરુરી હતુ. આ તરફ પિયુષ અમારી ધારણા કરતા વધુ ઝડપથી હોશમાં આવી હલન ચલન કરવા લાગ્યો. જેથી તેને વેન્ટીલેટર પર રાખવામાં જોખમ વધુ હતુ સિવાય કે તે શાંત થાય અને સુઈ રહે. પરંતુ કોઈપણ બાળક આ પરિસ્થિતિમાં શાંત થાય તે અશક્ય હતુ. અમે તેના માતા પિતાને તેના બેડ પર બેસવા કહ્યુ. પિયુષ થોડો શાંત થયો પણ વારંવાર હાથ લાંબા કરી બોલવા પ્રયત્ન કરતો. વેન્ટીલેટર પર મૂકેલા બાળકમાં શ્વાસનળીમાં એક પ્લાસ્ટીકની નળી નાખેલી હોય છે જેના દ્વારા બહારથી ફેફસામાં શ્વાસ દાખલ કરાય છે. પરંતુ આવુ બાળક આ નળી હોવાથી બોલી શકતુ નથી. અતહીં પણ પિયુષ શું કહેવા મથી રહ્યો હતો તે સમજવુ અશક્ય હતુ. તેના માતા- પિતા પણ સમજી શકતા ન હતા. આમ જો બાળક વારંવાર હલન ચલન કરતો રહે તો તેને ફરી સુવડાવવો જ પડે. આ માટે જો વધુ દવા આપવામાં આવે તો પછી કદાચ આ દવાની અસર હેઠળ જ્યારે મશીન દૂર કરીએ ત્યારે પણ પિયુષ પોતાનો શ્વાસ જ ન લઈ શકે આથી અમે વધુ માત્રામાં દવા આપવાથી ડરતા હતા. વારંવાર થોડી માત્રામાં દવા તો પણ આપવી જ પડી પણ જ્યારે પણ દવાની અસર ઓછી થાય પિયુષ જાગી જાય અને હાથ લાંબા કરી રોવા માંડે !! શું કરવુ સમજ પડે નહી.! જેમ તેમ રાત પડી સવારે તો પિયુષને વેન્ટીલેટર પરથી દૂર કરી દેવાનો હતો ! મારી ડ્યુટી પૂરી થતા હું ચાલ્યો ગયો. સવાર પડતા પાછો આવ્યો ત્યારે પિયુષ વિશે અજંપો લઈ હું હોસ્પીટલમાં દાખલ થયો. પી.આઈ.સી.યુ માં જોયુ તો એક હાસ્યનુ મોજુ ફરી રહ્યુ હતુ. પિયુષ વેન્ટીલેટર પરજ આંખ ખોલી શાતિ થી પડ્યો હતો. બાજુમાં બે ત્રણ ફૂગ્ગા હતા અને રીબન પડી હતી.! નર્સ રેની મને જોઈ કહ્યુ સરપ્રાઈઝ ડોકટર ! મને પણ આ ચમત્કાર નુ રહસ્ય ન સમજાયુ . ખેર પિયુષ સારો હતો એટલે તેને વેંટીલેટર પર થી દૂર કરી શક્યા. વળી આખી રાત પિયુષ શાંતિથી સુઈ રહ્યો હતો અને દવાની માત્રાની ખૂબ ઓછી જરુર પડી હતી એટલે કોઈ જોખમ ન હતુ.
વાત જાણે કે એમ બની કે રાત્રે રેની સીસ્ટરની ડ્યૂટી હતી. પિયુષ જાગીને પહેલાની માફક જ્યારે રોવા અને ધમાચકડી કરવા લાગ્યો ત્યારે રેની એ વિચાર કર્યો કે આ બાળક કંઈ માગી રહ્યો છે. બાળકને આસપાસની દરેક વસ્તુ દેખાડી રેનીએ પૂછી જોયુ પણ વાત ન બની રેની પણ થાકી. ત્યારે શાંતિથી બાળકની જગ્યાએથી જોતા તરત બત્તી ઝબકી કે બાળક તો પી.આઈ.સી.યુ ની ગ્લાસ વિન્ડો માંથી સામેના વેઈટીંગ કોરીડોર માં ક્રિસમસ આયોજન માટે લટકાવેલા ફૂગ્ગા માગી રહ્યો છે!!. બસ ટેબલ પર ચડી પોતાની જાતે ફૂગ્ગા તોડી લાવી રેની અને પિયુષ શાંતિથી ઉંઘ્યો !! 31 ડીસેમ્બરનો દિવસ હોવાથી લોકો કાલે સાન્તાક્લોસ આવશે તેવી વાતો બાળકોને કરી રહ્યા હતા. હું પણ વિચાર કરતો કે શું સાંતાક્લોસ ભારતમાં પણ આવતા હશે ? અને આવતા હશે તો કેવા હશે ? શું એકાદ દિવસ વહેલા આવી જતા હશે ?

Saturday, July 4, 2009

જોડીયા સંતાનો - 1

જોડીયા સંતાનો થવાનો દર કંઈક અંશે ઈ.સ. 1970 થી વધેલો જોવા મળે છે. આ માટે કેટલાક કારણો જોવા મળેલા છે જેમાં નિઃસંતાન દંપતિઓની સંતોત્પ્તિ માટે ની સારવારમાં વપરાતી દવાઓ- મોટી ઉંમરે માતૃત્વ ધારણ કરવુ-સંતાન પ્રાપ્તિની વિવિધ ટેકનીકો વિ.ને ગણાય છે.

જોડીયા શિશુને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે.

1. એક જ ફલિતાંડ માંથી ઉદભવેલા (mono zygotic)
સામાન્ય રીતે એક શુક્રકોષ અને એક અંડકોષના મિલન થી એક ફલિતાંડ(zygote) બને છે. આ ફલિતાંડનું જો શરુઆતી બે દિવસમાં વિભાજન પામે તો બંને શિશુને પોતાની અલગ હેળ(placenta) અને અલગ ગર્ભકોથળી(amnion) હોય છે. જ્યારે જો આ વિભાજનની ઘટના બે અઠવાડીયા બાદ બને તો શિશુઓને એક જ પ્લેસેન્ટા(હેળ) અને એક જ ગર્ભ આવરણ હોય છેઆવા પ્રકાર માં બંને શિશુ એક જ કોથળી માં હોયછે. અને એક જ હેળ ને ગર્ભનાળ દ્વારા જોડાયેલા હોય છે. જુઓ નીચેનુ ચિત્ર...


આવા શિશુઓ બંને લગભગ એક સમાન બાહ્યદેખાવ અને એક જ જાતિના હોય છે. દા.ત. બંને પુરુષ કે બંને સ્ત્રી. સામાન્ય રીતે અંગ્રેજીમાં તેમને identical twins કહેવાય છે. સામાન્ય રીતે આવા શિશુનો દર 1000 પ્રસુતિએ 4 નો છે. વધુ જાણો આ નેશનલ જ્યોગ્રાફિકના વિડીયો પર...


2. દ્વિફલિતાંડ સર્જીત (dizygotic twins)
જ્યારે બે શુક્રકોષો બે અંડકોષોને ફલિત કરે અને બે ફલિતાંડ બને તો તેમને દ્વિફલિતાંડ સર્જીત (dizygotic twins) કહે છે. આમાં બંને શિશુઓ જુદા જુદા અને બાહ્યદેખાવ અને જાતિ માં અસમાનતા વાળા હોય છે.શા માટે એકથી વધુ શિશુ હોવાની પ્રસુતિ જોખમી છે ?
સામાન્ય પ્રસુતિ (કે જેમાં એક શિશુને જ જન્મ આપવાનુ છે) તેની સરખામણી એ એકથી વધુ શિશુ વાળી પ્રસુતિમાં શિશુનું મૃત્યુ થવાની સંભાવના ચારગણી છે. જેમ શિશુની સંખ્યા વધુ તેમ આ સંભાવના વધતી જાય છે. આમ થવાના મુખ્ય કારણો અધૂરા માસે જન્મ થવાની સંભાવના ઓછુ જન્મ સમયનુ વજન જન્મજાત ખોડખાંપણોનો વધુ રહેતો દર ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભાશયમાં ની વિવિધ સમ્સ્યાઓ જન્મ સમયે થતી ગૂંગળામણ અને નવજાત અવસ્થામાં સર્જાતી વિવિધ મુશ્કેલીઓ સામેલ છે.
આથી આવી પ્રસુતિ હંમેશા આધુનિક હોસ્પીટલ કે જ્યાં નવાજાત શિશુની સારી સંભાળ લેવાય ત્યાં કરાવવી જરુરી છે. આ માટે પ્રસુતિ પહેલા જ માતા આવા સેંટર માં સમયસર પહોંચી જાય તે હિતાવહ છે.
વળી આવા શિશુઓને જન્મ પછી પણ અનેક મુશ્કેલી પડી શકે છે.આથી આવી સમયસૂચકતા જરુરી છે.હવે માણો જોડીયાઓ ની થોડી હળવી પળૉ... આ વિડીયો માં...


વધુ આવતી પોસ્ટે આપનો પ્રતિભાવ મોકલશો.....