સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Monday, June 1, 2009

મેડીકલ અભ્યાસક્રમ – ગ્લેમર અને વાસ્તવિકતા નું ભાન જરુરી છે....



ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતાની સાથે જ અનેક વિદ્યાર્થીમિત્રોને ખૂબ સરસ માર્કસ આવ્યા. અનેક મિત્રોનો સેંટર અને બોર્ડમાં રેંક આવ્યો.આ મિત્રોને હંમેશ મુજબ જર્નાલિસ્ટ મિત્રોએ પૂછ્યું “ ભાવિ કારકિર્દી “ વિશે અને લગભગ મિત્રોના સમાન જવાબ – “ મેડીકલ વિદ્યાશાખામાં જવું છે “ ! શા માટે જવું છે.-
“લોકોની સેવા કરવા !” વાહ ભાઈ વાહ કેટલા ઉદ્દાત વિચારો છે.! ઘણા મિત્રોએ એ થી પણ આગળ ઉપરની મહેચ્છા વ્યકત કરી કાર્ડીયોલોજીસ્ટ કે ન્યુરોસર્જન થવા વિશે ! ખૂબ સુંદર ! ગુજરાતી કહેવત છેને – “ નિશાન ચૂક માફ પણ નહી માફ નીચુ નિશાન !” મોટાભાગના મિત્રો આ કહેવતને ખરેખર જાણતા અને અનુસરતા લાગે છે.

મેડીકલ વિદ્યાશાખા વિશેનું આ સ્વપન ખરેખર છેલ્લા બે દાયકાથી ખૂબ જોવાતું અને ઉંચો ટી.આર.પી. ધરાવતું રહ્યું છે. માતાપિતા અને વિદ્યાર્થીમિત્રો સૌનુ વ્હાલુ આ સ્વપન ઘણી વાર આંખ ખૂલે ત્યારે વાસ્તવિકતા માં દુખદ બની રહેતુ હોય છે. દર વર્ષે મેડીકલ વિદ્યાશાખામાં ઘણા વિદ્યાર્થી મિત્રો આ શાખા છોડી જતા રહે છે અને ઘણા લાંબા સમય પછી મન સાથે સમાધાન કરે છે તેવુ સામાન્યપણે જોયેલુ છે. મેડીકલ વિદ્યાશાખા અને શિક્ષણની સાથે છેલ્લા 15 વર્ષથી સંકળાયેલ હોવાથી ઘણા વિદ્યાર્થીમિત્રો સહજ રીતે પૂછી લે છે “શું સાહેબ આ કોર્સ લેવા જેવો છે”?! ત્યારે આ વિશે કેટલાક પાસાનો વિચાર કરી લેવો જરુરી છે અને કારકિર્દીના ઉંબરે ઉભેલા આ મિત્રોને મદદરુપ થવા માટે મારા વિચારો રજૂ કરુ છું – તટસ્થતા પૂર્વક અભ્યાસ કરી મિત્રો પોતાની ભાવિ જીંદગી નો નિર્ણય લે તેવી અભ્યર્થના.!

ગ્લેમર નં. -1 – “ ડોક્ટરને સોશ્યલ સ્ટેટસ અને સાહેબ કહેવાય ભાઈ” !

હા એ સાચુ કે સમાજ હંમેશા તેમને ઉપયોગી અને કામના માણસોને માન આપે છે. પણ ભાઈ આવું તો દરેક ક્ષેત્રમાં છે. મૂળ વાત તો છે ગરજે ગધેડાને બાપ કહેવો પડે અને દવા અને ડોકટર ની ફી બચાવવા ઘણા લોકો ઉપરછ્લ્લુ માન અને વ્યવહાર રાખતા હોય છે. બાકિ તો ગરજ સરી કે વૈદ વેરી ! એજ સમાજ જ્યારે ડોકટરને કે તેના નિર્ણયને સમજી નથી શકતો કે શંકા કરે છે ત્યારે પળવાર પહેલા ભગવાન બનેલા સાહેબ કે તેમની હોસ્પીટલની ખેર નથી રહેતી...! આવા અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. એટલે ફૂલની સુગંધ ક્યારે પથથર માં પરિવર્તીત થાય તે કહેવું મુશ્કેલ છે. જો કે આવા બનાવોની સંખ્યા ઓછી છે પરંતુ સોશ્યલ સ્ટેટસના ફૂગ્ગાની હવા કાઢવા પૂરતા છે.

ગ્લેમર નં -2 - “ આ શાખામાં પૈસો ઘણો છે.” !

 હા ખાસ કરી ને ડોકટર સમાજ ના સફળ મિત્રોના આવક ના આંકડા ખરેખર ચોંકાવનાર હોય છે. પણ ભાઈલા, સમાજમાં મુકેશ અંબાણી, ટાટા, બિરલા કે બજાજ તો હોવાના પણ શું દેશના બધા ઔદ્યોગિક કર્મશીલો એમના સમાન ગણી શકાય. કોઈપણ ક્ષેત્રમાં આર્થિક ઉપાર્જન ની સંભાવનાઓ નક્કી કરતા પહેલા તે ક્ષેત્રના તળિયે રહેલા લોકોની સામાન્ય આવક થી વિચારવું અને વળી આ ઓછા માં ઓછી આવક મેળવવા માટે કરવો પડેલ સંઘર્ષ પણ ગણતરી માં લેવો. સરેરાશ એમ.બી.બી.એસ ડોક્ટર થતા અંદાજે સાડા પાંચ વર્ષ થઈ જાય છે જ્યારે માસ્ટર ડીગ્રી(એમ.ડી. કે એમ.એસ.) સાડા આઠ વર્ષ લઈ લે છે. બીજો ઓછા માં ઓછો એક વર્ષનો અનુભવ જોડો તો માસ્ટર ડીગ્રી ધારક ડોકટર દસ વર્ષે કમાવા લાયક સ્થિતિમાં પહોંચે છે. ત્યારે પણ તેને મળતી રકમ તેનાજ સમાન ઉંમરના અન્ય શાખાના સ્નાતકો (દા.ત. ઈજનેરો કે એમ.બી.એ). ને મળતા સેલરી પેકેજ થી ઓછી જ હોય છે. સરેરાશ ડોકટર કરતા તેનાજ જેટલા હોંશિયાર અન્ય શાખાના લોકો ડોક્ટર સાહેબ ખૂરસી પર બેસે ત્યાં સુધીમાં બે કે ત્રણ નોકરી-બદલી અને ત્રણ વિદેશ પ્રવાસો કરી ચૂક્યા હોય છે.!

જે ડોકટર મિત્રો હિંમતથી મોટા શહેરો માં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરે છે તેમને શરુઆતી સમયમાં ખૂબ મોટી રકમનું રોકાણ કરવુ પડે છે. પ્રેકટીસ ની શરુઆતમાં બેંકના લોન ના હપ્તા ભરવામાં પણ તકલીફ પડતી હોય છે. રાત-દિન દર્દીના સુખમાં સુખ અને દુઃખે દુઃખ સમજવું પડે તો પણ કોઈ ગેરેંટી નથી કે થોડા સમય પછી હોસ્પીટલ ટકશે કે માલિક બદલાશે! શું અન્ય વ્યવસાય કે બિઝનેસમાં આટલા રોકાણ થી શાંતિપૂર્વક કમાઈ ન શકાય ? શું આ કોસ્ટ બેનીફીટ રેશ્યો તમારા હિસાબમાં બેસે છે ? -તો આવો મેદાન માં !

ગ્લેમર 3 – “જોબ સીક્યુરીટી છે ભાઈ...!”

ડોકટરીના વ્યવસાયમાં નોકરી મેળવવી ખાસ અઘરી નથી ખાસ કરીને જો સ્થળ અંગે ની સૂગ ન હોય. આજની તારીખે પણ અનેક નાના શહેરો થી માંડી મોટી કોર્પોરેટ હોસ્પીટલ માં પણ નોકરી મળવી અઘરી નથી. પરંતુ શું આટલી બધી મહેનત પછી બીજા કોઈ વ્યવસાયમાં પણ નોકરી ન મળે કે ન ટકે વિચારી જૂઓ.!

મારો મત... મેડીકલ વ્યવસાય કદી પૈસા, સ્ટેટસ કે જોબ સિક્યોરીટી વિચારી પસંદ ન કરવો ખરેખર તો આ વ્યવસાય પસંદ કરવાનું સૌથી મોટું કારણ છે તેમાં રહેલું ‘ જોબ સેટીસ્ફેક્શન્ ‘ - એક દર્દીના દુઃખને તમે હળવુ કરી શકો, એક સ્ત્રીને માતા બનવામાં મદદરુપ થઈ શકો, એક શિશુને શ્વાસ આપી આખી જીંદગી આપી શકો કે સ્વર્ગના દ્વારે ઉભેલાને ધરતી પર પાછો લાવવાનું ભગીરથ કાર્ય કરવાની સંજીવની કે વિદ્યા આ અભ્યાસક્રમ આપે છે!. એ જ છે એમાં ડૂબકી મારવાનું પ્રબળ પ્રેરક બળ્! પૈસા કે સ્ટેટસ બીજી બધી વિદ્યાશાખામાં મેડીકલ થી કદાચ વધુ મળશે પણ આ અમૂલ્ય સંતોષ મેળવવાનું શક્ય નથી. પણ બોસ ઓલી.. સ્પાઈડરમેન ફિલ્મમાં કહે છે ને કે “દરેક શક્તિ પોતાની સાથે જવાબદારીનુ પોટલુ લાવે છે”- એમ આ સંજીવની બાણ મળ્યા પછી ધનુષ્ય ઉપાડી ફરવાની તાકાત છે ને !!

થોડી ગમ્મત...

હું ડોકટર શા માટે બન્યો તેના સાચા-ખોટા કેટલાક સબળ કારણૉ નીચે મુજબ છે ...!

1. બોસ !, આમેય પહેલે થી આપણી ઉંઘ ઓછી...!

2. ગણિત ગોટાળુ કંઈ ન જાણુ ને ભૂમિતિ માં મોટુ ભોપાળુ ...!

3. મારા અક્ષર પહેલે થી જ ખરાબ રહેલા...!

4. આ બધી મોજમજા અને જલસા બહુ થયા ભાઈ ! જીંદગી બહુ માણી લીધી..!

5. નાનપણ થી જ મારો સ્વભાવ ચિંતાજનક- જરીયે કોઈનું દુઃખ ન જોવાય ભાઈ...!

6. મારા મતે જીવન ના પહેલા 30 વર્ષ આર્યકાળ અનુસાર ‘બ્રહ્મચર્યાશ્રમ’ માં ગાળવા જોઈએ.!

7. આ શાખામાં પાછલી જીંદગીની ચિંતા નથી રહેતી!(કારણકે ડોક્ટરોની સરેરાશ વય ઘટી છે.)

8. માણસે પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત આ દુનિયામાં જ કરવું જોઈએ...!

9. સ્ટ્રેસથી જો બી.પી. કે હ્રદયરોગ થાયતો બોસ આપણે પૈસા જ નથી ખરચવા...



વળી જીંદગી ના યુવાની ના વર્ષો આ દસ વર્ષની તપસ્યામાં ક્યાં જતા રહે છે તે ખબર પણ નથી પડતી. પુસ્તકો ની બહારની દુનિયા,તહેવારો કે સામાજીક પ્રસંગો વિશેનું તાત્પર્ય સમય જતા જાણે ભૂલાતુ જાય છે!. એક ડીગ્રીની કિંમત આ તનતોડ મહેનત અને અનેક ઈચ્છાઓ ના દમન થી ચૂકવવા તૈયાર રહેવું પડે છે. શું આ કોસ્ટ બેનીફીટ રેશ્યો તમારા હિસાબમાં બેસે છે ? - તો આવો મેદાન માં !

7 comments:

  1. હળવી ગમ્મત, ગ્લેમર અને મત સાથે વીદ્યાર્થી અને વાલીઓને ખુબ જ ઉપયોગી માર્ગદર્શન... આભાર.
    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવતી કાલના શીશુને સમર્પીત 'માતૃત્વની કેડીએ' માટે આપને ખૂબ અભિનંદન.
    ગોવીન્દ મારુ
    http://govindmaru.wordpress.com

    ReplyDelete
  2. ગમ્મત ગમ્મતમાં પણ કહેવા જેવું ખૂબ જ સચોટ રીતે કહી દીધું છે.

    ReplyDelete
  3. Maulikbhai,
    Congratulations on the excellent initiative.
    Very few medicos have the willingness to find time for social service of this nature.And you are a very good writer too.
    Will look forward to chatting some day on my Gujarati Radio with you. Thanks for getting in touch.

    ReplyDelete
  4. maulikbhai!

    u said the bitter truth of profession!

    when i was kid.. i had dream to be doctor.. but unfortunately i coudnt be! but when i observed my friends working badly n madly in medico... i thought "it was not my cup of TEA!"

    again impressed!

    ReplyDelete
  5. It's true every power has it's burden.

    Nice article.

    -Gaurang

    ReplyDelete
  6. very true about our profession. u r right

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...