સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, June 20, 2009

અધૂરા માસે જન્મતા શિશુ(premature) માટે વરદાનરુપ બનતી દવા -“ સ્ટીરોઈડ”...!!




સંદીપભાઈએ અચાનક રાત્રે ફોન કર્યો તેમની પુત્રી રીમા કે જેને સગર્ભાવસ્થાનો સાતમો માસ જાય છે તેમને અમદાવાદમાં જાણીતા સ્ત્રીરોગ વિશેષજ્ઞએ ‘ સ્ટીરોઈડ્સ ‘ (steroids) ના બે ઈંજેક્શન અમૂક સમયાંતરે આપવાનુ કહ્યુ છે – આ સાંભળી તેમને ખૂબ ગભરાટ થાય છે અને તેમને ડોકટર ના સૂચન પર શંકા-કુશંકા થાય છે. સંદીપભાઈના પત્ની ચંદ્રીકાબેન ફોન પર રડી પડયા કે આનાથી ગર્ભસ્થ શિશુને આડઅસર કે ખોડખાપણ આવે તેવું તો નહી થાયને ! મારા પરીચિત હોવાને નાતે મેં તેમને જે હકીકતો સમજાવી તે મને લાગે છે ઘણા માતાપિતાને ઉપયોગી થશે એટલે અહીં પ્રસ્તુત કરુ છુ...
સ્ટીરોઈડ્સની આડઅસર વિશે વાંચેલ ઘણા લેખો અને અધકચરુ જ્ઞાન આ ચમત્કારીક દવાને વધુ બદનામ કરી ચૂકેલ છે.! જેમ દાળમાં થોડું મીઠુ હોય તો દાળ સ્વાદિષ્ટ અને ખાવા લાયક લાગે પણ જો અતિરેક થાય તો દાળ ઝેર થઈ જાય ! તેમ મેડીકલ જ્ઞાન સાથે સ્ટીરોઈડ નો ઉપયોગ અમુક પરિસ્થિતીમાં ખરેખર વરદાન સ્વરુપ સંજીવની બુટી સાબિત થાય છે.! જ્યારે તેનો અતિરેક અને અયોગ્ય ઉપયોગ અનેક મુશ્કેલીને નોતરે છે.!
પ્રસુતિ પહેલા જો સગર્ભા સ્ત્રીને અધુરા સમયે – પ્રીમેચ્યોર(premature) ડીલીવરી થવાની સંભાવના હોયતો આવનાર શિશુનુ બચવુ ખરેખર અઘરુ બની રહે છે. આનુ મૂળ કારણ અધૂરા માસે આવતા શિશુનો અપૂરતો શારીરીક વિકાસ હોય છે – કંઈક અંશે કાચો ઘડો કુંભારે વ્હેલો કાઢી લીધો હોય તેવુ ! આવા શિશુને ગર્ભાશયની બાહર દુનિયામાં જીવિત રહેવા માટે સૌ-પ્રથમ શ્વાસોચ્છવાસ ચાલુ કરવા પડે છે અને તેને ટકાવી રાખવા પડે છે. ગર્ભાશયમાં આ કામ માની મેલી(placenta) કરતી હતી પણ દુનિયામાં હવે આ કાર્ય શિશુએ કરવુ પડશે. આ કાર્ય કદાચ પૂરતા માસના શિશુને માટે ખાસ મુશ્કેલ નથી પણ અપૂરતા માસે આવેલા શિશુને પોતાના અવિકસિત ફેફસા સાથે કરવુ એ કરીના કપૂરને અટકયા વગર પાંચ કિલોમીટર દોડવાનુ કહેવા બરાબર છે ! આ જ કાર્ય કરવામાં મોટા ભાગના શિશુ હાંફી જાય છે અને એ નાજુક જીવ જીવન દોડમાં હારી જાય છે.! મેડીકલ વિજ્ઞાનની પ્રગતિથી આવા શિશુને આધુનિક નવજાત શિશુ સઘન સારવાર દ્વારા આધુનિક મશીનો(ventilator) થી કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ(artificial respiration) આપી તેમનુ જીવન ટકાવી શકાય છે પરંતુ આ સગવડ બધે પ્રાપ્ય નથી-ખર્ચાળ છે અને તેનાથી પણ સંપૂર્ણ પણે બધા શિશુને બચાવવુ શક્ય નથી.!
અધૂરા માસે ડીલીવરી થવાના ઘણા ખરા કારણો તબીબી રીતે અટકાવવા શક્ય નથી. તો શું એવું કાંઈ કરી શકીએ જે આ શિશુના અપૂરતા વિકાસને ટેકો આપે ? અહીં સ્ટીરોઈડનો રોલ છે. ઘણી ખરી સગર્ભા મહિલામાં કે જેમાં વિવિધ કારણોથી પ્રસુતિ અધુરા માસે થાય તેવી સંભાવના હોય છે ખાસ કરીને 24(છ માસ)થી 34અઠવાડીયા(આઠ માસ) ના ગર્ભધાન સમયે તેમને ચોક્કસ પ્રકારના સ્ટીરોઈડ ઈંજેક્શનો થોડા સમયાંતરે આપવાથી ગર્ભસ્થશિશુના ફેફસાનો વિકાસ ઝડપી બને છે અને તેમની કાર્યક્ષમતા વધી જવા પામે છે. આવા શિશુનો પછી જો જન્મ અધૂરા માસે થાય તો પણ તેમની જીવિત રહેવાની અને યોગ્ય રીતે વિકાસની સંભાવના વધી જાય છે.આ પ્રકારની સારવાર ના બીજા પણ લાભ જોવા મળેલા છે જેમકે તેના થી અધૂરા માસે જન્મેલા શિશુની અન્ય તકલીફો જેમકે – આંતરડાનો સોજો (necrotizing enterocolitis)-આંખો માં રેટીના સંબધી બિમારી(retinopathy of prematurity) – મગજમાં રક્તસ્રાવ (Intracranial hemorrhage) વિ. ની સંભાવના પણ ઘટી જાય છે. આ પ્રકારની સારવાર જો યોગ્ય સ્વરુપે મર્યાદિત ધોરણે માત્ર ચોક્કસ જરુરી દર્દીને આપવામાં આવે તો શિશુને નુકશાનની સંભાવના લગભગ નહિવત છે અને ફાયદાની સંભાવના ખૂબ વધારે છે..! આમ આ પ્રકારની સ્ટીરોઈડથી થતી સારવારથી શિશુ માટે જીવિત રહેવાની આશા ઘણી બુલંદ બને છે. આ વાત હવે ઘણા પ્રાયોગીક પરીણામો ને અંતે સાબીત થયેલી છે અને નિર્વિવાદ છે.଒
જો કે આ પ્રકાર ની સારવાર ઘણીવાર અતિશય અધૂરા માસે જન્મેલા કે ખૂબ ઓછા વજન વાળા કે સારવાર અપૂરતી રહી હોય તેવા શિશુમાં કારગત ન પણ નીવડે. બધા શિશુને આ સારવારની જરુર નથી હોતી- માત્ર સ્ત્રીરોગ નિષ્ણાતને જરુર જણાય તેમાં જ આ સારવાર નો પ્રયોગ કરવો જોઈએ. નિષ્ણાતની સલાહ વગર આ સારવારનો પ્રયોગ ન કરવો.
હાલના તબક્કે નવજાતશિશુ વિજ્ઞાન સંસ્થાઓ અને સ્ત્રીરોગ વિજ્ઞાન સંસ્થાઓ આ સારવારને જરુરી ચોક્કસ દર્દીને આપી આવતીકાલના શિશુને સુરક્ષીત કરવા સલાહ આપે છે.

No comments:

Post a Comment

આપના પ્રતિભાવ બદલ આભાર ...