સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Tuesday, August 25, 2009

આ મમ્મી થી તો ભાઈ તોબા...!!


સ્વાઈન ફ્લુને લીધે ગુજરાતમાં એક ફફડાટ લગભગ દરેક આમ આદમી ના મનમાં ઘર કરી ગયો છે. માસ્ક-દવા-ડોકટર-છાપુ-ટીવી આજકાલ રોજીંદી જરુરીયાત બની ગયા છે ! આજે વાત કરવાની છે એક ઘણુ ભણેલા (પોસ્ટગ્રેજ્યુએટ) મમ્મી ની !
મારા એક મિત્રનુ બાળક 4 વર્ષનુ છે જે એક જાણીતી સ્કૂલમાં એલ.કે.જી(lower kinder garden)માં અભ્યાસ કરે છે. બાળકને એક દિવસથી જરા શરદી-ઉધરસ-તાવ થયા જે કોઈપણ વાઈરલ રોગના સામાન્ય લક્ષણો ગણી શકાય.
આ બાળકને તેની મમ્મી લઈને ગઈ સ્કૂલે ..! સ્કૂલમાં બાળકને શરદી-ઉધરસ જોઈ સ્કૂલ સત્તાવાળાઓ એ બાળકને સારુ ન થાય ત્યાં સુધી ઘેર લઈ જઈ ને મેડીકલ તપાસ તથા ઈલાજ કરાવવાની માતાને વિનંતી કરી. માતાએ કહ્યુ આ તો સામાન્ય બિમારી છે અને હુ કંઈ નથી કરવાની. સ્કૂલ સત્તાવાળાઓએ કહ્યુ કે અમોને ઉપરથી આદેશ છે કે હાલ સ્વાઈન ફ્લુના સંક્રમણને ધ્યાનમા રાખીને આવા શરદી-ઉધરસ વાળા બાળકોને શાળામાં ન આવવા કહેવુ જેથી અન્ય બાળકોને ચેપ ન લાગે.
બસ આ મમ્મી ઉગ્ર બની ગયા તેમની દલીલ હતી. અમે ક્યાય બહારગામ કે વિદેશ નથી ગયા તો અમારા બાળકને થોડો સ્વાઈન ફ્લુ હોય ! તમે જો બાળકને આવી રીતે ઘેર લઈ જવાનુ કહેશો તો એના ભણતર પર ખરાબ અસર પડશે. વળી બાળકની આજે ડ્રોઈંગ ટેસ્ટ લેવાના છે તો તેના માર્કનુ શું ...!!
સાદી શરદી જ છે અને એવુ તો ઘણા બાળકોને હોય છે તમે એને ના પાડશો તો બધાને લાગશે કે શું આ બાળકને સ્વાઈન ફ્લુ છે .!! હું તમારી શાળા શિક્ષણાધિકારીને ફરિયાદ કરીશ એના પપ્પાને તો શિક્ષણ વિભાગમાં પણ ઓળખાણ છે.
બિચારા શાળા સંચાલકોએ અંતે નમતુ જોખ્યુ અને બાળકને અલગ ઓરડામાં ડ્રોઈંગ ટેસ્ટ અપાવી ! ( આમ તો એક રીંગણાના ચિત્રમાં કલર જ ભરવાનો હતો...!) આ મમ્મી પછી સાંજે મળી એની મિત્રોને અને એ સભામાં એમની આ વાત અને તેમાં તેમની શાળાને ધમકાવવાની સિધ્ધિ વિશે અન્યોને જાણ કરી.!
અન્ય બહેનો એ આમાથી શું શિખ લીધી એ તો રામ જાણે પણ મને કેટલાક મુદ્દાઓ આપ સૌ સમક્ષ રજૂ કરવાની જરુરિયાત ખરેખર લાગી...!


વિચારવા લાયક મુદ્દાઓ...


1. હંમેશા હવા માં છીંક કે ખાંસી દ્વારા ફેલાયેલા સૂક્ષ્મ વિષાણુ ના અન્ય મનુષ્યમાં દાખલ થવાથી વાઈરલ ઈન્ફેકશન થતુ હોય છે. આ સિવાય આ વિષાણુઓ જો અન્ય વસ્તુ પર લાગેલા હોય તેના વાળો હાથ જો આંખ કે નાકને અડે તો લાગી શકે. આથી કોઈપણ જગ્યા કે જ્યાં છ ફીટથી ઓછા અંતરે મનુષ્યો એકઠા થશે ત્યાં સહુ કોઈ પોતાના વાઈરસની ગીફ્ટ અન્યને આપશે !! આ જગ્યા ઓફિસ- ઘર- સિનેમા હોલ કે સ્કૂલ હોઈ શકે. સ્કૂલમાં આ માટે આદર્શ વાતાવરણ છે. ઘણી ખરી સ્કૂલમાં નાના કલાસરુમમાં સારી એવી વિદ્યાર્થી સંખ્યા હોય છે. એકબીજાને ભેટવામાં-લડવામાં-એક બીજાના લંચ બોકસ માંથી ખાવામાં કે એક જ બોટલ કે પ્યાલામાંથી પાણી પીવામાં એમને આભડછેટ નથી !!


2. કોઈપણ વાઈરસજન્ય રોગમાં માનવ શરીરને સંપૂર્ણ સાજા થતા 5-7 દિવસ થઈ જાય છે. આ સમય દરમ્યાન પૂરતી-ઉંઘ-આરામ-પોષક આહાર જરુરી છે. આવુ ન કરવાથી ઘણી વાર બિમારી લંબાઈ જાય છે.
તકસાધુ બેકટેરીયાનુ સંક્રમણ પણ આવા સમયે થવા સંભવ છે. અને સાદી શરદી ગંભીર ન્યુમોનિયામાં પરિણમે છે.


3.બે કે ત્રણ દિવસની સ્કૂલ કે શરુઆતી ધોરણની પરિક્ષાના નામે બિમારીના સમયે બાળકને ધરારથી સ્કૂલે મોકલવાથી બાળકને માનસિક ત્રાસ પણ વેઠવો પડે છે. શિસ્ત અને અનુસાશનના નામે બાળકને પરાણે ભણવુ પડે છે.

4. સ્વાઈનફ્લુ હવે છઠા સ્ટેજમાં છે અને હવે ધીરે ધીરે ભારતના બધા ભાગોમાં કેસ રીપોર્ટ થાય છે આથી સતર્કતા જરુરી છે. શાળાઓને સરકારશ્રીના આદેશ અનુસાર કોઈપણ શરદી-ઉધરસ-તાવ વાળા બાળકને ઓળખી અને તુરંત ડોકટરી તપાસ અને ઓછામાં ઓછા સાત દિવસ અન્ય બાળકોથી દૂર ઘેર જ રહેવાની સલાહ આપવાની માર્ગદર્શિકા અપાયેલ છે.(સંદર્ભ- http://mohfw-h1n1.nic.in/final_guidelines-_swine_flu_-_for_schools%5b1%5d.doc) આવા સમયે દરેક નાગરીકની ફરજ છે કે સરકારશ્રીના આ આદેશનુ પાલન કરે અને આ મહામારી થી બાળકો અને અન્યોને બચાવવામાં મદદ કરે.

5. આથી ઉલ્ટુ જો કોઈપણ માતા-પિતા કદાચ પોતાના બાળકને શરદી હોય અને સાત દિવસ સ્કૂલે ન મોકલે કે ઘેર રાખે તો સ્કૂલને પણ આદેશ છે કે આ અંગે કોઈપણ મેડીકલ સર્ટિફિકેટનો આગ્રહ ન રાખવો.

તો સમજો ચતુર સુજાણ... આપણી સુરક્ષા આપણે હાથ જ છે ... માત્ર સા.બુ. વાપરો...
સરકાર હવે વાલીઓની માર્ગદર્શિકા પણ વેબ સાઈટ પર મૂકે તો સારુ !!!

Sunday, August 23, 2009

નવીનતમ H1 N1 નુ અતિક્રમણ


કયા નામ થી ઓળખીશુ ?

• સ્વાઈન ફ્લુ ??
• H 1 N1 ??
• નવીનતમ- H1 N1 ??આ એચ-1 અને એન-1 ક્યાંથી આવ્યા?

વાઈરસની કોષ રચનામાં વિવિધ ભાગો પરથી તેની વૈજ્ઞાનિક ઓળખાણ- નામ એચ-1 એન-1 રખાયુ.

વાઈરસનો પરિચય


· ઈન્ફ્લુએન્ઝા - RNA-પ્રકારના વાઈરસ કે જેનુ જનિનિક દ્વવ્ય હંમેશા બદલાય છે.
· અતિશય સૂક્ષ્મ (80-200nm)
· ઈન્ફ્લુએન્ઝા વાઈરસના જ પક્ષી- ડુક્કર અને મનુષ્યસ્વરુપમાં જોવામળતા જનીનો આ વાઈરસમાં જોવામળેલા છે.આમ તે નવીનતમ રચના વાળો અગાઉ ન ઓળખાયેલ વાઈરસ છે.માટે તેને નવીનતમ એચ-1 એન-1 કહેવાય છે.

વાઈરસનો ઉદભવ કેમ થયો?મનુષ્ય- ડુક્કર – પક્ષી માં જોવા મળતા ઈન્ફ્લુએન્ઝા વાઈરસમાં જનીનીક બદલાવ આવ્યો અને તે હવે મનુષ્ય માટે પણ ચેપી બન્યો અને વિશ્વમાં ફેલાયો.
આ રોગ કેવી રીતે ફેલાય છે?• મનુષ્ય થી મનુષ્ય માં ફેલાય છે.
• શ્વાસ- છીંક અને ખાંસી દ્વારા હવામાં સૂક્ષ્મ બુંદો દ્વારા જીવાણુ ફેલાય છે(6-10 ફીટ સુધી ).
• આવી સૂક્ષ્મ બુંદો વાળા હાથ બીજા સાથે મેળવવાથી કે તેના વાળી વસ્તુ અડવાથી તે હાથ પર લાગે છે. પછે આવો હાથ નાક પર કે મોં પર લાગવાથી ચેપ લાગે છે.

સ્વાઈન ફ્લુના લક્ષણૉ

· તાવ
· તૂટ-કળતર
· શરદી-ખાંસી
· ગળામાં દુઃખાવો
· શ્વાસ લેવામાં તકલીફ
· ઉબકા
· ઉલ્ટી
· ઝાડા
· બેચેની
· થાક
· ભૂખ ન લાગવી

વાઈરસ ક્યાં સુધી ચેપી છે?


વયસ્ક મનુષ્યમાં
લક્ષણો ના 1 દિવસ પહેલાથી - લક્ષણો દેખાયાના 7 દિવસ સુધી...
બાળકોમાં
લક્ષણો ના 1 દિવસ પહેલાથી - લક્ષણો દેખાયાના 10 દિવસ સુધી...


આટલો ડર કેમ છે …!!?


· કદાચ ભૂતકાળમાં ઈન્ફ્લુએન્ઝાના ઘાતક સંક્રમણની ભયાનક યાદો થી...
· કદાચ માત્ર આંકડાથી...
· કદાચ નવી બિમારી છે એટલે..
· કદાચ જેટલા મોં એટલી વાતો...બિન વૈજ્ઞાનિક માહિતીનો અપપ્રચાર...અફવાઓ ફેલાવાથી..

ચાલો લડીએ સાથે મળીને...

આ છે આપણા હથિયાર...


• સ્વયંશિસ્ત
• સારી આદતો
• મેડીકલ સહાય
• સકારાત્મક અભિગમ

સ્વયંશિસ્ત

• જો આપને શરદી-ખાંસી-તાવ જેવી બિમારી જણાય તો ઘેર રહો અને ઓફિસ- શાળા –

કોલેજ ભીડવાળી જગ્યાએ જવાનુ ટાળો.
• છીંક -ખાંસી ખાતી વખતે નાક અને મોં આડો રુમાલ રાખો.
• શરદી -ખાંસી હોય ત્યારે હાથ મેળાવવાનુ કે ગળે મળવાનુ ટાળો.
• ભીડ ભાડ વાળી જગ્યાઓ માં જવાનુ ટાળો.
• જરુર જણાય ત્યારે સરકાર માન્ય હોસ્પીટલોમાં સ્વાઈન ફ્લુ સંબંધી સલાહ લો.


સારી આદતો

• પૂરતી ઉંઘ લો. આરામ કરો.
• ચિંતા અને તણાવ થી દૂર રહો.
• વારંવાર સાબુથી હાથ ધુઓ.
• હાથ ધોયા વગર આંખો કે નાકને ન અડકો.
• તમારો રુમાલ તમારા પૂરતો જ વાપરો.
• વપરાયેલા ટીસ્યુ પેપરોને યોગ્ય રીતે કચરા ટોપલીમાં એકત્ર કરી પછી બાળી નાખો.


મેડીકલ સારવાર


• સરકાર માન્ય હોસ્પીટલોમાં પરિક્ષણ અને સારવાર ઉપલબ્ધ છે.
• બધા દર્દીને દાખલ થવાની કે પરિક્ષણની કે દવાની જરુર નથી.
• સારવાર અને પરિક્ષણ નો નિર્ણય મેડીકલ તપાસ બાદ તબીબી નિષ્ણાંત કરશે.
• જરુર પડ્યે આ ફ્લુ બિમારી માટે ઉપલ્બ્ધ દવા (જે માત્ર સરકાર માન્ય હોસ્પીટલમાં જ પ્રાપ્ય છે)

તેનો પ્રયોગ ડોકટર સૂચવશે.
• હાલ આ માટે ઓસેલ્ટામિવિર (પ્રચલિત નામ-ટેમીફ્લુ) વાપરવામાં આવે છે.
• આ સાથે અન્ય તબીબી સલાહ અને સારવાર પણ જરુરી છે.


ઘર પર ઉપચાર


• આરામ કરો – પૂરતી ઉંઘ લો.
• શરદી-ખાંસી ની સામાન્ય દવાઓ(તબીબી સલાહ અનુસાર) લો.
• તાવ માટે યોગ્ય ડોઝમાં માત્ર પેરાસીટામોલ દવા જ વાપરો.
• મીઠાના પાણીના કોગળા કરો.
• ગરમ પાણીનો નાસ લો.
• યોગ્ય આહાર લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવો.


જાણવા જેવુ...


• H1N1-વાઈરસના બંધારણમાં રહેલ વિશેષ રચનાને લીધે તેની મનુષ્યમાં જોખમી બિમારી કરવાની ક્ષમતા ઓછી છે.
• અન્ય ઈન્ફ્લુએન્ઝા વાઈરસ પ્રમાણમાં વધુ ઘાતક હોય છે. (દાત. પક્ષીમાંથી ઉદભવતો એવીઅન- ઈન્ફ્લુએન્ઝા)


સકારાત્મક અભિગમ


• આંકડાઓ અનુસાર મોટા ભાગના લોકોમાં આ બિમારી તદ્દન મામૂલી શરદી થી આગળ વધતી નથી.
• દવાઓ ઉપલ્બ્ધ છે.
• રોગ વિરોધી રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

ઉપયોગી વેબસાઈટ


http://mohfw-h1n1.nic.in/

http://www.flu.gov/
http://www.whoindia.org/EN/Index.htm

http://www.swinefluindia.org/


કેવળ જનહિતમાં પ્રસિધ્ધ...

ખાસનોંધ....
પ્રસ્તુત માહિતી માત્ર જન-સામાન્ય ના સામાન્ય જ્ઞાન હેતુ છે. દર્દી સંબંધી કે બિમારી સંબંધી તમામ નિર્ણયો સ્થળ પર હાજર તબીબી વિશેષજ્ઞની સલાહ અને નિર્ણય અનુસાર જ લેવા. સરકારશ્રીના નિયમો અને માર્ગદર્શિકા માટે અધિકારીક વેબસાઈટ જોવા વિનંતી.

આપનો અભિપ્રાય કે સૂચન આવકાર્ય...

ડો.મૌલિક શાહ એમ.ડી. (પેડ)
એસોસીયેટ પ્રોફેસર- પિડીયાટ્રેક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
અને જી.જી.હોસ્પીટલ
જામનગર (ગુજરાત)
maulikdr@gmail.com
http://matrutvanikediae.blogspot.com/

તમારા પ્રશ્નો અહીં commentsમાં લખવા શક્ય એટલા જવાબ આપવા પ્રયત્ન કરીશ...
SWINE FLU(H1N1) INFORMATIVE POSTERS

Friday, August 7, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ સ્પેશ્યલ લેખ-4

સ્તનપાન ની પૂર્વતૈયારી - પૌષ્ટીક આહાર સગર્ભાને...ધાત્રી માતાને...
ચિત્ર પર ક્લિક કરો- અને મોટુ વાંચો..
click to see enlarged HTML versionહવે માણો એક વિડીયો..

Wednesday, August 5, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ (1 થી 7 ઓગષ્ટ) - લેખ -3

સ્તનપાન સંબંધી ગેરમાન્યતાઓ (BREAST FEEDING related MYTHS)
મિત્રો આરોગ્યલક્ષી બાબતોમાં તો ભાઈ જેટલા મોં એટલી વાત ! લોકો પોતાની અજ્ઞાનતા અન્ય પર ઠોકી બેસાડવામાં કંઈ બાકિ નથી રાખતા.. અને તે પણ ખૂબ જ્ઞાની જન ની જેમ્.! આવી જ અનેક ગેરમાન્યતા સ્તનપાન વિશે પ્રવર્તે છે. આજે પ્રયાસ કરુ છુ આવી અનેક ગેરમાન્યતા દૂર કરવાનો આશા છે આ લેખથી ભવિષ્યમાં માતા બનનાર બહેનોને ફાયદો થશે...
લેખને મોટુ કરીને વાંચવા લેખ પર ક્લિક કરો...
Please CLICK on the PICTURE below to READ larger HTML version

આપનો પ્રતિભાવ- કોમેન્ટ જરુરથી નીચે લખશો...

Sunday, August 2, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) -2

મિત્રો, વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) ની ઉજવણી માં આજે પ્રસ્તુત છે દ્વિતિય લેખ....
મોટુ કરી બહેતર વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરશો.
to read better click on the picture to see larger HTML VERSION


આપનો અભિપ્રાય ચોક્કસ આપશો.

આ વર્ષના સ્તનપાન સપ્તાહના થીમ ને અંગ્રેજીમાં વાંચો

ક્લિક કરો- http://www.worldbreastfeedingweek.org/images/english_2009actionfolder.pdf