સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Tuesday, June 22, 2010

રેડનોઝ ડે - મારો રેડીયો ઈન્ટરવ્યુ

મિત્રો
ઓસ્ટ્રેલિયા ઉજવી રહ્યુ છે રેડ નોઝ ડે 25 જૂનના રોજ ... રેડ નોઝ એટલા માટે કે એ દિવસે સિડની ના રહીશો ખાસ જોકરની માફક લાલ કલરનું પ્લાસ્ટીક કે રબરનુ નાક લગાવી શહેર ભરમાં ફરે છે. શહેરની સેલિબ્રીટીનુમા વ્યક્તિ પણ આ દિવસે પોતાના નાક પર આ લાલ નાક ચડાવી સૌનો પાનો ચડાવે છે. અનેક લોકો આ સંદર્ભે દાન ની સરવાણી વહાવે છે !!!.

વેલ  આ દિવસ ઉજવાય છે એક ખાસ ઉદ્દેશ્ય માટે ...!!   આ ઉદ્દેશ્ય એટલે બાળમૃત્યુના મહત્વના કારણ SIDS પર જનજાગૃતિ લાવવી અને આ વિષય પર વધુ રીસર્ચ અને બાળકોની સારવાર માટે વધુ ધન ભંડોળ એકત્ર કરવુ. આ દિવસે SIDS થી મૃત્યુ પામેલા બાળકોના પરિવાર જનોને ખાસ દિલાસો આપવો અને તેમને સહાયભૂત થવા પ્રયાસ થાય છે. http://www.rednoseday.com.au/ પર લોગ ઈન કરી આપ વધુ માહિતી મેળવી શકશો.

સત્કાર્ય માટે દેશોના સીમાડા નથી નડતા. આ મહત્વપૂર્ણ કાર્ય માં મને પણ મારો સહયોગ આપવાનો લાભ મળ્યો છે  અને આ માટે નિમિત બન્યા શ્રી આરાધના બેન ભટ્ટ..! સૂર સંવાદ ગુજરાતી રેડીયો સિડની ઓસ્ટ્રેલીયા માટે આ વિષય સંબધી આરાધનાબેને મારો એક રેડીયો ટોક/ ઈંટરવ્યુ કર્યો અને આ 20 જૂન ના રોજ એ સમગ્ર વિશ્વમાં રીલીઝ થયો.. આ સુંદરતમ વિચાર અને લોકોપયોગી કાર્ય માટે સૂર સંવાદ રેડીયો ખરેખર અભિનંદન ને પાત્ર છે. મને પણ લાગ્યુ કે આ સરળ ગુજરાતી ઈન્ટરવ્યુ જો બ્લોગ પર મૂકી શકાય તો કદાચ ભારતમાં પણ SIDS થી મૃત્યુ અટકાવી શકાય....

તો પ્રસ્તુત છે કુલ પાંચ- પાંચ મિનિટના ત્રણ ભાગ માં આ ઈંટરવ્યુ ....



પાર્ટ -2



પાર્ટ - 3





આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Friday, June 18, 2010

Sudden infant death syndrome (SIDS)


કોઠારીભાઈ ના ઘેર આનંદનો પાર ન હતો. દિકરી સુવાવડ કરાવવા માટે પિતાના ઘેર આવેલી અને પ્રથમ સુવાવડ માં જ પુત્ર રત્ન ની પ્રાપ્તિથી સહુ કોઈ ખુશ હતા. દિકરો પણ રાજાના કુંવર જેવો દિવસે ના વધે એટલો રાત્રે વધે!! ત્રણ માસ નો થયો ત્યાં તો પાંચ કિલોથી વધુ વજન નો થઈ ગયો અને ખિલખિલાટ હસતો ત્યારે ઘર આનંદ રસથી તરબોળ થઈ જતુ એવુ સહુ કોઈને લાગતુ. હજુ પંદર દિવસ પહેલા રસીકરણ વખતે ડોક્ટરે કહેલુ કે બાળક ખૂબ તંદુરસ્ત છે અને તેની પ્રગતિ સારી છે. બસ આ સમાચાર કોઠારી ભાઈ એ લગભગ અડધા ગામ ને કહેલા..!! અરે ભાઈ એકની એક દિકરી અને તેનો પહેલા ખોળાનો દેવ જેવો દિકરો આનંદ પણ કેમ ન હોય. !!


પણ ખબર નહી કેમ વિધિ નું વિધાન કંઈ અલગ જ હતુ. આવા નખમાં ય રોગ ન હોય તેવા શિશુને રાત્રે પેટ ભરાવી માતા એ સુવડાવ્યુ અને બીજે દિવસે વહેલી સવારે શિશુ જાગૃત જ ન થયુ. ઢંઢોળવા છતા જરાપણ હલન ચલન ન દેખાયુ. કોઠારી ભાઈને શંકા પડતા તેમણે શિશુને જોયુ તો તેનો શ્વાસ પણ ચાલુ ન હોય તેવુ લાગ્યુ. તેમણે તાત્કાલિક ઉપાય તરીકે શિશુને મોં વાટે કૃત્રિમ શ્વાશોચ્શ્વાસ પણ આપવાનું કર્યુ અને આમ કરતા કરતા જ ઘરના સહુ કોઈ તાત્કાલિક નજીકની બાળકોની હોસ્પીટલ પર દોડ્યા. જ્યાં શિશુ ને તપાસતા જ ડોક્ટરે મૃત ઘોષિત કર્યુ અને મેડીકલ તપાસ અનુસાર કદાચ શિશુ ઓછામાં ઓછી બે ત્રણ કલાક પહેલા મૃત્યુ પામ્યુ છે. આ સાંભળી કોઠારી ભાઈ ના પરિવાર પર તો જાણે આભ ટૂટી પડ્યુ. આ વાત કોઈ સ્વીકારી શકે તેમ જ ન હતુ. એમ ના મોં પર એક જ સવાલ હતો આવુ કેમ બન્યુ તેનુ કારણ આપો ડોક્ટર...૵ ડોક્ટરે પણ પોતાની રીતે શિશુની બધી જ તપાસ અને ઘણા સવાલો શિશુના આરોગ્ય વિશે પરિવારજનો ને કર્યા પરંતુ આમાંથી કોઈ પણ એવી માહિતી ન મળી કે જે શિશુના મૃત્યુના કારણ વિશે કોઈ પ્રકાશ પાડી શકે! ડોક્ટરે વધુ તપાસ અર્થે પોસ્ટ મોર્ટમ કરાવવા ભલામણ કરી કે જેથી કદાચ કોઈ છૂપી બિમારી કે કારણ મળી આવે તો ભાવિ સંતાન ને બચાવી શકાય. પોસ્ટ મોર્ટમ માં પણ કોઈ જ સ્પ્ષટ જવાબ ન મળ્યો ત્યારે મૃત્યુ નું કારણ સડન ઈન્ફન્ટ ડેથ સીંડ્રોમ આપવા માં આવ્યુ.

સડન ઈન્ફન્ટ ડેથ સીંડ્રોમ કે જેને ટૂંકમાં સીડ્સ તરીકે ઓળખાય છે. કદાચ ભારત અને એશિયન દેશોમાં ઓછુ જાણીતુ છે. ઘણા ખરા લોકો આને કદાચ કોઈ નવી બિમારી માની લેશે. પણ એવુ નથી. આવો જાણી એ આ સીડ્સ એટલે શું ??

સીડ્સ (SIDS) એટલે શું ??

SIDS એટલે કે એક વર્ષ થી નાની વયના બાળકોમાં જોવા મળતુ મૃત્યુનું એક મહત્વનુ કારણ. સામાન્ય રીતે તંદુરસ્ત શિશુનું અચાનક મૃત્યુ થાય અને જો મેડીકલ કે ફોરેંસીક તપાસ જેવી કે ઓટોપ્સી કે સ્થળ પર અપમૃત્યુ ને લગતી તપાસ પછી પણ જો કોઈ કારણ ન જોવા મળે તો તેને SIDS કહે છે.

SIDS શામાટે થાય છે ? / જવાબદર કારણૉ ?

SIDS માટે વૈજ્ઞાનિકો કોઈ એક ચોક્કસ જવાબદાર કારણ પર એક મત નથી પણ આ માટે જવાબદાર વિવિધ શક્ય કારણો ની થીયરી ઓ પ્રચલિત છે.

SIDS નો ભોગ બનતા શિશુની શરુઆતી અવસ્થામાં શ્વસન અને રુધિરા ભિસરણતંત્ર જેવી જીવન ટકાવી રાખવાની મહત્વની ક્રિયા પરનો કાબુ ધરાવતા મગજના કેન્દ્રો પ્રમાણ માં વધુ વિકસિત હોતા નથી આથી કેટલીક ખાસ પરિસ્થિતી માં જ્યારે આ પ્રક્રિયા પરનો યોગ્ય કાબુ ન રહે ત્યારે અચાનક જ શ્વાસ અટકી જવો કે હૃદય બંધ પડી જવા જેવી કે ઘટના બને છે. જેને લીધે ઉંઘની અવસ્થામાં જ શિશુ મૃત્યુ પામે છે.

આ સિવાય અનેક બીજા કારણૉને લગતી થિયરી પ્રચલિત છે. જે કદાચ સામાન્ય લોકોને માટે સમજવી વધુ કઠીન છે.

SIDS કઈ ઉંમરે થાય ?

અંદાજે 80% SIDS પાંચ માસ થી નાની વયે થાય છે. તેનુ સૌથી વધુ પ્રમાણ 2-4 મહીના ની વયે જોવા મળે . નવજાત અવસ્થામાં માત્ર 1% શિશુ નું SIDSથી મૃત્યુ થાય છે.

શું ભારત માં SIDS જોવા મળે છે ?

હાલ યુ.એસ.એ. ના ડેટા પ્રમાણે દર 2000 બાળકે એક બાળક SIDSથી મૃત્યુ પામે છે.આની સરખામણી એ એશિયન દેશોમાં આ પ્રમાણ ઘણુ ઓછુ છે. ભારતમાં પણ SIDS જોવા મળે છે કદાચ તેનું પ્રમાણ પશ્ચિમના દેશો કરતા ખૂબ ઓછુ કે નહિવત છે. કારણકે આપણે ત્યાં સ્તનપાનનું પ્રમાણ ઘણુ સારુ છે. બાળક્ને ઉંધા સુવડાવવાનું અહિં પ્રચલિત નથી. માતાઓમાં ધુમ્રપાન કે આલ્કોહોલ નું સેવન ઓછુ છે. ગરમ દેશ હોવાથી પ્રમાણ માં ઠંડી સાથે જોડાયેલ અપમૃત્યુ ઓછા બને છે.

SIDS કેવી રીતે અટકાવી શકાય ?

SIDS ઘણા અંશે રોકી શકાય છે કે તેનું પ્રમાણ ઘટાડી શકાય છે.

SIDS વિશે કદાચ પશ્ચિમ ના દેશોમાં જ સૌથી મોટો બદલાવ આવેલો છે. 1992 ની સાલ માં અમેરીકામાં SIDSનું પ્રમાણ દર હજારે 1.2 બાળક જેટલુ હતુ જે 2004 માં 55% ઘટીને 0.54 થયુ છે. આ માટે ઘણા સારા સૂચનો કદાચ જવાબદાર ગણી શકાય.

1. બાળકને હંમેશા ચત્તુ – પીઠભેર સુવડાવો ઉંધુ નહી.

જૂના સમયમાં પશ્ચિમ ના દેશોમાં શિશુને પાચન સારુ થાય અને જો સૂતા- સૂતા ઉલ્ટી થાય તો ફેફસામાં ન જાય તેવા હેતુ થી ઘણા ખરા લોકો પોતાના શિશુને ઉલ્ટા કે પેટભર સૂવડવતા હતા પરંતુ કદાચ આ પરિસ્થિતી શિશુઓ માટે જાણ્યે- અજાણ્યે ઘાતક નીવડતી. 1990 ની સાલ થી અમેરીકન ડોક્ટરો એ આ માટે એક સુંદર અભિયાન ચલાવ્યુ સ્લીપ ટુ બેક એટલે કે ચત્તા સુવડાવો. બસ આ એક મંત્ર ઘણો કારગર નીવડ્યો અને ધીમે ધીમે SIDSનું પ્રમાણ ઘટતુ ચાલ્યુ.

2. શિશુનો પલંગ કે ઘોડીયુ હંમેશા સપાટ અને મજબૂત સપાટી વાળુ હોવુ જોઈએ જે શિશુ સુરક્ષાના માપદંડ ધરાવતુ હોય. વધુ પોચી સપાટી વાળુ ગાદલુ કે બેડ યોગ્ય નથી.



3. શિશુના બેડ પર બિન જરુરી તકિયા કે અન્ય વસ્તુ ઓ ન રાખો એ શિશુ ને ગુંગળાવી શકે છે.

4. શિશુ ને જો બ્લેન્કેટ થી ઢાંકવામાં આવે તો ચહેરો કે નાક બિલ્કુલ ન ઢાંકવા અને બ્લેંકેટ પથારીમાં યોગ્ય રીતે ભરાવી રાખો જેથી સળ પડીને શિશુ ફરતે વિંટળાઈ જ્વાનુ જોખમ ન રહે.

5. સગર્ભાવસ્થાથી જ ધુમ્રપાનથી દૂર રહો અને અન્ય ધુમ્રપાન કરતા હોય તો ત્યાંથી દૂર રહો. શિશુના જન્મ પછી તેના રૂમ માં કે તેની નજીક ધુમ્રપાન ન કરવુ કે કોઈ અન્યને કરવા દેવુ.

6. મા અને શિશુ એક જ રુમ માં સુવે તે જરુરી છે. શક્ય હોય તો પલંગ અલગ રાખવા.

7. પ્રથમ છ માસ ફક્ત સ્તન પાન કરાવો. સ્તન પાન દ્વારા SIDS દર પચાસ ટકા થી વધુ ઘટાડી શકાય છે. પ્રમાણ માં વધુ સ્તનપાન કરાવતા દેશો જેવા કે એશિયન દેશોમાં SIDSનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. સ્તન પાન ન કરાવતા હોય તો રાત્રે સૂતી વખતે પેસીફાયર(ચૂસણી) મોંમાં આપવી.

8. રુમનુ તાપમાન નિયંત્રીત રાખો વધુ ગરમ કે ઠંડુ ન થવા દો.

9. અન્ય પ્રયોગો ન કરો. કે આ માટે બજારુ સાધનો નો પ્રયોગ ન કરો.

SIDS વિશે કેટલીક ગેરમાન્યતા ઓ અને સત્ય હકીકત

1. સામાન્ય રીતે શિશુઓને શરુઆતી ઉંમરમાં જ રસીકરણ શરુ થતુ હોય છે અને માતા પિતા આને લઈને ઘણા ચિંતાતુર હોય છે. આથી ઘણી વાર રસીકરણ ના બે ત્રણ દિવસ માં કદાચ કોઈ SIDS જેવી ઘટના બને તો કાગનું બેસવુ અને તાડનું બેસવુ જેવુ બને અને રસીકરણ ની ઘટનાને કારણ તરીકે જોડી ને જોવામાં આવે. આ એક અવૈજ્ઞાનિક વાત છે. અમેરીકન સંસ્થા સી.ડી.સી.એ આવા અનેક દાવાઓ કે શંકાસ્પદ રજૂ કરાયેલ ઘટનાઓની તપાસ પછી આમાં કોઈજ તથ્ય મળ્યુ નથી. આવા અવૈગ્યાનિક પ્રચાર થી કદાચ ઘણા માતા પિતા જો રસીકરણ ન કરાવે તો ઉલ્ટુ વધુ ખતરનાક એવા ચેપી રોગથી બાળક્ને નુક્શાન થવાનો વધુ સંભવ છે.

2. SIDS માત્ર ગરીબ લોકોના ઘેર બનતુ હોય તેવી એક ખોટી માન્યતા પ્રવર્તે છે. પરિવારની આર્થિક પરિસ્થિતી કદાચ SIDS માટે વધુ જવાબદાર નથી હોતી પરંતુ SIDS અટકાવવા ઉપયોગી પગલાનું યોગ્ય પાલન થાય છે કે નહિ તે અગત્યનું છે. જેમકે શિશુને ચત્તુ સુવડાવવુ એ અત્યંત સરળ ઉપાય છે. જે પરિવારની આર્થિક પરિસ્થિતી સાથે જોડાયેલ નથી.

આપના શિશુને પણ સીડ્સ થી રક્ષણ આપો. ઉપાય ખૂબ આસાન છે.


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)