સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Wednesday, July 22, 2009

માર્થા મેસન - જેણે પોલીયોને પરાસ્ત કર્યો...!


લેટીમોર કે જે નોર્થ કેરોલીનામાં આવેલ માત્ર ચારસો લોકોની વસ્તી ધરાવતુ નાનાકડુ ગામ છે ત્યાં રાતના તારા ચમકી રહ્યા હતા પણ ચંદ્રના શાંત પ્રકાશમાં પણ અગિયાર વર્ષની એક બાળકી માર્થા કણસી રહી હતી. પોતાના બેડ પર સુતેલી માર્થાનુ સમગ્ર શરીર તૂટી રહયુ હતુ !. તાવ અને આ પીડાના અસહ્ય વેદનાના આંસુ તે મનોમન પી રહી હતી. માર્થાને ખૂબ પ્રેમ કરતા તેના માતા પિતા બાજુના ઓરડામાં જ સૂતા હતા અને કદાચ તેમને બોલાવવા એક નાનો હલકારો જ કાફી હતો પરંતુ એ દિકરી પોતાની પીડા પોતાના હ્ર્દયમાં જ સંઘરી રાખી માતા પિતાને રાત્રે ઉઠાડવા માગતી ન હતી કારણકે આગલી ઘણી રાત્રિથી જાગેલા માતાપિતા આજે જ તેના 13 વર્ષીય ભાઈની દફનવિધી કરી ઘણા દિવસો પછી પહેલી વાર આરામ કરી રહ્યા હતા.! એમનો વ્હાલસોયો પુત્ર પોલિયોના રોગમાં મૃત્યુ પામેલ હતો.!
પણ પોલિયોનો યમ આ ઘર ભાળી ચૂક્યો હતો અને બીજે દિવસે માર્થા પણ આ જ બિમારી નો ભોગ બની ચૂકી છે તે નિદાન જ્યારે ડોકટરે જાહેર કર્યુ ત્યારે આ દંપતિ માથે આભ તૂટી પડ્યુ. એક હોસ્પીટલથી બીજે તેમ ફરતા ફરતા માર્થાની સારવાર સંબધી અનેક કોશિશો તેમણે કરી પરંતુ આ રોગનો કોઈ ઈલાજ ન હતો. અંતે આ રોગને લીધે માર્થા ને પણ ડોકથી નીચેનો શરીરનો દરેક ભાગ લકવાગ્રસ્ત બની ગયો. હવે તે માત્ર ચહેરાના સ્નાયુ ચલાવી શકતીૢ બોલી અને જોઈ શકતી! તેની શ્વાસ લેવાની ક્ષમતા પણ હવે ન રહી હતી! ડોકટરો એ તેને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ માટેના એ જમાનાના લોખંડી ઉપકરણ પર મૂકી કે જે લૂહારની ધમણ માફક વ્હૂશ વ્હૂશ કરતુ ચાલતુ અને તેમાં બનતા નેગેટીવ પ્રેશરથી અંદરના દર્દીના શ્વાસોચ્છ્વાસ ચાલતા.!! આ મશીન(જૂઓ-ફોટો અને વિડીયો) એ જમાનાની મોટી શોધ ગણાતુ અને પોલિયોના અનેક દર્દીઓને તેના પર મૂકાતા પરંતુ મોટા ભાગના આવા દર્દીઓ થોડા સમયથી વધુ ઝીંક ઝીલી શકતા નહિ !!
આથી ડોકટરો એ પણ માર્થાને મશીન (કે જે આયર્ન લંગ તરીકે ઓળખાતુ) સાથે ઘેર લઈ જવાની સલાહ માતાપિતાને આપી. અને જતા પહેલા માર્થા કદાચ વધીને એકાદ વર્ષ કાઢશે તેવી ભીતિ વ્યકત કરી!
પરંતુ પોતાના વ્હાલસોયા પુત્રને ખોઈ ચૂકેલુ એ દંપતિ પોતાની પુત્રીને કોઈપણ ભોગે અને કોઈપણ હાલતમાં જીવિત જોવા માગતુ હતુ આથી પાછુ લેટીમોર આવ્યુ અને સાથે શરુ થઈ એક મહા ગાથા માર્થાની...!
માર્થા હવે લેટીમોરમાં પાછી આવી. ધીમે-ધીમે તેણે પોતાનો છોડેલો અભ્યાસ ચાલુ કર્યો અને લોખંડની પેટીમાં મશીની શ્વાસ સાથે વાંચન કાર્યથી ખૂબ ધૈર્યતા પૂર્વક ભણવાનો નિર્ધાર જાગૃત કર્યો. શિક્ષકોએ પણ આ સ્પેશ્યલ વિદ્યાર્થીને ઘેર જઈને ખાસ શિક્ષણ આપ્યુ!! અને રંગ લાવી આ મહેનત - તેણે પોતાનો શાળાકીય અભ્યાસ અવ્વલ નંબરે પાસ કર્યો. તેની વિદ્યા પ્રત્યેની લગન અને અભ્યાસ કરવાની મહેચ્છાને જોઈને મેસન દંપતિએ માર્થાને હવે કોલેજ મોકલવાનો નિર્ણય કર્યો.! નાનાકડા લેટીમોરમાં તો કોલેજ કરવી શક્ય ન હતી આથી મેસન દંપતિ તેમની લાડકી માર્થાને એક બેકરીના ટ્રકમાં તેના લોખંડી મશીન સાથે વિન્સટન સાલેમ લઈ ગયા જ્યાંની વિખ્યાત વેક ફોરેસ્ટ કોલેજમાં માર્થાને એડમીશન અપાવ્યુ. આવડા મોટા – લગભગ સાત ફૂટના એ લોખંડી મશીન સાથે રોજ કોલેજના ક્લાસરૂમમાં આવવુ શક્ય ન હતુ. પણ કોલેજ સત્તાવાળાની ખાસ મદદથી મેસન દંપતિને કોલેજ કેમ્પસમાં જ એક મકાન અપાયુ કે જેમાં ઈન્ટરકોમ સ્પીકરની મદદથી માર્થા ક્લાસમાં ભણાવાતા લેકચરને અક્ષરસ: સાંભળી શકે !! આ સાથે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ ઈ.સ્ 1960માં માર્થાએ વેક ફોરેસ્ટ કોલેજમાંથી બેચલર ડિગ્રી હાંસલ કરી અને તે પણ ફર્સ્ટ કલાસ – ફર્સ્ટ !!
માર્થા ને લઈ મેસન દંપતિ પાછુ લેટીમોર ફર્યુ, માર્થાએ એક લોકલ દૈનિક પત્ર માટે લેખન કરવાનુ કાર્ય ચાલુ કર્યુ. આ માટે તે પોતાના વિચારો બોલીને માતાને સંભળાવતી અને માતા તે કાગળ પર ટપકાવી ને લેખ રચતી. આમ ડીકટેશન આધારીત એક લેખન કાર્ય શરુ તો થયુ પણ ત્યાં જ માર્થાના પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો અને તે પણ પથારીવશ બન્યા. હવે માતાને બે પથારીવશ સ્વજનોની સંભાળ લેવાની હતી અને એ પરિસ્થિતીમાં માર્થાનુ લેખન કાર્ય શક્ય ન હતુ. પણ માર્થાએ હાર ન માની તેણે સારા પુસ્તકોનુ વાંચન ચાલુ રાખ્યુ અને પોતાના મનમાં અનેક નવા લેખોને સંઘરી લીધા.!
ભલુ થજો લેટીમોર ગામનુ કે જેણે માર્થાને માત્ર મેસન દંપતિની પુત્રી ન રહેવા દેતા, ગામની પુત્રી ગણી લીધી! સહુ કોઈ ગામ લોકો માર્થા અને મેસન પરિવારને મળવા રોજીંદા ધોરણે આવતુ અને આ પરિવારને મદદરુપ થતુ અને તેમનુ દુઃખ હળવુ કરતુ. વિદ્યાર્થીઓ શાળામાં શીખવાડેલી નવી વાતો કે મેળવેલા ઈનામો માર્થાને બતાવતા તો નવા પરણિત દંપતિ પણ માર્થાને મળવા અને આશીર્વાદ લેવા પહોંચી જતા. આનંદી સ્વભાવની માર્થાના ઘરે હંમેશા મેળાવડો જામેલો રહેતો. ભેટ-સોગાદો અને પત્રોનો પણ પાર ન હતો. જાણે કે એ વિસ્તારના લોકોને માટે આ પરિવાર તેમનું જ અંગ હતુ. ગામના જીવનમાં માર્થા એટલી લોકપ્રિય હતી કે લોખંડી મશીન કે જેના પર માર્થાનો શ્વાસ ટકી રહ્યો હતો તે વિજળીની મદદથી ચાલતુ હતુ આથી ગામમાં જો વિજ-પૂરવઠો ખોરવાય તો ફાયર ડીપાર્ટમેંટના લોકો દોડીને પહેલા મેસન દંપતિના ઘરનુ જનરેટર સંભાળતા!!



પણ વિધિની વક્રતાએ ત્યાં ફરી દેખા દીધી. પ્રેમાળ પિતાનુ ઈ.સ.1977માં અવસાન થયુ. થોડા વર્ષો બાદ માતાને પણ પક્ષઘાતનો હુમલો થયો અને તે પોતાની સુધબુધ ખોઈ બેઠા. માનસિક રીતે અસ્થિર બનેલી માતા હવે હોશ ગુમાવી બેઠી હતી અને મન પડે તે રીતે ગુસ્સો કરતી અશબ્દો બોલતી અને માર્થાને પણ કોઈ વખત મારી બેસતી. પણ માર્થા નુ મનોબળ ખરેખર લોખંડી હતુ તેણે હવે પોતાના ઘરની જવાબદારી પોતાના શિરે લઈ લીધી. બે સહાયકો રાખીને તેમણે પોતાની અને બિમાર માતાની તમામ જવાબદારી નિભાવવાની શરુ કરી. લોકોની સલાહ થી વિરુધ્ધ માર્થાએ માનસિક રીતે અસ્થિર અને ચિત્તભ્રમીત માતાને પણ પોતાના જ ઘરમાં રાખી સારવાર ચાલુ કરાવી અને પોતાનુ ઋણ અદા કર્યુ.
માર્થાની જીંદગીમાં સોનેરી આશાનુ કિરણ બની ને આવી કોમ્પ્યુટર ક્રાંતિ! હવે વોઈસ એકટીવેટેડ કોમ્પ્યુટર સોફ્ટવેરથી માર્થા પોતાના વિચારો ને શબ્દોમાં અને લેખમાં પરિવર્તીત કરી શકતી હતી. ઈ-મેઈલ અને ઈન્ટરનેટની દુનિયાથી તે વિશ્વમાનવી બની ચૂકી હતી. હવે તેણે ચાલુ કરી પોતાનુ પ્રથમ પુસ્તકની રચના કે જેના માટે છ વર્ષ ખર્ચાયા પરંતુ એ સુંદરતમ પુસ્તક આખરે પ્રકાશીત થયુ . એ પુસ્તક હતુ- Breath: Life in the Rhythm of an Iron Lung,” 2003 માં આ પુસ્તક પ્રકાશીત થયુ અને એ આધારીત છે માર્થાની જીવન સંઘર્ષગાથા પર. આ પુસ્તકને કદાચ કોઈ મહાન પુરસ્કાર નથી મળ્યો પણ એ જગતને હંમેશા યાદ અપાવશે માર્થાના મહાન સંઘર્ષની...
71 વર્ષની વયે માર્થાએ ઉંઘમાં જ અંતિમ શ્વાસ લીધા ત્યારે એ લોખંડી મશીનનું કાર્ય આખરે 60 વર્ષે થંભ્યુ. આવા સમયે સૌને માર્થાનુ એ વિધાન યાદ આવ્યુ કે માર્થાને જ્યારે પૂછાયુ કે જે છોકરીને ડોક્ટરોએ કહેલુ કે તે એકાદ વર્ષ માંડ કાઢશે ત્યારે તેણે કેવી રીતે આટલુ લાંબુ જીવન મેળવ્યુ ? ત્યારે માર્થાનો જવાબ હતો કે “દરેક વર્ષે મને થતુ કે હજુતો મારે ઘણુ ભણવાનુ ને શીખવાનુ બાકિ છે....!”
ખાસનોંધ-
- આ લેખ માર્થા મેસન પર ઉપલબ્ધ વિવિધ લેખો, અખબારીનોંધો, ડોક્યુમેંટરી ફિલ્મ અને શ્રધ્ધાંજલિઓમાં લખાયેલ વાતો પરથી સંપાદિત કરેલ છે.
-પ્રસ્તુત તસ્વીર માર્થા મેસનની તેમના પર ડોક્યુમેન્ટરી બનાવનાર મેરી ડાલ્ટન સાથેની છે- સૌજન્ય- New York Times .
-પ્રસ્તુત ‘ યુ ટ્યુબ વિડીયો – “ ફાઈનલ ઈંચ “ કે જે પોલિયો પર આધારીત વિષયવસ્તુ લઈ બનેલી છે અને ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ છે તેમાંથી લેવાયેલ છે.
-આ તમામ સર્જકોનો હું આભારી છુ.
એક અપીલ
-આ લેખ દ્વારા પોલિયો રોગ સામે લડત આપનાર તમામ દર્દીઓને હું અંજલિ આપુ છુ. અને દરેક ભારતવાસીને અપીલ કરુ છુ કે આપણા દેશને પોલિયો મુકત કરવા ના તમામ પ્રયાસો માં મુકત મને જોડાઓ. એક પણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે ખાસ ધ્યાન આપશો.

3 comments:

  1. અદભુત જીવન, અદભુત સમાજ. ડોક્ટર આવી જીંદગીઓને પ્રકાશમાં લાવવા બદલ ખુબ ખુબ આભાર.
    મુળ લેખ -
    http://www.nytimes.com/2009/05/10/us/10mason.html

    ReplyDelete
  2. Dear Dr maulik,
    after a break of 1st visit to your blog today due to heavy rain holiday i get time to read all article- so nice work and presentation!! martha- a great inspiration, for people suffering from polio also for us to effort more to eadicate sucha dreadly disease.
    CHANDRAKANT

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...