સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Monday, May 10, 2010

દાંતની સંભાળ - બ્રશ કેમ કરશો....




દાંત એ મનુષ્યને કુદરતે આપેલી બત્રીસ દિકરાની ભેટ કે વરદાન છે. આમ દાંત એ દીકરા છે તે કોઈ મજૂર નથી અને દીકરાનું જતન યોગ્ય રીતે થાય તે જરુરી છે . આમ દાંતની માવજત યોગ્ય રીતે અને દરરોજ થવી જરુરી છે કારણકે શરીરની તંદુરસ્તીની શરુઆત દાંતની તંદુરસ્તીથી થાય છે.


દાંતની જાળવણી માં સૌથી વધુ મહત્વ સફાઈ છે. આ માટે જરુરી છે સાચી વૈજ્ઞાનિક રીતે બ્રશ કરવુ. મોટા ભાગના લોકો જાણે જંગે જવાનું હોય તેમ દુશ્મનોનો કચ્ચરઘાણ વાળતા હોય તેવી રીતે ફટા ફટ બ્રશ કરે છે. આવો જાણીએ દાંતને બ્રશ કરવાની આદર્શ પધ્ધતિ (brushing technique)

બ્રશ કરવાની આદર્શ પધ્ધતિ

1.       દાંતની ઓછામાં ઓછી બે વાર સફાઈ જરુરી છે. સવાર કરતા પણ રાત્રે દાંત બ્રશ કરવા અત્યંત જરુરી છે. રાત્રિ ના અન્નકણો દાંતમાં જો ભરાઈ રહે તો આખી રાત ના સમય દરમ્યાન બેક્ટેરીયાને મોક્ળુ મેદાન મળે અને આ અન્નકણૉ માંથી પેદા થયેલા એસિડથી દાંતની અંદર સડો પેદા થાય અને જો પહેલાથી હોય તો વધુ વકરે છે.
2.      
    દાંતની સફાઈ માટે સૌથી મહત્વનુ બ્રશની પસંદગી છે. બ્રશ નરમ વાળ વાળુ હોવુ જોઈએ અને આ વાળ સીધા હોવા જોઈએ વળેલા નહી. ઘણી વાર બ્રશ વધુ વપરાય તો વાળ કડક અને વાંકા વળી જતા હોય છે આથી દર ત્રણ માસ પર બ્રશ બદલવુ જરુરી છે. કડક વાળ દાંત અને પેઢાને નુક્શાન પહોંચાડે છે જ્યારે વળી ગયેલા વાળ વાળુ બ્રશ યોગ્ય સફાઈ નથી કરી શક્તુ.

3.       બ્રશ કરતી વખતે મોં હંમેશા ખુલ્લુ રાખો. ઉપરના જડબાના અને નીચેના જડબાના દાંત અલગ અલગ સાફ 
    કરવા. દાંત ભેગા કરીને એકસાથે બ્રશ ફેરવી દેવુ તેમ નહિ...



4.       બ્રશને દાંતની ઉપર 45 ડીગ્રી ના ખૂણે ગોઠવો અને પછી ઉપરના દંત માટે ઉપરથી નીચે તરફ અને નીચેના દાંત માટે નીચે થી ઉપર તરફ બ્રશ ફેરવો. બ્રશને નાજુકાઈ થી હળવે હાથે ફેરવવુ. દાંત એ કોઈ મેલુ કપડુ નથી કે તેને ઘસી ઘસીને ઉજળુ કરવાનુ હોય આથી વધુ પડતુ જોર લગાવી ઘસવુ જરુરી નથી. યાદ રાખો કે બ્રશ દ્વારા માત્ર ફસાયેલા અન્નકણૉ જ દૂર કરવાના છે. જો આપના દાંતનો કુદરતી કલર જ પીળો હશે તો ઘસવાથી સફેદ નહિ થાય અને ઉલ્ટાનુ ઈનેમલ ઘસાઈ જવાથી દાંતને નુકશાન થશે.

5.       દાંતને બ્રશ કરવા માટે ત્રણ મિનિટ જેટલો સમય પર્યાપ્ત છે. આથી વધુ સમય જરુરી નથી.

6.       બ્રશ કરતી વખતે દાંતની અંદર અને બાહરની સપાટી અને બે દાંત વચ્ચેની જગ્યા અને ખૂણા ખાંચા સાફ કરવા એટલાજ મહત્વના છે. દાંત પંકતિ પર નીચેથી ઉપર અને ઉપરથી નીચેની દિશામાં ચાલવુ જોઈએ. જમણેથી ડાબે કે ડાબેથી જમણે નહિ.

7.       બે દાંત વચ્ચેની જગ્યા સાફ રાખવા માટે ટૂથપીક કે સોય વિ. નો ઉપયોગ કદાપિ કરશો નહિ. જો સાદા બ્રશથી આ શક્ય ન હોય તો તે માટે ડેંટલ ફ્લોશ કે ઈંટરડેંટલ બ્રશ વાપરવુ.

8.       જમ્યા પછી કે  ગળ્યુ ખાધા બાદ કોગળા કરવા જરુરી છે.

9.       નાના બાળકોમાં પ્રથમ વર્ષ બાદ દાંત ની સફાઈ ખૂબ મહત્વની બની જાય છે કારણ કે લગભગ ચાર કે છ દાંત આવી ચૂક્યા હોય છે. શરુઆતી દિવસો માં આ માટે માતા માત્ર આંગળી થી મસાજ કરી આપે કે ભીના રુમાલ વડે સાફ  કરે. અને ત્યાર બાદ બેબી બ્રશ થી દાંતની સફાઈ કરવાનું ચાલુ કરી શકાય. બાળકને આ માટે માનસિક રીતે તૈયાર કરવા માટે પ્રથમ ઢિંગલી પર બ્રશ કરવાનું કહિ શકાય કે માતાના દાંત સાફ કરવાની રમત રમાડી શકાય ત્યાર બાદ એ રમતમાં બાળકના દાંત ની સફાઈનો વારો આવે તેવુ કંઈ કરી શકાય. થોડા મોટા બાળકોને ટીથ કાઉંટીંગ દ્વારા સમજાવી બ્રશ કરાવી શકાય છે.

કેટલાક સામાન્ય પ્રશ્નો

1.       કઈ ટૂથ પેસ્ટ દાંત માટે સૌથી સારી...??

જવાબ – દાંતને વયવ્સ્થિત સાફ કરવા બ્રશ ની ગુણવતા અને બ્રશ કરવાની પધ્ધતિ વધુ અગત્યની છે નહિકે ટૂથ પેસ્ટ..! બ્રશ સરળતાથી થાય તેમાટે ટૂથ પેસ્ટ ઉપયોગી છે પરંતુ તે કઈ બ્રાન્ડની છે તે મહત્વનુ નથી. ટૂથ પેસ્ટમાં રહેલ એંટીસેપ્ટીક માઉથ વોશ દ્વારા થોડા સમય માટે મોંમાં તાજગી વરતાય છે પરંતુ ફલાણી ટૂથ પેસ્ટ વાપરવાથી તમારા દાંત 24 કલાક સુરક્ષિત રહેશે ભલે પછી તમે ચોકલેટ ખાઓ- કેન્ડી ખાઓ કે ચીકણી મિઠાઈ ખાઓ તો એ હળાહળ જૂઠો પ્રચાર માત્ર છે અને વૈજ્ઞાનિક સત્ય નથી. દાંતને સુરક્ષિત રાખવા જમ્યા પછી બ્રશ કરવુ જરુરી છે અને જો બ્રશ કર્યા પછી ચોકલેટ- કેન્ડી કે ચીકણી મિઠાઈ ખાશો તો દાંતની સુરક્ષાની કોઈ જ ગેરંટી નથી.

2.       શું ફ્લોરાઈડ ટૂથપેસ્ટ વાપરવી વધુ બહેતર છે??

જવાબ – ફ્લોરાઈડ દાંતના ઈનેમલ ને મજબૂત કરતુ એક રાસાયણિક તત્વ છે. બાળકોને (ખાસ કરીને 6 વર્ષથી નાની ઉંમરમાં) ફ્લોરાઈડ નિયત પ્રમાણમાં આપવાથી દાંતોના ઈનેમલ ને રક્ષણ મળે છે. ફ્લોરાઈડ પાણી અને ટૂથ પેસ્ટ દ્વારા આપી શકાય છે. પરંતુ જો નિયત પ્રમાણથી વધુ પ્રમાણમાં ફ્લોરાઈડ શરીરમાં દાખલ થાય તો ફ્લોરોસીસ નામક રોગ થઈ શકે. ભારતના ઘણા ભાગોમાં પીવાના પાણીમાંજ ફ્લોરાઈડ વધુ જોવા મળે છે આથી ટૂથ પેસ્ટ માં ફ્લોરાઈડ આપવુ જરુરી નથી. પરંતુ જો આપના વિસ્તારમાં પાણી માં ફ્લોરાઈડ નું પ્રમાણ ઓછુ હોય અને જો દાંતમાં સડો થવાની વધુ સંભાવના ડોક્ટરને જણાય તો ફ્લોરાઈડ ટૂથપેસ્ટ એક ઉપયોગી વિકલ્પ છે. 
   
3.       દાંતણ સારુ કે બ્રશ ??

જવાબ- દાંતણ શહેરી લાઈફ માં હવે કદાચ આઉટડેટેડ વસ્તુ છે અને વિદેશોમાં રહેતા બાળકોને એ જોવા ભારત આવવુ પડશે. તેના ફાયદા અને ઉણપ નીચે મુજબ છે.

ફાયદા -
1. દાંતણ ચાવવાથી દા6તને પકડી રાખતી પેશીઓને કસરત મળે છે જે બ્રશ થી મળતી નથી.
2. દાંતણ સામાન્ય રીતે લીમડા- કરંજ કે દેશી બાવળ ના હોય છે આ વનસ્પતિનો ઔષધીય ગુણ છે કે તેને ચાવવાથી તેમાંનું ક્લોરોફીલ છૂટૂ પડે છે જેમાં જીવાણુ વિરોધી ગુણધર્મ છે આથી મોં માં સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ઘટે છે.

ઉણપ -

1. દાતણ બે દાંતની વચ્ચેની જગ્યામાં સફાઈ નથી કરી શક્તુ જે બ્રશ વડે શક્ય છે.
2. નાના બાળકો દાતણ નો પ્રયોગ કરી શક્તા નથી.  
2. શહેરોમાં દાતણ સહેલાઈથી પ્રાપ્ય નથી.

મૂળ લેખન - ડો. ભરત કટારમલ

પૂરક માહિતી અને નાવીન્ય સભર રજૂઆત- ડો.મૌલિક શાહ

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)





4 comments:

  1. Such a Great, Simple to understand and Very Very Useful Article

    Thanks

    Make some article related how to wash your hand properly (like you people are doing) not every one is doing the same they just put shop on hand and wash with flow of water and their job is over which is completely wrong method and specially for kids.

    Thanks

    ReplyDelete
  2. niceone i got lot of infermation thanks
    Allen Patel

    ReplyDelete
  3. માહીતી સારી અને દરેકને'ઉપયોગી નીવડે તેવીછે. આભાર..

    ReplyDelete
  4. Its really a nice and useful article.

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...