સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Thursday, July 8, 2010

માતૃ ઈચ્છા એ જયારે ઈશ્વરને મનાવ્યો ...


ગુજરાત ના એક જાણીતા શહેરના એક નામાંકિત સ્ત્રી રોગ વિશેષજ્ઞ સ્મિતાબેન આજે ખૂબ ખૂશ હતા.  સ્ત્રી રોગ વિશેષજ્ઞ તરીકે અનેક સ્ત્રીઓને માતૃત્વની કેડીએ એક રાહબર તરીકે સાથ આપ્યા બાદ આજે ઈશ્વરકૃપાથી તેમને ત્યાં પણ એક ફૂલ ખીલવાના એંધાણ એમના પોતાના પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ જણાઈ રહ્યા હતા. યસ કોંગ્રેચ્યુલેશન્સ ! યુ આર પ્રેગ્નન્ટ! એવુ અનેક લોકોને કહેનાર ડોક્ટરને આ વિધાન હવે પોતાની જાતને જ કહેવાનુ થયુ ત્યારે તે વિધાન સાથે પોતે અનેક લોકોને કેટલી ખુશી આપી હશે તેનો પહેલી વાર અનુભવ હવે તેમને થઈ રહ્યો હતો. એમણે જ્યારે પોતાના ડોક્ટર પતિને આ વિષયે જાણ કરી ત્યારે તેમને પણ જીવનની સૌથી ખુશનુમા ઘડી આજે એમના ઘેર અટકી ગઈ હોય તેવુ લાગ્યુ.

એક પછી એક પાંચ મહિના પસાર થયા અને અચાનક પરિવારમાં એક સ્વજન નું અકાળે મૃત્યુ થયુ. આ સ્વજનના પરિવારમાં નાના બાળકો અને તેમની પત્ની સિવાય અન્ય કોઈ ન હોઈ બધી જવાબદારી સ્મિતાબેન અને તેમના પતિને અદા કરવી પડી. બધી વિધી અને અન્ય ફરજો અદા કરવામાં એમણે પાછુ વળીને ન જોયુ અને એમાં એકાદ મહિનો પસાર થયો. આ દુઃખદ સમયે સ્મિતાબેન ને પોતાના દર્દીઓ અને ઘર તથા સ્વજનની તમામ ફરજો આડે પોતાની કોઈ સંભાળ લેવાનું પણ કદાચ ભૂલાઈ ગયુ.

છઠઠા માસની શરુઆતે સ્મિતા બેન ગર્ભસ્થ શિશુની સોનોગ્રાફી અને એ જમાના માં નવાજ આવેલા થ્રીડી/ ફોર-ડી સોનોગ્રાફી મશીન કે જેમાં શિશુનો પ્રથમ ચહેરો જોઈ શકાય તે માટે અમદાવાદની એક પ્રખ્યાત હોસ્પીટલમાં ડો.મ્હેતા સાહેબ પાસે ગયા. આ એક નોર્મલ રુટીન પ્રક્રિયા છે કે જે દ્વારા શિશુની આંતરીક રચના અને અવયવો તથા નાળમાં લોહીનો પ્રવાહ વિ. જાણી શકાય છે. આ મશીન ના જાદુગર અને આ પ્રકારની સોનોગ્રાફીમાં મ્હેતા સાહેબ ની માસ્ટરી... ! મ્હેતા સાહેબ જે સોનોગ્રાફી થી કહે તે લગભગ દરેક કિસ્સામાં બ્ર્હ્મ વાક્ય બની જતુ હતુ. ઘણા ખરા કિસ્સામાં એમણે શિશુ વિશે કહેલી વાત લોકો માની શકતા નહી પણ આખરે શિશુના જન્મ પછી સત્ય સાબીત થઈ જતી. સ્મિતાબેન પણ સ્ત્રી રોગ વિષયક તેમના વિવિધ રીસર્ચ પેપરો ને લીધે ગુજરાત ભરમાં ધીમે ધીમે જાણીતા થઈ રહ્યા હતા અને એટલેજ કદાચ મ્હેતા સાહેબ પણ પોતાના થી ઘણા જુનિયર એવા આ ડોક્ટરને જાણતા હતા. પણ આજે મ્હેતા સાહેબ સ્મિતાબેનની સોનોગ્રાફી તપાસ કરી રહ્યા હતા. એ.સી. ચેમ્બરમાં એક શાંત માહોલ હતો. સોનોગ્રાફી મશીનના સ્ક્રીન પર આવતી વિવિધ છબીઓથી મ્હેતા સાહેબ શિશુ વિશે અનેક માહિતી એકત્ર કરી રહ્યા હતા અને એમાં શિશુ વિષયક કોઈ જ આંતરીક ખામી જણાતી ન હતી. પણ અચાનક જ સાહેબ નો હાથ અટકી ગયો. ગર્ભાશયમાં શિશુ ફરતે આવેલુ ગર્ભજળ ખૂબ ઘટી ગયુ હતુ. મશીનમાં દેખાતો આંકડો અત્યંત ભયજનક અવસ્થા સૂચવતો હતો. જો આજ પરિસ્થિતી રહે તો થોડા જ સમયમાં શિશુની પ્રિમેચ્યોર ડીલીવરી કરાવી પડે કે ગર્ભાશયમાં મૃત્યુ સંભવ હતુ. ... ! અત્યંત લાગણીસભર એવા મ્હેતા સાહેબને હવે એસી ચેમ્બરમાં પણ બેચેની અનુભવાતી હતી કારણકે આવા સમાચાર કેવી રીતે સ્મિતાબેન ને કહેવા... ?

વળી આ એક રુટીન ચેક માની ને સ્મિતા બેન એકલાજ તપાસ માટે ગયેલા હતા એટલે મ્હેતા સાહેબ માટે હવે કોઈ બીજો રસ્તો ન હતો... ! અંતે આ વજ્રઘાતનુમા સમાચાર સાહેબે કહેવા જ પડ્યા...કદાચ એક મા માટે આ સમાચાર પચાવવા ઘણા અઘરા હતા પણ સ્મિતાબેનને તેમની ડોક્ટરી સ્વસ્થતા અને મજબૂત માનસિકતાએ આ સમાચાર સ્વીકરવામાં મદદ કરી અને જેમ તેમ કરી એ ઘેર પાછા ફર્યા.

હવે મન પર એક જ પ્રશ્ન ઉદભવતો કે આવું શા માટે થયુ કારણ કે પાણી ઘટવા માટે જવાબદાર મોટા ભાગના કોઈ જ કારણ એમના શરીરમાં ન હતા. કદાચ એ પેલા એક માસની ચિંતા અને તણાવ થી બન્યુ હશે કે કેમ એ પણ સ્પષ્ટ ન હતુ. હવે ધીરે ધીરે એક મા માનસિક રીતે વધુ સુદ્રઢ બનતી જતી હતી પણ ડોક્ટર હ્ર્દય હવે મૂંઝાઈ રહ્યુ હતુ. બસ એક માએ નક્કી કરી લીધુ કે મારા બાળક્ને કંઈ જ નહિ થવા દઉ અને પછી દિવસ રાત જાગી લાઈબ્રેરી ફેંદી નાખી દરેક મેડીકલ પુસ્તકો કે જેમા આ પ્રકારની પાણી ઘટવાની સમસ્યા પર જે કાંઈ પણ સાહિત્ય લખાયેલુ મળ્યુ એની લીટી એ લીટી વાંચી નાખી આખરે એક પુસ્તકમાં ગર્ભાશયના પાણી પર ગર્ભવતી સ્ત્રીની પાણી પીવાની આદતો પરની અસર પર થોડુ લખાયેલુ જોવા મળ્યુ. બસ સ્મિતાબેને ડૂબતો માણસ તરણુ ઝાલે તેમ ખૂબ બધુ પાણી પીવાનું શરુ કર્યુ...! ઘણા બધા સેલાઈનની અને અન્ય બોટલો ઈંજેક્શન દ્વારા લીધી. જે કદાચ એ વખતે એટલી પ્રચલિત ન હતી અને લોકોને ખૂબ નવાઈ લાગતી. પણ કદાચ પ્રેમેચ્યોર ડીલીવરી અને શિશુ ના મૃત્યુના જોખમ સામે એક માતાને આ હાંસીપાત્ર ઠરવુ કે લોકોની ટીકા સહન કરવી મંજૂર હતી....! ખૂબ બધુ પાણી પીવાથી હાથે-પગે સોજા આવી જતા પણ આ બધુ એમને મંજૂર હતુ... અને ચમત્કાર થયો હોય તેમ આશરે પંદર દિવસ બાદની સોનોગ્રાફીમાં પાણીનું સ્તર થોડુ વધ્યુ. બસ સ્મિતાબેને આ સીરસ્તો ચાલુ રાખ્યો અને બીજા પંદર દિવસે ધીરે-ધીરે ફરી પાણી નું સ્તર વધ્યુ અને ધીમે-ધીમે બે માસે નોર્મલ થઈ ગયુ....!

આજના સમયે આ પધ્ધતિ ને મેડીકલ વિજ્ઞાન હાયડ્રેશન થેરાપી કહે છે. પરંતુ એ વખતે લગભગ 10-12 વર્ષ પહેલા આ વિષય માં ભાગ્યેજ કોઈ આ વિષયમાં વધુ જ્ઞાન પ્રચલિત હતુ. મને લાગે છે કે આ એક ડોક્ટર થી વધુ એક માની જીત હતી કે જેણે પોતાના સંતાનને બચાવવાનો નિર્ધાર કરી લીધો હતો અને ઈશ્વરે પણ તેમા સાથ આપ્યો કદાચ એમના હજારો ગરીબ દર્દીઓના સંતોષ ની દુઆઓ એ પણ ઈશ્વરેને આ કૃપા માટે પ્રાર્થના કરી હોય... ! અને સ્મિતા બેને તેમની પ્રસુતિ પહેલા સુધી (પોતાના લેબર પહેલા ત્રણ કલાક) સ્વસ્થ મન અને તન સાથે પોતાના દર્દીઓને પોતાની સેવા ચાલુ રાખી એ પણ એટલે સુધી કે જે દિવસે રાત્રે તેમાના ઘેર સુંદર સ્વસ્થ લક્ષ્મીજી પધાર્યા તે દિવસે સવારેજ હજુ એમણે અન્ય એક દર્દીનુ સિઝેરીયન સેક્શન નું ઓપરેશન કર્યુ એ પણ એક પૈસાના સ્વાર્થ વગર .... !

(સત્ય ઘટના પર આધારીત... પાત્રોના નામ અને સ્થળ બદલેલા છે.)




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

- ડો.મૌલિક શાહ

એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ

એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

8 comments:

  1. મા એ મા જ છે પોતાના સંતાન માટે પોતાના પ્રાણને ભોગે પણ સંતાનનું રક્ષણ કરે તેનું નામ મા ! હમણાં જ એક કિસ્સો વાચવા મળેલો જેમાં દીકરાએ માના માથામાં કુહાડીમારી માથું ફોડી નાખેલુ અને તેણીના સગા/પાડોશીઓ હોસ્પિટ્લ લઈ જતા હતા ત્યારે કોઈકે દીકરા વિષે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા કે તુરત જ પેલી સ્ત્રીએ કહ્યું કે મારા દીકરા વિષે ખરાબ શબ્દો નહિ કહો જેવો છે તેવો તે મારો દીકરો છે ! ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી નહિ શકતા હોય કોઈએ સાચું જ કહ્યું છે કે આથી ઈશ્વરે માનું સર્જન કર્યું !

    ReplyDelete
  2. really inspirational.
    Thanks Maulik for sharing such great and positive real life stories. Ashok

    ReplyDelete
  3. loved the share!
    really a mother can do anything for her kid!
    keep on sharing such touchy incidents!

    ReplyDelete
  4. મૌલિકભાઈ,

    આપણી દરેક પોસ્ટ ખૂબજ સુંદર અને માહીતીપ્રદ છે. જે સમાજને માટે ખૂબજ ઉપયોગી માહિતી પ્રદાન કરે છે.

    આપને તેમજ આપના પરિવારને નૂતન વર્ષના અભિનંદન !

    અશોકકુમાર - 'દાસ'
    http://das.desais.net

    ReplyDelete
  5. Read the Post !
    Nice touching story !
    And....know it is based on a "true story" makes it more interesting !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar.

    ReplyDelete
  6. DR VISHAL DEDANIA (padra)December 1, 2010 at 11:58 PM

    excellent sir
    please keep it up. i am fan of your blog

    dr vishal dedania
    badoda; padra

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...