સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Friday, April 30, 2010

દુધિયા દાંત(Primery Teeth) વિશે સામાન્ય સમજણ


વ્હાલા બાળમિત્રો અને વાલીઓ

શરીર ની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરુરી છે. મોં એ શરીરનું પ્રવેશ દ્વાર છે. જો મોમાં જ રોગ નું ઘર હોય તો આખુ શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે. ગંદા દાંત એ અસ્વચ્છતા અને બેદરકારીની નિશાની છે. દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરાવવી એ કરતા એ પહેલાજ યોગ્ય માવજત કરી ને દાંતનુ રક્ષણ કરવુ એ જ સમજદારી છે. દાંતનુ આરોગ્ય એ શરીરના આરોગ્યનું પ્રથમ સોપાન છે.
 સામાન્ય રીતે પુખ્તવયના મનુષ્યના મોં માં 32 દાંત હોય છે જ્યારે બાળકોમાં આ દાંત જેને દુધિયા દાંત પણ કહે છે તે કુલ 20 હોય છે. મોંમાં દાંતની જગ્યા- આકાર અને કાર્યને આધારે ચાર પ્રકારના દાંત હોય છે (જુઓ ચિત્ર).

દુધિયા અને કાયમી દાંત આવવાનો સમય
સામાન્ય રીતે શિશુ જ્યારે છ થી સાત માસનું થાય ત્યારે સૌ પ્રથમ નીચેના આગળના દાંત ફૂટે છે. તે પછી ઉપરનાં આગળના દાંત ફૂટે છે. જેને દુધિયા દાંત કે પ્રાથમિક દાંત(primery teeth) કહે છે. બાળકની ઉંમર આશરે બે વર્ષ થાય ત્યાં સુધીમાં બધાજ દુધિયા દાંત આવી જાય છે. આ કુલ 20 દાંત માં 8 કાપવાના (incisor) 4 ચીરવાના(canine) અને 8 દળવાનાં(molar) દાંત હોય છે. આમ આ દરેક દાંતની કામગીરી નિર્ધારીત હોય છે.

     સામાન્ય રીતે બાળકોમાં દુધિયા દાંત પડવાની શરુઆત 6-7 વર્ષે થાય છે અને તે 13–14 વર્ષ સુધી ચાલુ રહે છે. આ પ્રક્રિયામાં ક્રમશઃ દુધિયા દાંત નું સ્થાન કાયમી દંત(permanent teeth) લેછે. આ પ્રક્રિયા આમતો 13-14 વર્ષ ચાલે છે પરંતુ અપવાદ રુપે ડહાપણની દાઢ 17 વર્ષ બાદ ગમે ત્યારે આવે છે. આ સમય ગાળૉ એક સરેરાશ માર્ગદર્શક છે. જે-તે બાળકના કિસ્સામાં તે વહેલુ કે મોડુ હોય શકે છે.

હાલમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના બાળકોમાં દાંત ના રોગનું પ્રમાણ 70 ટકાથી વધુ જોવા મળ્યુ. આમાં મુખ્યત્વે દાંત માં સડો જોવા મળેલ. આ ગુજરાતી માતા પિતાની આ દિશામાં બેદરકારી સૂચવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમે આ દિશામાં લોકોનુ ધ્યાન દોરી એક સરાહનીય ફરજ અદા કરી છે .

માતા પિતાના આ વિષયે કેટલાક સામાન્ય પ્રશ્નો

1.       મારુ બાળક નવ માસનું થયુ તેને હજુ તેને દાંત નથી આવ્યા તો શું કરવુ ??  શું તેને કેલ્શયમ નું સિરપ કે મમરી આપવી જોઈએ. ??”

જવાબ – બાળકને દાંત આવવાની પ્રક્રિયા કુદરતી છે. સગર્ભાવસ્થામાં દાંત નું બધારણ નક્કી થઈ જતુ હોય છે અને પેઢા નીચે થી દાંતને માત્ર બાહર આવવાની પ્રક્રિયા જ થવાની ક્રિયા જન્મ પછી થશે. આવા સંજોગો માં જો કોઈ બાળકને આ ક્રિયા થોડી મોડી વહેલી પણ થઈ શકે. આ માટે કોઈ પણ પ્રકારનું કેલ્શયમ સીરપ કે મમરી આપવી જરુરી નથી. તેનાથી ફાયદા કરતા ક્યારેક નુક્શાન પણ થઈ શકે. આ એક બહુજ વ્યાપેલી ગેર સમજ છે અને તે દૂર થવી જોઈએ. જો બાળકને પેઢા નીચે દાંત નો કઠણ ભાગ અડી પારખી શકાતો હોય તો ખાસ ચિંતા ન કરવી. ઘણા કિસ્સામાં બાળકોને એકાદ વર્ષ સુધી કોઈ દાંત ન આવ્યા હોય અને પછી બધા સામાન્ય રીતે આવી જાય તેવુ પણ બને છે. જો બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધી કોઈ દાંત ન આવે તો ચોક્કસ પણે વિશેષજ્ઞની સલાહ લેવી.

2.   દુધિયા દાંત તો આખરે પડી જવાના તેમાં સારવાર કરાવવાથી કે સંભાળ લેવાથી શો ફાયદો ?
જવાબ- આ પ્રશ્નના જવાબમાં કુલ બે કારણૉ નીચે મુજબ આપી શકાય.
1.       દુધિયા દાંત કાયમી દાંત માટે જડબામાં જગ્યા રોકી રાખવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. જો દુધિયા દાંત તેના કુદરતી ક્રમ થી વહેલા સડી જવાથી કાઢી નાખવા પડે તો તે જગ્યા ખાલી પડે છે અને તેનો વિકાસ ઓછો થાય છે. વળી આ ખાલી પડેલા દાંતની જગ્યા બુરવા પાસેના દાંતો નજીક આવી જાય છે. આથી આ જગ્યાએ આવનાર કાયમી દાંતને અપૂરતી જગ્યા મળે છે પરિણામે તે અસ્ત વ્યસ્ત રીતે ગોઠવાય છે અને અંતે બાળકના જડબામાં એક બેડોળ પણુ આવેછે તેની કાર્યક્ષમતા પણ ઘટે છે. આગળ ઉપર આવા બાળકને ચહેરાની સુંદરતા પર પણ અસર પડી શકે છે.
2.       દુધિયા દાંત અકુદરતી રીતે વહેલા પડે તો કાયમી દાંત આવે ત્યા સુધી બાળકને ખોરાક ચાવવામાં તકલીફ પડે છે અને તેની સીધી અસર તેની પાચન શક્તિ પર પડી શકે છે.

 લેખન.... 

ડો. ભરત કટારમલ 
ડેન્ટલ સર્જન
શાલિભદ્ર કોમ્પ્લેક્સ
પોલીસ ચોકી સામે
જામનગર (ગુજરાત)

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.







- હવેથી દર શનિવારે બાળકોની દાંત ની સંભાળ વિશે વિવિધ લેખ અનુભવી ડેન્ટીસ્ટની કલમે.....

No comments:

Post a Comment

આપના પ્રતિભાવ બદલ આભાર ...