સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Showing posts with label Newborn baby. Show all posts
Showing posts with label Newborn baby. Show all posts

Tuesday, June 30, 2009

જોનાથન્....


બેંગ્લોરની મનીપાલ હોસ્પીટલ નવજાત શિશુ સારવાર માટે દક્ષિણ ભારતમાં ખૂબ મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં મારી નવજાતશિશુ નિષ્ણાત બનવા અર્થેની તાલીમ દરમ્યાન બનેલ એક કિસ્સો આજે રજૂ કરુ છુ.
દિવાળીના દિવસો હતા પણ ડોકટર ને શાની દિવાળી ! એમાં પણ નવજાત શિશુ નિષ્ણાતને માટે આવી રજા કે તહેવારની મોજ લગભગ સ્વપ્ન સમાન હોય છે. અમારા નવજાત શિશુ વિભાગ માં પણ ઘણા બધા શિશુઓ જાણે કે દિવાળી ઉજવવા મોકલી આપેલા.!!. અમારા વ્યવસાયની મજા એ છે કે અહીં દર્દી પર ડોક્ટર ગુસ્સો કરવા ધારે તો પણ હસી પડાય છે!. ઈશ્વરની આ નાની પ્રતિકૃતિઓ ને ખૂબ ધ્યાનથી દર્શન કરવા પડે ક્યારેક પલળવાનો પણ સંભવ છે.!!. ખેર એ તો ઈશ્વરની પ્રસાદી ગણી સ્વીકારવુ જ રહ્યુ !. આવા સમયે હું ફરજ પર હતો અને અમારા નર્સીંગ સ્ટાફે જાણ કરી કે એક બેનને પોતાના શિશુને જોવા અંદર આવવુ છે. સામાન્યપણે નવજાત શિશુ વિભાગમાં પ્રવેશ પર ચુસ્ત પ્રતિબંધ હોય છે અને એક નિયત સમયે જ પ્રવેશ અને તે પણ ખાસ વસ્ત્રો પહેરી અપાય છે. આમાં એક માત્ર અપવાદ માતા માટે છે- માતાને કોઈપણ સમયે પરવાનગી લઈને પોતાના શિશુને જોવા આવવાની છૂટ હોય છે કારણકે આખરે શિશુને ડોકટરી સલાહ- દવા-દુઆ ની સાથે જો કોઈની જરુર હોય તો તે મા ના સ્નેહની છે.. પરંતુ અહીં આવનાર માતાને વ્હીલચેર પર બેસી આવવુ હતુ. સામાન્યરીતે નવજાત શિશુ વિભાગમાં બાહરની કોઈ વસ્તુ લઈ જવાથી ચેપનો ડર રહે છે આથી આ બાબતે મારી પરવાનગી માગવામાં આવી હતી. કોઈપણ ઓપરેશન બાદ જ્યારે દર્દીને ચાલવાની છૂટ હોય ત્યારે પણ ઘણી વાર ઘણા દર્દીઓ ચાલતા નથી હોતા અને બિનજરુરી વ્હીલચેર કે સ્ટ્રેચરો નો સહારો લેતા હોય છે. કેટલાક શ્રીમંત નબીરાઓની આ સ્ટાઈલ હોય છે. મને પણ થયુ કે આ વિદેશી માતા પણ આવી જ રીતે કરી રહી છે. એટલે હું ખૂદ તેને મળવા ગયો અને તેની કેસની વિગતો જાણી જે જાણી અને પછી મને ખરેખર ખોટુ વિચારવા પર પસ્તાવો થયો...
જહોન અને પેન્ની અમેરીકાથી આવેલ દંપતિ હતુ. બેંગ્લોર માં જહોન એક વિશેષજ્ઞ-ઈજનેર તરીકે છ માસના ટૂકા સમય ગાળા માટે આવેલ હતો. સાથે આવી હતી પેન્ની – એક રુપાળી ભૂરી આંખો વાળી સહ્રદયી સ્રી જેને સગર્ભાવસ્થા માં પાંચમો માસ ચાલુ હતો. બેંગ્લોર આવ્યાને એકાદ અઠવાડીયુ માંડ વિત્યુ હશે કે પેન્નીને અચાનક પેટના નીચેના ભાગે દુઃખાવો ઉપડયો. મનીપાલ હોસ્પીટલમાં તેને લાવવામાં આવી. સ્રી રોગ નિષ્ણાંત તબીબોએ પેન્ની ને દાખલ કરીને સારવાર શરુ કરી. પેન્નીને અધૂરા માસે પ્રસુતિનો દુઃખાવો ઉપડયો હતો. વળી સાથે નીચે થી થોડુ લોહી પણ વહી ગયેલુ . કાબેલ ડોકટરોએ આ માટે વિવિધ દવાઓ – ઈંજેકશન વિ. આપીને ખૂબ જહેમતથી પેન્નીની તબીયત થોડી કાબુમાં લીધી. મોટી ચિંતા હજુ પણ અધુરા માસે ડીલીવરી થવાની હતી. જો પાંચ કે છ માસે શિશુ આવે તો તેની બચવાની સંભાવના વિશ્વના ખૂબ સારા નવજાત શિશુ સંભાળ કેન્દ્રોમાં પણ ખૂબ પાંગળી રહેતી હોય છે. આથી દુઃખાવો અટકાવવા વિવિધ દવા સાથે પેન્નીને ડોક્ટરોએ ચુસ્તપણે સૂઈ રહેવાની(complete bed rest) સલાહ આપી. આ આકરી સલાહનુ પાલન કરીને જ શિશુનુ મુખ જોવાની આશા હોઈ પેન્નીએ ચુસ્તપણે તેનુ પાલન કર્યુ. સમય વહેતા કુલ બે માસ સતત આમ રહ્યા બાદ પેન્નીને એક દિન અચાનક દુઃખાવો ઉપડ્યો. આ દુઃખાવાને પછી દવાથી ન રોકી શકાયો અને સાતમા માસે પેન્નીને સીઝેરીયન પ્રસુતિથી બાળક અવતર્યુ. પરંતુ આ શિશુ અધૂરા માસે જન્મેલુ માત્ર 1100 ગ્રામનુ અને ખૂબ જ નાજૂક હતુ. નવજાત શિશુને જન્મની થોડી મિનિટોમાં જ ફેફસાની અંદર દવા આપવાની ખાસ વિધી કરી અમે તેને વેંટીલેટર નામના સાધન પર કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ માટે મૂક્યુ. સામાન્ય રીતે પળે પળે જીવ સટોસટના આ ખેલમાં ડોક્ટર તરીકે અમારી ફરજ હોય છે કે શિશુના માતાપિતાને પરિસ્થિતીની જાણ કરીને અગત્યના નિર્ણયોમાં તેમની સહમતિ લઈએ. આ શિશુની ખૂબ જ ગંભીર હાલતમાં પણ ઘણી વાર જહોનનો ફોન પર જ સંપર્ક થતો અને તે ખૂબ સરળતાપૂર્વક વાત સાંભળી સહમતિ આપતો. ત્રણ દિવસ પછી આજે પહેલીવાર પેન્ની પોતાના શિશુને જોવા આવી રહી હતી.! બે માસથી ચોવીસે કલાક સુઈ રહેવાને લીધે પેન્નીના પગ કૃશ અને અશકત થઈ ગયા હતા. તે પોતાના પગ પર માંડ ઉભી રહી શકતી. વ્હીલચેર પર તેના શિશુ સુધી લઈ જઈ મેં અને જહોને તેને ટેકો આપી ઉભી રાખી ત્યારે તે માંડ ઉભી થઈ શિશુને જોઈ શકી. પોતાના શિશુને પહેલી વાર જ્યારે કોઈપણ માતા જુએ છે ત્યારે તેની આંખમાં થી વહેતુ વાત્સલ્ય ઝરણુ ખરેખર વિશ્વની પ્રેમની સૌથી પ્રથમ અને સૌથી સુંદર પળ હોય છે. પેન્નીના હર્ષાશ્રુ ના બુંદો મારા અને જહોનના હાથ ભીંજવી રહ્યા હતા અને એક ડોકટર હોવાના કારણે આ સુંદરતમ પળ નો હું સાક્ષી બની રહ્યો હતો. માતાના આંસુનો ગરમાવો દરેક સંસ્કૃતિમાં સમાન જ હોય છે પછી અમેરીકન હોય કે ગરવી ગુજરાતણ ! પેન્નીને તેના શિશુની બધી વિગતો આપી અને શિશુની ગંભીર પરિસ્થિતીની જાણ કરવાનુ કાર્ય ખરેખર અઘરુ હતુ તે મેં અનુભવ્યુ અને એટલે જ કદાચ સૌ બાળરોગ નિષ્ણાતોમાં શિશુ સંબધી ગંભીર વાત પિતા સાથે કે ઘરના વડીલ સાથે કરવાનો વણલખ્યો નિયમ છે!.
પેન્નીનું શિશુ વેંટીલેટર પર જીવન નો જંગ ખેલી રહ્યુ હતુ. પેન્ની પોતાની કૃશ અને અશકત હાલતમાં પણ પ્રતિદિન ચાર વખત શિશુની પાસે આવીને ઉભી રહેતી. શિશુને તેના ખોળામાં આપી શકાય તેમ ન હોય તે અશકત હાલતમાં ધ્રુજતા હાથે શિશુની નાની આંગળીને સ્પર્શતી અને વ્હાલ કરતી.આવી મમતામયી ક્ષણો વચ્ચે પેન્ની ડોક્ટર્સ અને નર્સ સૌને શિશુ વિશે પૂછતી અને અમારા હોઠ સિવાઈ જતા કારણ કે સમયની સાથે રોજ નવી મુશ્કેલીનો સામનો કરતુ એ નાજુક શરીર હવે જવાબ દઈ રહ્યુ હતુ. આધુનિકતમ સારવાર પણ આ શિશુને ઉભી થઈ રહેલી તકલીફોમાં લા-ઈલાજ થઈ રહી હતી ! એક સાંજે પેન્ની પોતાના શિશુને મળી આવી અને મને કહ્યુ કે તેના શિશુનુ નામ તેણે જોનાથન રાખવાનુ વિચાર્યુ છે. તે દિવસે સાંજે મારી ડ્યૂટી પૂરી થઈ અને બીજે દિવસે સવારે હું જયારે પાછો હોસ્પીટલ પર આવ્યો ત્યારે પેન્નીના શિશુના બેડ પર એક કાર્ડ અને એક સફેદ ફૂલ પડયુ હતુ..!
કાર્ડમાં લખ્યુ હતુ કે – “ અમારા શિશુ જોનાથન સાથે ના અમારા ટૂંકા સાથમાં આપ સૌએ જે ઉષ્માપૂર્ણ વ્યવહાર દાખવ્યો તે માટે અમો બધા ડૉકટર્સ અને નર્સીસના ઋણી છીએ!. જોનાથન ની આત્માને ઈશ્વર શાંતિ અર્પે”. – જહોન અને પેન્ની..જાણવા મળ્યુ કે સવારે જ જ્યારે આ ઘટના બની પછી પણ આ દંપતિ ખાસ સ્ટાફનો આભાર માનવા આવેલુ અને પોતાના માટેની આઘાતની ઘડીમાં પણ તેઓ આ શિષ્ટાચાર ન ચૂક્યા!
નવજાત શિશુ નિષ્ણાત તરીકે ઘણા નાજૂક ફૂલોને ડૂબી જતા જોયા છે ડોકટર તરીકે એમને આધાર આપવો અમારી ફરજ છે. પણ કયારેક પેન્ની અને જહોન જેવા માતા-પિતાઓ તેમના વ્હાલસોયાને ગુમાવ્યા બાદ પણ અમારી આ ફરજ પ્રત્યે આદર વ્યકત કરે છે ત્યારે આ ફૂલોને ઉછેરવામાં વાગતા કાંટાનો ડંખ પણ હળવો બની જતો હોય છે. એક અમેરીકન દંપતિને તેમના સંસ્કાર માટે ભારતીય ડોક્ટર ના સલામ !

Wednesday, June 24, 2009

“ખરચુ “….!


અમે બાળરોગ વિભાગમાં રેસીડેન્ટ તરીકે કાર્ય કરતા ત્યારની આ વાત છે. રેસીડેન્ટ ડોકટર તરીકે અમારે મોટા સાહેબ રાઉન્ડ લેવા-દર્દી તપાસવા આવે તે પહેલા બધા દર્દીને તેમની બિમારી વિશેની વિગત અને તેનુ શારીરીક અવલોકન કરી ને જે તે દિવસ માટે જરુરી દવા આપવા અંગે નોંધ કરવાની હોય છે.
અમારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ એટલે દર્દીનો ધસારો ખૂબ રહે. ગામડાથી લઈને શહેરના રહેણી કરણી અને ભાષા માં અનેક પ્રકારની વિવિધતા વાળા આ બધા દર્દીઓ સાથે વાર્તાલાપ કરવાનો આવે. ગુજરાતી ભાષાના પણ વિવિધ પ્રકાર હોઈ શકે તે ત્યારે જ સમજાય અને દરેક દર્દીની રજૂઆત પણ અલગ હોય કંઈક અંશે આપણા બ્લોગજગત જેવુ.!
અમારા માટે પણ ડોક્ટરી સાથે આ માનવ સંવાદની કલા શીખવાનો પ્રથમ અનુભવ પણ મજા પડતી. અમારા ફર્સ્ટ યર રેસીડેન્ટો માં પણ વિવિધતા! પુષ્કર શ્રીવાસ્તવ નામનો મિત્ર મૂળ બિહારી અને ગુજરાતી ભાષા ગુજરાતમાં આવીને શીખેલો પણ સ્વભાવે પરગજૂ અને મગજે આઈન્સટાઈન ને પાછો પાડી દે તેવો.! હિન્દી મિશ્રીત ગુજરાતીથી મોટા ભાગના દર્દીમાં કામ ચલાવી લે.! મોટે ભાગે શરુઆતી દોરમાં ઘણી વખત દર્દીની સાથે વાતચીતમાં ઘણી વાર અમારી કે કોઈ અન્યની અનુવાદક તરીકે સેવા લઈ ને દર્દીને તપાસી લે. સાંજ પડયે તેની ડાયરીમાં નવા ગુજરાતી શબ્દો નોંધાયેલા હોય જેનો અમારે અર્થ સમજાવવાનો દા.ત. શિરામણ-રોંઢે- આથમણે વિ. જેવા તળપદી શબ્દો.! સદભાગ્યે એક અન્ય રેસીડેન્ટ મિત્ર આશિષ પટેલ અને ગામડાનો એટલે આવા શબ્દોનો વિસ્તૃતાર્થ પુષ્કરને મળી રહે.!
આવા સમયે એક નાના બાળકને અમારા વોર્ડમાં ન્યુમોનિયા માટે દાખલ કરેલુ. કેસ કઢાવીને બાળકના પિતા ગામડે કંઈ સગવડતા કરવા ચાલ્યા ગયા બાળક સાથે એક મોટી ઉંમરના દાદીમા રહેલા. આ દાદીમા અંદાજે 75 વર્ષના હશે ભણ્યા નહી હોય પણ ગણેલા ઘણુ એટલે બાળકની દવા વિ. નો ખૂબ ખ્યાલ રાખે અને બધી સૂચનાનો સુંદર અમલ કરે. આ બાળક શરુઆત ના બે દિવસ આશિષે જોયેલુ અને બાળક સારુ થઈ રહ્યુ હતુ. પણ આજે ત્રીજા દિવસે આશિષ અન્ય કામમાં હોઈને આ શિશુને જોવાનુ કામ પુષ્કરને આવ્યુ.
પુષ્કરે સામાન્ય પણે રોજ પૂછાતા સવાલોથી શરુઆત કરી અને તપાસ કાર્ય પૂર્ણ કર્યુ. રોજીંદા ક્રમ પ્રમાણે અમારા સાહેબનો રાઉન્ડ આવ્યો અને પેલા દાદીમાએ સાહેબને આજે ને આજે જ રજા કરી દેવાની વિનંતી કરી. સાહેબે સમજાવ્યુ કે સારવાર અધૂરી મૂકીને ન જવાય જો કોઈ તક્લીફ હોય તો કહો . પણ દાદીમા ટસ ના મસ ના થાય્! એક સમજુ વ્યક્તિની જેમ વોર્ડમાં રહેલા આ વડીલ આમ કેમ કહી રહ્યા હતા તેનુ રહ્સ્ય શોધવાનું કામ મને અને આશિષને સોંપવામાં આવ્યુ. સાહેબ ના ગયા પછી અમે બંને દાદીમાની પાસે ગયા અને ધીરે-ધીરે દાદીમાના મન સુધી પહોંચી અમે તેમના આ નિર્ણયનું કારણ જાણ્યુ તો ખરેખર બે દિવસ સુધી હસી- હસીને પેટ દુ:ખી ગયુ!!
વાત જાણે એમ બની કે દાદીમાનું શિશુ એક દિવસથી સંડાસ ગયુ ન હતુ. તેમના માટે આ ડૉકટર ને જાણ કરી કંઈ કરવા યોગ્ય ઘટના હતી. પુષ્કર જયારે સવારે તપાસ અર્થે ગયો ત્યારે દાદીમાએ આ વાત કરી કે “દાકતર સાહેબ છોરા એ આજે “ખરચુ “ (ગામડાની તળપદી ગુજરાતીમાં મળૉત્સર્જન કે સંડાસ જવાને – ‘ ખરચુ’ કહેવાય છે.) નથી કર્યુ !”. પુષ્કર હંમેશા દર્દીને મદદ કરવા તત્પર જીવ અને આ સાંભળી તેને થયુ દાદીમા ખોટા મુંઝાય છે!. એટલે એ કહે “મા ! આપ સરકારી હોસ્પીટલ માં છો અને અહિં મહિનો રહેશો તો પણ “ખરચો” નહી થાય જરાયે મુંઝાશો નહિ !! બસ દાદીમાને ફડક પેસી ગઈ ! આવી હોસ્પીટલ માં થોડુ રહેવાય જયાં છોકરાને મહિનો રાખી તો ય ‘ખરચુ’ ન થાય !!
અમે પુષ્કર અને દાદીને આ ભાષાકીય ભૂલ સમજાવી અને તે પણ હસી પડયા.! અમારો આ આઈનસ્ટાઈન પુષ્કર આજે યુનિવર્સિટી ઓફ આઈઓવા (Iowa), અમેરીકા માં બાળરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે અને આજે પણ દરેક દાદીમાને પ્રેમથી સમજાવે છે !!

Tuesday, June 9, 2009

કુદરતની છે કમાલ...

મિત્રો નવજાત શિશુ વિશે કેટલીક વાતો ખરેખર વિસ્મયકારક છે. આજે એવી જ એક વાત કરવી છે. જે જોડાયેલી છે શિશુની દ્ર્ષ્ટિ સાથે.!
સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન દ્રષ્ટિનો ખાસ ઉપયોગ નથી હોતો કારણકે માતાના પેટ વાટે શિશુને ગર્ભમાં પહોંચતો પ્રકાશ ખૂબ મંદ અને ઓછી તીવ્રતા વાળો હોય છે. કદાચ એટલે જ શિશુની આંખ શરુઆતી સમયમાં પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. નવજાત શિશુઓ સામાન્ય પ્રકાશમાં પોતાની આંખો સતત બીડેલી રાખે છે અને ક્યારેક જ ખોલે છે. જો શિશુની આંખ આડો હાથ કે અન્ય વસ્તુ રાખવામાં આવેતો પ્રકાશની તીવ્રતા ઘટી જતા જ શિશુ આંખ ખોલે છે. સમય જતા શિશુઓ આંખ ખોલી આજુબાજુ નું નિરીક્ષણ કરતા હોય તેવુ લાગે છે. પરંતુ હકીકતે નવજાતશિશુઓ માત્ર 12 ઈંચ થી વધુ દૂરનું જોવા અક્ષમ હોય છે. આમ બનવાનું મુખ્ય કારણ આંખની સંરચના હોય છે કે જેમાં લેન્સ દ્વારા રેટીના પર પ્રતિબીંબ ઝીલવાની ક્ષમતા માત્ર નજીકની વસ્તુઓ પૂરતી સીમિત હોય છે. કુદરત નો આ 12 ઈંચનો ફંડા સમજવા વૈજ્ઞાનિકો ઘણુ મંથન કર્યુ- શા માટે 12 ઈંચ દૂર નું જ જોવાની શક્તિ મનુષ્યના શિશુને મળી તે વિષયે કોઈ એક મત પર ન આવી શક્યા અંતે તાર્કિક વાત જે બાબતે મોટા નવજાત શિશુ વિજ્ઞાની એકમત થાય છે તે છે –માતાના સ્તન અને ચહેરા વચ્ચેનુ અંતર લગભગ 12 ઈંચ જેટલુ હોય છે. મતલબ કે શિશુને જાણે કુદરતે માતાના ચહેરાને ઓળખવાની ક્ષમતા આપી છે. આમ પણ દુનિયામાં જીવન જીવવાની તમામ જરુરીયાતો સંતોષવા શિશુએ એ એક જ ચહેરાને ઓળખવાની જરુર છે..! છે ને કુદરતની કમાલ !