સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Tuesday, September 1, 2009

માતૃશિક્ષણ કરશે શિશુનું રક્ષણ...


ગર્ભધાન અને પ્રસુતિ મહદઅંશે એક કુદરતી પ્રક્રિયા છે જ્યારે શિશુ-ઉછેર એ ઘણો પુરુષાર્થ અને જ્ઞાન માગી લેતી પ્રક્રિયા છે. કોઈપણ શિશુ માટે શરુઆતી બે વર્ષ અત્યંત મહત્વના છે કારણકે મગજનો કદ અને આકાર ની દ્રષ્ટિએ કુલ 80 ટકા જેટલો વિકાસ આ પ્રથમ બે વર્ષમાં થશે. આથી શરુઆતી વિકાસ શિશુને જીવનમાં ભાવિ વિજેતા બનાવવા અત્યંત આવશ્યક છે. નવજાતશિશુની નાજૂક સંભાળ ની બાબતે નવી માતા બનેલ સ્ત્રી પાસે તેને બધુ આવડતુ જ હોય તેવી અપેક્ષા રાખવી અથવા તો ‘પડશે એવા દેવાશે’ ની નીતિ યોગ્ય નથી. શિશુ-સંભાળ વિશે દુર્ભાગ્યવશ ન તો કોઈ અભ્યાસક્રમ શિખવાડે છે કે ન આ વિષયમાં કોઈ વ્યવસ્થિત લોકભોગ્ય સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. સરવાળે જેટલા મોં એટલી વાતો અને શિશુની આસપાસ રહેલી દરેક વ્યક્તિ પોતાના જ્ઞાન નો પટારો ખોલી દે છે અને ઘણા ખરા શિશુને ક્યારેક ઘણું આરોગ્યલક્ષી નુકશાન વેઠવુ પડે છે.
આ બધી બાબતો નો અભ્યાસ કરી અમે ડીપાર્ટ્મેંટમાં વિચાર્યુ કે સો વાતની એક વાત માતાને જ સાચુ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાથી જ આ સમસ્યા હલ કરી શકાય અને વળી, આ જ્ઞાન જો હોસ્પીટલમાંથી આપીને ઘેર મોકલી શકાય તો કેટલુ સારુ ! બસ, લાગી ગયા બધા કામે - સરકારશ્રીએ ડીપાર્ટમેન્ટને આપેલી ઘણી ખરી આધુનિક સવલતો – ટી.વી.-ડી.વી.ડી.-વિડીયો કેમેરા અને નવજાતશિશુ સંબધી વિવિધ વિશ્વસ્નીય સંસ્થાઓ દ્વારા અપાયેલ સાહિત્ય વિ.નો ઉપયોગ કરી જરુર જણાઈ ત્યાં ઓડીયો – વિડીયો ઉપકરણો નો ઉપયોગ કરી અમે એક અંદાજીત 30 મિનિટ જેટલો ચાલે તેવો વિડીયો પ્રોગ્રામ રચ્યો જે ટી.વી.સ્ક્રીન પર દેખાડી શકાય અને સાથે ગુજરાતીમાં કોમેંટરી પણ આપી શકાય . વળી આ બધું હતું સરળ ગુજરાતી ભાષામાં ! આ વિડીયો કેપ્સયુલમાં સામેલ હતા - નવજાતશિશુની રોજિંદી આવશ્યક સંભાળ , સ્તનપાન ની વૈજ્ઞાનિક પધ્ધતિ અને કાંગારુ માતૃ સુરક્ષા જેવા અતિ આવશ્યક વિષયો.
જી.જી.હોસ્પીટલ એ સૌરાષ્ટ્રની એક સૌથી મોટી રેફરલ ટીંચીંગ હોસ્પીટલ હોવાથી અહીં દર્દીઓનો સતત વિશાળ પ્રવાહ ધસમસતો રહે છે. અમારો નવજાતશિશુ વિભાગ વર્ષે લગભગ હોસ્પીટલમાં જ જન્મતા 6000 નવજાતશિશુને અને અંદાજે 1500 જેટલા બાહરથી રીફર થયેલા શિશુઓને સેવા આપે છે. આટલા વિશાળ ફલક પર જો અમે આ તમામ શિશુની માતાઓને પ્રશિક્ષીત કરી શકીએ તો ખરેખર દુરગામી પરિણામો નવજાતશિશુ સંભાળ અંગે સમાજ ને અવશ્ય જાગૃત કરી શકે. પ્રશિક્ષણનું આ ભગીરથ કાર્ય જે રોજીંદા ધોરણે કરવુ અને તે પણ દરદીઓની સંભાળ સાથે તે માત્ર ડોકટરોથી શક્ય ન હતુ. હવે વારો હતો અમારા નર્સીંગ સ્ટાફનો કે જેમણે અમારી સાથે ખભે-ખભો મેળવીને આ કાર્યને રોજીંદા ધોરણે અંજામ દેવા ખાસ કમર કસી. અને શરુ થયો એક જ્ઞાન યજ્ઞ જેમાં માતાઓને એક અલાયદા એરકન્ડીશન્ડ સેમીનાર રુમ(કે જે નવજાતશિશુ વિભાગમાં જ છે.)માં ખાસ ખુરશી આપી વિશાળ ટી.વી. સ્ક્રીન પર પ્રશિક્ષીત કરવામાં આવે છે. તેમને વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછીને મનમાં રહેલી વિવિધ શંકાનું સમાધાન કરવા પ્રોત્સાહિત કરાય છે.


આ પ્રશિક્ષણ કાર્ય શરુ થયાને હવે છ માસ થયા છે અને અમે અમારા આ પ્રયાસ માટે ધન્યતા અનુભવીએ છીએ કારણકે હવે આવી પ્રશિક્ષણ લઈને ગયેલી માતાઓ ફરી બતાવવા આવે ત્યારે શિશુ સંભાળ માં સામાન્ય ભૂલો નથી દેખાતી – સ્તનપાન માં અનુભવાતી તક્લીફો ઘટી છે. અભણ અને ગરીબ માતાઓ પણ પાછા મળ્યે અમારી આ “ ફીલમ “ ને ચોક્ક્સપણે યાદ કરે છે!!
આ કાર્યએ નર્સીંગ સ્ટાફ,ડીપાર્ટમેન્ટ ઓફ પિડીયાટ્રીક્સ, જી.જી.હોસ્પીટલ ઓથોરિટી અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ ઓથોરિટી તથા આરોગ્ય તંત્ર નો એક સંયુક્ત પ્રયાસ છે. ઈશ્વર અમને આ કાર્ય આગળ ધપાવવા બળ આપે એ જ અભ્યર્થના....


New Born Baby Ward

1 comment:

  1. અત્યંત ઉમદા કામ.
    તમારું આ કામ બધાં પ્રસુતી ગૃહો ઉપાડી લે તેવી આશા રાખું છું.

    સ્ત્રી શીક્ષણના મારા વીચારોને એકદમ અનુરુપ. ખરેખર તો આ વીષય હાઈસ્કુલોમાં છોકરા - છોકરીઓ બધાંને માટે ફરજીયાત બનાવવો જોઈએ.

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...