સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, May 7, 2011

મધર્સ ડે સ્પેશ્યલ (Mothers' Day Special)


જીવનદાયીની માતાને શત શત પ્રણામ
આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી જો કોઈ અદભૂત પરિવર્તન આવતુ હોય તો એ છે કોડભરી કન્યાનું માતા બનવુ. જેમ મહેમાન ઘેર આવવાના હોય ત્યારે ઘરની સજાવટ અને સુશોભન કંઈ ઓરજ હોય તેમ માતા બનનારી સ્ત્રીના શરીર-મન-વિચાર-વાણી અને વર્તનમાં આમૂલ પરિવર્તન આવે છે. આ સમગ્ર પરિવર્તન કે જે સ્ત્રીના જીવનને અદભૂત મોડ આપે છે. એક મંઝીલ આપેછે એક એવી ઉંચાઈનું નામ એટલે મા...! આ મા બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!
કહેછે કે ઈશ્વર બધે પહોંચી શકે તેમ ન હતો અને એટલે જ તેણે મા નું સર્જન કર્યુ ...! આવી ઈશ્વરનું મૂર્તિમંત સ્વરુપ એવી સંસાર ની તમામ માતાઓને આજે મધર્સ ડે પર હાર્દિક વંદન અને શુભકામનાઓ...!
ઘણા લોકો કહેશે કે આ મધર્સ ડે તો પશ્ચિમી રિવાજ છે પણ શું માનું ગૌરવ કરવા માટે આપણને દેશ-ભાષા અને સંસ્કૃતિના બંધનો નડી શકે ખરા ? !! . આવો તપાસીએ મધર્સ ડે નો ઈતિહાસ ...
મધર્સ ડે નો ઈતિહાસ
ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..!  શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.
ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે.
મધર્સ ડે નું વ્યાપારિકરણ
કાર્ડ- ગીફ્ટસ-ચોકોલેટ ના ઉત્પાદકોએ આ દિવસનો ખૂબ પ્રચાર કરી અને પોતાની ચીજોનું મધર્સ ડે ના ઉપલક્ષે માર્કેટીંગ કર્યુ. ધીમે-ધીમે આ દિવસનો મૂળ મર્મ માર્યો ગયો અને લોકો માતા પ્રત્યે પોતાની ફરજ ભૂલીને તેના બદલે માત્ર કાર્ડ મોકલી સંતોષ મેળવતા થયા...! આ સમગ્ર વ્યાપારિકરણથી વ્યથિત બની આન્નાએ મધર્સ ડે નો વિરોધ કરવાનું ચાલુ કર્યુ... તેના મતે આ મધર્સ ડે નહિ પણ હોલમાર્ક* ડે (*હોલમાર્ક એક પ્રતિષ્ઠીત કાર્ડ બનાવતી કંપની છે. ) કહેવાનું ચાલુ કર્યુ ...! તેમના મતે માત્ર કાર્ડ આપવાથી માતા પ્રત્યે સન્માન નહિ પણ માત્ર એક આળસ પ્રદર્શિત થાય છે... આન્નાએ આ વ્યાપારિકરણ થી અત્યંત દુઃખી થઈ મધર્સ ડે ઉજવણી બંધ કરવા જીવન ભર પ્રયાસો કર્યા. ! કદાચ કોઈ કાર્ડ કંપની પાસે સમજૂતિ કરી ઘણા પૈસા કમાઈ શકે તેવી પરિસ્થિતિ હોવા છતા આન્નાએ આજીવન મધર્સ ડે ના વિરોધમાં પોતાનું જીવન અત્યંત ગરીબ હાલતમાં ગાળ્યુ.
પંચ લાઈન
ખેર કાર્ડ નો મહિમા એસ.એમ.એસ અને ઈમેલના જમાનામાં થોડો ઓછો ચોક્કસ થયો છે પણ આખરે માતાને ગૌરવ આપવાના ઉદ્દેશ્ય થી સ્થપાયેલ આ દિવસ એક શિષ્ટાચાર અને માત્ર દેખાડો બની ને રહી જાય છે. મોટા ભાગના લોકો આ દિવસથી અજાણ હોય છે અને થોડા ઘણા જે જાણે છે તે સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ પર કે અન્ય સંચાર માધ્યમ દ્વારા પોતાનો માતૃપ્રેમ પ્રગટ કરે છે. જોકે વધી રહેલા વૃધ્ધાશ્રમો અને ઘરડાઘરો મધર્સ ડે જેવો દિવસ ખરેખર આપણે મનાવવો જોઈએ કે કેમ તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્ક્સ મૂકે છે...! . 

આ સાથે આરાધનાબેન ભટ્ટ - સૂર સંવાદ રેડીયો - સિડની-  ઓસ્ટ્રેલિયા દ્વારા લેવાયેલ મારો મધર્સ ડે સંબંધી ઈંટરવ્યુ  પણ મૂકેલ છે 
Mother's day Interview by Aaradhnaben Bhatt by gujmom

કેટલાક મમળાવવા લાયક અવતરણો

શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર સ્ત્રી હતી...! માતા એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.રજનીશજી ઓશો

શહેરી માતા બાળકને સતત ડીલીવર કરે છે ...! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા  જીવન પર્યંત ...! – પીટર દ વ્રાઈસ

જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. ...!” – એક ચીની કહેવત

જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા ...! – ટેનેવા જોર્ડન

હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ -  જેમ્સ ફેંટન




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)