સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Wednesday, March 2, 2011

બ્લોગ જગતના દાદાની “દાદાગીરી “ …!


આંગણવાડી ના કાર્યકરોને પ્રણવ મુખરજીએ આ બજેટમાં ખરેખર રાજી કર્યા એ પણ માત્ર એમના હકનું આપીને...! ઘણા મિત્રોને કદાચ એ ખબર નહિ હોય કે આંગણવાડી ભલા કઈ બલા છે ? તો તેમની જાણકારી માટે કહેવાનું કે - આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટીક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે વિટામિન સી અને આર્યન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે.!! બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ  બાલભોગ્  નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે.
આવા આંગણવાડી કાર્યકરોને તેમની સુંદર કાર્યવાહી માટે જો પ્રોત્સાહિત કરવામાં આવે તો જ તેમનું ભગીરથ કામ તેમના નિમ્ન વેતન ( 1000 રુ – 2009 માં 1500 રુ -2010 માં હવે 2011/12 માં 3000 રુ ) માં પણ કરવા ઉત્સાહ રહે.
આ વર્કર બહેનો વિશે મેં એક આર્ટીકલ - નાનુ નામ મોટા કામ ...!  તા. 17-7-2009 ના રોજ મારા બ્લોગ પર લખેલ (http://matrutvanikediae.blogspot.com/2009/07/blog-post_17.html) આ લેખને બ્લોગના અનેક વાચકમિત્રોએ પસંદ કર્યો અને પોતાની લાગણી કોમેન્ટ લખી વ્યક્ત કરી. અમેરીકા નિવાસી અને બ્લોગ જગતના દાદા એવા શ્રી સુરેશ ભાઈ જાનીને એટલો હર્ષ થયો કે તેમણે લેખના નાયિકા બહેનને માટે અને આંગણવાડી માટે એક રકમ પુરસ્કાર રુપે આપવા મને વિનંતી કરી અને ખાસ આગ્રહ કર્યો કે આ કાર્યમાં તેમનુ નામ ક્યાંય જાહેર ન કરવુ..!  મારી મૂંઝવણ વધી પડી કારણકે વર્ણવેલ પ્રસંગ સમાન ઘટના લગભગ ઘણા ખરા આંગણવાડી વર્કરના કાર્યમાં બનતી જ હોય છે. માત્ર જામનગરમાં જ 1500 આંગણવાડી કાર્યરત છે. એમાંથી માત્ર એકને સન્માનિત કરીએ તો એ યોગ્ય નથી. અમે આંગણવાડીના કાર્યક્ષમ ઉપરી ઓફીસરોને મળ્યા સદભાગ્યે પારુલબેન અને ઈલાબા જેવા ફરજ પરસ્ત ઓફિસરો એ આ માટે વિચાર્યુ અને ગત વર્ષની વિવિધ આંગણવાડી સેવાકીય પ્રવૃતિ અને કાર્યવાહીના આધારે એક આંતરીક મૂલ્યાંકન કર્યુ . અંદાજે 30 દિવસને અંતે અમે કુલ છ આંગણવાડીને પસંદ કરી અને તેમને ફરી એકવાર આઈ.એમ.એન.સી.આઈ  પ્રોગ્રામ કે જેને આધારે નવજાત શિશુ અને બાળકોની માંદગી માં સારવાર અપાય છે તે માટેના જ્ઞાનની ચકાસણી કરાઈ.!! તમામ છ આંગણવાડી વર્કરો કસોટીમાં ખરા ઉતર્યા.! અમો એ સુરેશ ભાઈ ને જાણ કરી અને એમણે આ તમામ આંગણ વાડી વર્કરોને માટે ચેક મોકલી આપ્યા. આંગણ વાડીના ઈતિહાસમાં કદાચ પ્રથમ વાર એક પર વતનથી દૂરના માનવી એ વતનના આ આરોગ્ય રક્ષકોને સન્માન્યા છે. ખૂબ જ નાના મહેનતાણામાં પણ ફરજ પર દિલથી તત્પરતા દર્શાવતા આ બહેનો ને હર્ષ થાય તેવુ આ સન્માન એમણે પહેલીવાર થયુ . (બ્લોગ આર્ટીકલ- બ્લોગથી થયું એક શુભકામ...) 2009ના અંતે આ કાર્યક્રમ પ્રથમ વાર થયો અને સુરેશભાઈ ની ખાસ સૂચનાથી આ આર્ટીકલમાં મેં તેમની આ સખાવત ગુપ્ત રાખી. પણ તેમણે આ કાર્ય પ્રતિવર્ષ કરવા તત્પરતા દેખાડી.
હવે વર્ષ આવ્યુ 2010નું અંતે અમો એ ફરી છ આંગણ વાડી વર્કર ને પસંદ કરી ને સુરેશ ભાઈ ને જાણ કરી અને અમારો આનંદ બમણો થયો કે તેઓ આ વખતે ભારતમાં જ હતા. અમારા ખાસ આગ્રહને માન આપી તેઓ જામનગર પધાર્યા. તેમની હાજરીમાં છ આંગણ વાડી વર્કરો ને પ્રોત્સાહિત કરાયા. જિલ્લા પંચાયત સભાગૃહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસોયા સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં આ કાર્યક્રમ દબદબા ભેર સંપન્ન થયો. આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા શ્રી સુરેશ ભાઈનું શાલ ઓઢાડી સન્માન કરાયુ. સમારોહ માં સુરેશભાઈ એ ખૂબ ભાવવિભોર થઈ વાત કરીકે એમની જીંદગીમાં જ્યારે એમના પૌત્રોની સાથે સમય ગાળ્યો અને અને તેમના ઉછેરમાં માનો રોલ જોયો ત્યારે તેમને આખી જિંદગીભર આજીવિકા રળવાનું કામ વધુ સહેલુ લાગ્યુ. કદાચ એટલે જ માતા સમાન કાર્ય કરતી આ આંગણ વાડી વર્કરો ને બિરદાવવાનું એમને વધુ ગમ્યુ. અને આજીવન પ્રતિવર્ષ આ કાર્ય કરવાનું બીડુ ઉઠાવી લીધુ છે.
આ લેખમાં પણ પોતાનું નામ લખવાની શ્રી સુરેશ ભાઈએ મનાઈ કરી છે છતા પણ મને લાગે છે વધુ વખત એ ઢાંકી રાખવુ શક્ય નથી. અને કદાચ બ્લોગ જગતના અસંખ્ય વાચકોને આ સત્કાર્ય ની જાણ થવી મને જરુરી લાગે છે. વળી છેવાડાના આ અંગણ વાડીને યોગ્ય રીતે જો કાર્યરત રાખી શકીશુ તોજ ગુજરાત ની આવતીકાલ વાઈબ્રન્ટ બનશે. આ વર્ષે અમો કુપોષિત બાળકો માટે ખાસ કાર્ય કરવા ઈચ્છીએ છીએ અને આ માટે આપ સૌની ભાગીદારી જરુરી છે.    


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ
 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

7 comments:

  1. પ્રિય શ્રીશાહસાહેબ,

    આપનો એક નાનકડો લેખ માઁ સરસ્વતીની કૃપાથી સમાજમાં કેવો ઉજાસ ફેલાવી શકે છે..!! ઘણીવાર કોઈને કદર રૂપે અપાતી ભેટની રકમ કે કોઈ વસ્તુ કરતાં તેની પાછળનો હ્યદયનો ભાવ મહત્વનો હોય છે. આપને અને મુ.શ્રીસુરેશભાઈ જાનીસાહેબને શત-શત અભિનંદન.

    જોકે, `દાદા`ની,આવી દાદાગીરી તો સહુના દિલને રુચે તે નિઃશંક બાબત છે.

    માર્કંડ દવે.

    ReplyDelete
  2. આપના લેખ દ્વારા અમે માનીએ છે કે આપ પ્રભુનું જ કાર્ય કરી રહ્યા છો. મુ. શ્રી સુરેશભાઈને તેમજ આપને અમારાં વંદન ! આપનું આ કાર્ય તેમજ આવા સદકાર્ય સૌને સદા પસંદ આવે તે સ્વભાવિક છે.

    ઈશ્વર સદા આપના આ તેમજ આવા કાર્યમા શક્તિ અર્પે તેજ હૃદય પૂર્વક ની પ્રાર્થના.

    ReplyDelete
  3. દાદા, કાર્યકર્તાઓ, સંસ્થા અને મૌલિકભાઈ - દરેકને અભિનંદન

    ReplyDelete
  4. Really encouraging.
    Let us keep it up.
    Regards
    Takvani

    ReplyDelete
  5. શ્રીમૌલિક ભાઇ, સઁસ્થા તથા પૂજ્ય દાદા...
    આ કાર્ય દરેકને પ્રેરણા આપે એવી પ્રાર્થના .. અને સહુને ખુબ ખુબ અભિનઁદન ... પૂજ્ય દાદાના શુભ વિચારો અનેક લોકો માટે કાયમ પ્રેરણાદાયક રહ્યાઁ છે ..!!

    ReplyDelete
  6. સાચે જ, સૌને માટે એક અદ્ ભુત સંદેશ આલેખ્યો છે..
    ધન્યવાદ..

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...