સહર્ષ જણાવવાનું કે સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં મારા દ્વારા રચિત
3. “બાળકોનું રસીકરણ” પુસ્તક
સગર્ભાવસ્થાથી જ અનેક સપનાઓથી અંજાયેલ આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઉમટી ઉઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરુર પડે છે માર્ગદર્શક મિત્રો- તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની...! પરંતુ આવા મિત્રો હોવાનું સદભાગ્ય દરેક વ્યક્તિને સાંપડતુ નથી. વળી તબીબ મિત્રો પોતાના વ્યસ્ત સમયમાં દરેક નાની બાબતોનું ઝીણવટભર્યુ માર્ગદર્શન આપી શક્વાને અસમર્થ હોય છે. વૈજ્ઞાનિક સાહિત્યની સદાય ઉણપ રહી છે ખાસ કરીને આપણી ભાષામાં...! અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય સમાજ્ના દરેક વર્ગને લાગુ પડે તેવુ હોતુ નથી અને તેમાંની ઘણી ખરી માહિતી પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર હોય છે આથી ભારતીય પરિવારોને ઘણી સલાહ અનુચિત પણ લાગે છે. ઘણી વેબ સાઈટ પરની માહિતી ઘણી વખત પ્રાયોજકનું વ્યવાસાયિક હિત જાળવવા વૈજ્ઞાનિક માહિતી સાથે ચેડા પણ કરે છે. આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્ત્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરુરી જ્ઞાન પીરસે તેની અત્યંત જરુરિયાત અનુભવાઈ રહી છે. આ જરુરીયાત ને સંતોષવા મારા પ્રથમ પુસ્તક ´ માતૃત્વની કેડી એ ’ નું સર્જન કર્યુ અને તેની અપાર સફળતા પછી દૂર-સૂદૂર ના લોકોને ઘેર બેઠા વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડીયો તથા વિડીયો સાથે આ માહિતી આપવાના હેતુ થી આ વેબ સાઈટ નું સર્જન થયુ છે.
વેબ સાઈટમાં સગર્ભાવસ્થાની વિવિધ સારસંભાળ(આહાર-યોગ-મેડીકલ તપાસ- ભયજનક અવસ્થાઓ)- ડીલીવરી(સીઝેરીયન/નોર્મલ) વિશે, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ માટે ની વિવિધ તૈયારી (ક્પડા- સાધનો–રમક્ડા-જરુરી ઘર વપરાશની ચીજો) , નવજાત શિશુ માટેની સંભાળ (સ્તન પાન-ચેપથી બચાવ-કાંગારુ મધર કેર- નવડાવવા અને માલિશ વિશે ), નિઃસંતાન દંપતિ માટે સૂચનો જેવા અનેક વિવિધ વિભાગ ખૂબ સુંદર રીતે અપાયેલ છે. વળી જો વાચક મિત્ર ને કોઈ પ્રશ્ન હોય તો તે પૂછવા માટે વિભાગ અને ડીલીવરીની સંભવિત તારીખ ગણતરી માટે ખાસ ગેઝેટ પણ છે.
bal-rasikaran.com વિશે
વૈજ્ઞાનિક સંશોધનોની હરણફાળે રક્ષણ આપતી અનેક રસીઓ શોધી કાઢી છે પરંતુ આ લિસ્ટ લાંબુ થતુ ગયુ તેમ માતા-પિતાને માટે મૂંઝવણો પણ વધતી ચાલી છે. આવા સમયે બાળરોગ ચિકિત્સકો અને રસીકરણ કરતા તમામ ડોક્ટર મિત્રો પાસે માતા-પિતા એક સાચી સલાહની અપેક્ષા રાખે છે. પરંતુ દરેક રસીકરણ અંગે અનેક પાસાઓ જેમકે બાળકને તે રોગ થવાનુ જોખમ, ખર્ચનુ આર્થિક પાસુ, રસીની અસરકારકતા અને રસી વિશે હાલના તબક્કે ઉપલ્બ્ધ વૈજ્ઞાનિક સલાહ વિ. ને વિસ્તૃત રીતે સમજાવવુ સમયની વ્યસ્તતાને લીધે લગભગ અશક્ય હોય છે. રસીકરણ વિશે નિષ્પક્ષ અને સાચી વૈજ્ઞાનિક માહિતી આપતા પુસ્તકો અંગ્રેજી માં અને મેડીકલ ભાષા માં હોવાથી આપણે દર્દીઓને આવુ કોઈ સાહિત્ય આપી શકતા નથી. જેથી માતા-પિતા ને પોતાને ઉદભવતા પ્રશ્નો નુ નિરાકરણ થતુ નથી. આમ આ સંદર્ભે સરળ શબ્દોમાં કામની વાત કરે તેવા લોક ભોગ્ય સાહિત્ય ની ખૂબ તાતી જરુરીયાત મને જણાય છે.
આ રસીકરણ અંગેની વેબસાઈટ તમામ નવી અને જૂની રસીઓ – તેમનાથી કયા રોગ અટકાવી શકાય – તે રોગના લક્ષણો – રસી વિશે ની વિગતો – માતાપિતાને ધ્યાનમાં લેવાની બાબતો – રસીકરણ નો દુઃખાવો કેમ ઘટાડી શકાય રસીઓના શોધકો વિશે – રસીકરણ વિશેના પ્રશ્નો અને વિવિધ દેશો ના રસીકરણ પત્રકો જેવા પાસા આવરીલે છે.
વેબસાઈટની ખાસ વિશેષતા તેમાં અપાયેલ રસીકરણ કેલેંડર છે કે જેમાં માત્ર બાળકની માત્ર જન્મ તારીખ દાખલ કરતાજ તેને જન્મ થી 15 વર્ષની ઉંમર સુધી દેવી પડતી તમામ રસીઓની તારીખ આવી જાય છે. જે માતા પિતાને ખૂબ ઉપયોગી થશે.
આ વેબસાઈટ મુખ્યત્વે અનેક તટસ્થ વૈજ્ઞાનિક પુસ્તકો, ભારત સરકારશ્રી દ્વારા સૂચિત રસીકરણ માર્ગ દર્શિકાઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા પ્રકાશિત સાહિત્યના આધારે સંકલિત માહિતી છે જેને મેં માતા પિતાના દ્રષ્ટિકોણને અનુલક્ષી પીરસી છે.રસીકરણ વિશે અનેક ઉપયોગી વિડીયો અને અનેક જ્ઞાનવર્ધક વિભાગો છે.
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.
- ડો.મૌલિક શાહ
એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)