મારા એક મિત્રનુ બાળક 4 વર્ષનુ છે જે એક જાણીતી સ્કૂલમાં એલ.કે.જી(lower kinder garden)માં અભ્યાસ કરે છે. બાળકને એક દિવસથી જરા શરદી-ઉધરસ-તાવ થયા જે કોઈપણ વાઈરલ રોગના સામાન્ય લક્ષણો ગણી શકાય.
આ બાળકને તેની મમ્મી લઈને ગઈ સ્કૂલે ..! સ્કૂલમાં બાળકને શરદી-ઉધરસ જોઈ સ્કૂલ સત્તાવાળાઓ એ બાળકને સારુ ન થાય ત્યાં સુધી ઘેર લઈ જઈ ને મેડીકલ તપાસ તથા ઈલાજ કરાવવાની માતાને વિનંતી કરી. માતાએ કહ્યુ આ તો સામાન્ય બિમારી છે અને હુ કંઈ નથી કરવાની. સ્કૂલ સત્તાવાળાઓએ કહ્યુ કે અમોને ઉપરથી આદેશ છે કે હાલ સ્વાઈન ફ્લુના સંક્રમણને ધ્યાનમા રાખીને આવા શરદી-ઉધરસ વાળા બાળકોને શાળામાં ન આવવા કહેવુ જેથી અન્ય બાળકોને ચેપ ન લાગે.
બસ આ મમ્મી ઉગ્ર બની ગયા તેમની દલીલ હતી. અમે ક્યાય બહારગામ કે વિદેશ નથી ગયા તો અમારા બાળકને થોડો સ્વાઈન ફ્લુ હોય ! તમે જો બાળકને આવી રીતે ઘેર લઈ જવાનુ કહેશો તો એના ભણતર પર ખરાબ અસર પડશે. વળી બાળકની આજે ડ્રોઈંગ ટેસ્ટ લેવાના છે તો તેના માર્કનુ શું ...!!
સાદી શરદી જ છે અને એવુ તો ઘણા બાળકોને હોય છે તમે એને ના પાડશો તો બધાને લાગશે કે શું આ બાળકને સ્વાઈન ફ્લુ છે .!! હું તમારી શાળા શિક્ષણાધિકારીને ફરિયાદ કરીશ એના પપ્પાને તો શિક્ષણ વિભાગમાં પણ ઓળખાણ છે.
બિચારા શાળા સંચાલકોએ અંતે નમતુ જોખ્યુ અને બાળકને અલગ ઓરડામાં ડ્રોઈંગ ટેસ્ટ અપાવી ! ( આમ તો એક રીંગણાના ચિત્રમાં કલર જ ભરવાનો હતો...!) આ મમ્મી પછી સાંજે મળી એની મિત્રોને અને એ સભામાં એમની આ વાત અને તેમાં તેમની શાળાને ધમકાવવાની સિધ્ધિ વિશે અન્યોને જાણ કરી.!
અન્ય બહેનો એ આમાથી શું શિખ લીધી એ તો રામ જાણે પણ મને કેટલાક મુદ્દાઓ આપ સૌ સમક્ષ રજૂ કરવાની જરુરિયાત ખરેખર લાગી...!
વિચારવા લાયક મુદ્દાઓ...
1. હંમેશા હવા માં છીંક કે ખાંસી દ્વારા ફેલાયેલા સૂક્ષ્મ વિષાણુ ના અન્ય મનુષ્યમાં દાખલ થવાથી વાઈરલ ઈન્ફેકશન થતુ હોય છે. આ સિવાય આ વિષાણુઓ જો અન્ય વસ્તુ પર લાગેલા હોય તેના વાળો હાથ જો આંખ કે નાકને અડે તો લાગી શકે. આથી કોઈપણ જગ્યા કે જ્યાં છ ફીટથી ઓછા અંતરે મનુષ્યો એકઠા થશે ત્યાં સહુ કોઈ પોતાના વાઈરસની ગીફ્ટ અન્યને આપશે !! આ જગ્યા ઓફિસ- ઘર- સિનેમા હોલ કે સ્કૂલ હોઈ શકે. સ્કૂલમાં આ માટે આદર્શ વાતાવરણ છે. ઘણી ખરી સ્કૂલમાં નાના કલાસરુમમાં સારી એવી વિદ્યાર્થી સંખ્યા હોય છે. એકબીજાને ભેટવામાં-લડવામાં-એક બીજાના લંચ બોકસ માંથી ખાવામાં કે એક જ બોટલ કે પ્યાલામાંથી પાણી પીવામાં એમને આભડછેટ નથી !!
2. કોઈપણ વાઈરસજન્ય રોગમાં માનવ શરીરને સંપૂર્ણ સાજા થતા 5-7 દિવસ થઈ જાય છે. આ સમય દરમ્યાન પૂરતી-ઉંઘ-આરામ-પોષક આહાર જરુરી છે. આવુ ન કરવાથી ઘણી વાર બિમારી લંબાઈ જાય છે.
તકસાધુ બેકટેરીયાનુ સંક્રમણ પણ આવા સમયે થવા સંભવ છે. અને સાદી શરદી ગંભીર ન્યુમોનિયામાં પરિણમે છે.
3.બે કે ત્રણ દિવસની સ્કૂલ કે શરુઆતી ધોરણની પરિક્ષાના નામે બિમારીના સમયે બાળકને ધરારથી સ્કૂલે મોકલવાથી બાળકને માનસિક ત્રાસ પણ વેઠવો પડે છે. શિસ્ત અને અનુસાશનના નામે બાળકને પરાણે ભણવુ પડે છે.