સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Showing posts with label gujarati baby care. Show all posts
Showing posts with label gujarati baby care. Show all posts

Sunday, March 20, 2011

વિશ્વની સૌપ્રથમ માતૃત્વ અને શિશુસંભાળ તથા રસીકરણ અંગેની ગુજરાતી વેબ નું વિમોચન્.


સહર્ષ જણાવવાનું કે સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં મારા દ્વારા રચિત
1.       માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ – gujmom.com
2.       બાળકોનાં રસીકરણ અંગેની વેબ સાઈટ – bal-rasikaran.com
3.       “બાળકોનું રસીકરણ” પુસ્તક
ના વિમોચન નો પ્રસંગ જામનગર ખાતે તા. 19-3-2011 ના યોજેલ જેમાં પ્રોફેસર વસુબેન ત્રિવેદી ના વરદ હસ્તે વેબ સાઈટ અને પુસ્તકો રીલીઝ થયા.



gujmom.com વિશે
સગર્ભાવસ્થાથી જ અનેક સપનાઓથી અંજાયેલ આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઉમટી ઉઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરુર પડે છે માર્ગદર્શક મિત્રો- તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની...! પરંતુ આવા મિત્રો હોવાનું સદભાગ્ય દરેક વ્યક્તિને સાંપડતુ નથી. વળી તબીબ મિત્રો પોતાના વ્યસ્ત સમયમાં દરેક નાની બાબતોનું ઝીણવટભર્યુ માર્ગદર્શન આપી શક્વાને અસમર્થ હોય છે. વૈજ્ઞાનિક સાહિત્યની સદાય ઉણપ રહી છે ખાસ કરીને આપણી ભાષામાં...! અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય સમાજ્ના દરેક વર્ગને લાગુ પડે તેવુ હોતુ નથી અને તેમાંની ઘણી ખરી માહિતી પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર હોય છે આથી ભારતીય પરિવારોને ઘણી સલાહ અનુચિત પણ લાગે છે. ઘણી વેબ સાઈટ પરની માહિતી ઘણી વખત પ્રાયોજકનું  વ્યવાસાયિક હિત જાળવવા વૈજ્ઞાનિક માહિતી સાથે ચેડા પણ કરે છે. આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્ત્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરુરી જ્ઞાન પીરસે તેની અત્યંત જરુરિયાત અનુભવાઈ રહી છે. આ જરુરીયાત ને સંતોષવા મારા પ્રથમ પુસ્તક ´ માતૃત્વની કેડી એ ’ નું સર્જન કર્યુ અને તેની અપાર સફળતા પછી દૂર-સૂદૂર ના લોકોને ઘેર બેઠા વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડીયો તથા વિડીયો સાથે આ માહિતી આપવાના હેતુ થી આ વેબ સાઈટ નું સર્જન થયુ છે.
વેબ સાઈટમાં  સગર્ભાવસ્થાની વિવિધ સારસંભાળ(આહાર-યોગ-મેડીકલ તપાસ- ભયજનક અવસ્થાઓ)- ડીલીવરી(સીઝેરીયન/નોર્મલ) વિશે, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ માટે ની વિવિધ તૈયારી (ક્પડા- સાધનો–રમક્ડા-જરુરી ઘર વપરાશની ચીજો) , નવજાત શિશુ માટેની સંભાળ (સ્તન પાન-ચેપથી બચાવ-કાંગારુ મધર કેર- નવડાવવા અને માલિશ વિશે ), નિઃસંતાન દંપતિ માટે સૂચનો જેવા અનેક વિવિધ વિભાગ ખૂબ સુંદર રીતે અપાયેલ છે. વળી જો વાચક મિત્ર ને કોઈ પ્રશ્ન હોય તો તે પૂછવા માટે વિભાગ અને ડીલીવરીની સંભવિત તારીખ ગણતરી માટે ખાસ ગેઝેટ પણ છે.
bal-rasikaran.com વિશે
 વૈજ્ઞાનિક સંશોધનોની હરણફાળે રક્ષણ આપતી અનેક રસીઓ શોધી કાઢી છે પરંતુ આ લિસ્ટ લાંબુ થતુ ગયુ તેમ માતા-પિતાને માટે મૂંઝવણો પણ વધતી ચાલી છે. આવા સમયે બાળરોગ ચિકિત્સકો અને રસીકરણ કરતા તમામ ડોક્ટર મિત્રો પાસે માતા-પિતા એક સાચી સલાહની અપેક્ષા રાખે છે. પરંતુ દરેક રસીકરણ અંગે અનેક પાસાઓ જેમકે બાળકને તે રોગ થવાનુ જોખમ, ખર્ચનુ આર્થિક પાસુ, રસીની અસરકારકતા અને રસી વિશે હાલના તબક્કે ઉપલ્બ્ધ વૈજ્ઞાનિક સલાહ વિ. ને વિસ્તૃત રીતે સમજાવવુ સમયની વ્યસ્તતાને લીધે લગભગ અશક્ય હોય છે. રસીકરણ વિશે નિષ્પક્ષ અને સાચી વૈજ્ઞાનિક માહિતી આપતા પુસ્તકો અંગ્રેજી માં અને મેડીકલ ભાષા માં હોવાથી આપણે દર્દીઓને આવુ કોઈ સાહિત્ય આપી શકતા નથી. જેથી  માતા-પિતા ને પોતાને ઉદભવતા પ્રશ્નો નુ નિરાકરણ થતુ નથી. આમ આ સંદર્ભે સરળ શબ્દોમાં કામની વાત કરે તેવા લોક ભોગ્ય સાહિત્ય ની ખૂબ તાતી જરુરીયાત મને જણાય છે.
આ રસીકરણ અંગેની વેબસાઈટ તમામ નવી અને જૂની રસીઓ – તેમનાથી કયા રોગ અટકાવી શકાય – તે રોગના લક્ષણો – રસી વિશે ની વિગતો – માતાપિતાને ધ્યાનમાં લેવાની બાબતો – રસીકરણ નો દુઃખાવો કેમ ઘટાડી શકાય રસીઓના શોધકો વિશે – રસીકરણ વિશેના પ્રશ્નો અને વિવિધ દેશો ના રસીકરણ પત્રકો જેવા પાસા આવરીલે છે. 
વેબસાઈટની ખાસ વિશેષતા તેમાં અપાયેલ રસીકરણ કેલેંડર છે કે જેમાં માત્ર બાળકની માત્ર જન્મ તારીખ દાખલ કરતાજ તેને જન્મ થી 15 વર્ષની ઉંમર સુધી દેવી પડતી તમામ રસીઓની તારીખ આવી જાય છે. જે માતા પિતાને ખૂબ ઉપયોગી થશે.
 આ વેબસાઈટ મુખ્યત્વે અનેક તટસ્થ વૈજ્ઞાનિક પુસ્તકો, ભારત સરકારશ્રી દ્વારા સૂચિત રસીકરણ માર્ગ દર્શિકાઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા પ્રકાશિત સાહિત્યના આધારે સંકલિત માહિતી છે જેને મેં માતા પિતાના દ્રષ્ટિકોણને અનુલક્ષી પીરસી છે.રસીકરણ વિશે અનેક ઉપયોગી વિડીયો અને અનેક જ્ઞાનવર્ધક વિભાગો છે. 


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Saturday, April 17, 2010

બાળકનું નામ કેવી રીતે પસંદ કરવુ ??




બાળકનો જન્મ થતા અનેક ખુશી આવે અને હરખની હેલી ઘર- પરિવારમાં ફરી વળે.!! હવે ચાલુ થાય નામની શોધ... પહેલા આ માટે ફૈબા પર આધાર રખાતો અને ફૈબાનો આ અબાધિત અધિકાર આ સિવાય ધર્મ ગુરુ- ઘરના વડીલ વિ. પણ થોડા અંશે ભોગવતા..! હવે જમાનો બદલાયો મા બાપનો રોલ મહત્વનો બન્યો અને શિશુ જન્મની શરુઆતી પળોમાંથી પરવારે કે ચાલુ થાય એક મહાન ખોજ- ‘ધ નેમ હન્ટ' ...!
આ વાંચવા વાળા ઘણા ખરા અનુભવી મા-બાપ કદાચ મીઠા-ખાટા કે થકાવી નાખનારા સંભારણામાં ડૂબી જતા હોય છે. પણ આજે મારી અમર નામ યાત્રા એ વિષય પર હાસ્ય નિબંધ નથી લખવો એ કામ કદાચ શાહબુદ્દીન રાઠોડ કે અશોક દવે માટે છોડવા યોગ્ય છે.! આજે તો ખરેખર નવા માતા-પિતાની આ મુશ્કેલી હળવી કરવી છે અને મદદરુપ ટીપ્સ આપવાની છે.

નામ રાખવાની પ્રક્રિયામા પહેલા કેટલાક સિધ્ધાંતો નક્કી રાખવા.

1. નામ રાશિ મુજબ રાખવુ છે કે નહી તે નક્કી કરી જો રાશિ મુજબ રાખવુ તો જન્મ સમય પ્રમાણે રાશિ ચોક્ક્સ કરો.
2. બહુ લાંબા કરતા ટૂંકૂ નામ પસંદ કરો વધુમાં વધુ ચાર અક્ષરવાળુ પસંદ કરવુ.
3. નામ જો અર્થપૂર્ણ હોય તો વધુ સારુ.
4. પસંદગીના નામને પિતાના નામ તથા સરનેમ સાથે લખીને જોઈ લેવુ તથા ટૂકમાં(initials) લખતી વખતે પણ સારુ લાગવુ જરુરી છે.
5. મોર્ડન નામ કે અંગ્રેજી નામ પસંદ કરતા પહેલા તેના અર્થ અને શક્ય અપભ્રંશ વિશે વિચારી લેવુ.
6. અન્ય ભાષાના નામો પસંદ કરતી વખતે ઉચ્ચારણ અને સ્પેલીંગ જોઈ લેવા.

નામ પસંદ કરવાના ઉપયોગી સ્ત્રોત....
1. પરિવાર-મિત્ર વર્તુળ 
2. પુસ્તક
3. ઈન્ટરનેટ - વેબસાઈટ
4. ટી.વી.-ફિલ્મો.

પરિવાર-મિત્રવર્તુળ...
સામાન્ય રીતે પરિવાર અને મિત્રવર્તુળ ખૂબ ઉપયોગી થશે ખાસ કરી ભારતમાં કે જ્યાં હજુ પણ સંયુકત પરિવારો છે. દરેક પરિક્ષામાં સીનિયર જેમ જુનિયરને મદદરુપ થાય તેમ આમાં પણ નામનુ સૂચન મળી રહે તો ઘણી કસરતમાંથી બચી જવાય છે. મિત્રોમાં પણ ‘નાગર મિત્રો' આમાં ખૂબ મદદરુપ થાય છે. નવા નામો અને અનોખા નામો પાડવામાં તેમનો કોઈ જવાબ નથી.! આવા કોઈ મિત્રને કામે લગાડવામાં કોઈ વાંધો નહી.!! બસ ક્યારેક બોલવામાં-લખવામાં કે સમજવામાં ભારે નામ આવી ન જાય તે ધ્યાન રાખવુ.!

પુસ્તકો- (Books)
ગુજરાતી ભાષામાં નામ પાડવા માટે ખૂબ જ ઓછા (વધુમાં વધુ ત્રણ કદાચ...) ઉપલ્બ્ધ છે વળી સમય અનુસાર આમાં કોઈ મોટો ફેરફાર આવેલો નથી અને નવા નામોની ઘણી વાર આમાં એન્ટ્રી થતી નથી.. જાણીતા પુસ્તકો નીચે મુજબ છે.
1. મોહક બાળ નામાવલિ - લેખક - યશ રાય - ગાલા પ્રકાશન
2. ચંદ્રકાંત બક્ષીના નવા નામો - લેખક ચંન્દ્રકાંત બક્ષી
3. આધુનિક નામાવલી - લેખક અનંતભાઈ વ્યાસ
                                   આ પુસ્તકો બધા લીડિંગ બુક શોપ્સ પર મળી જ જશે.

 ઈંટરનેટ - વેબ સાઈટ
ઘણી બધી (ગૂગલ સર્ચ મુજબ - 53,100,000!!! ) જેટલા વેબ પેજ માત્ર ઈંડીયન બેબી નેમ વેબ સાઈટ માટે સર્ચ કરતા મળી આવે છે. પરંતુ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નામો રાખવા અને તેમા પણ વિવિધતા જેમકે રાશિ - છોકરો કે છોકરી- ધાર્મિક નામ - અર્થપૂર્ણ નામ - ટ્વીન (જોડકા) માટે ના નામ ગોતવા ઘણા અઘરા હોય છે. આથી જેતે વેબ સાઈટ કદાચ આપણો મતલબ પાર ન પણ પાડે..!  તો આપનો સમય બચાવવા ઉપયોગીતાના ક્રમ અનુસાર આ વેબ સાઈટસ ને મારી દ્રષ્ટિએ નીચે મુજબ ગોઠવી શકાય.


ક્રમ

વેબ સાઈટ લિંક

વિશેષતા / ટીપ્પણી

1.

http://www.bachpan.com/

પસંદગી નો અવકાશ - સરળ આયોજન        - ગુજરાતી માં પણ

2.

http://babynames.indobase.com/

પસંદગીનો વિશાળ અવકાશ- સરળ આયોજન
ભારતીય નામો ની વિપુલતા  ... 

3.

http://www.indiaparenting.com/names/

વિવિધ રાશિ - ધર્મ અનુસાર પસંદગી
ઉપલબ્ધ નામો

4.

http://www.hiren.info/indian-baby-names/

કલેક્શન સારુ છે.

5.

http://www.indianhindunames.com/

પસંદગી થોડી ઓછી - પ્રેઝેંટેશન ગીચ

6.

http://www.wegujarati.com/kidsnames.asp


પસંદગી ઓછી પણ સરળતા વધુ .

આ વેબ સાઈટસ એકદમ યુઝર ફ્રેંડલી છે અને આપની જરુરત મુજબ વિકલ્પ મળી રહેશે.
આશા છે આ લેખ આપને ઉપયોગી થશે અને આપના શિશુને સુંદર નામ આપી શકશો.




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.
- ડો.મૌલિક શાહ
એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
જામનગર (ગુજરાત)

Wednesday, January 6, 2010

બાળ રસીકરણ વિષે માતા પિતાએ જાણવા લાયક સામાન્ય વાતો

to see enlarged HTML Format please click on the image.
વધુ મોટુ વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરો.

Monday, November 23, 2009

MUSIC THERAPY - 1

મિત્રો
સંગીત એક મહાન કલા જ નહિ પણ સંજીવની છે અને સંગીતના ઉપયોગથી કોઈપણ મનુષ્યને શાંતિ અને આરામ આપી શકાય છે અને ગર્ભસ્થ શિશુ કે નવજાત શિશુ પણ આમાંથી બાકાત નથી. પૌરાણિક કાળની મહાભારતની વાતમાં અભિમન્યુ જ્યારે માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે પણ તેણે સાંભળેલ યુધ્ધ્કલા નો તેણે ઉપયોગ સમયાંતરે કર્યો અને અમર થયો. આ વાત આડકતરી રીતે મ્યુઝિક થેરાપીના વિજ્ઞાનને સમર્થન કરે છે. હાલના સમયમાં આ વિષય પર ઘણુ સંશોધન થયુ છે અને હવેથી કુલ ત્રણ લેખની શ્રુંખલામાં હું પ્રયાસ કરીશ કે આ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક બેકગ્રાઉંડ અને મજાની વાતો રજૂ કરુ...

લેખ પર ક્લિક કરો અને વધુ મોટુ html ચિત્ર વાંચો.
please click on the picture and read larger HTML VERSION.





હવે માણો આ સુંદર વૈજ્ઞાનિક વિડીયો જે આપના મનમાં મ્યુઝિક થેરાપી વિશે વધુ ઉત્કંઠા ભરી દેશે.




Wednesday, November 4, 2009

મિલેનીયમ બેબી


વાત છે 31 ડીસેમ્બર 1999 ના દિવસની... ચારેકોર ચર્ચા હતી આવનાર વર્ષ 2000 ની ..! અને મિલેનીયમ યર તરીકે બહુમાન પામીને આ વર્ષ કંઈ અલગ જ રીતે લોકજીભે ચડેલુ હતુ. અખબારો માં જ્યોતિષ કોલમ થી ગોસીપ કોલમ અને પેજ થ્રી પર બધે આવનાર વર્ષ અને તેના સ્વાગતની પાર્ટી વિશે ની ભરમાર હતી. સામાન્ય રીતે શિયાળાની સર્દ ગણાતી એ 31 ડીસેમ્બરની રાત ખરેખર ગરમા ગરમ બની જાય તેવી અવનવી થીમ વાળી પાર્ટીની જાહેરાતોથી શહેરની બધી હોટલો ચમકતી હતી. જોકે આજે 31 ડીસેમ્બર છે તેની જાણ મને સવારે નવજાત શિશુ વિભાગમાં દર્દી તપાસી ને કેસ પેપરમાં તારીખ લખતી વખતે જ થઈ હતી!! આમ પણ નવજાત શિશુ વિભાગમાં જુનિયર રેસીડેન્ટ માટે તો બધી ઋતુ અને બધા દિન સરખા હોય છે. ડ્યુટી ડે અને નાઈટ પછી આજે મારો ઓફ છે કે નહી એટલુ જ યાદ રહેતુ હોય છે.! ખેર તે દિવસે સવારે જ નાસ્તો કરતી વખતે જ્યારે ડ્યૂટી લિસ્ટ બનાવાઈ રહ્યુ હતુ ત્યારે મિત્રોએ મને કેવી હળવી રીતે આજની ડ્યૂટીમાં મને ફીટ કરી દીધો તેનુ ભાન પણ એ પછી થી થયુ!! જોકે કોઈ એકને ડ્યૂટી પર રાખી જલસા મારવા જવુ આમતો અમારી ટોળકીની પરંપરા ન હતી પરંતુ શું થાય નવજાત શિશુ વિભાગની પરિસ્થિતિ જ કંઈ એવી હોય છે કે એક નુ બલિદાન ન હોય તો બધાને જીવતદાન ન મળે ...!
ડયૂટી ની એ રાત્રિએ હું વોર્ડ પર પહોચ્યો ત્યારે મારી સાથે મારી સીનીયર જીગીષા ની પણ ડ્યૂટી હતી. વોર્ડ માં દર્દીની સખ્યા પણ રોજીંદાથી થોડી ઓછી હતી અને બધા દર્દી ની હાલત સ્થિર હતી. એટલે હુંને જીગીષા વાતે વળગ્યા બંને ને થોડો ઘણો 31 ડીસેમ્બર – મિલિનીયમ નાઈટ ચૂકી જવાનો રંજ ખરો એટલે કંઈ કરવાનો વિચાર કર્યો . જિગીષા તેની રુમ પરથી ઝટપટ જઈને દિવાળી દરમ્યાન ન વપરાયેલો ડેકોરેશન સામાન લઈ આવી. અમે બંને એ વિચાર્યુ નવા વર્ષનુ સ્વાગત કંઈ અનોખુ કરવુ અને નવા વર્ષે આવનાર પ્રથમ શિશુને એક રાજકુમાર જેવુ સ્વાગત આપવુ! બસ લાગી પડ્યા અમે એક બેબી ટ્રાન્સ્પોર્ટ ટ્રોલીને સુંદર શણગારી અને એક રથ સમાન ફેરવી કાઢી. નવજાત શિશુને વળી કંઈ ભેટતો આપવી પડે ને ! એટલે બંને એ 20 -20 રુપિયા કાઢ્યા (રેસીડેંસી ના દિવસો માં એટલાજ પરવડે તેમ હતા ! ) અને એક સ્વેટર – ટોપીનો સેટ ખરીદયો. વોર્ડના દ્વારે ફૂગ્ગા ટાંગ્યા અને પાછા કામે વળગ્યા . હવે અમને ઈંતેજાર હતો 12 ના ટકોરા પછી આવનારા પ્રથમ મહેમાનનો કે જેનુ સ્વાગત કરીને અમો પણ અમારી પાર્ટી કરશુ એવુ વિચાર્યુ હતુ.
અમારે હોસ્પીટલમાં લેબરરુમ(પ્રસુતિ કક્ષ ) નવજાત શિશુ વિભાગની બરોબર સામે છે એટલે નવજાત શિશુને તાત્કાલિક સારવાર મળી રહે. બરોબર 11ને 35 મિનિટે લેબર રુમ માંથી કોલ આવ્યો અને બંદા રીસસીટેશન માટે ના સાધનો લઈ દોડ્યા!! મેં પહોંચીને જોયુ તો કોઈ પેશન્ટની ડીલીવરી ન્હોતી થઈ રહી . પ્રસુતિ વિભાગના નાઈટ ડ્યૂટી ના ડોકટરો એ મને માત્ર એપ્રીલ ફૂલ બનાવવા મજાક કરી હતી. એ રાત્રે પ્રસુતિ વિભાગના ગગન ભાઈ ડ્યૂટી પર હતા મને કહે કે યાર આતો પાર્ટી માટે કેક મગાવવી હતી એટલે તમારા લોકોનો ફાળો એકત્રિત કરવા જ તને બોલાવ્યો હતો જો એમજ બોલાવ્યો હોત તો તુ કલાકે આવેત એટલે આ રસ્તો અપનાવ્યો !! વેલ સાથે ડ્યૂટી કરતા ડોક્ટર મિત્રો માં આવો મજાક વ્ય્વહાર તો હોય છે એટલે મેં કેક માટે અમારો ફાળો નોંધવ્યો અને પૂછ્યુ કે હવે ડીલીવરી સાચ્ચે સાચ કયારે થવાની છે તો અમે તૈયાર રહીએ . ગગનભાઈ કહે યાર બે વાગ્યે કદાચ આ બેનને થશે. બિચારી કયારની પીડાતો અનુભવી રહી છે. વેલ સાચુ કહુ તો એ બહેન જેટલી જ પીડા ત્યારે મને થઈ કારણ કે મારે તો શિશુ નુ સ્વાગત બારના ટકોરા પછી જેટલુ જલ્દી બને એટલુ કરવુ હતુ આખરે મિલેનીયમ યરની શરુઆતની જ તો મજા હોય છે. ખેર ઈશ્વર ના હાથની વસ્તુ માં આપણે શું કરી શકીએ ?
11-58 મિનિટે ફરી લેબરરુમના આયાબેન પધાર્યા – સાહેબ બેબી કોલ છે ...! મારી બરોબરની છટકી કે યાર આ શુ મસ્તી સુઝી છે . એટલે ખખડાવવાના ભાવ સાથે હું લેબરરુમમાં પ્રવેશ્યો ! અને જોયુ તો જે બહેનની ડીલીવરી બે વાગ્યે થવાની હતી તેના બાળકનુ માથુ બહાર આવી ચૂક્યુ હતુ અને પ્રસુતિ પૂર્ણ થવાના આરે હતી ! આ એક અચાનક થયેલી ડીલીવરી- precipitated Labour હતી જેના માટે મારા જેટલાજ અચંબિત પ્રસુતિ વિભાગના ડોક્ટરો હતા!! . મેં ઝટપટ બાળકનો કબ્જો સંભાળી તેની શરુઆતી સારવાર કરી શિશુએ સુંદર રુદન કર્યુ અને ઘડીયાળ નો સમય 12-01 બતાવતો હતો. મિલેનીયમ યરના પ્રથમ ટકોરે લક્ષ્મીજી પધાર્યા હતા. લેબરરુમની બારીમાંથી બાહર ફૂટી રહેલા ફટાકડાનો પ્રકાશ લેબરરુમને વધુ પ્રકાશિત કરી રહી હતી. જાણે કે પ્રકૃતિ પણ શિશુને વધાવી રહી હતી ...! અમે સૌ ડોક્ટરો ભાવવિભોર બન્યા અને ઈશ્વરની કરામતને નિહાળી આનંદિત બન્યા. લેબરરુમ માંથી શિશુને હવે વાજતે – ગાજતે શણગારેલી ટ્રોલી માં નવજાત શિશુ વિભાગમાં લઈ જવાનુ હતુ. મેં શિશુની માતાને અભિનંદન આપ્યા અને તેના પિતા પાસે શિશુને પહેરાવવા માટે ઝભલુ લાવ્યા હોય તો આપવા કહ્યુ તો તેની આંખમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યુ ગામથી પહેરે લૂગડે આવેલા છીએ અને પૈસા પણ નથી! વેલ આજે અમારા રાજકુમારી ની સરભરાના અમારા આનંદમાં ગરીબી આડે આવે એ શક્ય ન હતુ તુરંત નવા કપડાનો સેટ પણ અમારા તરફથી આપવામાં આવ્યો અને ત્યારબાદ સ્વેટર વિ. પણ પહેરાવી અને શણગારીત રથમાં ચાલી નીકળ્યા. તાલીઓનો ગડગડાટ – સીટી અને હર્ષોલ્લાસ થી થઈ રહેલા ચિત્કારોને લીધે આજુ બાજુના ત્રણે વોર્ડના દરદી અને સગાવ્હાલા પણ આ આનંદોત્સવને નિહાળી રહયા હતા અને એક નાની રાજકુમારી પર આશીર્વચનોને જાણે ચારે કોરથી ફૂલવર્ષા થઈ રહી હતી! સહુ કોઈ શિશુને જાણે સ્ટેન્ડીંગ અવેશન આપી રહ્યા હતા.
અમારી રાજકુમારીની વધામણી રુપે અમે સહુએ પછી કેક ને ન્યાય આપ્યો અને શિશુના માતા પિતાએ પણ કદ્દાચ એમના જીવનની પ્રથમ કેક ખાધી ! . એ વેળાએ તેમની આંખો માં તરવરતો કૃતજ્ઞતા અને સંતોષનો ભાવ જોઈ અમે ધન્યતા અનુભવી અને જાણે જીવનની સૌથી શાનદાર પાર્ટી માણી હોય તેટલી મજા પડી !! થોડી વારમાં તો ખબરનહી ક્યાંથી પ્રેસ અને મિડીયાકર્મીઓ નુ ધાડુ આવી પહોંચ્યુ અને અમારી રાજકુમારી અને તેનો રથ બીજા દિવસે બધા અખબારો ના ફ્રન્ટ પેજ પર હતી !! અમારા સહુના નામ સહિત એ રાતની એ વાત આખાએ શહેરે માણી હતી.! જોકે વધુ આનંદિત થવાય તેવી વાત અખબારના બીજા પાના પર હતી જેમાં વિવિધ સંસ્થાઓ અને સરકારના મહિલા અને બાળકલ્યાણ તથા અનેક ખાતાઓએ કરેલ આયોજન અનુસાર શહેર માં મિલેનીયમ યરમાં પ્રથમ જન્મેલ શિશુ તરીકે અમારી રાજકુમારી લગભગ ત્રણેક લાખ રુપિયાના ઈનામની હકદાર બની હતી !!! મને રાત્રે ચિંથરે હાલ જોયેલા ગરીબ માબાપ યાદ આવી ગયા!! ખરેખર તેમના ઘરે લક્ષમીજી પધાર્યા હતા!! અમારુ મિલેનીયમ બેબી અમને પણ યાદગાર અનુભવની ભેટ આપી ગયુ જે કદાચ કોઈ પણ પાર્ટી ન આપી શકી હોત.

મૌલિક શાહ
4-10-2009.

Thursday, September 24, 2009

કાંગારુ માતૃસુરક્ષા (Kangaroo Mother Care)

પ્રસ્તુત છે ગુજરાતી લેખન... સ્ક્રોલ કરી વાંચો ...

Kangaroo Mother Care



કાંગારુ માતૃ સુરક્ષા સમજો - સરળ વિડીયો થી...




સાંભળૉ એક અભણ માતાએ કેમ બચાવ્યુ પોતાનુ અત્યંત નબળુ બાળક કાંગારુ માતૃ સુરક્ષા વડે...




આપનો અભિપ્રાય આપશો.

Wednesday, August 5, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ (1 થી 7 ઓગષ્ટ) - લેખ -3

સ્તનપાન સંબંધી ગેરમાન્યતાઓ (BREAST FEEDING related MYTHS)
મિત્રો આરોગ્યલક્ષી બાબતોમાં તો ભાઈ જેટલા મોં એટલી વાત ! લોકો પોતાની અજ્ઞાનતા અન્ય પર ઠોકી બેસાડવામાં કંઈ બાકિ નથી રાખતા.. અને તે પણ ખૂબ જ્ઞાની જન ની જેમ્.! આવી જ અનેક ગેરમાન્યતા સ્તનપાન વિશે પ્રવર્તે છે. આજે પ્રયાસ કરુ છુ આવી અનેક ગેરમાન્યતા દૂર કરવાનો આશા છે આ લેખથી ભવિષ્યમાં માતા બનનાર બહેનોને ફાયદો થશે...
લેખને મોટુ કરીને વાંચવા લેખ પર ક્લિક કરો...
Please CLICK on the PICTURE below to READ larger HTML version

આપનો પ્રતિભાવ- કોમેન્ટ જરુરથી નીચે લખશો...

Sunday, August 2, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) -2

મિત્રો, વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) ની ઉજવણી માં આજે પ્રસ્તુત છે દ્વિતિય લેખ....
મોટુ કરી બહેતર વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરશો.
to read better click on the picture to see larger HTML VERSION


આપનો અભિપ્રાય ચોક્કસ આપશો.

આ વર્ષના સ્તનપાન સપ્તાહના થીમ ને અંગ્રેજીમાં વાંચો

ક્લિક કરો- http://www.worldbreastfeedingweek.org/images/english_2009actionfolder.pdf





Friday, July 31, 2009

વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) - 1

મિત્રો
વિશ્વ સ્તનપાન સપ્તાહ(1 થી 7 ઓગસ્ટ) ની ઉજવણી માં આજે પ્રસ્તુત છે પ્રથમ લેખ....

મોટુ કરી બહેતર વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરશો.
to read better click on the picture to see larger HTML VERSION



યુનિસેફ - કહે છે ગળથૂથી ન આપશો શરુ કરો તુરંત સ્તનપાન્..




જો શિશુ જન્મ પહેલા કોઈ જોખમ તમે નથી લેતા તો પછી શામાટે.... american commercial



સ્તનપાન આપો જ્યાં સુધી બાળક ચાહે અને તમે ચાહો... CYWHS commercial.

Wednesday, July 22, 2009

માર્થા મેસન - જેણે પોલીયોને પરાસ્ત કર્યો...!


લેટીમોર કે જે નોર્થ કેરોલીનામાં આવેલ માત્ર ચારસો લોકોની વસ્તી ધરાવતુ નાનાકડુ ગામ છે ત્યાં રાતના તારા ચમકી રહ્યા હતા પણ ચંદ્રના શાંત પ્રકાશમાં પણ અગિયાર વર્ષની એક બાળકી માર્થા કણસી રહી હતી. પોતાના બેડ પર સુતેલી માર્થાનુ સમગ્ર શરીર તૂટી રહયુ હતુ !. તાવ અને આ પીડાના અસહ્ય વેદનાના આંસુ તે મનોમન પી રહી હતી. માર્થાને ખૂબ પ્રેમ કરતા તેના માતા પિતા બાજુના ઓરડામાં જ સૂતા હતા અને કદાચ તેમને બોલાવવા એક નાનો હલકારો જ કાફી હતો પરંતુ એ દિકરી પોતાની પીડા પોતાના હ્ર્દયમાં જ સંઘરી રાખી માતા પિતાને રાત્રે ઉઠાડવા માગતી ન હતી કારણકે આગલી ઘણી રાત્રિથી જાગેલા માતાપિતા આજે જ તેના 13 વર્ષીય ભાઈની દફનવિધી કરી ઘણા દિવસો પછી પહેલી વાર આરામ કરી રહ્યા હતા.! એમનો વ્હાલસોયો પુત્ર પોલિયોના રોગમાં મૃત્યુ પામેલ હતો.!
પણ પોલિયોનો યમ આ ઘર ભાળી ચૂક્યો હતો અને બીજે દિવસે માર્થા પણ આ જ બિમારી નો ભોગ બની ચૂકી છે તે નિદાન જ્યારે ડોકટરે જાહેર કર્યુ ત્યારે આ દંપતિ માથે આભ તૂટી પડ્યુ. એક હોસ્પીટલથી બીજે તેમ ફરતા ફરતા માર્થાની સારવાર સંબધી અનેક કોશિશો તેમણે કરી પરંતુ આ રોગનો કોઈ ઈલાજ ન હતો. અંતે આ રોગને લીધે માર્થા ને પણ ડોકથી નીચેનો શરીરનો દરેક ભાગ લકવાગ્રસ્ત બની ગયો. હવે તે માત્ર ચહેરાના સ્નાયુ ચલાવી શકતીૢ બોલી અને જોઈ શકતી! તેની શ્વાસ લેવાની ક્ષમતા પણ હવે ન રહી હતી! ડોકટરો એ તેને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ માટેના એ જમાનાના લોખંડી ઉપકરણ પર મૂકી કે જે લૂહારની ધમણ માફક વ્હૂશ વ્હૂશ કરતુ ચાલતુ અને તેમાં બનતા નેગેટીવ પ્રેશરથી અંદરના દર્દીના શ્વાસોચ્છ્વાસ ચાલતા.!! આ મશીન(જૂઓ-ફોટો અને વિડીયો) એ જમાનાની મોટી શોધ ગણાતુ અને પોલિયોના અનેક દર્દીઓને તેના પર મૂકાતા પરંતુ મોટા ભાગના આવા દર્દીઓ થોડા સમયથી વધુ ઝીંક ઝીલી શકતા નહિ !!
આથી ડોકટરો એ પણ માર્થાને મશીન (કે જે આયર્ન લંગ તરીકે ઓળખાતુ) સાથે ઘેર લઈ જવાની સલાહ માતાપિતાને આપી. અને જતા પહેલા માર્થા કદાચ વધીને એકાદ વર્ષ કાઢશે તેવી ભીતિ વ્યકત કરી!
પરંતુ પોતાના વ્હાલસોયા પુત્રને ખોઈ ચૂકેલુ એ દંપતિ પોતાની પુત્રીને કોઈપણ ભોગે અને કોઈપણ હાલતમાં જીવિત જોવા માગતુ હતુ આથી પાછુ લેટીમોર આવ્યુ અને સાથે શરુ થઈ એક મહા ગાથા માર્થાની...!
માર્થા હવે લેટીમોરમાં પાછી આવી. ધીમે-ધીમે તેણે પોતાનો છોડેલો અભ્યાસ ચાલુ કર્યો અને લોખંડની પેટીમાં મશીની શ્વાસ સાથે વાંચન કાર્યથી ખૂબ ધૈર્યતા પૂર્વક ભણવાનો નિર્ધાર જાગૃત કર્યો. શિક્ષકોએ પણ આ સ્પેશ્યલ વિદ્યાર્થીને ઘેર જઈને ખાસ શિક્ષણ આપ્યુ!! અને રંગ લાવી આ મહેનત - તેણે પોતાનો શાળાકીય અભ્યાસ અવ્વલ નંબરે પાસ કર્યો. તેની વિદ્યા પ્રત્યેની લગન અને અભ્યાસ કરવાની મહેચ્છાને જોઈને મેસન દંપતિએ માર્થાને હવે કોલેજ મોકલવાનો નિર્ણય કર્યો.! નાનાકડા લેટીમોરમાં તો કોલેજ કરવી શક્ય ન હતી આથી મેસન દંપતિ તેમની લાડકી માર્થાને એક બેકરીના ટ્રકમાં તેના લોખંડી મશીન સાથે વિન્સટન સાલેમ લઈ ગયા જ્યાંની વિખ્યાત વેક ફોરેસ્ટ કોલેજમાં માર્થાને એડમીશન અપાવ્યુ. આવડા મોટા – લગભગ સાત ફૂટના એ લોખંડી મશીન સાથે રોજ કોલેજના ક્લાસરૂમમાં આવવુ શક્ય ન હતુ. પણ કોલેજ સત્તાવાળાની ખાસ મદદથી મેસન દંપતિને કોલેજ કેમ્પસમાં જ એક મકાન અપાયુ કે જેમાં ઈન્ટરકોમ સ્પીકરની મદદથી માર્થા ક્લાસમાં ભણાવાતા લેકચરને અક્ષરસ: સાંભળી શકે !! આ સાથે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ ઈ.સ્ 1960માં માર્થાએ વેક ફોરેસ્ટ કોલેજમાંથી બેચલર ડિગ્રી હાંસલ કરી અને તે પણ ફર્સ્ટ કલાસ – ફર્સ્ટ !!
માર્થા ને લઈ મેસન દંપતિ પાછુ લેટીમોર ફર્યુ, માર્થાએ એક લોકલ દૈનિક પત્ર માટે લેખન કરવાનુ કાર્ય ચાલુ કર્યુ. આ માટે તે પોતાના વિચારો બોલીને માતાને સંભળાવતી અને માતા તે કાગળ પર ટપકાવી ને લેખ રચતી. આમ ડીકટેશન આધારીત એક લેખન કાર્ય શરુ તો થયુ પણ ત્યાં જ માર્થાના પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો અને તે પણ પથારીવશ બન્યા. હવે માતાને બે પથારીવશ સ્વજનોની સંભાળ લેવાની હતી અને એ પરિસ્થિતીમાં માર્થાનુ લેખન કાર્ય શક્ય ન હતુ. પણ માર્થાએ હાર ન માની તેણે સારા પુસ્તકોનુ વાંચન ચાલુ રાખ્યુ અને પોતાના મનમાં અનેક નવા લેખોને સંઘરી લીધા.!
ભલુ થજો લેટીમોર ગામનુ કે જેણે માર્થાને માત્ર મેસન દંપતિની પુત્રી ન રહેવા દેતા, ગામની પુત્રી ગણી લીધી! સહુ કોઈ ગામ લોકો માર્થા અને મેસન પરિવારને મળવા રોજીંદા ધોરણે આવતુ અને આ પરિવારને મદદરુપ થતુ અને તેમનુ દુઃખ હળવુ કરતુ. વિદ્યાર્થીઓ શાળામાં શીખવાડેલી નવી વાતો કે મેળવેલા ઈનામો માર્થાને બતાવતા તો નવા પરણિત દંપતિ પણ માર્થાને મળવા અને આશીર્વાદ લેવા પહોંચી જતા. આનંદી સ્વભાવની માર્થાના ઘરે હંમેશા મેળાવડો જામેલો રહેતો. ભેટ-સોગાદો અને પત્રોનો પણ પાર ન હતો. જાણે કે એ વિસ્તારના લોકોને માટે આ પરિવાર તેમનું જ અંગ હતુ. ગામના જીવનમાં માર્થા એટલી લોકપ્રિય હતી કે લોખંડી મશીન કે જેના પર માર્થાનો શ્વાસ ટકી રહ્યો હતો તે વિજળીની મદદથી ચાલતુ હતુ આથી ગામમાં જો વિજ-પૂરવઠો ખોરવાય તો ફાયર ડીપાર્ટમેંટના લોકો દોડીને પહેલા મેસન દંપતિના ઘરનુ જનરેટર સંભાળતા!!



પણ વિધિની વક્રતાએ ત્યાં ફરી દેખા દીધી. પ્રેમાળ પિતાનુ ઈ.સ.1977માં અવસાન થયુ. થોડા વર્ષો બાદ માતાને પણ પક્ષઘાતનો હુમલો થયો અને તે પોતાની સુધબુધ ખોઈ બેઠા. માનસિક રીતે અસ્થિર બનેલી માતા હવે હોશ ગુમાવી બેઠી હતી અને મન પડે તે રીતે ગુસ્સો કરતી અશબ્દો બોલતી અને માર્થાને પણ કોઈ વખત મારી બેસતી. પણ માર્થા નુ મનોબળ ખરેખર લોખંડી હતુ તેણે હવે પોતાના ઘરની જવાબદારી પોતાના શિરે લઈ લીધી. બે સહાયકો રાખીને તેમણે પોતાની અને બિમાર માતાની તમામ જવાબદારી નિભાવવાની શરુ કરી. લોકોની સલાહ થી વિરુધ્ધ માર્થાએ માનસિક રીતે અસ્થિર અને ચિત્તભ્રમીત માતાને પણ પોતાના જ ઘરમાં રાખી સારવાર ચાલુ કરાવી અને પોતાનુ ઋણ અદા કર્યુ.
માર્થાની જીંદગીમાં સોનેરી આશાનુ કિરણ બની ને આવી કોમ્પ્યુટર ક્રાંતિ! હવે વોઈસ એકટીવેટેડ કોમ્પ્યુટર સોફ્ટવેરથી માર્થા પોતાના વિચારો ને શબ્દોમાં અને લેખમાં પરિવર્તીત કરી શકતી હતી. ઈ-મેઈલ અને ઈન્ટરનેટની દુનિયાથી તે વિશ્વમાનવી બની ચૂકી હતી. હવે તેણે ચાલુ કરી પોતાનુ પ્રથમ પુસ્તકની રચના કે જેના માટે છ વર્ષ ખર્ચાયા પરંતુ એ સુંદરતમ પુસ્તક આખરે પ્રકાશીત થયુ . એ પુસ્તક હતુ- Breath: Life in the Rhythm of an Iron Lung,” 2003 માં આ પુસ્તક પ્રકાશીત થયુ અને એ આધારીત છે માર્થાની જીવન સંઘર્ષગાથા પર. આ પુસ્તકને કદાચ કોઈ મહાન પુરસ્કાર નથી મળ્યો પણ એ જગતને હંમેશા યાદ અપાવશે માર્થાના મહાન સંઘર્ષની...
71 વર્ષની વયે માર્થાએ ઉંઘમાં જ અંતિમ શ્વાસ લીધા ત્યારે એ લોખંડી મશીનનું કાર્ય આખરે 60 વર્ષે થંભ્યુ. આવા સમયે સૌને માર્થાનુ એ વિધાન યાદ આવ્યુ કે માર્થાને જ્યારે પૂછાયુ કે જે છોકરીને ડોક્ટરોએ કહેલુ કે તે એકાદ વર્ષ માંડ કાઢશે ત્યારે તેણે કેવી રીતે આટલુ લાંબુ જીવન મેળવ્યુ ? ત્યારે માર્થાનો જવાબ હતો કે “દરેક વર્ષે મને થતુ કે હજુતો મારે ઘણુ ભણવાનુ ને શીખવાનુ બાકિ છે....!”
ખાસનોંધ-
- આ લેખ માર્થા મેસન પર ઉપલબ્ધ વિવિધ લેખો, અખબારીનોંધો, ડોક્યુમેંટરી ફિલ્મ અને શ્રધ્ધાંજલિઓમાં લખાયેલ વાતો પરથી સંપાદિત કરેલ છે.
-પ્રસ્તુત તસ્વીર માર્થા મેસનની તેમના પર ડોક્યુમેન્ટરી બનાવનાર મેરી ડાલ્ટન સાથેની છે- સૌજન્ય- New York Times .
-પ્રસ્તુત ‘ યુ ટ્યુબ વિડીયો – “ ફાઈનલ ઈંચ “ કે જે પોલિયો પર આધારીત વિષયવસ્તુ લઈ બનેલી છે અને ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ છે તેમાંથી લેવાયેલ છે.
-આ તમામ સર્જકોનો હું આભારી છુ.
એક અપીલ
-આ લેખ દ્વારા પોલિયો રોગ સામે લડત આપનાર તમામ દર્દીઓને હું અંજલિ આપુ છુ. અને દરેક ભારતવાસીને અપીલ કરુ છુ કે આપણા દેશને પોલિયો મુકત કરવા ના તમામ પ્રયાસો માં મુકત મને જોડાઓ. એક પણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે ખાસ ધ્યાન આપશો.

Friday, July 17, 2009

નાનુ નામ- મોટા કામ..


અબ્દુલ ના માતાપિતા નાના ગામમાં શાકભાજી વહેંચતા પણ સંતોષપૂર્ણ જીવન જીવતા. ગામના બીજા બાળકોની માફક અબ્દુલને પણ ગામમાં ચાલતી આંગણવાડીમાં મૂકવામાં આવ્યો. નાના ગામમાં ચાલતી આંગણવાડી મોટા શહેરોની પ્લેસ્કૂલ અને કિંડર ગાર્ડન ની ગરજ સારે છે.! માતા-પિતા અહીં બાળકોને મૂકી સવારના ભાગે કામે નિશ્ચિંત બની જઈ શકે છે.
આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટીક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે વિટામિન સી અને આર્યન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે.!! બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ બાલભોગ્ નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે. આવી વાનગી મેં ખુદ ચાખેલી છે અને તેની ગુણવત્તા ખરેખર સારી છે. આવી એક આંગણવાડી માં અબ્દુલને સવિતા બહેન નામના આંગણવાડી વર્કર બહેન સાચવતા. સવિતાબહેન અંદાજે 40 વર્ષની વયના આનંદી સ્વભાવના અને બાળકો પ્રત્યે ખૂબ માયાળુ. સવિતા બહેન અબ્દુલને સવારે રોજ પ્રાર્થના બોલાવે – સારી રીતભાતો શીખવે અને રોજ અલગ અલગ નાસ્તો ખવડાવે. અબ્દુલ ઘણી વખત કહેતો કે તેને ઘર કરતા પણ વધુ સવિતાબહેનને ત્યાં ગમતુ! સવિતાબેનના આ નાનાકડા બાગમાં અલગ અલગ પરિવારો અને ધર્મોના અનેક ફૂલો વિકાસ પામતા હતા. એક દિવસ સવારે અબ્દુલ ન આવ્યો , બીજા દિવસે પણ ન દેખાયો. બસ સવિતાબેન જઈ પહોંચ્યા પોતાના શિષ્યને ત્યાં! અબ્દુલ પથારીમાં પડ્યો હતો , માતાએ જણાવ્યુ કે બે દિવસથી શરદી – ઉધરસ થવાથી તે બિમાર છે અને પથારીમાં પડ્યો પડ્યો કણસે છે. સવિતાબેને જઈ અને અબ્દુલને જોયો. અબ્દુલ બીમાર હતો પણ સવિતાબેન ને જોઈ તેના મોં પર થોડી ક્ષણો માટે હાસ્ય આવી ગયુ. પણ સવિતાબેનના ચહેરા પરથી હાસ્ય ઉડી ગયુ. કારણકે અબ્દુલને શ્વાસ લેવાનો દર ખૂબ વધારે હતો અને શ્વાસ લેવાની સાથે છાતીમાં ખાડા પણ પડતા હતા. સવિતાબેન તેમની આઈ.એમ.એન.સી.આઈ.(Integrated Management of Neonatal & Childhood Illness) નામની સરકાર આયોજીત તાલીમ દરમ્યાન શીખી ચૂક્યા હતા કે આવા લક્ષણો ગંભીર બિમારી અને ન્યુમોનિયા સૂચવે છે.અને આવા દર્દીને વધુ સારવાર માટે મોટી હોસ્પીટલમાં મોકલવામાં વિલંબ ન થવો જોઈએ.
પણ હવે મોટુ સંકટ હતુ અબ્દુલને શહેર પહોંચાડવાનુ અને તે પહેલા તેના માટે તેના માતાપિતાને સમજાવવાનુ.! અનેક પ્રશ્નો ખડા થયા જેમકે શહેરમાં કોણ હાથ જાલે? ગરીબ હોવાથી આવવા જવાનો કે સારવારનો ખર્ચ કેમ કાઢવો.? અબ્દુલથી નાના ભાઈ-ભાંડુનું શું ? વિ.વિ. પણ સવિતાબેન એમ કાંઈ લડયા વગર હાર માની લે તેમ ન હતા. તેમણે કોઠાસુઝ કામે લગાડી ગામના સેવાભાવી લોકો પાસેથી ફાળો એકત્ર કર્યો , એક ભાઈને ટ્રેકટરમાં શહેર સુધી મૂકી જવા વિનંતી કરી, અબ્દુલના નાના ભાઈ ભાંડુને પોતાના ઘેર બીજા હેલ્પર બેન પાસે સંભાળવા મૂકી. ટ્રેકટરમાં નીકળી પડ્યા અબ્દુલ અને તેના માતા પિતાને લઈ! હવે તેમણે પોતાની તાલીમને કામે લગાડી અને અબ્દુલને જીવાણુનાશક દવાનો અને તાવ ઉતારવાની દવાનો પહેલો ડોઝ પણ તેમને અપાયેલા પુસ્તક માંથી જોઈને આપી દીધો. તાલીમ દરમ્યાન અમે આપેલ હોસ્પીટલના ઈમરજન્સી નંબર પર દર્દી વિષયક જાણ કરી તૈયારી રાખવા વિનંતી કરી. અબ્દુલ ખૂબ સમયસર હોસ્પીટલ પહોંચી ગયો અને તેને પીડીયાટ્રીક આઈ.સી.યુ માં તેની સારવાર થતા તે એકાદ સપ્તાહમાં ઘરે પાછો જવા લાયક પણ થઈ ગયો. આ બાળકની જીવનરક્ષાનો તમામ શ્રેય સવિતાબેન જેવા કાર્યકરને જાયછે. સવિતાબેનને હું મળી ને તેમનો આભાર ન માની શક્યો કારણકે તે તો અબ્દુલને ભરતી કરાવી ને વળતી સવારે બસમાં ગામ પરત ફરી ગયા આખરે ત્યાં પણ બીજા ઘણા અબ્દુલને તેમના રાહબરની જરુર હતી!! પણ મને ખૂબ આનંદ છે કે સવિતાબેન કે જે માત્ર આઠ ચોપડી પાસ છે છતા તેમણે તેમને આપવામાં આવેલ તાલીમ અને ફરજપરસ્તી નો ઉત્તમ નમૂનો આપ્યો. આવા અનેક સવિતાબેન ગુજરાતના ગામે ગામ કાર્યરત છે અને ગુજરાતનુ ભવિષ્ય તેમના હસ્તે સંભાળપૂર્વકનો ઉછેર પામી રહયુ છે તે માટે તે બધાને મારા શત શત પ્રણામ.!! આવા પાયાના સૈનિકો ને બાળઆરોગ્યની ચાવી રુપ તાલીમ - આઈ. એમ. એન.સી.આઈ. આપવા માં સામેલ થવાનો મને ગર્વ છે. તાલીમ નો હથિયાર તરીકે ઉપયોગ કરી બાળઆરોગ્યનુ રક્ષણ કરતા આ સૈનિકો આદર ને પાત્ર છે.
(આ ઘટનાના પાત્રોના માત્ર નામ બદલેલા છે.દર્શાવેલી તસ્વીર IMNCI તાલીમાર્થી બહેનો ની છે.)

Saturday, May 16, 2009

શિશુ સંબધીત મેડીકલ માહિતીપ્રદ લેખો.





શિશુ સંબંધી માહિતીપ્રદ લેખો























24.બાળ સારવાર માં આવતી રમૂજી પળો

25. મ્યુઝિક થેરાપી 2 

26. બાળ રસીકરણ વિષે માતા-પિતાએ જાણવા લાયક સામાન્ય બાબતો...

27. બાળકને શું ખવડાવવુ ડોક્ટર..

28.

29. ઈંડીયન એકાડમી ઓફ પિડીયા ટ્રીક્સ દ્વારા સુચિત રસીકરણ પત્રક ...

30. માતૃત્વની કેડીએ થીમ વિડીયો અને શિશુને કપડુ વિંટાળવાની પધ્ધતિ

31. રડતુ શિશુ – ઈન્ફન્ટાઈલ કોલિક   

32. બાળકનુ નામ કેવી રીતે પાડશો ...

33. પ્રસુતિ પૂર્વે નું સામાજીક અને આર્થિક આયોજન ...