સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Showing posts with label essential newborn care. Show all posts
Showing posts with label essential newborn care. Show all posts

Monday, April 12, 2010

માતૃત્વની કેડીએ થીમ ...

મિત્રો

વ્યાવાસાયિક વ્યસ્તતાને લીધે થોડા સમય સુધી સમયસર પોસ્ટ લખી નથી શક્યો પરંતુ બ્લોગને થોડો અપડેટ કરી નવુ સ્વરુપ આપવાની કોશિશ કરી છે. આ સાથે આજે રજૂ છે માતૃત્વની કેડીએ - થીમ વિડીયો અને નવજાત શિશુને કાપડમાં વિંટાળવાની પધ્ધતિ નું વિડીયો ડેમોસ્ટ્રેશન...

સૌ પ્રથમ થીમ વિડીયો....(અંત સુધી માણૉ)



2. નવજાત શિશુને કાપડમાં વિંટાળવાની પધ્ધતિ

નવજાત શિશુને ઘેર તેમજ બાહર જતી વેળાએ ઠંડી અને ધૂળથી રક્ષણ આપવા આ એક સરળ પધ્ધતિ છે. ઘણા લોકો શિશુને ખૂબ ટાઈટ બાંધી દે છે જાણે ઈસુ ને ક્રોસ પર લટકાવ્યા હોય- જે ખોટી પધ્ધતિ છે શિશુને થોડી મોક્ળાશ રહે તે ખૂબ જરુરી છે. આ વિડીયોમાં દર્શાવેલ પધ્ધતિ આવી મોકળાશ આપે છે અને વૈજ્ઞાનિક રીતે યોગ્ય પણ છે.





આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

- ડો.મૌલિક શાહ
એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
જામનગર (ગુજરાત)

Saturday, September 5, 2009

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની....!

આમતો ડોક્ટરોને સમાજમાં રહેતા અસામાજિક પ્રાણી તરીકે ગણાય છે- કારણકે દરેક સામાજિક પ્રસંગોએ એમની ગેરહાજરી હોય કે કસમયે પધરામણી હોય..! મોટા ભાગના પ્રોમિસ સાહેબ પાળતા ન હોય એટલે ઘરમાં-પરિવારમાં એમની કોઈ પ્રસંગે ગણતરી ન થતી હોય કે ન એમની પાસે કોઈ કામની અપેક્ષા લેવાતી હોય. આમ જુઓ તો મારા જેવા લેટ લતીફોને તે ઈમ્પ્રેશનનો ફાયદો થાય છે આપણી ભૂલ ઢંકાય જાયને !!
ભારત દેશ તહેવારોનો દેશ છે અને અહીં બાવન રવિવાર સિવાય બીજી કદાચ બાવન રજા નાના મોટા તહેવારોની હોય છે. પણ જાણીને નવાઈ લાગશે કે મેડીકલ લાઈફમાં વિદ્યાર્થી દિવસોથી જ એકાંતરા વર્ષે કદાચ દિવાળી કે નવરાત્રી કે ક્રિસમસ માણવા મળે છે. વિદ્યાર્થી દિવસોમાં આ તહેવાર લાઈબ્રેરી ના ટેબલ પર પુસ્તકોના ઢગલા વચ્ચે કે હોસ્ટેલની મેસમાં મનાવાય છે પણ મનાવાય છે ચોક્કસ...! વળી વૈવિદ્ય પણ ઘણુ કારણકે અબ્દુલના અમ્મીએ મોકલેલો શિરખુરમા હોય કે એડવીનના ઘરે થી આવેલી પ્લમ કેક હોય જેના ઘરેથી આવેલ હોય તેનો તો વારો જ ન આવે.. ! ખેર એ થોડી પળો પાછી પુસ્તકો વચ્ચે ખોવાઈ જતી હોય છે કારણકે ક્યાંક રજા લંબાઈ જાય તો પછી છ માસ જેટલી લાંબી થઈ જાય...!( મેડીકલમાં દર છ માસે રીપીટ પરિક્ષા લેવાય છે.) વેલ એ પછી રેસીડન્સી હોય કે સાહેબગીરી હોય સરકારી હોસ્પીટલમાં નિયમ મુજબ આવશ્યક સેવાઓ બે સળંગ દિવસ બંધ ન રહી શકે એટલે એકાદ દિવસ થી વધુ રજા ન હોય. વળી બિમારીઓ કે રોગ કોઈ તહેવાર પાળતા નથી તે મોટુ દુઃખ છે.! ખેર ઘણી દિવાળી કે ક્રિસમસના ફટાકડા વોર્ડની બારીમાંથી બાહર ફૂટતા જોયા છે જેના ભડાકા શરુઆતમાં અંદર થતા પણ હવે બધુ કોઠે પડી ગયુ છે. અમારા એક બોસ નો ખાસ તકિયા કલામ હતો- it’s a part of life…! બસ એવુ જ કંઈ...!
રખેને એવુ ન માની લેતા કે આ લેખ કંઈ હાય બળતરા કાઢવા લખ્યો છે.! ખેર ઘણા ઓછા લોકોને ખબર હશે પણ ડોકટરો પણ દરેક તહેવારો જે તે સ્થળ પર જ ઉજવી લે છે. એ પણ જીવન ની સાથે જોડી ને ..!
દશેરા ના દિવસે ગુજરાતમાં રાવણ દહનના પ્રસંગો ઉજવાય છે જ્યારે દક્ષિણ ભારતમાં આ દિવસે આયુધ પૂજા એટલે કે શસ્ત્ર પૂજન ના ઉપલક્ષમાં ઉજવાય છે. દરેક માણસ પોતાના રોજી-રોટીના સાધન કે પોતાના શસ્ત્રને પૂજા કરે છે અને ઈશ્વરના આશિર્વાદ મેળવે છે. આ પ્રસંગ ત્યાં ખૂબ આદર અને ભક્તિભાવથી આમ આદમીની જીંદગીમાં વણાયેલો છે નાનો લારીવાળો હોય કે મોટી હોટલવાળો સહુ કોઈ આયુધ પૂજન તો કરશે જ...! તો પછી ડોક્ટરો શાના બાકિ રહે...! મનિપાલ હોસ્પીટલમાં અમારા નવજાત શિશુ વિભાગ મા આયુધ પૂજા કરવાની પ્રથા પાળતા.!! વિચાર આવે કે ડોક્ટરો ના વળી કેવા હથિયાર ? તો સાંભળો વેન્ટીલેટર(કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવાનુ મશીન)-વાર્મર(શિશુનુ તાપમાન નિયંત્રિત રાખતુ મશીન)- પલ્સઓક્સીમીટર(લોહીમાં ઓક્સીજનનુ પ્રમાણ જાણવાનુ મશીન) અને અનેક બીજા આધુનિક સંયંત્રો...
વેલ આ બધાને તે વળી પૂજાતા હશે ? ચોક્કસ પૂજવા પડે કારણકે દિમાગનુ કામ જો દિલથી ન કરીએ તો દિમાગ પણ થાકી જાય... દરેક મશીનનો શોધક માણસ છે અને મશીન અને માણસની ટીમ જ્યારે દર્દીને બચાવવા કામે લાગે છે ત્યારે ઘણા કિસ્સામાં માત્ર વિજ્ઞાન કામ નથી આવતુ , ઈશ્વરનો આશીર્વાદ પણ જોઈએ છીએ. એ આશીર્વાદ કે જે કદા અને તૂટતા ધબકારા વચ્ચે પણ અમને અને મશીન ને ખંતથી કામ કરતા રાખે છે!!. એ આશીર્વાદ કે જે બચીચ અમારા દ્વારા સારા નિર્ણયો લેવડાવે છે અને વખાણ અમારા થાય છે!!. એ આશીર્વાદ જે ખૂટતા જતા શ્વાસ ગયેલા શિશુના મુખ પર વહેલી સવારે સ્મિત બનીને ચમકે છે.! બસ એટલે જ આ પરંપરા અમે પણ પાળી. આયોજન કરવામાં સહુ કોઈ લાગી ગયુ પંડીત અને પૂજન સામગ્રી લાવવાનુ કામ કર્યુ મલયાલી બ્યુનિસ બ્યુલા કે જે ખૂદ ક્રિશ્ચ્યન છે. કેળના પાન અને અન્ય સજાવટ એક મુસ્લીમ-હિન્દુ-જૈન સાથી મળી કરી. પૂજામાં જે માત્ર દસ મિનિટ જ સહુ સાથે મળી બેઠા..! કારણ કે ઉદ્દેશ્ય માત્ર એક હતો હે પ્રભુ અમારા નિર્ણયો માં અમારા આ યુધ્ધમાં સતત અમારી સાથે રહેજે અને અમને અમારા જ્ઞાનરુપી શસ્ત્રનો સદુપયોગ શીખવજે....
(જુઓ ફોટોગ્રાફ)

















આવી જ પરંપરા અમે અમારા જામનગરના નવજાત શિશુ વિભાગમાં નિભાવીએ છીએ. આપણે ગુજરાતી એટલે રક્ષાબંધન નુ મહત્વ ઘણુ.. રક્ષાબંધનની મૂળ કથાના હાર્દમાં રક્ષણનો મહિમા છે.. નાના એવા નવજાત શિશુનુ રોગથી અને બિમારી થી રક્ષણ થાય એ અમારા સહુનુ મિશન છે. આ મિશન માં જરુરી છે
સહુનો ઉત્સાહ પૂર્ણ સાથ – ઉચિત નિર્ણયો અને ઈશ્વરનો આશીર્વાદ. નવજાત શિશુ વિભાગ સતત ધમધમતો અને ચોવીસ કલાક ઈમરજન્સી સારવાર આપવા ચાલુ રહેતો વિભાગ છે એટલે અહીં રેસીડેન્ટ ડોક્ટરો કે સ્ટાફને મોટા ભાગે માંદગી સિવાય રજા જ નથી મળતી. આવા સમયે સહુનો ઉત્સાહ જળવાઈ રહે તે પણ જરુરી છે અને તહેવારમાં ઘરની યાદ આવે તે પણ સ્વાભાવિક છે. એટલે અમે આ દિવસે વોર્ડમાં જ તમામના હિત સચવાઈ જાય અને ઈશ્વરની આરાધના પણ થાય તે રીતે રક્ષાબંધન ઉજવીએ છીએ.

અમે નાના નવજાત શિશુને રક્ષા બાંધી એ છીએ અને જો એ ખૂબ બિમાર હોય તો તેના બેડને બાંધીએ છીએ અને ઈશ્વરને આ એસ.એમ.એસ. થી બટરીંગ કરીએ છીએ...! ઈશ્વર તો સાંભળે જ છે પણ આ પ્રસંગથી સહુનુ મોં મીઠુ કરીને તાજા માજા કરી શકાય છે અને એક વધુ સંકલીત અભિગમ સર્જાય છે જેને તમે મેનેજમેન્ટેરીયલ રુલ ગણી શકો!. વળી નવજાત શિશુ પ્રત્યેની ફરજ તત્પરતા પણ વધે છે. (ફોટોગ્રાફ)


















કદાચ ઘણા લોકો આને ભારતીયોની પોકળ માનસિકતા માને પણ દવા અને દુઆ બંને નો દોર જ તૂટતા શ્વાસને જોડે છે અને જીવનને ધબકતુ રાખે છે એવુ મારુ માનવુ છે...!


-DR.MAULIK SHAH
4-09-2009.

Tuesday, September 1, 2009

માતૃશિક્ષણ કરશે શિશુનું રક્ષણ...


ગર્ભધાન અને પ્રસુતિ મહદઅંશે એક કુદરતી પ્રક્રિયા છે જ્યારે શિશુ-ઉછેર એ ઘણો પુરુષાર્થ અને જ્ઞાન માગી લેતી પ્રક્રિયા છે. કોઈપણ શિશુ માટે શરુઆતી બે વર્ષ અત્યંત મહત્વના છે કારણકે મગજનો કદ અને આકાર ની દ્રષ્ટિએ કુલ 80 ટકા જેટલો વિકાસ આ પ્રથમ બે વર્ષમાં થશે. આથી શરુઆતી વિકાસ શિશુને જીવનમાં ભાવિ વિજેતા બનાવવા અત્યંત આવશ્યક છે. નવજાતશિશુની નાજૂક સંભાળ ની બાબતે નવી માતા બનેલ સ્ત્રી પાસે તેને બધુ આવડતુ જ હોય તેવી અપેક્ષા રાખવી અથવા તો ‘પડશે એવા દેવાશે’ ની નીતિ યોગ્ય નથી. શિશુ-સંભાળ વિશે દુર્ભાગ્યવશ ન તો કોઈ અભ્યાસક્રમ શિખવાડે છે કે ન આ વિષયમાં કોઈ વ્યવસ્થિત લોકભોગ્ય સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. સરવાળે જેટલા મોં એટલી વાતો અને શિશુની આસપાસ રહેલી દરેક વ્યક્તિ પોતાના જ્ઞાન નો પટારો ખોલી દે છે અને ઘણા ખરા શિશુને ક્યારેક ઘણું આરોગ્યલક્ષી નુકશાન વેઠવુ પડે છે.
આ બધી બાબતો નો અભ્યાસ કરી અમે ડીપાર્ટ્મેંટમાં વિચાર્યુ કે સો વાતની એક વાત માતાને જ સાચુ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાથી જ આ સમસ્યા હલ કરી શકાય અને વળી, આ જ્ઞાન જો હોસ્પીટલમાંથી આપીને ઘેર મોકલી શકાય તો કેટલુ સારુ ! બસ, લાગી ગયા બધા કામે - સરકારશ્રીએ ડીપાર્ટમેન્ટને આપેલી ઘણી ખરી આધુનિક સવલતો – ટી.વી.-ડી.વી.ડી.-વિડીયો કેમેરા અને નવજાતશિશુ સંબધી વિવિધ વિશ્વસ્નીય સંસ્થાઓ દ્વારા અપાયેલ સાહિત્ય વિ.નો ઉપયોગ કરી જરુર જણાઈ ત્યાં ઓડીયો – વિડીયો ઉપકરણો નો ઉપયોગ કરી અમે એક અંદાજીત 30 મિનિટ જેટલો ચાલે તેવો વિડીયો પ્રોગ્રામ રચ્યો જે ટી.વી.સ્ક્રીન પર દેખાડી શકાય અને સાથે ગુજરાતીમાં કોમેંટરી પણ આપી શકાય . વળી આ બધું હતું સરળ ગુજરાતી ભાષામાં ! આ વિડીયો કેપ્સયુલમાં સામેલ હતા - નવજાતશિશુની રોજિંદી આવશ્યક સંભાળ , સ્તનપાન ની વૈજ્ઞાનિક પધ્ધતિ અને કાંગારુ માતૃ સુરક્ષા જેવા અતિ આવશ્યક વિષયો.
જી.જી.હોસ્પીટલ એ સૌરાષ્ટ્રની એક સૌથી મોટી રેફરલ ટીંચીંગ હોસ્પીટલ હોવાથી અહીં દર્દીઓનો સતત વિશાળ પ્રવાહ ધસમસતો રહે છે. અમારો નવજાતશિશુ વિભાગ વર્ષે લગભગ હોસ્પીટલમાં જ જન્મતા 6000 નવજાતશિશુને અને અંદાજે 1500 જેટલા બાહરથી રીફર થયેલા શિશુઓને સેવા આપે છે. આટલા વિશાળ ફલક પર જો અમે આ તમામ શિશુની માતાઓને પ્રશિક્ષીત કરી શકીએ તો ખરેખર દુરગામી પરિણામો નવજાતશિશુ સંભાળ અંગે સમાજ ને અવશ્ય જાગૃત કરી શકે. પ્રશિક્ષણનું આ ભગીરથ કાર્ય જે રોજીંદા ધોરણે કરવુ અને તે પણ દરદીઓની સંભાળ સાથે તે માત્ર ડોકટરોથી શક્ય ન હતુ. હવે વારો હતો અમારા નર્સીંગ સ્ટાફનો કે જેમણે અમારી સાથે ખભે-ખભો મેળવીને આ કાર્યને રોજીંદા ધોરણે અંજામ દેવા ખાસ કમર કસી. અને શરુ થયો એક જ્ઞાન યજ્ઞ જેમાં માતાઓને એક અલાયદા એરકન્ડીશન્ડ સેમીનાર રુમ(કે જે નવજાતશિશુ વિભાગમાં જ છે.)માં ખાસ ખુરશી આપી વિશાળ ટી.વી. સ્ક્રીન પર પ્રશિક્ષીત કરવામાં આવે છે. તેમને વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછીને મનમાં રહેલી વિવિધ શંકાનું સમાધાન કરવા પ્રોત્સાહિત કરાય છે.


આ પ્રશિક્ષણ કાર્ય શરુ થયાને હવે છ માસ થયા છે અને અમે અમારા આ પ્રયાસ માટે ધન્યતા અનુભવીએ છીએ કારણકે હવે આવી પ્રશિક્ષણ લઈને ગયેલી માતાઓ ફરી બતાવવા આવે ત્યારે શિશુ સંભાળ માં સામાન્ય ભૂલો નથી દેખાતી – સ્તનપાન માં અનુભવાતી તક્લીફો ઘટી છે. અભણ અને ગરીબ માતાઓ પણ પાછા મળ્યે અમારી આ “ ફીલમ “ ને ચોક્ક્સપણે યાદ કરે છે!!
આ કાર્યએ નર્સીંગ સ્ટાફ,ડીપાર્ટમેન્ટ ઓફ પિડીયાટ્રીક્સ, જી.જી.હોસ્પીટલ ઓથોરિટી અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ ઓથોરિટી તથા આરોગ્ય તંત્ર નો એક સંયુક્ત પ્રયાસ છે. ઈશ્વર અમને આ કાર્ય આગળ ધપાવવા બળ આપે એ જ અભ્યર્થના....


New Born Baby Ward

Sunday, June 28, 2009

નવજાત શિશુ નિષ્ણાતનુ કુરુક્ષેત્ર..(neonatal advanced life support)

નવજાત શિશુનો જન્મ થતા ચાલુ થાય છે એક અનોખી લડાઈ હાજર બાળરોગ નિષ્ણાતની પણ! શિશુની જીંદગીનો આધાર છે પહેલી પાંચ મિનિટમાં શ્વાસોચ્છવાસ ચાલુ કરવા પર! અને સમયની સોય પર આ માટે શિશુને જરુરી સહાય આપવાનુ કામ છે બાળરોગ નિષ્ણાતનુ! મોટા ભાગે લેબર-રુમમા ખેલાતો આ જંગ લોકોની જાણ થી અજાણ રહે છે. તો પ્રસ્તુત છે તેનાપર નું મારુ આલેખન ....


ઝૂમ્ કરી મોટુ વાંચવામાટે લેખ પર ક્લિક કરશો.
to read enlarged HTML format please click on the article....









Wednesday, June 17, 2009

સ્તનપાન છે અમૃતપાન્...





શિશુ માટે છે અણમોલ ...

  • પ્રથમ છ માસ માટે સંપૂર્ણ આહાર છે.
  • પોષક તત્વોનું અદભૂત સંમિશ્રણ છે – એક સુપાચ્ય આહાર્
  • બનાવે બુધ્ધિશાળી – મગજશક્તિ વિકસાવે ....
  • ચેપી રોગોથી રક્ષણ કરતી સંજીવની...
  • દમ- એલર્જી- ખરજવા જેવા રોગોની સંભાવના ઘટાડે...

માતા માટે લાભદાયી...

  • પ્રસુતિ પછીનો રક્તસ્ત્રાવ અટકાવે... એનિમીયા અટકાવે...
  • કુદરતી પરિવાર નિયોજનનું સાધન-બે બાળકોમાં અંતર રાખવામાં મદદરૂપ...
  • વજન ઘટાડવામાં મદદરુપ્.- ‘ ફિગર’ બનાવી રાખે.!
  • મમતાનું પરિમાણ્..

દેશ માટે છે ઉપકારક...

  • સસ્તુ-કિફાયતી-સહુને પરવડતો શિશુઆહાર !
  • શિશુની તંદુરસ્તી – આવતીકાલ નો સ્વસ્થ નાગરીક્..
  • સ્વસ્થ શિશુ – કામકાજી માતાપિતા પણ વધુ કાર્યક્ષમ્.
  • ઓછી માંદગી થી બચતો આરોગ્યખર્ચ્...

આ બધી વાત યુનિસેફના આ વિડીયો માં બખૂબી કહેવાયેલ છે. ભાષાના સીમાડા ન નડે તેવી આ વિડીયો ખરેખર મજેદાર છે. આમ પણ માતૃત્વ અને મમતાના પરિમાણ્ સ્વરુપ સ્તનપાન પૃથ્વી પરનુ અમૃત જ છે.! અને આ વાત નિર્વિવાદ છે...