સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Showing posts with label hilarious event. Show all posts
Showing posts with label hilarious event. Show all posts

Wednesday, March 17, 2010

મેડીકલ વિદ્યાશાખાની પરિક્ષા માં સર્જાતી રમૂજ ...





આમ તો એમ.બી.બી.એસ. પરિક્ષા આઈ.એ.એસ. સમક્ષ ગણાય છે અને વળી આમાં માનવીના તબીબી પરિક્ષણ નું પણ અઘરુ પ્રાયોગિક કાર્ય રહેલુ હોય તે જબરજસ્ત ટેન્શન લાવે છે.
પ્રથમ એમ.બી.બી.એસ.નો એક મહત્વનો વિષય એટલે એનાટોમી (શરીર રચના શાસ્ત્ર) આમાં શરીરના અવયવોની આંતરીક રચના નું માઈક્રો સ્તરે અભ્યાસ કરવાના શાસ્ત્રને હિસ્ટોલોજી કહેવાય છે. જેમાં શરીરના અવયવનો એક નાનો છેદ માઈક્રોસ્કોપ થી પારખી તેનો અભ્યાસ કરવાનો હોય છે. આ ઘણી વાર અઘરુ બની જતુ હોય છે કારણ કે ઘણા અવયવોની આંતરીક રચના ઘણી વાર પ્રથમદર્શીય રીતે એક સરખી લાગે છે. આ વિષયની પરિક્ષામાં એક વાર એક વિદ્યાર્થીને એક અવયવનો છેદ માઈક્રોસ્કોપની મદદથી તપાસીને તે અવયવને ઓળખવાનું કહેવાયુ. વિદ્યાર્થી ઘણી મહેનત પછી પણ ઓળખી નશક્યો. આ વિદ્યાર્થીનુ મૂલ્યાંકન કરવાનું કાર્ય કરતા પરિક્ષક સાહેબ આ વિદ્યાશાખાના ખૂબ જૂના અને ઠરેલ વ્યક્તિ હતા. તેમને લાગ્યુ કે છોકરાને થોડી હિન્ટ આપવામાં આવે તો તે કદાચ ઓળખી શકશે. હવે આ વિદ્યાર્થીને આપવામાં આવેલ અવયવ કે જેને ઓળખવાનુ હતુ તે હતુ ગર્ભાશય(uterus). એટલે સાહેબે સ્ટુડન્ટને હિન્ટ આપી કે "આ એક એવું અવયવ છે જે તારામાં ય નથી ને મારામાં ય નથી ... !!! " વિદ્યાર્થીએ ફરીથી સ્લાઈડ તપાસી અને ખૂબ માથુ ખંજવાળ્યુ અને પછી એક જવાબ આપ્યો ...! અને એ સિનિયર પરિક્ષકે પણ જવાબ સાંભળી કહેવું પડ્યુ કે યાર તું પાસ નહિં થાય .. .! પરિક્ષા ખંડમાંથી બાહર નીકળ્યા પછી મિત્રો એ પૂછ્યુ કે શું થયું તો ચૂકરાએ જવાબ આપ્યો કે મેં કહ્યું "સાહેબ આ તો બ્રેઈન (મગજ) હોય તેવુ લાગે છે " ...પણ ખબર નહિં સાહેબ કેમ ભડકી ગયા ...!!

એકવાર બે પરિક્ષક એક વિદ્યાર્થીનીનું એક દર્દી પર પ્રોયોગિક પરિક્ષા અંગે મૂલ્યાંકન કરી રહ્યા હતા. વિદ્યાર્થીનિ નું પુસ્તકીય જ્ઞાન ઠીક-ઠીક હતુ. પરંતુ પ્રાયોગિક પરિક્ષણ જ્ઞાન (દા.ત. બીપી કેમ માપવુ વિ.) વિશેનું જ્ઞાન ખૂબ ઓછુ હતુ. મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે લાઈબ્રેરીમાં બેસી પુસ્તકીયુ જ્ઞાન વધારીલેતા હોય છે પણ દર્દી પર જ્યારે પ્રેક્ટીકલી આજ વસ્તુની તપાસ કરવાનું કહેવાય ત્યારે ગેં-ગેં-ફે-ફે થઈ જતા હોય છે. કદાચ એ તેમના પ્રાયોગિક પરિક્ષણ પ્રત્યેના દુર્લક્ષ થી બને છે. હવે આ પરિક્ષક સાહેબો પણ આ વિદ્યાર્થીનિ પર નારાજ થયા પણ એક માયાળુ સાહેબે વળી પ્રેમથી સમજાવવાનું ચાલુ કર્યુ કે જો બેટા પુસ્તકમાં લખ્યુ હોય તે તો વાંચવાથી આવડી જશે પણ પ્રયોગિક જ્ઞાન માત્ર વોર્ડમાં જઈ દર્દી તપાસવાની તાલીમ અને મહાવરો લેવાથી જ આવડી જશે અને જીંદગીમાં આગળ ઉપર એ ખૂબ કામ લાગશે..! બીજા સાહેબને લાગ્યુ કે આ ફાઈનલ પરિક્ષા છે હવે શિખામણ નો શો અર્થ ૵ એટલે તેમણે કહ્યુ સાહેબ હવે સગાઈ થઈ ગયા પછી દીકરીને રોટલી કેમ બનાવવાની કહેવાથી શો ફાયદો ...! પેલી વિદ્યાર્થીનિ આ સાંભળી થોડી શરમાઈ એણે નીચે જોઈ અને પગના નખથી જમીન કોતરતા કોતરતા હળવેથી કહ્યુ સાહેબ મારા તો લગન પણ થઈ ગ્યા છે...! અને પરિક્ષક સાહેબો હસી હસી ને બેવડા વળી ગયા.



આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

- ડો.મૌલિક શાહ
એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
જામનગર (ગુજરાત)

Wednesday, June 24, 2009

“ખરચુ “….!


અમે બાળરોગ વિભાગમાં રેસીડેન્ટ તરીકે કાર્ય કરતા ત્યારની આ વાત છે. રેસીડેન્ટ ડોકટર તરીકે અમારે મોટા સાહેબ રાઉન્ડ લેવા-દર્દી તપાસવા આવે તે પહેલા બધા દર્દીને તેમની બિમારી વિશેની વિગત અને તેનુ શારીરીક અવલોકન કરી ને જે તે દિવસ માટે જરુરી દવા આપવા અંગે નોંધ કરવાની હોય છે.
અમારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ એટલે દર્દીનો ધસારો ખૂબ રહે. ગામડાથી લઈને શહેરના રહેણી કરણી અને ભાષા માં અનેક પ્રકારની વિવિધતા વાળા આ બધા દર્દીઓ સાથે વાર્તાલાપ કરવાનો આવે. ગુજરાતી ભાષાના પણ વિવિધ પ્રકાર હોઈ શકે તે ત્યારે જ સમજાય અને દરેક દર્દીની રજૂઆત પણ અલગ હોય કંઈક અંશે આપણા બ્લોગજગત જેવુ.!
અમારા માટે પણ ડોક્ટરી સાથે આ માનવ સંવાદની કલા શીખવાનો પ્રથમ અનુભવ પણ મજા પડતી. અમારા ફર્સ્ટ યર રેસીડેન્ટો માં પણ વિવિધતા! પુષ્કર શ્રીવાસ્તવ નામનો મિત્ર મૂળ બિહારી અને ગુજરાતી ભાષા ગુજરાતમાં આવીને શીખેલો પણ સ્વભાવે પરગજૂ અને મગજે આઈન્સટાઈન ને પાછો પાડી દે તેવો.! હિન્દી મિશ્રીત ગુજરાતીથી મોટા ભાગના દર્દીમાં કામ ચલાવી લે.! મોટે ભાગે શરુઆતી દોરમાં ઘણી વખત દર્દીની સાથે વાતચીતમાં ઘણી વાર અમારી કે કોઈ અન્યની અનુવાદક તરીકે સેવા લઈ ને દર્દીને તપાસી લે. સાંજ પડયે તેની ડાયરીમાં નવા ગુજરાતી શબ્દો નોંધાયેલા હોય જેનો અમારે અર્થ સમજાવવાનો દા.ત. શિરામણ-રોંઢે- આથમણે વિ. જેવા તળપદી શબ્દો.! સદભાગ્યે એક અન્ય રેસીડેન્ટ મિત્ર આશિષ પટેલ અને ગામડાનો એટલે આવા શબ્દોનો વિસ્તૃતાર્થ પુષ્કરને મળી રહે.!
આવા સમયે એક નાના બાળકને અમારા વોર્ડમાં ન્યુમોનિયા માટે દાખલ કરેલુ. કેસ કઢાવીને બાળકના પિતા ગામડે કંઈ સગવડતા કરવા ચાલ્યા ગયા બાળક સાથે એક મોટી ઉંમરના દાદીમા રહેલા. આ દાદીમા અંદાજે 75 વર્ષના હશે ભણ્યા નહી હોય પણ ગણેલા ઘણુ એટલે બાળકની દવા વિ. નો ખૂબ ખ્યાલ રાખે અને બધી સૂચનાનો સુંદર અમલ કરે. આ બાળક શરુઆત ના બે દિવસ આશિષે જોયેલુ અને બાળક સારુ થઈ રહ્યુ હતુ. પણ આજે ત્રીજા દિવસે આશિષ અન્ય કામમાં હોઈને આ શિશુને જોવાનુ કામ પુષ્કરને આવ્યુ.
પુષ્કરે સામાન્ય પણે રોજ પૂછાતા સવાલોથી શરુઆત કરી અને તપાસ કાર્ય પૂર્ણ કર્યુ. રોજીંદા ક્રમ પ્રમાણે અમારા સાહેબનો રાઉન્ડ આવ્યો અને પેલા દાદીમાએ સાહેબને આજે ને આજે જ રજા કરી દેવાની વિનંતી કરી. સાહેબે સમજાવ્યુ કે સારવાર અધૂરી મૂકીને ન જવાય જો કોઈ તક્લીફ હોય તો કહો . પણ દાદીમા ટસ ના મસ ના થાય્! એક સમજુ વ્યક્તિની જેમ વોર્ડમાં રહેલા આ વડીલ આમ કેમ કહી રહ્યા હતા તેનુ રહ્સ્ય શોધવાનું કામ મને અને આશિષને સોંપવામાં આવ્યુ. સાહેબ ના ગયા પછી અમે બંને દાદીમાની પાસે ગયા અને ધીરે-ધીરે દાદીમાના મન સુધી પહોંચી અમે તેમના આ નિર્ણયનું કારણ જાણ્યુ તો ખરેખર બે દિવસ સુધી હસી- હસીને પેટ દુ:ખી ગયુ!!
વાત જાણે એમ બની કે દાદીમાનું શિશુ એક દિવસથી સંડાસ ગયુ ન હતુ. તેમના માટે આ ડૉકટર ને જાણ કરી કંઈ કરવા યોગ્ય ઘટના હતી. પુષ્કર જયારે સવારે તપાસ અર્થે ગયો ત્યારે દાદીમાએ આ વાત કરી કે “દાકતર સાહેબ છોરા એ આજે “ખરચુ “ (ગામડાની તળપદી ગુજરાતીમાં મળૉત્સર્જન કે સંડાસ જવાને – ‘ ખરચુ’ કહેવાય છે.) નથી કર્યુ !”. પુષ્કર હંમેશા દર્દીને મદદ કરવા તત્પર જીવ અને આ સાંભળી તેને થયુ દાદીમા ખોટા મુંઝાય છે!. એટલે એ કહે “મા ! આપ સરકારી હોસ્પીટલ માં છો અને અહિં મહિનો રહેશો તો પણ “ખરચો” નહી થાય જરાયે મુંઝાશો નહિ !! બસ દાદીમાને ફડક પેસી ગઈ ! આવી હોસ્પીટલ માં થોડુ રહેવાય જયાં છોકરાને મહિનો રાખી તો ય ‘ખરચુ’ ન થાય !!
અમે પુષ્કર અને દાદીને આ ભાષાકીય ભૂલ સમજાવી અને તે પણ હસી પડયા.! અમારો આ આઈનસ્ટાઈન પુષ્કર આજે યુનિવર્સિટી ઓફ આઈઓવા (Iowa), અમેરીકા માં બાળરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે અને આજે પણ દરેક દાદીમાને પ્રેમથી સમજાવે છે !!