સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, July 30, 2011

dancing infants


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Saturday, May 7, 2011

મધર્સ ડે સ્પેશ્યલ (Mothers' Day Special)


જીવનદાયીની માતાને શત શત પ્રણામ
આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી જો કોઈ અદભૂત પરિવર્તન આવતુ હોય તો એ છે કોડભરી કન્યાનું માતા બનવુ. જેમ મહેમાન ઘેર આવવાના હોય ત્યારે ઘરની સજાવટ અને સુશોભન કંઈ ઓરજ હોય તેમ માતા બનનારી સ્ત્રીના શરીર-મન-વિચાર-વાણી અને વર્તનમાં આમૂલ પરિવર્તન આવે છે. આ સમગ્ર પરિવર્તન કે જે સ્ત્રીના જીવનને અદભૂત મોડ આપે છે. એક મંઝીલ આપેછે એક એવી ઉંચાઈનું નામ એટલે મા...! આ “મા ”બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!
કહેછે કે ઈશ્વર બધે પહોંચી શકે તેમ ન હતો અને એટલે જ તેણે મા નું સર્જન કર્યુ ...! આવી ઈશ્વરનું મૂર્તિમંત સ્વરુપ એવી સંસાર ની તમામ માતાઓને આજે મધર્સ ડે પર હાર્દિક વંદન અને શુભકામનાઓ...!
ઘણા લોકો કહેશે કે આ મધર્સ ડે તો પશ્ચિમી રિવાજ છે પણ શું માનું ગૌરવ કરવા માટે આપણને દેશ-ભાષા અને સંસ્કૃતિના બંધનો નડી શકે ખરા ? !! . આવો તપાસીએ મધર્સ ડે નો ઈતિહાસ ...
‘મધર્સ ડે’ નો ઈતિહાસ
ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..!  શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને ‘મધર્સ ડે ‘ તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.
ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે.
‘મધર્સ ડે’ નું વ્યાપારિકરણ
કાર્ડ- ગીફ્ટસ-ચોકોલેટ ના ઉત્પાદકોએ આ દિવસનો ખૂબ પ્રચાર કરી અને પોતાની ચીજોનું મધર્સ ડે ના ઉપલક્ષે માર્કેટીંગ કર્યુ. ધીમે-ધીમે આ દિવસનો મૂળ મર્મ માર્યો ગયો અને લોકો માતા પ્રત્યે પોતાની ફરજ ભૂલીને તેના બદલે માત્ર કાર્ડ મોકલી સંતોષ મેળવતા થયા...! આ સમગ્ર વ્યાપારિકરણથી વ્યથિત બની આન્નાએ મધર્સ ડે નો વિરોધ કરવાનું ચાલુ કર્યુ... તેના મતે આ મધર્સ ડે નહિ પણ “હોલમાર્ક* ડે “(*હોલમાર્ક એક પ્રતિષ્ઠીત કાર્ડ બનાવતી કંપની છે. ) કહેવાનું ચાલુ કર્યુ ...! તેમના મતે માત્ર કાર્ડ આપવાથી માતા પ્રત્યે સન્માન નહિ પણ માત્ર એક આળસ પ્રદર્શિત થાય છે... આન્નાએ આ વ્યાપારિકરણ થી અત્યંત દુઃખી થઈ મધર્સ ડે ઉજવણી બંધ કરવા જીવન ભર પ્રયાસો કર્યા. ! કદાચ કોઈ કાર્ડ કંપની પાસે સમજૂતિ કરી ઘણા પૈસા કમાઈ શકે તેવી પરિસ્થિતિ હોવા છતા આન્નાએ આજીવન મધર્સ ડે ના વિરોધમાં પોતાનું જીવન અત્યંત ગરીબ હાલતમાં ગાળ્યુ.
પંચ લાઈન
ખેર કાર્ડ નો મહિમા એસ.એમ.એસ અને ઈમેલના જમાનામાં થોડો ઓછો ચોક્કસ થયો છે પણ આખરે માતાને ગૌરવ આપવાના ઉદ્દેશ્ય થી સ્થપાયેલ આ દિવસ એક શિષ્ટાચાર અને માત્ર દેખાડો બની ને રહી જાય છે. મોટા ભાગના લોકો આ દિવસથી અજાણ હોય છે અને થોડા ઘણા જે જાણે છે તે સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ પર કે અન્ય સંચાર માધ્યમ દ્વારા પોતાનો માતૃપ્રેમ પ્રગટ કરે છે. જોકે વધી રહેલા વૃધ્ધાશ્રમો અને ઘરડાઘરો મધર્સ ડે જેવો દિવસ ખરેખર આપણે મનાવવો જોઈએ કે કેમ તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્ક્સ મૂકે છે...! . 

આ સાથે આરાધનાબેન ભટ્ટ - સૂર સંવાદ રેડીયો - સિડની-  ઓસ્ટ્રેલિયા દ્વારા લેવાયેલ મારો મધર્સ ડે સંબંધી ઈંટરવ્યુ  પણ મૂકેલ છે 
Mother's day Interview by Aaradhnaben Bhatt by gujmom

કેટલાક મમળાવવા લાયક અવતરણો

“ શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર ‘સ્ત્રી ‘હતી...! ‘માતા’ એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.” – રજનીશજી ‘ ઓશો ‘

“ શહેરી માતા બાળકને સતત ‘ડીલીવર’ કરે છે ...! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા  જીવન પર્યંત ...!”  – પીટર દ વ્રાઈસ

“ જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. ...!” – એક ચીની કહેવત

જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા ...! – ટેનેવા જોર્ડન

“ હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ -  જેમ્સ ફેંટન




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Sunday, March 20, 2011

વિશ્વની સૌપ્રથમ માતૃત્વ અને શિશુસંભાળ તથા રસીકરણ અંગેની ગુજરાતી વેબ નું વિમોચન્.


સહર્ષ જણાવવાનું કે સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં મારા દ્વારા રચિત
1.       માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ – gujmom.com
2.       બાળકોનાં રસીકરણ અંગેની વેબ સાઈટ – bal-rasikaran.com
3.       “બાળકોનું રસીકરણ” પુસ્તક
ના વિમોચન નો પ્રસંગ જામનગર ખાતે તા. 19-3-2011 ના યોજેલ જેમાં પ્રોફેસર વસુબેન ત્રિવેદી ના વરદ હસ્તે વેબ સાઈટ અને પુસ્તકો રીલીઝ થયા.



gujmom.com વિશે
સગર્ભાવસ્થાથી જ અનેક સપનાઓથી અંજાયેલ આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઉમટી ઉઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરુર પડે છે માર્ગદર્શક મિત્રો- તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની...! પરંતુ આવા મિત્રો હોવાનું સદભાગ્ય દરેક વ્યક્તિને સાંપડતુ નથી. વળી તબીબ મિત્રો પોતાના વ્યસ્ત સમયમાં દરેક નાની બાબતોનું ઝીણવટભર્યુ માર્ગદર્શન આપી શક્વાને અસમર્થ હોય છે. વૈજ્ઞાનિક સાહિત્યની સદાય ઉણપ રહી છે ખાસ કરીને આપણી ભાષામાં...! અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય સમાજ્ના દરેક વર્ગને લાગુ પડે તેવુ હોતુ નથી અને તેમાંની ઘણી ખરી માહિતી પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર હોય છે આથી ભારતીય પરિવારોને ઘણી સલાહ અનુચિત પણ લાગે છે. ઘણી વેબ સાઈટ પરની માહિતી ઘણી વખત પ્રાયોજકનું  વ્યવાસાયિક હિત જાળવવા વૈજ્ઞાનિક માહિતી સાથે ચેડા પણ કરે છે. આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્ત્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરુરી જ્ઞાન પીરસે તેની અત્યંત જરુરિયાત અનુભવાઈ રહી છે. આ જરુરીયાત ને સંતોષવા મારા પ્રથમ પુસ્તક ´ માતૃત્વની કેડી એ ’ નું સર્જન કર્યુ અને તેની અપાર સફળતા પછી દૂર-સૂદૂર ના લોકોને ઘેર બેઠા વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડીયો તથા વિડીયો સાથે આ માહિતી આપવાના હેતુ થી આ વેબ સાઈટ નું સર્જન થયુ છે.
વેબ સાઈટમાં  સગર્ભાવસ્થાની વિવિધ સારસંભાળ(આહાર-યોગ-મેડીકલ તપાસ- ભયજનક અવસ્થાઓ)- ડીલીવરી(સીઝેરીયન/નોર્મલ) વિશે, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ માટે ની વિવિધ તૈયારી (ક્પડા- સાધનો–રમક્ડા-જરુરી ઘર વપરાશની ચીજો) , નવજાત શિશુ માટેની સંભાળ (સ્તન પાન-ચેપથી બચાવ-કાંગારુ મધર કેર- નવડાવવા અને માલિશ વિશે ), નિઃસંતાન દંપતિ માટે સૂચનો જેવા અનેક વિવિધ વિભાગ ખૂબ સુંદર રીતે અપાયેલ છે. વળી જો વાચક મિત્ર ને કોઈ પ્રશ્ન હોય તો તે પૂછવા માટે વિભાગ અને ડીલીવરીની સંભવિત તારીખ ગણતરી માટે ખાસ ગેઝેટ પણ છે.
bal-rasikaran.com વિશે
 વૈજ્ઞાનિક સંશોધનોની હરણફાળે રક્ષણ આપતી અનેક રસીઓ શોધી કાઢી છે પરંતુ આ લિસ્ટ લાંબુ થતુ ગયુ તેમ માતા-પિતાને માટે મૂંઝવણો પણ વધતી ચાલી છે. આવા સમયે બાળરોગ ચિકિત્સકો અને રસીકરણ કરતા તમામ ડોક્ટર મિત્રો પાસે માતા-પિતા એક સાચી સલાહની અપેક્ષા રાખે છે. પરંતુ દરેક રસીકરણ અંગે અનેક પાસાઓ જેમકે બાળકને તે રોગ થવાનુ જોખમ, ખર્ચનુ આર્થિક પાસુ, રસીની અસરકારકતા અને રસી વિશે હાલના તબક્કે ઉપલ્બ્ધ વૈજ્ઞાનિક સલાહ વિ. ને વિસ્તૃત રીતે સમજાવવુ સમયની વ્યસ્તતાને લીધે લગભગ અશક્ય હોય છે. રસીકરણ વિશે નિષ્પક્ષ અને સાચી વૈજ્ઞાનિક માહિતી આપતા પુસ્તકો અંગ્રેજી માં અને મેડીકલ ભાષા માં હોવાથી આપણે દર્દીઓને આવુ કોઈ સાહિત્ય આપી શકતા નથી. જેથી  માતા-પિતા ને પોતાને ઉદભવતા પ્રશ્નો નુ નિરાકરણ થતુ નથી. આમ આ સંદર્ભે સરળ શબ્દોમાં કામની વાત કરે તેવા લોક ભોગ્ય સાહિત્ય ની ખૂબ તાતી જરુરીયાત મને જણાય છે.
આ રસીકરણ અંગેની વેબસાઈટ તમામ નવી અને જૂની રસીઓ – તેમનાથી કયા રોગ અટકાવી શકાય – તે રોગના લક્ષણો – રસી વિશે ની વિગતો – માતાપિતાને ધ્યાનમાં લેવાની બાબતો – રસીકરણ નો દુઃખાવો કેમ ઘટાડી શકાય રસીઓના શોધકો વિશે – રસીકરણ વિશેના પ્રશ્નો અને વિવિધ દેશો ના રસીકરણ પત્રકો જેવા પાસા આવરીલે છે. 
વેબસાઈટની ખાસ વિશેષતા તેમાં અપાયેલ રસીકરણ કેલેંડર છે કે જેમાં માત્ર બાળકની માત્ર જન્મ તારીખ દાખલ કરતાજ તેને જન્મ થી 15 વર્ષની ઉંમર સુધી દેવી પડતી તમામ રસીઓની તારીખ આવી જાય છે. જે માતા પિતાને ખૂબ ઉપયોગી થશે.
 આ વેબસાઈટ મુખ્યત્વે અનેક તટસ્થ વૈજ્ઞાનિક પુસ્તકો, ભારત સરકારશ્રી દ્વારા સૂચિત રસીકરણ માર્ગ દર્શિકાઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા પ્રકાશિત સાહિત્યના આધારે સંકલિત માહિતી છે જેને મેં માતા પિતાના દ્રષ્ટિકોણને અનુલક્ષી પીરસી છે.રસીકરણ વિશે અનેક ઉપયોગી વિડીયો અને અનેક જ્ઞાનવર્ધક વિભાગો છે. 


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)