સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Thursday, May 20, 2010

“ મેડીકલ વિદ્યાશાખામાં -ગ્લેમર vs રિયાલિટી “



ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતાની સાથે જ અનેક વિદ્યાર્થીમિત્રોને ખૂબ સરસ માર્કસ આવ્યા. અનેક મિત્રોનો સેંટર અને બોર્ડમાં રેંક આવ્યો.આ મિત્રોને હંમેશ મુજબ જર્નાલિસ્ટ મિત્રોએ પૂછ્યું “ ભાવિ કારકિર્દી “ વિશે અને લગભગ મિત્રોના સમાન જવાબ – “ મેડીકલ વિદ્યાશાખામાં જવું છે “ ! શા માટે જવું છે.-
“લોકોની સેવા કરવા !” વાહ ભાઈ વાહ કેટલા ઉદ્દાત વિચારો છે.! ઘણા મિત્રોએ એ થી પણ આગળ ઉપરની મહેચ્છા વ્યકત કરી કાર્ડીયોલોજીસ્ટ કે ન્યુરોસર્જન થવા વિશે ! ખૂબ સુંદર ! ગુજરાતી કહેવત છેને – “ નિશાન ચૂક માફ પણ નહી માફ નીચુ નિશાન !” મોટાભાગના મિત્રો આ કહેવતને ખરેખર જાણતા અને અનુસરતા લાગે છે.

મેડીકલ વિદ્યાશાખા વિશેનું આ સ્વપન ખરેખર છેલ્લા બે દાયકાથી ખૂબ જોવાતું અને ઉંચો ટી.આર.પી. ધરાવતું રહ્યું છે. માતાપિતા અને વિદ્યાર્થીમિત્રો સૌનુ વ્હાલુ આ સ્વપન ઘણી વાર આંખ ખૂલે ત્યારે વાસ્તવિકતા માં દુખદ બની રહેતુ હોય છે. દર વર્ષે મેડીકલ વિદ્યાશાખામાં ઘણા વિદ્યાર્થી મિત્રો આ શાખા છોડી જતા રહે છે અને ઘણા લાંબા સમય પછી મન સાથે સમાધાન કરે છે તેવુ સામાન્યપણે જોયેલુ છે. મેડીકલ વિદ્યાશાખા અને શિક્ષણની સાથે છેલ્લા 15 વર્ષથી સંકળાયેલ હોવાથી ઘણા વિદ્યાર્થીમિત્રો સહજ રીતે પૂછી લે છે “શું સાહેબ આ કોર્સ લેવા જેવો છે”?! ત્યારે આ વિશે કેટલાક પાસાનો વિચાર કરી લેવો જરુરી છે અને કારકિર્દીના ઉંબરે ઉભેલા આ મિત્રોને મદદરુપ થવા માટે મારા વિચારો રજૂ કરુ છું – તટસ્થતા પૂર્વક અભ્યાસ કરી મિત્રો પોતાની ભાવિ જીંદગી નો નિર્ણય લે તેવી અભ્યર્થના.!

ગ્લેમર નં. -1 – “ ડોક્ટરને સોશ્યલ સ્ટેટસ અને સાહેબ કહેવાય ભાઈ” !

હા એ સાચુ કે સમાજ હંમેશા તેમને ઉપયોગી અને કામના માણસોને માન આપે છે. પણ ભાઈ આવું તો દરેક ક્ષેત્રમાં છે. મૂળ વાત તો છે ગરજે ગધેડાને બાપ કહેવો પડે અને દવા અને ડોકટર ની ફી બચાવવા ઘણા લોકો ઉપરછ્લ્લુ માન અને વ્યવહાર રાખતા હોય છે. બાકિ તો ગરજ સરી કે વૈદ વેરી ! એજ સમાજ જ્યારે ડોકટરને કે તેના નિર્ણયને સમજી નથી શકતો કે શંકા કરે છે ત્યારે પળવાર પહેલા ભગવાન બનેલા સાહેબ કે તેમની હોસ્પીટલની ખેર નથી રહેતી...! આવા અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. એટલે ફૂલની સુગંધ ક્યારે પથથર માં પરિવર્તીત થાય તે કહેવું મુશ્કેલ છે. જો કે આવા બનાવોની સંખ્યા ઓછી છે પરંતુ સોશ્યલ સ્ટેટસના ફૂગ્ગાની હવા કાઢવા પૂરતા છે.

ગ્લેમર નં -2 - “ આ શાખામાં પૈસો ઘણો છે.” !

 હા ખાસ કરી ને ડોકટર સમાજ ના સફળ મિત્રોના આવક ના આંકડા ખરેખર ચોંકાવનાર હોય છે. પણ ભાઈલા, સમાજમાં મુકેશ અંબાણી, ટાટા, બિરલા કે બજાજ તો હોવાના પણ શું દેશના બધા ઔદ્યોગિક કર્મશીલો એમના સમાન ગણી શકાય. કોઈપણ ક્ષેત્રમાં આર્થિક ઉપાર્જન ની સંભાવનાઓ નક્કી કરતા પહેલા તે ક્ષેત્રના તળિયે રહેલા લોકોની સામાન્ય આવક થી વિચારવું અને વળી આ ઓછા માં ઓછી આવક મેળવવા માટે કરવો પડેલ સંઘર્ષ પણ ગણતરી માં લેવો. સરેરાશ એમ.બી.બી.એસ ડોક્ટર થતા અંદાજે સાડા પાંચ વર્ષ થઈ જાય છે જ્યારે માસ્ટર ડીગ્રી(એમ.ડી. કે એમ.એસ.) સાડા આઠ વર્ષ લઈ લે છે. બીજો ઓછા માં ઓછો એક વર્ષનો અનુભવ જોડો તો માસ્ટર ડીગ્રી ધારક ડોકટર દસ વર્ષે કમાવા લાયક સ્થિતિમાં પહોંચે છે. ત્યારે પણ તેને મળતી રકમ તેનાજ સમાન ઉંમરના અન્ય શાખાના સ્નાતકો (દા.ત. ઈજનેરો કે એમ.બી.એ). ને મળતા સેલરી પેકેજ થી ઓછી જ હોય છે. સરેરાશ ડોકટર કરતા તેનાજ જેટલા હોંશિયાર અન્ય શાખાના લોકો ડોક્ટર સાહેબ ખૂરસી પર બેસે ત્યાં સુધીમાં બે કે ત્રણ નોકરી-બદલી અને ત્રણ વિદેશ પ્રવાસો કરી ચૂક્યા હોય છે.!

જે ડોકટર મિત્રો હિંમતથી મોટા શહેરો માં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરે છે તેમને શરુઆતી સમયમાં ખૂબ મોટી રકમનું રોકાણ કરવુ પડે છે. પ્રેકટીસ ની શરુઆતમાં બેંકના લોન ના હપ્તા ભરવામાં પણ તકલીફ પડતી હોય છે. રાત-દિન દર્દીના સુખમાં સુખ અને દુઃખે દુઃખ સમજવું પડે તો પણ કોઈ ગેરેંટી નથી કે થોડા સમય પછી હોસ્પીટલ ટકશે કે માલિક બદલાશે! શું અન્ય વ્યવસાય કે બિઝનેસમાં આટલા રોકાણ થી શાંતિપૂર્વક કમાઈ ન શકાય ? શું આ કોસ્ટ બેનીફીટ રેશ્યો તમારા હિસાબમાં બેસે છે ? -તો આવો મેદાન માં !

ગ્લેમર 3 – “જોબ સીક્યુરીટી છે ભાઈ...!”

ડોકટરીના વ્યવસાયમાં નોકરી મેળવવી ખાસ અઘરી નથી ખાસ કરીને જો સ્થળ અંગે ની સૂગ ન હોય. આજની તારીખે પણ અનેક નાના શહેરો થી માંડી મોટી કોર્પોરેટ હોસ્પીટલ માં પણ નોકરી મળવી અઘરી નથી. પરંતુ શું આટલી બધી મહેનત પછી બીજા કોઈ વ્યવસાયમાં પણ નોકરી ન મળે કે ન ટકે વિચારી જૂઓ.!

મારો મત... મેડીકલ વ્યવસાય કદી પૈસા, સ્ટેટસ કે જોબ સિક્યોરીટી વિચારી પસંદ ન કરવો ખરેખર તો આ વ્યવસાય પસંદ કરવાનું સૌથી મોટું કારણ છે તેમાં રહેલું ‘ જોબ સેટીસ્ફેક્શન્ ‘ - એક દર્દીના દુઃખને તમે હળવુ કરી શકો, એક સ્ત્રીને માતા બનવામાં મદદરુપ થઈ શકો, એક શિશુને શ્વાસ આપી આખી જીંદગી આપી શકો કે સ્વર્ગના દ્વારે ઉભેલાને ધરતી પર પાછો લાવવાનું ભગીરથ કાર્ય કરવાની સંજીવની કે વિદ્યા આ અભ્યાસક્રમ આપે છે!. એ જ છે એમાં ડૂબકી મારવાનું પ્રબળ પ્રેરક બળ્! પૈસા કે સ્ટેટસ બીજી બધી વિદ્યાશાખામાં મેડીકલ થી કદાચ વધુ મળશે પણ આ અમૂલ્ય સંતોષ મેળવવાનું શક્ય નથી. પણ બોસ ઓલી.. સ્પાઈડરમેન ફિલ્મમાં કહે છે ને કે “દરેક શક્તિ પોતાની સાથે જવાબદારીનુ પોટલુ લાવે છે”- એમ આ સંજીવની બાણ મળ્યા પછી ધનુષ્ય ઉપાડી ફરવાની તાકાત છે ને !!

થોડી ગમ્મત...

હું ડોકટર શા માટે બન્યો તેના સાચા-ખોટા કેટલાક સબળ કારણૉ નીચે મુજબ છે ...!

1. બોસ !, આમેય પહેલે થી આપણી ઉંઘ ઓછી...!

2. ગણિત ગોટાળુ કંઈ ન જાણુ ને ભૂમિતિ માં મોટુ ભોપાળુ ...!

3. મારા અક્ષર પહેલે થી જ ખરાબ રહેલા...!

4. આ બધી મોજમજા અને જલસા બહુ થયા ભાઈ ! જીંદગી બહુ માણી લીધી..!

5. નાનપણ થી જ મારો સ્વભાવ ચિંતાજનક- જરીયે કોઈનું દુઃખ ન જોવાય ભાઈ...!

6. મારા મતે જીવન ના પહેલા 30 વર્ષ આર્યકાળ અનુસાર ‘બ્રહ્મચર્યાશ્રમ’ માં ગાળવા જોઈએ.!

7. આ શાખામાં પાછલી જીંદગીની ચિંતા નથી રહેતી!(કારણકે ડોક્ટરોની સરેરાશ વય ઘટી છે.)

8. માણસે પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત આ દુનિયામાં જ કરવું જોઈએ...!

9. સ્ટ્રેસથી જો બી.પી. કે હ્રદયરોગ થાયતો બોસ આપણે પૈસા જ નથી ખરચવા...

વળી જીંદગી ના યુવાની ના વર્ષો આ દસ વર્ષની તપસ્યામાં ક્યાં જતા રહે છે તે ખબર પણ નથી પડતી. પુસ્તકો ની બહારની દુનિયા,તહેવારો કે સામાજીક પ્રસંગો વિશેનું તાત્પર્ય સમય જતા જાણે ભૂલાતુ જાય છે!. એક ડીગ્રીની કિંમત આ તનતોડ મહેનત અને અનેક ઈચ્છાઓ ના દમન થી ચૂકવવા તૈયાર રહેવું પડે છે. શું આ કોસ્ટ બેનીફીટ રેશ્યો તમારા હિસાબમાં બેસે છે ? - તો આવો મેદાન માં !

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Monday, May 17, 2010

દાંતનો સડો (dental caries) part -1

દાંતની કોઈપણ સપાટી પરનું દાંતનું ખનિજ દ્રવ્ય ઓગળી જતા પડેલા ખાડાને દાંતનો સડો કહે છે. સફેદ કલરના દાંતમાં દાંતનો સદો કાળા કે બ્રાઉન કલરના ખાડા રુપે જોવા મળે છે. દાંત નો સડો કોઈપણ ઉમરની વ્યક્તિને થઈ શકે છે બાળકોમાં દાંત ના સડાનુ પ્રમાણ વધુ જોવા મળે છે.

દાંતનો સડો એ બેક્ટેરીયા દ્વારા થતો રોગ છે. આપણા મોંમાં અનેક પ્રકારના બેક્ટેરીયા જોવા મળે છે. આમાંના કેટલીક પ્રકારના બેક્ટેરીયા એસિડ બનાવે છે. આ એસિડ દાંતના ખનીજ બંધારણ ને ઓગાળી નાખે છે. બેક્ટેરીયા અન્ય સજીવની માફક જ ખોરાક નો ઉપયોગ કરીને નકામા ઉત્સર્ગ પદાર્થનો ત્યાગ કરે છે. દાંતના સડા માટે જવાબદાર બેક્ટેરીયા (સામાન્યતઃ – સ્ટ્રેપ્ટોકોક્કસ મ્યુટન્સ કે એસીડો ફિલસ લેક્ટોબેસીલાઈ) દાંત પર ચોંટેલા અન્નકણોનો કે ચોંટેલી શર્કરાનો ઉપયોગ કરીને પોતાનું જીવન ટકાવી રાખેછે અને આ પ્રક્રિયાના અંતે બનતા ઉત્સર્ગી પદાર્થ તરીકે એસીડ નો ત્યાગ કરે છે. આ એસીડ દાંતના બંધારણ ને ઓગળી ને નુકશાન કરી મૂકે છે. દરેક મોં માં અનેક બેક્ટેરીયા હોય છે જો વ્યવસ્થિત સફાઈ ન થાય તો આવા બેક્ટેરીયા દાંત પર પોતાનો વંશ વેલો વધારે છે અને આવી વધતી જતી બેક્ટેરીયાની વસ્તી દાંત પર એક પીળુ છારીનૂમા પડ બનાવે છે જે ડેન્ટલ પ્લાક નામ થી ઓળખાય છે. આ પડ દાંતને કુલ બે રીતે નુકશાન પહોંચાડે છે-

1. આ ડેન્ટલ પ્લાક બેક્ટેરીયાનુ ઘર છે જે તેને રક્ષે છે.
2. બેક્ટેરીયા દ્વારા પેદા થતો એસીડ વહી જવાને બદલે આ પડની બાઉન્ડ્રી ને લીધે સતત દાંત સાથે ચીપકેલો રહે છે. જે ધીમે ધીમે દાંત ને ખોતરી નાખે છે.

દાંતનો સડો એ સતત થતી ધીમી પ્રક્રિયા છે જેને મહિનાઓ કે વર્ષો લાગે છે. આ સડાની પ્રગતિ નો આધાર ડેન્ટલ પ્લાકની ઉંમર- બેક્ટેરીયાની પ્રજાતિ – દાંતની સફાઈ અને ખાન પાન ની પ્રવૃતિ પર છે. મીઠી- ચીકણી વસ્તુ નો વધુ પડતો ઉપયોગ આ પ્રક્રિયા ઝડપી બને છે.

દાંતના સડામાં શરુઆતના તબક્કામાં કોઈ જ દુઃખાવો કે તકલીફ પડતી નથી. પરંતુ આ સડો આગળ વધે અને ઈનેમલ તથા ડેંટીન ને ખોતરીને જ્યારે પલ્પ તરીકે ઓળખાતી દાંતની નસ સુધી પહોંચે ત્યારે જ દુઃખાવો થાય છે. દાંતની નસ જ માત્ર સંવેદના વ્યક્ત કરી શકતી ચેતા નસો ધરાવે છે ઈનેમલ કે ડેંટીન તરીકે ઓળખાતા બહારી પડો નહી. આથી સડાની શરુઆતી અવસ્થામાં દુઃખાવો થતો નથી.

એકવાર દાંતમાં સડો થાય પછી જો તે સારવારથી દૂર ન થાય તો તે ક્રમશઃ વધુ ને વધુ ઉંડો ઉતરે છે. આ સડો અન્ય કોઈ રીતે અટકાવી શકાય નહી.

આજ વસ્તુ સમજો આ એનીમેશન વિડીયો થી



દાંતમાં સડો થવાના કારણૉ

1. સતત મીઠો અને ચીકણૉ ખોરાક લેવાથી જેવો કે – ચોકલેટ, ગોળ, આઈસ્ક્રીમ, મીઠાઈ વિ.

2. નાના બાળકોને ઉંઘમાં રાત્રે બોટલ થી દૂધ આપવાથી.


3. રાત્રે ગળ્યુ દૂધ આપીને બાળક્ને જો બ્રશ ન કરાવાય તો ...

4. પીવાના પાણી માં જ્યારે ફ્લોરાઈડનુ પ્રમાણ ઓછુ હોય તો ...

5. દાંતમાં ઉંડા તેમજ સાંક્ડા ખાંચા કે તિરાડો હોય તો કે જે કુદરતી રીતે અન્ન કણૉ ફસાઈ જવાની સરળ વ્યવસ્થા આપે છે.

6. અપૂરતી સફાઈ અને બ્રશ ન કરવાથી.

7. દાંત આડા-અવળા કે વાંકાચૂકા હોય તો બ્રશ યોગ્ય થતુ નથી અને સડો થવાની સંભાવના વધે છે.


મૂળ લેખન - ડો.ભરત કટારમલ  ડેન્ટલ સર્જન - જામનગર

નાવીન્ય સભર રજૂઆત અને પૂરક માહિતી - ડો. મૌલિક શાહ

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. -

Thursday, May 13, 2010

રસીકરણ (vaccination) શા માટે ??



ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે. કેટલાક રોગ થયા પછી તેની સારવાર ખૂબ અઘરી અને ઘણી વાર અશક્ય હોય છે અને અંતે દર્દી માટે જીવલેણ નીવડે છે. પણ આવા ઘણા રોગને અટકાવવા નો અસરકારક ઉપાય છે – રસીકરણ . રસીકરણ દ્વારા ખૂબ ઘાતક અને ગંભીર પ્રકારના રોગ પણ રોક લગાવી શકાય છે. દા.ત. ડીપ્થેરીયા રોગ જો થાય તો શિશુ માટે પ્રાણ ઘાતક નીવડી શકે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.


અમુક રોગ કદાચ પ્રમાણ માં ઓછા ઘાતક છે અને દર્દીનુ મૃત્યુ ન પણ થાય પણ તેની આડ અસરો અને બિમારીના સમય દરમ્યાન બિન કાર્યક્ષમ રહેવાથી થતુ નુકશાન ઘણુ મોટુ હોય છે . દા.ત. ઓરીનો રોગ કદાચ સીધી રીતે શિશુને પ્રાણ ઘાતક ન પણ બને પણ તેના કારણે થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય ચાલતા ઝાડાની બિમારીથી શિશુને ઘણુ નુકશાન થાય છે તેનો વિકાસ અટકી જાય છે. જ્યારે અછબડા જેવી બિમારી સામાન્ય રીતે જાન્યુઆરી થી એપ્રીલ માસમાં થતી હોય છે જે સમય દરમ્યાન શાળા કોલેજોમાં પરીક્ષાઓનો હોય છે અને તે દરમ્યાન એકાદ અઠવાડીયાની માંદગી બાળકને અભ્યાસમાં પાછળ કરી શકે છે. વળી અછબડામાં રહી જતા ચહેરા પરના ડાઘ કયારેક સૌદર્ય પ્રત્યે વધુ સભાન બાળકમાં(ખાસ કરી ને કિશોરીઓમાં) લઘુતાગ્રંથિ પણ લાવી શકે છે. આમ રસીઓ માત્ર જીવ બચાવવા માટે જ નહી પણ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા પણ જરુરી છે.

ઘણા રોગ અને બિમારીની હોસ્પીટલોમાં સારવાર શક્ય છે અને કદાચ આડરસરો માંથી પણ બચી શકાય પણ સરવાળે જો હિસાબ માંડવામાં આવે તો થતુ આર્થિક નુકસાન અને સમય નો વ્યય હંમેશા રસીકરણની કિંમત થી ઓછો જ હોય છે.

રસીકરણ માત્ર આપના બાળકને જ રક્ષણ નથી આપતુ એ સમાજને પણ ઉપયોગી થાય છે . કેટલાક બાળકો કે જે કદાચ આપના બાળકની સાથે સ્કૂલમાં ભણતા હશે કે ઘરની નજીક સાથે રમતા હશે કે જે પોતે રસીકરણ લેવા છતા પણ જરુરી રોગ પ્રતિકારક શક્તિ પેદા નહી કરી શકતા હોય કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ પેદા કરતા હશે એમના માટે પણ આપના બાળકને રોગ ન થાય તે આશીર્વાદ રુપ બની શકશે.

જો બાળકો ઓછા માંદા પડે તો આરોગ્ય લક્ષી સેવાઓ નો ખર્ચ ઘટે છે. માતા-પિતા પોતાનુ કાર્ય સંભાળી શકે છે જેથી એમની સેવાઓ જેતે ક્ષેત્રમાં સતત પ્રાપ્ય રહે છે. આમ રસીકરણ દ્વારા રોગ અટકાવવાથી એક તંદુરસ્ત સમાજ અને કાર્યક્ષમ રાષ્ટ્રનુ નિર્માણ થાય છે.આથી દેશ ના વિકાસમાં આપ સીધો સહયોગ કરો છો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ ગણી શકાય છે.

રસીકરણ દ્વારા અનેક રોગોની નાબૂદી શક્ય છે. દા.ત. શીતળાનો રોગ આપણે નાબૂદ કર્યો છે અને હવે તેનુ રસીકરણ જરુરી નથી. આમ જો યોગ્ય રસીકરણ કાર્યક્રમો અને વિવિધ ઝુંબેશ ચાલુ રહેશે તો બીજા અનેક રોગ માંથી આવનારી પેઢીને મુક્તિ મળી જશે. આવી જ એક મોટી ઝુંબેશ ભારતમાં આપણે પોલિયો નાબૂદી માટે ચાલુ છે.











આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)