સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Showing posts with label jamnagar. Show all posts
Showing posts with label jamnagar. Show all posts

Wednesday, September 28, 2011

ડો.પ્રજ્ઞા પૈ – એક વિરલ વ્યક્તિત્વ


મિત્રો, આજે એક અનોખા ડોક્ટર અને માતૃબાળ અને સમાજ ઉપયોગી સાહિત્યના દંતકથા સમાન લેખક ડો. પ્રજ્ઞા પૈ ની વાત... મારા જેવા અનેક લોકો જેમને વાંચીને લખવાની પ્રેરણા મેળવે છે તેવા આ ગુજરાતી લેખક ની જીવન વિશેની વાત અને તેમનો સંદેશ આપના સુધી પહોંચાડવાનો મારો આ પ્રયાસ ચોક્ક્સ આપને સ્પર્શશે. એક પત્ર ઈન્ટરવ્યુ દ્વારા મેં તેમને પૂછેલા પ્રશ્નો અને જવાબ પ્રસ્તુત છે. 

ડો. પ્રજ્ઞા પૈ MD(Ped) DCh , FIAP વય: 70 વર્ષ
અભ્યાસ વિશે
પ્રારંભિક અને ઉચ્ચ મેડીકલ અભ્યાસ નાયર હોસ્પીટલ અને ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજમાં કરી એમ.ડી (પેડીયાટ્રીક્સ) ડી.સી.એચ તરીકે ડીગ્રી હાંસલ કરી. તેજ સંસ્થામાં  સૌ પ્રથમ લેક્ચરર તરીકે અને પછી વિવિધ પદોન્નતિ દ્વારા પ્રોફેસર અને વિભાગ પ્રમુખ તરીકે 16 વર્ષ સેવા નિભાવી. ત્યારબાદ મુંબઈની સૌથી મોટી કે.ઈ.એમ. હોસ્પીટલ અને શેઠ જી.એસ. મેડીકલ કોલેજ ના ડીન તરીકે 10 થે વધુ વર્ષ સેવા બજાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. ઈ.સ. 1999થી સેવા નિવૃત થયા બાદ પણ અનેક રાસ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં સલાહકાર કે વિષય નિષ્ણાત તરીકે પ્રવૃત રહ્યા. તેમના અનેક રીસર્ચ પેપરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે.

લેખક તરીકે
જન્મભૂમિ પ્રવાસી - સંદેશ – મુંબઈ સમાચાર જેવા ખ્યાતિપ્રાપ્ત અખબારો માં પંદર વર્ષથી વધુ સમય થી સામાન્ય આરોગ્ય,માતા અને શિશુ સંભાળ, સમાજીક દૂષણો, જીવન જીવવાની કલા, મેનેજમેન્ટ વિ. વ્યાપક વિષયો પર સતત તેમની કોલમ પ્રકાશિત થાય છે. અનેક ગુજરાતી અને અંગ્રેજી મેગેઝીનમાં તેમના લેખ પ્રકાશિત થયા છે.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તેમના 24 થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે અને વિવિધ ક્ષેત્રીય ભાષામાં અનુવાદિત થયા છે.

ડોક્ટર થવાનું કારણ .... !
“ રૂપાળી અને ગોરી ત્વચા ધરાવતી મારી માતાએ 21 વર્ષની વયે મને જન્મ આપ્યો બે દિવસ પછી પ્રસૂતાને ‘ બોલાવવા’ આવેલા મારા દૂરના મારા મામીએ મને જોતા વેંત કહ્યુ “ નીલીબેન ની બેબી આટલી કાળી ...! અરરર....!. આને લેશે કોણ ...! “ આવી ટકોર હૈયા સોંસરવી ઉતરી જાય તે સહજ છે. મારી ત્વચાનો રંગ ઉઘાડવા – હળદર, લીંબુ,હાઈડ્રોજન પેરોક્સઈડ અને તે સમયે મલતા ‘ફ્લોરોઝોન’ નામક વ્હાઈટનીંગ ક્રીમ વિ. માતાએ અજમાવી જોયા...!  સાથે સાથે મારા મનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ ઠસાવવા તે કહેતા કે “ લગ્ન ન કર્યા હોય પણ ખૂબ ભણેલી સ્ત્રીઓ એકલી સ્વનિર્ભર રહી શકે છે. તું I.C.S. ( હાલનું I.A.S.) અથવ સમકક્ષ મેડીકલ અભ્યાસ કરજે. !! “  બસ પછી ભણવામાં મેં પાછી પાની નથી કરી અને નસીબમાં ડોક્ટર થવાનું લખ્યુ હશે તો આ પ્રોત્સાહક બળ વડે તે બની....! “

લખવાનો વિચાર કેમ આવ્યો ...!! ?
” બહુ નાની વયથી હું થોડુ લખતી. મારા સાક્ષર નાના (સ્વ.રામભાઈ બક્ષી) લખવાનું સતત ઉત્તેજન આપતા અને મારા લખાણો છપાતા પણ ખરા...! કે.ઈ.એમ. હોસ્પીટલના ડીન (અધિષ્ઠાતા) તરીકે જવાબદારી સ્વીકાર્યા પછી વ્યસ્તતા વધી જતા હું બાળદર્દીઓ – માતાઓ વાલીઓ વિ. ને ઓછો સમય ફાળવી શકતી... અને તેથી પરોક્ષ રીતે મારી સલાહ અને વિવિધ ઉપયોગી માહિતી તેમના સુધી પહોંચાડવાના વ્યાપક પ્રયાસ રૂપે મેં નિયમિત પ્રશ્નોત્તરી, લેખ અને પુસ્તકો માતે લેખન શરુ કર્યુ અને અખબારો તથા સામાયિકો માટે કોલમ લખવાનું બીડુ ઉપાડ્યુ. જે આજ પર્યંત ચાલુ છે. ..! “

પરિવારનો ફાળો
“ પરિવારનો સહકાર અને ઉત્તેજન સતત મળતા રહ્યા અને મારા પતિ અને સંતાનોએ કેટલીક વાર દૂર રહીને પણ મને ખલેલ વગર લખવાનો સમય આપ્યો. જીવનના દરેક પગથિયે વિકસવાની તક પણ આપી. “

કયુ કાર્ય વધુ તક મળે તો કરવા ઈચ્છો છો ....! ?
તક સતત મળતી જ રહી છે. જે પ્રવૃતિ બાળકો માટે –માતા પિતા માટે - વડીલોમાટે અને સમાજ માટે ઉપયોગી હોય તે કરવી મને ગમે છે. આ પ્રવૃતિ કરવાની વધુ ક્ષમતા મળે તો મને ગમશે...!”

આજના માતા પિતાને માટે સંદેશ...
” પ્રત્યેક બાળકને પોતાનું આગવુ –અજોડ અસ્તિત્વ,બંધારણ અને વ્યક્તિત્વ હોય છે. તેને ચાવી દીધેલા રમકડાની જેમ કે કઠપૂતલીની જેમ આપણી મરજી કે ઘેલછા કે અપેક્ષા મુજબ ન નચાવી શકાય ..! પુસ્તકો, લેખ, નેટ પરથી મળેલી માહિતી ઉપયોગી છે પરંતુ બાળ ઉછેર માટે અંતઃસ્ફૂરણા,સહનશીલતા અને પ્રેમ એ વૈજ્ઞાનિક માહિતીથી પણ વધુ મહત્વના છે. અનુભવી વ્યક્તિના સૂચનો પણ લાભદાયી નીવડી શકે.
  ભવિષ્યની ચિંતાનો બોજ લઈ ચિંતિત રહેવાને બદલે બાળકો બાળપણ માણે – માતાઓ માતૃત્વ માણે અને સતત બીજાની સાથે સરખામણી કરવાનું ટાળે તેમાં જ ડહાપણ ...!!! “




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Wednesday, March 2, 2011

બ્લોગ જગતના દાદાની “દાદાગીરી “ …!


આંગણવાડી ના કાર્યકરોને પ્રણવ મુખરજીએ આ બજેટમાં ખરેખર રાજી કર્યા એ પણ માત્ર એમના હકનું આપીને...! ઘણા મિત્રોને કદાચ એ ખબર નહિ હોય કે આંગણવાડી ભલા કઈ બલા છે ? તો તેમની જાણકારી માટે કહેવાનું કે - આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટીક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે વિટામિન સી અને આર્યન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે.!! બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ  બાલભોગ્  નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે.
આવા આંગણવાડી કાર્યકરોને તેમની સુંદર કાર્યવાહી માટે જો પ્રોત્સાહિત કરવામાં આવે તો જ તેમનું ભગીરથ કામ તેમના નિમ્ન વેતન ( 1000 રુ – 2009 માં 1500 રુ -2010 માં હવે 2011/12 માં 3000 રુ ) માં પણ કરવા ઉત્સાહ રહે.
આ વર્કર બહેનો વિશે મેં એક આર્ટીકલ - નાનુ નામ મોટા કામ ...!  તા. 17-7-2009 ના રોજ મારા બ્લોગ પર લખેલ (http://matrutvanikediae.blogspot.com/2009/07/blog-post_17.html) આ લેખને બ્લોગના અનેક વાચકમિત્રોએ પસંદ કર્યો અને પોતાની લાગણી કોમેન્ટ લખી વ્યક્ત કરી. અમેરીકા નિવાસી અને બ્લોગ જગતના દાદા એવા શ્રી સુરેશ ભાઈ જાનીને એટલો હર્ષ થયો કે તેમણે લેખના નાયિકા બહેનને માટે અને આંગણવાડી માટે એક રકમ પુરસ્કાર રુપે આપવા મને વિનંતી કરી અને ખાસ આગ્રહ કર્યો કે આ કાર્યમાં તેમનુ નામ ક્યાંય જાહેર ન કરવુ..!  મારી મૂંઝવણ વધી પડી કારણકે વર્ણવેલ પ્રસંગ સમાન ઘટના લગભગ ઘણા ખરા આંગણવાડી વર્કરના કાર્યમાં બનતી જ હોય છે. માત્ર જામનગરમાં જ 1500 આંગણવાડી કાર્યરત છે. એમાંથી માત્ર એકને સન્માનિત કરીએ તો એ યોગ્ય નથી. અમે આંગણવાડીના કાર્યક્ષમ ઉપરી ઓફીસરોને મળ્યા સદભાગ્યે પારુલબેન અને ઈલાબા જેવા ફરજ પરસ્ત ઓફિસરો એ આ માટે વિચાર્યુ અને ગત વર્ષની વિવિધ આંગણવાડી સેવાકીય પ્રવૃતિ અને કાર્યવાહીના આધારે એક આંતરીક મૂલ્યાંકન કર્યુ . અંદાજે 30 દિવસને અંતે અમે કુલ છ આંગણવાડીને પસંદ કરી અને તેમને ફરી એકવાર આઈ.એમ.એન.સી.આઈ  પ્રોગ્રામ કે જેને આધારે નવજાત શિશુ અને બાળકોની માંદગી માં સારવાર અપાય છે તે માટેના જ્ઞાનની ચકાસણી કરાઈ.!! તમામ છ આંગણવાડી વર્કરો કસોટીમાં ખરા ઉતર્યા.! અમો એ સુરેશ ભાઈ ને જાણ કરી અને એમણે આ તમામ આંગણ વાડી વર્કરોને માટે ચેક મોકલી આપ્યા. આંગણ વાડીના ઈતિહાસમાં કદાચ પ્રથમ વાર એક પર વતનથી દૂરના માનવી એ વતનના આ આરોગ્ય રક્ષકોને સન્માન્યા છે. ખૂબ જ નાના મહેનતાણામાં પણ ફરજ પર દિલથી તત્પરતા દર્શાવતા આ બહેનો ને હર્ષ થાય તેવુ આ સન્માન એમણે પહેલીવાર થયુ . (બ્લોગ આર્ટીકલ- બ્લોગથી થયું એક શુભકામ...) 2009ના અંતે આ કાર્યક્રમ પ્રથમ વાર થયો અને સુરેશભાઈ ની ખાસ સૂચનાથી આ આર્ટીકલમાં મેં તેમની આ સખાવત ગુપ્ત રાખી. પણ તેમણે આ કાર્ય પ્રતિવર્ષ કરવા તત્પરતા દેખાડી.
હવે વર્ષ આવ્યુ 2010નું અંતે અમો એ ફરી છ આંગણ વાડી વર્કર ને પસંદ કરી ને સુરેશ ભાઈ ને જાણ કરી અને અમારો આનંદ બમણો થયો કે તેઓ આ વખતે ભારતમાં જ હતા. અમારા ખાસ આગ્રહને માન આપી તેઓ જામનગર પધાર્યા. તેમની હાજરીમાં છ આંગણ વાડી વર્કરો ને પ્રોત્સાહિત કરાયા. જિલ્લા પંચાયત સભાગૃહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસોયા સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં આ કાર્યક્રમ દબદબા ભેર સંપન્ન થયો. આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા શ્રી સુરેશ ભાઈનું શાલ ઓઢાડી સન્માન કરાયુ. સમારોહ માં સુરેશભાઈ એ ખૂબ ભાવવિભોર થઈ વાત કરીકે એમની જીંદગીમાં જ્યારે એમના પૌત્રોની સાથે સમય ગાળ્યો અને અને તેમના ઉછેરમાં માનો રોલ જોયો ત્યારે તેમને આખી જિંદગીભર આજીવિકા રળવાનું કામ વધુ સહેલુ લાગ્યુ. કદાચ એટલે જ માતા સમાન કાર્ય કરતી આ આંગણ વાડી વર્કરો ને બિરદાવવાનું એમને વધુ ગમ્યુ. અને આજીવન પ્રતિવર્ષ આ કાર્ય કરવાનું બીડુ ઉઠાવી લીધુ છે.
આ લેખમાં પણ પોતાનું નામ લખવાની શ્રી સુરેશ ભાઈએ મનાઈ કરી છે છતા પણ મને લાગે છે વધુ વખત એ ઢાંકી રાખવુ શક્ય નથી. અને કદાચ બ્લોગ જગતના અસંખ્ય વાચકોને આ સત્કાર્ય ની જાણ થવી મને જરુરી લાગે છે. વળી છેવાડાના આ અંગણ વાડીને યોગ્ય રીતે જો કાર્યરત રાખી શકીશુ તોજ ગુજરાત ની આવતીકાલ વાઈબ્રન્ટ બનશે. આ વર્ષે અમો કુપોષિત બાળકો માટે ખાસ કાર્ય કરવા ઈચ્છીએ છીએ અને આ માટે આપ સૌની ભાગીદારી જરુરી છે.    


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ
 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Sunday, October 11, 2009

આરાધનાધામ (હાલાર તીર્થ)

હાલારતીર્થ તરીકે ઓળખાતુ આરાધના ધામ એ જૈન સંપ્રદાયનુ એક મોટુ તીર્થધામ છે. સૌરાષ્ટ્રના યાત્રાધામોની યાદીમાં તે એક મોખરાનુ સ્થાન ધરાવે છે. આરાધના ધામ જામનગરથી 46 કિમી. દૂર આવેલ છે. જામનગરથી બસ કે પ્રાઈવેટ વાહન દ્વારા જઈ શકાય છે. જામનગર ખાતે એરપોર્ટ અને રેલ્વે વ્યવસ્થા હોઈ દેશ-વિદેશના અનેક યાત્રિકો આ તીર્થધામનો લાભ લે છે.
આ તીર્થધામ એક વિરાટ સંકુલમાં આવેલુ છે. જેમાં એક સુંદરતમ મંદિર- મ્યુઝિયમ- આરાધના ભવન-આવાસ વ્યવસ્થા- ભોજનશાળા વિ. આવેલ છે. ભવ્યતમ કલાત્મક કોતરણી વાળા મંદિરમાં મૂળ નાયક શ્રી મહાવીરસ્વામી બિરાજે છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથસ્વામી ની મનમોહક પ્રતિમા પણ અહીં જ પ્રસ્થાપિત છે. આ વિશાળ મંદિરમાં એક સાથે ઘણા લોકો પૂજન અર્ચન કરી શકે તેની ખાસ વ્યવસ્થા છે.




મંદિર ની પાસે જ એક 60 ફૂટ ઉંચા માનસ્થંભજી આવેલા છે જેના પર નવકાર મંત્રનુ સુંદરતમ પ્રસ્થાપન કરાયુ છે. પાસેજ એક વિશાળ ફલકમાં મ્યુઝિયમ આવેલુ છે. મહદ અંશે આ મ્યુઝિયમ અક્ષરધામ-ગાંધીનગર ની યાદ અપાવે છે. મ્યુઝિયમમાં બેનમુન ચિત્રો અને પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી મૂર્તિમંત અનેક જૈન ધર્મના કથાનકો ઉપસાવાયા છે. દરેકની સાથેની વાર્તા નાના-મોટેરા સહુની માટે ઉપદેશ પૂરો પાડે છે. માત્ર ધાર્મિક જ નહી પણ વ્યસન મુક્તિ –સ્વસ્થજીવન માટેના વિવિધ નિયમો પર પણ અહીં વ્યાપક પ્રકાશ પાડેલ છે. સિક્કો નાખીને ચાલે તેવા વિરાટ ઈલેક્ટ્રોમીકેનીકલ સ્ટેચ્યુ પ્રદર્શની છે જે અદભૂત છે. આમાં સિક્કો નાખી ભગવાનની આરતી ઉતારતા પાંચ સર્પને જોઈ શકાય છે ગ્રામ્યજીવન ની ઝાંખી લઈ શકાય છે અને અન્ય અનેક કથાનકો અનુભવી શકાય છે. નાના ભૂલકાને લઈ જાઓ તો ચોક્કસ ઘણા સિક્કા લઈ જજો..! શાંતિથી પ્રદર્શની સંપૂર્ણ જોતા અંદાજે 2 કલાક થઈ શકે છે.
આ સંકુલમાં જ સુંદરતમ ભોજનશાળાની વ્યવસ્થા છે જ્યાં ખૂબ પ્રેમપૂર્વક જૈન ભોજન ઉપલબ્ધ છે.
આવાસ વ્યવસ્થાનુ આરામદાયક આયોજન પણ સંકુલમાં છે. રાત્રિ રોકાણ પણ કરી શકાય છે.
આરાધના ધામ આસપાસમાં દ્વારકા 100 કિમી. દૂર , રીલાયન્સ ટાઉનશીપ- મોલ 20 કિમી દૂર આવેલ છે. જે આપની ટૂરમાં ઉમેરી શકો છો.

Monday, September 21, 2009

ગાંઠીયા-પ્રેમી વિદેશી પંખીડુ...!!

તમે ક્યારેય કોઈ વિદેશીને ખૂબ રસથી ગાઠીયા ખાતા જોયા છે ?! શું એવા વિદેશીને જોયા છે કે જે ગાંઠીયા ખાવા પોતાના વતન પાછા ન જાય !? અને એ વિદેશી જો એક પક્ષી હોય કે જે પોતાના દેશમાં પાછુ મહદ અંશે માંસાહારી હોય તો ?! વેલ, વધુ સસ્પેન્શ ન રાખતા કહી દઉ તો એ પક્ષી છે સી-ગુલ તરીકે ઓળખાતા અમારા જામનગર ના મોંધેરા મહેમાન...!
સી-ગુલ એક પ્રવાસી વિદેશી પક્ષી છે જે ઠંડા પ્રદેશોમાં વસે છે અને ત્યાંનો કાતિલ શિયાળો બીજા ઓછા ઠંડા પ્રદેશમાં ગાળવા જઈ પહોંચે છે. ક્રિકેટ રસીકો માટે સરળ ક્લુ એ છે કે આ એજ પક્ષી છે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડના મેદાનો પર રમત દરમ્યાન જોવા મળે છે..! અત્યંત બુધ્ધિશાળી એવુ આ પક્ષી પોતાનો લાખો માઈલના પ્રવાસનો નક્શો ભૂલતુ નથી અને દર વર્ષે એ જ સ્થળે આવી પહોંચે છે!! સી-ગુલ વાતાવરણ અને મનુષ્યો સાથે ઝડપી અનૂકૂલન માટે જાણીતા છે અને તે જે દેશમાં જાય ત્યાં જલ્દીથી સેટ થઈ જાય છે!! આ પક્ષીના રોજીંદા મુખ્ય આહાર-મેનુ માં નાના કીટકો કે માછલી વિ. થી માંડી જલજ વનસ્પતિ છે. પરંતુ છેલ્લા લગભગ 6 કે 7 વર્ષથી જામનગર ખાતે આ પક્ષી ગાંઠીયા ખાતુ જોવા મળે છે. અને તે પણ ખૂબ રસપૂર્વક !!




આ પક્ષીને ગાઠીયા એટલી હદ સુધી વ્હાલા થઈ ગયા છે કે તેના સિવાય અન્ય વસ્તુ જે તે શરુઆતમાં ખાતા દા.ત. બિસ્કીટ કે પાંઉ ના ટૂકડા વિ. તે હવે સૂંઘતા પણ નથી !! જોકે આ આહાર પરિવર્તન સારુ કે ખરાબ તે પક્ષી વિશેષજ્ઞોમાં પણ શોધનો વિષય છે અને તેના વિશે મત-મતાંતરો જોવા મળે છે. 2006ની સાલમાં જ્યારે અચાનક અનેક સી-ગુલનુ મૃત્યુ થયુ ત્યારે તેમના મૃત્યુનુ એક કારણ આ ગાઠીયાને ગણવામાં આવ્યુ હતુ! અને સી-ગુલ ને ગાઠીયા ન ખવડાવવા ખાસ અનુરોધ કરતી આ વિડીયો મેં બનાવી અને લોકલ કેબલ ટી.વી. પર મૂકી હતી. પરંતુ છેલ્લ ત્રણ વર્ષથી ન તો જનતાએ આ અનુરોધ પાળ્યો છે કે ન સી-ગુલે !! એ પછી ક્યારેય કોઈ દુર્ઘટના નોંધાયી નથી કદાચ સી-ગુલે અનૂકૂલન સાધી લીધુ છે... જામનગર કે સૌરાષ્ટ્રના લોકોની જેમ તેને પણ ગાઠીયા સાથે સવારની શરુઆત કરવી કદાચ ગમે છે ??!!

તા.ક. પ્રસ્તુત વિડીયો 2006-2007માં બનાવેલી મારી પહેલી એમેચ્યોર વિડીયો છે. ક્વોલિટી દરગુજર કરશો.

Tuesday, July 28, 2009

HAPPY BIRTHDAY - JAMNAGAR !!!


હા મિત્રો ! મારા શહેર જામનગરનો આજે સ્થાપનાનો 469મો હેપ્પી બર્થ ડે છે. કચ્છથી આવેલા જામરાવળ અમારા શહેરના આદ્યસ્થાપક છે જેમણે આ શહેરની સ્થાપના કરી. શહેરની સ્થાપના વખતે ની લોકવાયકા મુજબ કૂતરા અને સસલા વાળી વાત જે અમદાવાદ શહેરની સ્થાપનામાં સંભળાય છે તેવી જ વાત અમારા શહેરની સ્થાપનાના ઈતિહાસમાં છે. શહેરની સ્થાપના દરબારગઢમાં ખાંભી સ્થાપી કરવામાં આવી કહેવાય છે કે તે સ્થળે રાજ્ જ્યોતિષી એ સુચિત જગ્યા અને સમય પ્રમાણે ન થતા જામનગર પર વારંવાર સંકટ આવે છે અને આ શહેર ક્યારેય મહાન શહેર કે આર્થિક રાજધાની જેવો વિકાસ ન સાધી શક્યુ.
જામનગર શહેર પર કુલ 21 જામ સાહેબ (જામનગરના રાજવી)રાજ કરી ચૂક્યા છે. શહેરના ખ્યાતનામ રાજવી જામ રણજિતસિંહજી ની આગવી સૂઝથી જામનગરની નવીનતમ શહેરી બાંધણીનું માળખાકીય સર્જન થયુ. જોકે રણજિતસિંહજી ને લોકો તેમના ક્રિકેટ થી વધુ ઓળખે છે. હાલ જામનગર ના જામસાહેબ તરીકે રાજવી પરિવારના શ્રી શત્રુશલ્યજી શોભાયમાન છે.તેઓ પણ ક્રિકેટના ખૂબ શોખીન છે.!

શહેરના જોવાલાયક સ્થળોમા શહેરની મધ્યે આવેલુ લાખોટા તળાવ એક સુંદરતમ ઐતિહાસિક સ્મારક અને એક ઉત્તમ સહેલગાહનુ સ્થળ છે. અહીં શિયાળાના સમયે આવતા પરદેશી- પ્રવાસી એવા સી-ગલ પક્ષીઓ ને જોવા એ એક લ્હાવો છે. તળાવમાં બોટીંગ વિ.પ્રવૃતિ પણ થાય છે. તળાવના કાંઠે અનેક બાળકો માટે બગીચા,માછલીઘર,નેચર પાર્ક વિ. છે. અહીં આવેલુ બાલા હનુમાન મંદિર કે જ્યાં 44 વર્ષથી સતત વણથંભી રામધૂન થાય છે જે એક ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે.!
છોટી કાશી તરીકે ઓળખતા જામનગરમાં સર્વધર્મ સમભાવ જોવા મળે છે. અહીં સુંદરતમ શિવાલયો છે. 400થી વધુ વર્ષ જૂના એવા જૈન મંદિરો છે જેનું સુંદરતમ નકશીકામ અદભૂત છે. મુસ્લીમ ધર્મસ્થાનો પણ શહેરની શોભા વધારે છે.
શહેરનો અર્થ વ્યવહાર મુખ્યત્વે ખેતી અને બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર આધારીત છે. રીલાયન્સ ઉદ્યોગની એશિયાની સૌથી મોટી રિફાયનરી શહેરથી 26 કિમી. દૂર આવેલી છે અને તેની જ થોડે દૂર અન્ય પેટ્રો ક્ષેત્રની મોટી એસ્સાર કંપનીનુ આવુ જ સંકુલ આવેલ છે.
શહેરની સુતરાઉ કાપડ અને સિલ્ક પર અદભૂત ભાત પાડતી પ્રિન્ટ પધ્ધતિ કે જે બાંધણી ના નામે ઓળખાય છે તે મશહુર છે.
શહેરની અન્ય પ્રચલિત વસ્તુઓ કંકુ- કાજળ અને સૂરમો છે. અહીંની નકશીકામ વાળી સૂડી પણ વખણાય છે.જામનગરની કચોરી ની દેશ-વિદેશમાં ખૂબ માગછે.
તો બોલો આવશોને મારા ગામ્..!
photo graph courtesy-flickr.com

Tuesday, June 16, 2009

વાત એક ‘ સંજીવની ’ ની ...!


વાત છે ઈ.સ. 1999 ની, બાળરોગવિભાગમાં ત્યારે હું રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો 6 માસના એક શિશુને ખેંચ આવવાથી ગંભીર હાલતમાં દાખલ કરાયેલ. પ્ર્રારંભિક સારવાર અને દવાઓ થી તેને થોડી રાહત થઈ પરંતુ મગજ ના અંદર ના ભાગે ક્યાંક લોહી વહેવા થી આવું બન્યુ હોય તેવી સંભાવના પ્રબળ હતી. મગજમાં લોહીના જમા થવાથી મગજ પર ભારે દબાણ ની સ્થિતી સર્જાઈ હતી જે આ શિશુના શ્વાસોચ્છવાસ અને હ્રદયના ધબકારાને પણ અનિયંત્રીત કરી રહી હતી. લાંબો સમય આ પરિસ્થિતી રહે તો જીવનું જોખમ સો ટકા હતું. શિશુનુ આ પરિસ્થિતીમાં નિદાન માટે સી.ટી.સ્કેન (મગજનો અંદરનો એક્સ રે) કરી જોવું ખૂબ જરુરી હતુ. મગજના નિષ્ણાત સર્જનો અમુક ખાસ પ્રકાર ની સર્જરી – ઓપરેશન કરી મગજ પર દબાણ લાવતુ આ બિનજરુરી લોહી દૂર કરે તો શિશુનો જીવ બચાવી શકાય તેમ હતુ.

કમનસીબે હોસ્પીટલનું સી.ટી.સ્કેન મશીન કોઈ યાંત્રિક ખામીને લીધે બંધ હતુ જે રીપેર થતા કદાચ કલાકો નીકળી જાય પણ અહીં તો જીવન મરણનો જંગ મિનિટો માં ખેલાઈ રહ્યો હતો.! શહેરના એક અન્ય સીટી સ્કેન સેંટર માં જો આ દર્દીને જલ્દીથી લઈ જવાય તો એ તપાસ શક્ય હતી પણ ખર્ચ હતો 1500 રૂ. ! અમારી હોસ્પીટલ માં ગરીબ દર્દીઓને સરકાર આ સેવા મફત પૂરી પાડતી હતી પણ પ્રાઈવેટ સેંટર માં તો દર્દીએ ખૂદ આ ખર્ચ કરવો રહ્યો. શિશુના માતા-પિતા ગામડેથી આવેલા ખેતમજૂર હતા જેમને કદાચ જો હોસ્પીટલમાં દર્દી માટે અપાતુ જમવાનું ન મળે તો બિચારા પાણી પીને ચલાવી લે તે હદે ગરીબ હતા.!


પહેલીવાર દર્દીની સારવારમાં દવા અને દુઆ સાથે પૈસા પણ જરુરી છે તે સમજાઈ રહ્યુ હતુ.!! આવા સમયે શું કરશું એ વોર્ડમાં હાજર ડોકટરો – નર્સો સહુ કોઈના ચહેરા પર ચિંતા લઈ આવ્યુ . અચાનક સહુને થોડા દિવસ પહેલા આવેલા કેટલાક મિત્રો યાદ આવ્યા જેમણે કોઈ દાનની જરુર હોય તો ફોન કરવા કહેલુ. ડૂબતો માણસ તણખલુ પણ પકડી લે તેમ અમે સૌએ તેમને ફોન જોડયો અને સમયની ગંભીરતાને જાણી બે મિત્રો તાત્કાલિક આવી પહોંચ્યા. મને એમ કે કોઈ શેઠીયા કે શ્રીમંત નબીરા હશે - થોડુ કાળુ નાણુ સારા કામમાં સફેદ કરશે! પણ સરપ્રાઈઝ ! આવેલા મિત્રોતો ખૂબ સાદા અને મધ્યમ વર્ગના નોકરીયાત માણસો હતા.

આગલી પંદર મિનિટમાં સી.ટી.સ્કેનની અમારી જરુરીયાત પૂર્ણ થઈ – સર્જનો એ તેમનુ ભગીરથ ઓપરેશન કર્યુ . એ ગરીબ માતા- પિતાને તેમનુ શિશુ સ્વર્ગના દ્વારેથી લગભગ ભગવાન ના હાજરાહજૂર દર્શન કરી પાછુ મળ્યુ.!! બીજે દિવસે ફરી પેલા મિત્રો આ શિશુને જોવા અને માતા-પિતાને અન્ય મદદ પહોંચાડવા આવ્યા ત્યારે મેં આ ગેબી મદદગારો વિશે પૂછપરછ આદરી અને મળેલી માહિતી ખરેખર અદભૂત હતી. આપને જણાવું તો- ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક શાખા જે જામનગર માં કાર્યરત છે તેના કર્મચારી મિત્રો (વર્ગ 1 થી 4 સુધીના તમામ) દર માસે પોતાના માસિક પગાર માંથી નાની રકમ એક દાન સ્વરુપે જમા કરે છે. આ એકત્રીત ભંડોળ ‘ સંજીવની ટ્રસ્ટ’ નામ હેઠળ ગરીબ દર્દીઓ માટે વાપરવામાં આવે છે. આ ભંડોળમાં ઉમેરાય છે અનેક નામી – અનામી મિત્રોનો પણ ફાળો.. આ ટ્રસ્ટના રખેવાળ તરીકે મિત્રો – મહેન્દ્રસિંહ જાડેજા, યોગેશભાઈ વઢવાણીયા, સુનીલભાઈ ત્રિવેદી, કુમાર રાવલ અને જાગેશ ત્રિવેદી નિસ્વાર્થ સેવા આપે છે. ઘણી વખત રાત્રે પણ મદદ અર્થે દોડી આવે છે.! જોકે આવુ દાન કાર્ય કદાચ ઘણી સંસ્થા કરે પણ જે વાત ‘સંજીવની ‘ ને અન્યથી અલગ બનાવે છે એ છે તેમની નિસ્વાર્થતા અને કોઈપણ અપેક્ષા વગરનુ દાન કાર્ય!. છેલ્લા 10 થી વધુ વર્ષોથી ગરીબ દર્દીને જરુરી દવા કે અન્ય તપાસ કે જે હોસ્પીટલમાં શક્ય ન હોય તે શહેર માં કે બહારગામ કોઈપણ સ્થળે સંજીવની સંસ્થાના મિત્રોની સહાયથી થાય છે તે વાતનો હું સાક્ષી છુ. પરંતુ આ લાખો રુપિયા ના દાન માટે આ સંસ્થાએ કોઈ પત્રિકા વહેંચી હોય કે અખબારો માં ફોટો કે નાની એવી પણ પ્રેસનોટ આપી હોય તે વાત મારા ધ્યાનમાં નથી!! નવાઈ લાગશે કે આ સંસ્થાએ પોતાનુ લેટરપેડ છપાવવાની પણ જરુરત નથી સમજી...! સંજીવની સંસ્થાએ અદભૂત રીતે ગુપ્તદાન નો મહિમા જાળવ્યો છે. કદાચ આ લેખ ન લખુ તો હજુ પણ નગરના શહેરીઓ કે આમ આદમી કે જેણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંસ્થાનો લાભ લીધેલો હશે તેમને આ સંસ્થાનુ નામ પણ નહી ખબર પડે.!!

સંસ્થાના મિત્રોની મનાઈ છતા, આ લેખન માત્ર મેં એ અનેક ગરીબદર્દીઓના આશીર્વાદ આ સંસ્થા સુધી પહોંચાડવા અને સમાજવતી નિસ્વાર્થભાવે કાર્યરત આ સંસ્થાનો આભાર માનવા કરેલ છે અને જો એટલુ પણ ન કરી શકીએ તો ખરેખર જામનગરને લાંછન લાગે....