સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Monday, May 10, 2010

દાંતની સંભાળ - બ્રશ કેમ કરશો....




દાંત એ મનુષ્યને કુદરતે આપેલી બત્રીસ દિકરાની ભેટ કે વરદાન છે. આમ દાંત એ દીકરા છે તે કોઈ મજૂર નથી અને દીકરાનું જતન યોગ્ય રીતે થાય તે જરુરી છે . આમ દાંતની માવજત યોગ્ય રીતે અને દરરોજ થવી જરુરી છે કારણકે શરીરની તંદુરસ્તીની શરુઆત દાંતની તંદુરસ્તીથી થાય છે.


દાંતની જાળવણી માં સૌથી વધુ મહત્વ સફાઈ છે. આ માટે જરુરી છે સાચી વૈજ્ઞાનિક રીતે બ્રશ કરવુ. મોટા ભાગના લોકો જાણે જંગે જવાનું હોય તેમ દુશ્મનોનો કચ્ચરઘાણ વાળતા હોય તેવી રીતે ફટા ફટ બ્રશ કરે છે. આવો જાણીએ દાંતને બ્રશ કરવાની આદર્શ પધ્ધતિ (brushing technique)

બ્રશ કરવાની આદર્શ પધ્ધતિ

1.       દાંતની ઓછામાં ઓછી બે વાર સફાઈ જરુરી છે. સવાર કરતા પણ રાત્રે દાંત બ્રશ કરવા અત્યંત જરુરી છે. રાત્રિ ના અન્નકણો દાંતમાં જો ભરાઈ રહે તો આખી રાત ના સમય દરમ્યાન બેક્ટેરીયાને મોક્ળુ મેદાન મળે અને આ અન્નકણૉ માંથી પેદા થયેલા એસિડથી દાંતની અંદર સડો પેદા થાય અને જો પહેલાથી હોય તો વધુ વકરે છે.
2.      
    દાંતની સફાઈ માટે સૌથી મહત્વનુ બ્રશની પસંદગી છે. બ્રશ નરમ વાળ વાળુ હોવુ જોઈએ અને આ વાળ સીધા હોવા જોઈએ વળેલા નહી. ઘણી વાર બ્રશ વધુ વપરાય તો વાળ કડક અને વાંકા વળી જતા હોય છે આથી દર ત્રણ માસ પર બ્રશ બદલવુ જરુરી છે. કડક વાળ દાંત અને પેઢાને નુક્શાન પહોંચાડે છે જ્યારે વળી ગયેલા વાળ વાળુ બ્રશ યોગ્ય સફાઈ નથી કરી શક્તુ.

3.       બ્રશ કરતી વખતે મોં હંમેશા ખુલ્લુ રાખો. ઉપરના જડબાના અને નીચેના જડબાના દાંત અલગ અલગ સાફ 
    કરવા. દાંત ભેગા કરીને એકસાથે બ્રશ ફેરવી દેવુ તેમ નહિ...



4.       બ્રશને દાંતની ઉપર 45 ડીગ્રી ના ખૂણે ગોઠવો અને પછી ઉપરના દંત માટે ઉપરથી નીચે તરફ અને નીચેના દાંત માટે નીચે થી ઉપર તરફ બ્રશ ફેરવો. બ્રશને નાજુકાઈ થી હળવે હાથે ફેરવવુ. દાંત એ કોઈ મેલુ કપડુ નથી કે તેને ઘસી ઘસીને ઉજળુ કરવાનુ હોય આથી વધુ પડતુ જોર લગાવી ઘસવુ જરુરી નથી. યાદ રાખો કે બ્રશ દ્વારા માત્ર ફસાયેલા અન્નકણૉ જ દૂર કરવાના છે. જો આપના દાંતનો કુદરતી કલર જ પીળો હશે તો ઘસવાથી સફેદ નહિ થાય અને ઉલ્ટાનુ ઈનેમલ ઘસાઈ જવાથી દાંતને નુકશાન થશે.

5.       દાંતને બ્રશ કરવા માટે ત્રણ મિનિટ જેટલો સમય પર્યાપ્ત છે. આથી વધુ સમય જરુરી નથી.

6.       બ્રશ કરતી વખતે દાંતની અંદર અને બાહરની સપાટી અને બે દાંત વચ્ચેની જગ્યા અને ખૂણા ખાંચા સાફ કરવા એટલાજ મહત્વના છે. દાંત પંકતિ પર નીચેથી ઉપર અને ઉપરથી નીચેની દિશામાં ચાલવુ જોઈએ. જમણેથી ડાબે કે ડાબેથી જમણે નહિ.

7.       બે દાંત વચ્ચેની જગ્યા સાફ રાખવા માટે ટૂથપીક કે સોય વિ. નો ઉપયોગ કદાપિ કરશો નહિ. જો સાદા બ્રશથી આ શક્ય ન હોય તો તે માટે ડેંટલ ફ્લોશ કે ઈંટરડેંટલ બ્રશ વાપરવુ.

8.       જમ્યા પછી કે  ગળ્યુ ખાધા બાદ કોગળા કરવા જરુરી છે.

9.       નાના બાળકોમાં પ્રથમ વર્ષ બાદ દાંત ની સફાઈ ખૂબ મહત્વની બની જાય છે કારણ કે લગભગ ચાર કે છ દાંત આવી ચૂક્યા હોય છે. શરુઆતી દિવસો માં આ માટે માતા માત્ર આંગળી થી મસાજ કરી આપે કે ભીના રુમાલ વડે સાફ  કરે. અને ત્યાર બાદ બેબી બ્રશ થી દાંતની સફાઈ કરવાનું ચાલુ કરી શકાય. બાળકને આ માટે માનસિક રીતે તૈયાર કરવા માટે પ્રથમ ઢિંગલી પર બ્રશ કરવાનું કહિ શકાય કે માતાના દાંત સાફ કરવાની રમત રમાડી શકાય ત્યાર બાદ એ રમતમાં બાળકના દાંત ની સફાઈનો વારો આવે તેવુ કંઈ કરી શકાય. થોડા મોટા બાળકોને ટીથ કાઉંટીંગ દ્વારા સમજાવી બ્રશ કરાવી શકાય છે.

કેટલાક સામાન્ય પ્રશ્નો

1.       કઈ ટૂથ પેસ્ટ દાંત માટે સૌથી સારી...??

જવાબ – દાંતને વયવ્સ્થિત સાફ કરવા બ્રશ ની ગુણવતા અને બ્રશ કરવાની પધ્ધતિ વધુ અગત્યની છે નહિકે ટૂથ પેસ્ટ..! બ્રશ સરળતાથી થાય તેમાટે ટૂથ પેસ્ટ ઉપયોગી છે પરંતુ તે કઈ બ્રાન્ડની છે તે મહત્વનુ નથી. ટૂથ પેસ્ટમાં રહેલ એંટીસેપ્ટીક માઉથ વોશ દ્વારા થોડા સમય માટે મોંમાં તાજગી વરતાય છે પરંતુ ફલાણી ટૂથ પેસ્ટ વાપરવાથી તમારા દાંત 24 કલાક સુરક્ષિત રહેશે ભલે પછી તમે ચોકલેટ ખાઓ- કેન્ડી ખાઓ કે ચીકણી મિઠાઈ ખાઓ તો એ હળાહળ જૂઠો પ્રચાર માત્ર છે અને વૈજ્ઞાનિક સત્ય નથી. દાંતને સુરક્ષિત રાખવા જમ્યા પછી બ્રશ કરવુ જરુરી છે અને જો બ્રશ કર્યા પછી ચોકલેટ- કેન્ડી કે ચીકણી મિઠાઈ ખાશો તો દાંતની સુરક્ષાની કોઈ જ ગેરંટી નથી.

2.       શું ફ્લોરાઈડ ટૂથપેસ્ટ વાપરવી વધુ બહેતર છે??

જવાબ – ફ્લોરાઈડ દાંતના ઈનેમલ ને મજબૂત કરતુ એક રાસાયણિક તત્વ છે. બાળકોને (ખાસ કરીને 6 વર્ષથી નાની ઉંમરમાં) ફ્લોરાઈડ નિયત પ્રમાણમાં આપવાથી દાંતોના ઈનેમલ ને રક્ષણ મળે છે. ફ્લોરાઈડ પાણી અને ટૂથ પેસ્ટ દ્વારા આપી શકાય છે. પરંતુ જો નિયત પ્રમાણથી વધુ પ્રમાણમાં ફ્લોરાઈડ શરીરમાં દાખલ થાય તો ફ્લોરોસીસ નામક રોગ થઈ શકે. ભારતના ઘણા ભાગોમાં પીવાના પાણીમાંજ ફ્લોરાઈડ વધુ જોવા મળે છે આથી ટૂથ પેસ્ટ માં ફ્લોરાઈડ આપવુ જરુરી નથી. પરંતુ જો આપના વિસ્તારમાં પાણી માં ફ્લોરાઈડ નું પ્રમાણ ઓછુ હોય અને જો દાંતમાં સડો થવાની વધુ સંભાવના ડોક્ટરને જણાય તો ફ્લોરાઈડ ટૂથપેસ્ટ એક ઉપયોગી વિકલ્પ છે. 
   
3.       દાંતણ સારુ કે બ્રશ ??

જવાબ- દાંતણ શહેરી લાઈફ માં હવે કદાચ આઉટડેટેડ વસ્તુ છે અને વિદેશોમાં રહેતા બાળકોને એ જોવા ભારત આવવુ પડશે. તેના ફાયદા અને ઉણપ નીચે મુજબ છે.

ફાયદા -
1. દાંતણ ચાવવાથી દા6તને પકડી રાખતી પેશીઓને કસરત મળે છે જે બ્રશ થી મળતી નથી.
2. દાંતણ સામાન્ય રીતે લીમડા- કરંજ કે દેશી બાવળ ના હોય છે આ વનસ્પતિનો ઔષધીય ગુણ છે કે તેને ચાવવાથી તેમાંનું ક્લોરોફીલ છૂટૂ પડે છે જેમાં જીવાણુ વિરોધી ગુણધર્મ છે આથી મોં માં સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ઘટે છે.

ઉણપ -

1. દાતણ બે દાંતની વચ્ચેની જગ્યામાં સફાઈ નથી કરી શક્તુ જે બ્રશ વડે શક્ય છે.
2. નાના બાળકો દાતણ નો પ્રયોગ કરી શક્તા નથી.  
2. શહેરોમાં દાતણ સહેલાઈથી પ્રાપ્ય નથી.

મૂળ લેખન - ડો. ભરત કટારમલ

પૂરક માહિતી અને નાવીન્ય સભર રજૂઆત- ડો.મૌલિક શાહ

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)





Sunday, May 9, 2010

માતૃત્વની કેડીએ - એક વર્ષ પૂર્ણ કરે છે... હેપ્પી મધર્સ ડે....


મિત્રો

યોગાનુ યોગ છે કે મધર્સ ડે પર ચાલુ થયેલ સંગાથ આજે એક વર્ષ પૂર્ણ કરે છે. ગુજરાતી ભાષામાં માતૃત્વ અને નવજાત શિશુ લક્ષી સંપૂર્ણ વૈજ્ઞાનિક મેડીકલ જાણકારી આપતો  કદાચ આ સર્વ પ્રથમપ્રથમ બ્લોગ છે. આ એક વર્ષમાં ગુજરાતી બ્લોગ જગત વિશે ઘણુ નિકટ દર્શન થયુ. બ્લોગ અને બ્લોગરો વિશે થોડો માહિતગાર થયો. જો એક વર્ષનું સરવૈયુ નિષ્પક્ષ રીતે કરુ તો

1. બ્લોગીંગ ઘણુ અઘરુ અને ખાસ કરીને જયારે પોતાની જ રચના મૂકવાની હોય ત્યારે ખૂબ સમય માંગતુ છે.      

2.  વૈજ્ઞાનિક રીતે સાચુ લખવા માટે ખૂબ મહેનત પડે છે અને દરેક વાક્ય પાછળના પૂરાવા(રેફરન્સ) હોવા
     જરુરી છે. સનસનાટી નહિ પણ સત્ય લખવુ ખૂબ જરુરી છે.

3. અનુભવ ઘડે છે અને બ્લોગીંગ તથા રજૂઆત વધુ સારી કરવા માટે સતત બ્લોગીંગના ટેકનીકલ પાસા
    જાણવા પડે છે. ટેકનીકલ એક્સ્પર્ટ મિત્રો ઘણા ઉપયોગી સાબીત થાય છે.

4. વિવિધ બ્લોગર ગ્રુપો પોત પોતાની મનસૂફી પ્રમાણે ચાલે છે પણ આમાં મોડરેટર નો રોલ અતિ મહત્વનો
    છે.

5. બ્લોગ પર કોમેંટ મળવી કે ન મળવી એ લેખની ગુણવત્તા વત્તા બીજા અનેક પાસા જેમકે બ્લોગ વાચકો નો
    રસ - પસંદગી વિ. પર આધારીત છે. અહિં કદાચ લેખકે કર્મણ્યે વાધિકારસ્તે .... યાદ કરીને લખવુ પડે
    કારણકે વાચકને ફાયદો થાય કે ન થાય તમારુ આ વિષય પરનુ જ્ઞાન વધુ ઉત્કૃષ્ટ બને છે.

6. મને મળેલા આંકડાઓ -
    કુલ આવેલા વાચકો - 11186
    કુલ વંચાયેલા પેજ (ક્લિકસ)- 17266
   કદાચ આ અન્ય બ્લોગર મિત્રો કરતા ક્યાંય ઓછા છે. પણ મને મળેલ આપનો પ્રેમ અદભૂત રહેલ છે.

વિનંતી
1. કૃપા કરી  આ બ્લોગ વિશે આપના સૂચનો નીચેના ફોર્મ માં આપશો.



. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Wednesday, May 5, 2010

પ્રિમેચ્યોર શિશુઓની સંજીવની - કાંગારુ મધર કેર... વિડીયો પોસ્ટ

                                                                 મિત્રો

વિશ્વભરના નવજાત શિશુઓમાં ખાસ કરીને અધૂરા મહિને જન્મેલા કે ઓછા વજનના શિશુઓનું મૃત્યુનું મુખ્ય કારણ જન્મ પછી ગર્ભાશય જેવી હુંફ ન મળવાનું છે. આ માટે મશીનો તો ઉપલબ્ધ છે જ પણ એનાથી પણ વધુ અસરકારક અને સરળ પધ્ધતિ કે જેમાં માત્ર માનવીય સ્પર્શ અને માતૃત્વનો આનંદ સમાયેલો છે એ છે કાંગારુ માતૃ સુરક્ષા પધ્ધતિ. શ્રી નેથાલી ચર્પક આ પધ્ધતિના પ્રણેતા ગણાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પધ્ધતિ ના ઉપયોગ થી અનેક શિશુઓ હસતા રમતા ઘેર પહોંચી ગયા છે.


 અહિં એક દાદીમા એમના પોત્ર/ પોત્રી ને કાંગારુ માતૃ સુરક્ષા આપી રહ્યા છે .


આ સંદર્ભે પ્રસ્તુત છે મારુ જ એક પ્રેઝેંટેશન જે નીચે છે.

KMC GUJARATI


હવે માણૉ આ સંદર્ભે એક ઉપયોગી વિડીયો .... ગુજરાતીમાં





મિત્રો આ સાથે અમારા વોર્ડમાં દાખલ થયેલ એક પ્રિમેચ્યોર શિશુની માતાનો ઈંટરવ્યુ કે જે એકદમ અભણ અને ગામડાના હોવા છતા કેવી રીતે કાંગારુ મધર કેર કરે છે. આ માતા લગભગ એક માસ હોસ્પીટલ માં રહી અને તેના શિશુને ખૂબ સુંદર રીતે સંભાળ રાખી... અને શિશુનું વજન વધી ગયા બાદ ઘેર રજા થયે લઈ ગયા.



આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો








.

 - ડો.મૌલિક શાહ

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)